૨૨ એપ્રિલે પહેલગામમાં થયેલા નરાધમ આતંકી હુમલામાં ૨૬ નિર્દોષ પ્રવાસીઓના મૃત્યુ થયા એ બદલ હું ખૂબ દુઃખ અનુભવું છું.
આ ઘટના સંપૂર્ણ માનવતા માટે કલંકરૂપ છે.
આપણે શહીદ થયેલા સર્વાત્માઓને વંદન અને હ્રદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ.
આ અમાનવીય આતંકી હિંસા સામે હું તીવ્ર ગુસ્સો વ્યક્ત કરું છું અને માંગ કરૂ છું કે આવા દહેશતવાદીઓનો શસ્ત્રબળથી સમૂળ નાશ થાય.
શાંતિ અને માનવતાના શત્રુઓ માટે આપણી ભૂમિ પર કોઈ સ્થાન નથી અને ન કદી રહેશે.
------------------------------------------------------------------
તક્ષશિલાના ગગનચુંબી દૃશ્યપટ ઉપર અંધકાર ધીમે ધીમે પથરાઈ રહ્યો હતો. મહારાજ આર્યનનું શાસન એક દાયકાથી રાજ્યને સુશોભિત અને સુરક્ષિત રાખી રહ્યું હતું, પરંતુ હવે સિંહાસન માટેનો સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન દરબારના શતદલ સમાન ગર્ભગૃહમાં ગૂંજી રહ્યો હતો—આગામી શાસક કોણ?
વિદ્યા અને યુદ્ધકલા પૂર્ણ કરીને, બંને રાજકુમારો તક્ષશિલા પાછા ફરી રહ્યા હતા.
રાજકુમાર સૂર્યપ્રતાપ – એક અપ્રતિમ યોદ્ધા, સુવર્ણવર્ણી ત્વચા અને ગાઢ કેશવાળી પુરુષોત્તમ કાયાથી પરિપૂર્ણ. તેની આંખોમાં જુસ્સો અને અપરાજિત શક્તિ ઝળહળતી. તે તલવારની એક લહેર સાથે શત્રુઓને હરી નાંખી શકે, ધનુર્વિદ્યા અને અસ્ત્રવિદ્યામાં પ્રભુત્વ ધરાવતો. યુદ્ધમેદાનમાં ગર્જન કરતા સિંહ સમાન અને રાજ્યની રક્ષા માટે સમર્પિત. તેની ઉપસ્થિતિ જ દરબારમાં એક અજોડ શક્તિ પેદા કરતી.
બીજી તરફ, રાજકુમાર ચંદ્રપ્રકાશ – એક વિદ્વાન અને વ્યૂહરચનાનો પ્રખંડ શિષ્ય. શાંત અને સ્થિર, તે યુદ્ધ કરતા બુદ્ધિથી જીતવાનું શ્રેય માનતો. મૃદુ શ્વેતવર્ણ, લાંબી, ઊંડી આંખો જે જાણે કે તમામ રહસ્યો ઉકેલી શકે. શાસ્ત્રજ્ઞાન, નીતિશાસ્ત્ર અને વ્યૂહરચના તેના મુખ્ય શસ્ત્ર. તે કવિ અને તત્વજ્ઞાની તરીકે પણ જાણીતો, વાણીમાં મધુરતા અને શબ્દોમાં ગાઢ અર્થ હોવા છતાં, તેના વિચારોમાં એક ગુપ્ત તીવ્રતા હતી.
તક્ષશિલાનો પ્રાચીન રાજમહેલ આ બંને પુત્રોના આગમન માટે સજ્જ હતો.
રાજમાર્ગ પર, જનતા બંને રાજકુમારોનું ઉલ્લાસભેર સ્વાગત કરતી. યુદ્ધ માટે ઉત્સુક રાજયોદ્ધાઓ અને જ્ઞાન માટે આતુર ઋષિઓ—બધાની કોઈ પણ પરીક્ષા માટે તૈયાર હતા.
