ગર્ભપાત - ૭
      પ્રતાપસિંહની ફેક્ટરી પર યોજાયેલ મહેફિલમાં જ્યારે ડો. ધવલ દવે અને પ્રતાપસિંહ મળે છે ત્યારે પ્રતાપસિંહ મમતાના બીજી વખતના ગર્ભ અંગે તેની સાથે ચર્ચા કરે છે અને એ અનુસંધાને ચેકઅપ માટે પોતે મમતાને લઈને દવાખાને આવશે એ વાતથી વાકેફ કરે છે. પ્રતાપસિંહ આ વખતે પણ જો ગર્ભમાં દીકરી હશે તો એનો ગર્ભમાં જ ડો. ધવલ દવે દ્વારા નાશ કરાવી પોતે બીજા લગ્ન કરી લેશે એ વાત મનમાં નક્કી કરે છે. ડો. ધવલ દવે પણ વધુ પૈસાની લાલચે જો ગર્ભમાં દીકરી હોય તો તેનો નાશ કરશે એ વાતથી પ્રતાપસિંહને આસ્વસ્થ કરે છે.
        સવારે હવેલી પર આવીને પ્રતાપસિંહે મમતાબાને જણાવ્યું કે ડો. ધવલ દવે હવે બહારગામથી આવી ગયા છે અને આપણે આવતીકાલે તેને મળવા માટે જવાનું છે. કાલે સવારે હું ફેક્ટરીએથી આવી અને તને લઈ જઈશ. હમણાં ફેક્ટરી પર માણસો ઓછા છે એથી મારે ફેક્ટરી પર જ રહેવું પડે એમ છે. 
     પ્રતાપસિંહે જે પ્રમાણે મમતાબા સાથે વાત કરી એનાથી એને ખૂબ જ આનંદ થયો કે પ્રતાપસિંહ હવે જવાબદારીઓ પ્રત્યે વધુ સભાન બન્યા છે અને મારા માટે તેમજ આવનાર બાળક માટે પણ તેઓ ચિંતિત છે. મૂળ હકીકતથી અજાણ મમતાબાને પ્રતાપસિંહ અત્યારે પરમેશ્વર જેવો લાગી રહ્યો હતો. 
    બપોરે જમીને પ્રતાપસિંહ ફેક્ટરી પર જવા નિકળી જાય છે. મમતાબા પણ બપોરનું ભોજન લીધા બાદ સાવિત્રી સાથે પોતાના ઓરડામાં બેઠી - બેઠી વાતો કરે છે. અચાનક મમતાબાને પોતાની બાળપણની ઢીંગલીનું સ્મરણ થતાં તે પોતાનો કબાટ ખોલે છે. કબાટની નીચેના ખાનામાં રાખેલી ઢીંગલીને તે બહાર કાઢે છે. 
   મમતાબાના હાથમાં ઢીંગલીને જોતાં જ સાવિત્રીના ચહેરા પર ડરની રેખાઓ ઉપસી આવે છે. સાવિત્રીને આમ ડરેલી જોઈને મમતાબાએ કહ્યું, " માનું છું કે તને હવે આનાથી ડર લાગે છે પણ ડરવાની જરૂર નથી. આ એ જ ઢીંગલી છે જેને તું એક સમયે ખૂબ સારી રીતે શણગારતી. મને હવે આ ઢીંગલીમાં મારી બેન કંચનનો અહેસાસ થાય છે. એ જ કંચન કે જે તને ખૂબ વહાલી હતી. હવે તારે આને ફરીથી પહેલાંની જેમ જ શણગારવાની છે. "
   " હું કંચનની અમૂલ્ય યાદી સમાન આ ઢીંગલીને જરૂર શણગારીશ પણ એમ કરતાં તો કંચન આપણને વધુ યાદ આવશે ને?? મારી વ્હાલી સખી મારાથી દૂર થઈ એ પછી માંડ એને હું ભૂલાવી શકી અને હવે ફરી એ જ યાદો મને નિરાંતે સુવા પણ નહીં દે. " એટલું બોલતાં તો સાવિત્રીની આંખો ભરાઈ આવી. 
   " મને પણ એ એટલી જ વહાલી હતી. મારા માટે એ મા - બાપુ સાથે પણ ઝઘડો કરી લેતી. હું ઈચ્છું છું કે એની યાદી રૂપે આ ઢીંગલી આપણી નજર સામે જ રહે. " ઢીંગલી પર હાથ ફેરવતાં મમતબાએ કહ્યું. 
    મમતાબાની વાત સાંભળીને સાવિત્રીએ ખુશ થઈને હકારમા માથું હલાવ્યું અને ઢીંગલીના ગાલ પર એક હળવું ચુંબન કર્યું જાણે પોતે કંચનના ગાલ પર ચુંબન કરતી હોય એવો અહેસાસ એને થઈ રહ્યો હતો. 
