બળેવના બીજા દિવસે મેં તમને કહ્યું કે અત્યારે કંઈ વાંધો નથી આવતો પણ બેનની ડિલિવરી નજીક છે અને ડિલિવરી પછી એ અહીં રહેવા આવશે ત્યારે શું કરીશું? શું ત્યારે આપણે મમ્મી પપ્પા સાથે એક રુમમાં સૂઈ જશું ? જેમ લગ્ન કરીને આવી ત્યારે સૂઈ ગયેલાં ? તમને કંઈ શરમ ન આવે પણ મને તો આવેને ? કંઈ તો વિચાર કરો. તો તમે કહ્યું કે પણ હું શું કરું ? આપણી પાસે પંખો લાવવા માટે પૈસા જ નથી ને મેં તમને કહ્યું હતું કે મારા બળેવના પૈસા છે તેમાંથી આપણે પંખો લઈ આવીએ. ને તમે માની ગયેલાં. ને તમે મને ઓફિસ લેવા આવેલા ત્યારે આપણે પંખો લઈને ઘરે ગયેલાં. આપણે પંખો લઈ ગયા તે મમ્મીને ન ગમેલું અને કહ્યું હતું કે પંખો ઉપર લગાડશો એેટલે પલંગ પણ ઉપર મુકવો પડશે, કેવી રીતે ચડાવાશે અને ઉપર વજન થઈ જશે તો ? પણ આ વખતે તમે જ કહ્યું કે બાજુમાં કાકાને ત્યાં પણ તો ઉપર જ કબાટ ને પલંગ છે ક્યાંથી વજન થઇ જાય ? કંઈ ન થાય. ને તમે ઇલેક્ટ્રીશ્યન ને બોલાવીને પંખો ફીટ કરાવ્યો હતો ને બે ચાર છોકરાઓને બોલાવીને પલંગ પણ ઉપર મુકાવી દીધો. પણ મમ્મીએ કબાટ તો ઉપર ન જ મૂકવા દીધો. મારે એની જરૂર પણ ન હતી. આમ જ બે ત્રણ મહિના નીકળી ગયા. ને એક દિવસ મમ્મીની કોઈ એફ. ડી. મૂકી હતી તે પાકી ગઈ. એ દિવસે બેન પણ ઘરે આવેલાં હતા. તમે એફ. ડી. ના પૈસા લાવીને મમ્મીને આપી દીધા. તરત જ મમ્મીએ કહ્યું કે આ પૈસા હું કોઈને વાપરવા આપવાની નથી. આ ફરીથી એફ. ડી. કરી દે ભાણેજના લગ્ન માટે છે આ પૈસા. ભાણેજ તો હજી ત્રણ વર્ષની હતી અને બેનની બીજી ડિલિવરી હજી થવાની હતી. પણ એમની પાસે પૈસા મેં કે તમે માગેલા તો હતા નહીં પછી એમણે આટલી બધી ચોખવટ કેમ કરવી પડે ? આપણે તો એેમની પાસે નોકરીએ આવવા જવાના જ પૈસા માગતા હતા અને તે પણ એ આપે એટલા જ લેતાં હતા કેટલીયે વાર એવું થતું કે પૈસા માગવાનું ભૂલી જવાય તો મારે બસ સ્ટોપથી મારી ઓફિસ સુધી ચાલતા જવું પડતું. મને લગભગ એક કલાક થતો ઓફિસ પહોંચતા અને આવતી વખતે ઓફિસમાંથી કોઈ પાસે બસ ભાડાના પૈસા લઈને આવતી અને બીજા દિવસે પાછા આપી દેતી. તમને પણ આ વાત ખબર હતી છતાં તમે કોઈ દિવસ મમ્મીને એમ ન કહ્યું કે તું એને વધારે પૈસા આપી રાખ. આમ કરતાં બેનના ડિલિવરી નો સમય આવી ગયો. એમને સીઝેરિયન જ કરવાનું નક્કી હતું એટલે મમ્મી એમની સાથે હોસ્પિટલ રહેવા જવાના હતા આ વખતે તમે મમ્મીને કહી દીધુ કે તું પૈસા આપીને જજે જેથી અમારે તારો કબાટ ખોલવો ન પડે. અને મમ્મી લગભગ પાંચ દિવસ ચાલે એેટલા પૈસા આપીને ગયા. ડિલિવરી પછી બેન આપણા ઘરે જ આવવાના હતા એ પણ નક્કી હતું એટલે મમ્મી તે પ્રમાણે સલાહ સૂચન આપીને ગયેલા. બેન બનેવીને ત્યાં સિઝેરિયનથી દિકરાનો જન્મ થયો. ત્રણ ચાર દિવસ હોસ્પિટલમાં રહ્યા પછી બેનને રજા આપી અને મમ્મી સાથે બેન પણ ઘરે આવી ગયા. મમ્મી બેન સાથે રહેવા ગયા એના બીજા દિવસથી જ મને ગળામાં દુખતું હતું પણ દવા લાવવા માટે પૈસા ન હતા કારણ કે મમ્મી ચાર પાંચ દિવસ આપણને આવવા જવા માટે અને શાકભાજી લાવવા માટે ચાલે એટલા જ પૈસા આપી ગયા હતા. એટલે હું રોજ મીઠાના ગરમ પાણીના કોગળાં કર્યા કરતી જેથી ગળામાં રાહત રહે.