રાજમહેલના મંડપમાં, મંત્રીઓ અને વરિષ્ઠ યોદ્ધાઓ વચ્ચે એક ઘર્ષણ ચાલતું હતું.
"રાજા માત્ર તલવારથી નક્કી થતો નથી," મહામંત્રીએ કહ્યું. "એક સારા શાસક માટે બુદ્ધિ અને ન્યાયની સમજ પણ એટલી જ જરૂરી છે."
"પરંતુ જો રાજા યુદ્ધના મેદાનમાં નબળો પડે, તો તક્ષશિલા કેવી રીતે રક્ષિત રહેશે?" એક યુવા સેનાપતિએ વાંધો ઉઠાવ્યો.
ચર્ચા ઉગ્ર બનતી ગઈ. મહારાજ આર્યન મૌન રહેતાં, પરંતુ તેમની આંખો દરબારના દરેક ચહેરા પર અન્વેષણ કરતાં. અંતે, તેમણે નિર્ણય લીધો.
"કોઈ એક રાજકુમાર યુવરાજ ઘોષિત થાય, તે પહેલાં તેઓ ત્રણ અગ્નિપરીક્ષાઓમાંથી પસાર થવા પડશે."
પ્રથમ પરીક્ષા: શૌર્ય અને યુદ્ધકલા—જેમાં તલવાર, ધનુષ્ય અને દંડયુદ્ધમાં તેમની નિપુણતાની કસોટી થશે.
બીજી પરીક્ષા: રાજકીય અને કુટનીતિક સમજણ—જ્યાં તેઓને તક્ષશિલાની ભવિષ્યની દિશા નક્કી કરવાની કસોટી આપશે.
ત્રીજી પરીક્ષા: ન્યાય અને ધર્મ—જ્યાં તેમની ચતુરાઈ અને તટસ્થતા તેમને એક સત્ય શાસક તરીકે સાબિત કરશે.
આ નિર્ણય રાજ્યભરમાં વાયુવેગે ફેલાઈ ગયો. તમામ પ્રજા આતુરતાપૂર્વક જોઈ રહી હતી કે કોનો તાજ માટેનો દાવો મજબૂત થશે.
પરંતુ રાજમહેલની દિવાલોની પાછળ કંઈક અજાણ્યું ઘટી રહ્યું હતું...
એક ગૂઢ પડછાયો રાજમહેલના અંધકારમય ગલીઓમાં ખિસકતો હતો. દુર, મહારાજના વિશ્રામગૃહની બહાર, એક વફાદાર ગુપ્તચર દરબારમાં પ્રવેશી આવ્યો.
"મહારાજ," ગુપ્તચરે વંદન કરી અવાજ કર્યો. "રાજ્યમાં કોઈક ગૂપ્ત ષડયંત્ર ઘડાઈ રહ્યું છે."
આચાર્ય વરુણના નેત્રોમાં ચિંતાની લહેર ફરી વળી. "કોણ છે તે, અને તેનો ઉદ્દેશ્ય શું છે?"
"હું હજી આ ષડયંત્રકારની ઓળખ મેળવી શક્યો નથી, પણ એ રાજ્યની અંદરથી જ છે... અને તે ગમે ત્યારે તમારી સાથે વિશ્વાસઘાત કરી શકે છે."
મહારાજ આર્યન અને મંત્રીઓ એકબીજાની તરફ જોયા. રાજ્ય હવે માત્ર સિંહાસન માટેની લડતમાં નહીં, પણ વિશ્વાસઘાત અને રહસ્યમય ગૂંચવણમાં પણ ફસાઈ ગયું હતું.
તક્ષશિલાનું ભવિષ્ય હવે માત્ર પરીક્ષાઓ પર નહીં, પણ પડછાયાંમાં ચાલતા એ અજાણ્યા ખેલીઓના પ્રયાસો પર પણ નિર્ભર હતું.
- - - - - - - - - - - - - - - - - - - -
તમારા રીવ્યુ મારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે જેથી આ નવલકથા ને તમારા મંતવ્યો આપવા વિનંતી...
જય હિન્દ , જય ભારત