    સાવિત્રીએ એક નોકરને બજારમાં મોકલીને ઢીંગલીને અનુરૂપ કપડાં મંગાવ્યા. એના શણગાર માટે જરૂરી સામગ્રી પણ મંગાવી. સાવિત્રીએ ઢીંગલી પરના જૂના કપડાં દૂર કરીને એને લાલ રંગનું સુંદર મજાનું ફ્રોક પહેરાવ્યું. ઢીંગલીના વાળને ગુંથીને એમાં સુંદર વેણી ભરાવી. કાનમાં લાલ રંગની નાની બુટ્ટીઓ અને હાથમાં લાલ ચુડીઓ પહેરાવી. ઢીંગલીની આંખો પર કાજળ આંજીને જ્યારે એણે મમતાને બતાવી ત્યારે એ તો ઢીંગલીને જોતાં જ રહી ગયાં.
  " કંચનને પણ લાલ રંગનો શણગાર ખૂબ જ ગમતો. યાદ છે જ્યારે કંચનનું મૃત્યુ થયું ત્યારે ઢીંગલીને આવો જ શણગાર કરેલો હતો. કંચને પણ તે દિવસે લાલ ફ્રોક પહેર્યું હતું. " મમતાબાએ ભાવવિભોર થઈને કહ્યું. 
  " આ આપણી કંચન જ છે ને! હું તો એને ક્યારેય ભૂલી જ નથી અને એણે તો કહ્યું હતું ને કે હું તમારી સાથે જ છું તો હવે આ રૂપે એ આવી ગઈ. " ઢીંગલીને વહાલ કરતી હોય એમ સાવિત્રીએ કહ્યું. 
    ઢીંગલીને મમતાબાના ઓરડામાં એક તરફ રાખેલા નાના ટેબલ પર મૂકીને સાવિત્રી અને મમતાબા કામે વળગે છે. પ્રતાપસિંહ આજે ફેક્ટરી પર જ રોકાવાના હોવાથી સાવિત્રીને રાતે પોતાની સાથે જ સુવાનું મમતાએ કહી રાખ્યું હતું. સવારે દવાખાને વહેલું જવાનું હોવાથી રાત્રે વહેલા જમીને સુઈ જવાનું મમતાબાએ વિચાર્યું હતું. 
     રાત્રે પોતાના ભૂતકાળની થોડી - ઘણી વાતો કરીને મમતા અને સાવિત્રી સૂઈ જાય છે. અચાનક મધરાતે કર્કશ અવાજ સાથે હળવેથી ઓરડાનો દરવાજો ખૂલે છે. ટેબલ પર રાખેલી ઢીંગલીમાં વિચિત્ર સળવળાટ થયો અને એ સાથે જ એની આંખો ચમકવા લાગે છે. કોઈ નાનું બાળક ઊંઘમાંથી ઊભું થાય એમ એ ઢીંગલી ઊભી થઈ અને હળવે - હળવે છટાથી ચાલતી તે અધખૂલ્લા દરવાજામાંથી બહાર નીકળી ગઈ. એક ઉડતી નજર મમતા અને સાવિત્રી પર ફેંકીને એ ઢીંગલી થોડે આગળ ચાલીને હવામાં અદ્રશ્ય થઈ જાય છે અને એ સાથે જ ઓરડાનો દરવાજો પણ  ધીમેથી બંધ થઈ જાય છે. 
      આ તરફ જેસલમેરમાં ડો.ધવલ દવે સાંજના સમયે પોતાના દવાખાને હાજર હતો. આખો દિવસ દર્દીઓની ભીડને લીધે તે ખૂબ જ થાક્યો હતો. જેસલમેરમાં કોઈ પોતાનું હતું નહીં તે પોતે એકલો જ રહેતો હતો આથી થાકને લીધે ઘરે જવાને બદલે અહીં જ જમીને સુઈ જવાનું વિચારે છે. 
     " ગયા મહીનાની દવા અને દર્દીઓના બીલ તેમજ અન્ય મેડિકલમાંથી મંગાવેલા સામાનનો હિસાબ તો હજુ બાકી જ છે. એક - બે દિવસમાં બધી ફાઈલો તૈયાર કરવી પડશે તો આજે રાતે એ કામ પહેલાં પતાવી નાખું. " ડો. ધવલ મનોમન બબડતાં બોલ્યો.
   પોતાની ગેરહાજરીમાં એક કમ્પાઉન્ડર દવાખાને રોકાતો તેને બોલાવીને ડો. ધવલે કહ્યું. " મનસુખ હું આજે રાતે અહીં જ રોકાવાનો છું તો મારા માટે એક હાલ્ફ વ્હીસ્કી અને જમવાનું અહીં આપી જજે પછી તારે ઘરે જવું હોય તો તું જઈ શકે છે. "
  આજે વહેલું ઘરે જવા મળશે એ ખુશીના અતિરેકમાં જી, સાહેબ! એટલું કહીને મનસુખ સીધો બજાર તરફ નીકળી ગયો. અડધી કલાક પછી તે જમવાનું અને વ્હીસ્કી ડો. ધવલની કેબીનમાં મૂકીને ઘરે જવા રવાના થઈ ગયો. 
  રાત્રે લગભગ ૧૨ વાગ્યા આસપાસ વ્હીસ્કી અને જમવાનું પતાવ્યા બાદ ડો. ધવલ પોતાની કેબીનમાં રાખેલ અલમારીમાંથી બધી જરૂરી ફાઈલોને પોતાના ટેબલ પર ગોઠવે છે. પોતે પોતાની ખુરશીમાં ગોઠવાઈને હિસાબ કરવા બેસે છે. 
  
   દવાખાનામાં હમણાંથી કોઈ દાખલ નહોતું એટલે નિરવ શાંતિ વ્યાપેલી હતી. આખું જેસલમેર અત્યારે મીઠી નિંદર માણી રહ્યું હતું. ધીમે - ધીમે વ્હીસ્કીનો નશો પણ ડો. ધવલ દવેની આંખોમાં છવાઈ રહ્યો હતો. 
   માંડ એકાદ કલાક વિત્યો હશે ત્યાં કોઈના પગરવનો અવાજ ડો. ધવલ દવેના કાને પડે છે. દવાખાનાનો દરવાજો બંધ હતો અને મનસુખ પણ નહોતો આથી સફાળો ઊભો થઈને ડો. ધવલ બહાર લોબીમાં આવે છે. દવાખાનાની અંદર આછી રોશનીમાં કોઈ નજરે ન પડતાં પોતે પાછો કેબીનમાં આવીને બેસે છે. ખિસ્સામાંથી એક સિગારેટ કાઢીને સળગાવી તેના ઊંડા કશ ખેંચતો તે ટેબલ પર પગ લાંબા કરે છે. 
      અચાનક કેબીનમાં રહેલ બલ્બ ચાલુ બંધ થવા લાગે છે. એક જોરદાર પવનનો સપાટો ઓચિંતો આવીને ડો. ધવલ દવેને ધ્રુજાવી મૂકે છે. બહાર કોઈનાં પગલાંઓનો અવાજ ફરી સંભળાય છે. કોઈ નાનું બાળક મોજડી પહેરીને ચાલતું હોય એવો તાલમાં ટપ..ટપ...ટપ... અવાજ આવી રહ્યો હતો. 
   " કોણ છે બહાર?? જે હોય તે સામે આવે. નહીંતર પછી જોયા જેવી થશે. " ડો. ધવલ દવે નશામાં બરાડી ઉઠ્યો. 
    અચાનક એના હોંઠો વચ્ચે રહેલી સિગારેટ કોઈએ ખેંચી લીધી હોય એમ એ હવામાં સ્થિર થઈ ગઈ. ધીમે ધીમે એના સફેદ ધુમાડામાં એક આકૃતિ બની અને એ આકૃતિ અટ્ટહાસ્ય કરવા લાગી. 
    ડો. ધવલ દવે હવે ડરના લીધે ધ્રુજી રહ્યો હતો. વ્હીસ્કીનો નશો પણ એકાએક ઉતરી ગયો હતો. હવામાં રહેલી સળગતી સિગારેટ અચાનક ડો. ધવલની સામે આવી અને એના ગાલ પર રાખીને કોઈએ બુઝાવી હોય એમ ચિપકી ગઈ. તે તીવ્ર દર્દના લીધે બરાડી ઉઠ્યો. તે પોતાને બચાવવા માટે બૂમો પાડવા લાગ્યો પણ ત્યાં આસપાસ અંધકાર સિવાય કોઈ નહોતું. 
     " કોઈ દીકરી ગર્ભમાં મૃત્યુ પામે અને જે પીડા થાય એ પીડાની સામે આ ઘાવ કંઈ નથી. કંઈ કેટલીય દીકરીઓની હત્યા તે ગર્ભમાં જ કરાવી નાખી હશે. જેણે આ દૂનિયામાં જન્મ પણ નથી લીધો એવી કેટલીય અજન્મેલી દીકરીઓને ડોક્ટર થઈને તું ભરખી ગયો છે. એ ફૂલ જેવી બાળકીઓની હત્યા કરીને તું એમ સમજે છે કે તું બચી જઈશ એમ!! .." એક ભેદી અવાજ કેબીનની દિવાલોમાં ગુંજી ઉઠ્યો. એ અવાજ સાંભળીને ડો. ધવલ પગથી માથા સુધી ધ્રુજી ગયો. 
( વધુ આવતા અંકે )
અત્યાર સુધીની સ્ટોરી આપને કેવી લાગી એ અંગેના આપના કિંમતી પ્રતિભાવો જરૂરથી આપશો એવી વિનંતી.