એ સમયે મારા પપ્પાના એક શેઠ જે આપણા લગ્ન વખતે બહારગામ હતા એ આવ્યા અને એમણે પપ્પાને કન્યાદાનનું કવર આપ્યું. પપ્પાએ મને પૂછયું કે આ પૈસાનું તને શું અપાવું ? જે જોઈએ તે કહી દેજે તારા ઘરે પૂછીને. મને તો ત્યારે જ ઈચ્છા થઇ ગઈ હતી કે એમને કહી દઉં કે પંખો અપાવી દો પણ એકવાર તમને પૂછવું પડે ને એેટલે મેં કઈ ના કહ્યું. ઘરે આવીને મેં વાત કરી તો તરત જ મમ્મીએ કહી દીધું કે તારા પપ્પાને કહી દેજે કે આપણે ત્યાં જ્યુસ મશીન નથી તો એ લઈ આપે. મેં તમારી સામે જોયું પણ તમે તો કંઈ બોલ્યા જ નહીં. મને એમ થયું કે હું કહી દઉં કે ઉપરના રુમ માટે પંખો લઈ આવીએ પણ ન બોલી શકી. અને પપ્પાએ જયુસ મશીન અપાવી દીધું. પછી તમે કહ્યું કે આપણે એક બે મહિનામાં ઉપર પંખો લગાવી દઈશું. પછી તમારા એક કુટુંબી કાકાની દિકરીના લગ્ન હતા. લગભગ ત્રણેક દિવસનો એ પ્રસંગ હતો. એ પ્રસંગમાં તમારા કુટુંબના કાકીઓ બધા ભેગા થઈને મને એમ સમજાવતા હતા કે તમે પણ જમીન વેચીને શહેરમાં ઘર લઈ લો. એ બધાનો વિચાર હું સમજી ગઈ કે એ લોકો ઈચ્છે છે કે હું તમને કહું કે જમીન વેચીને શહેરમાં ઘર લઈ લો. પણ મેં જ્યારે તમારી સાથે લગ્ન કર્યા ત્યારે એ વિચાર બિલકુલ જ ન હતો કે આપણે જમીન વેચીને શહેરમાં ઘર લઈશું. મને એવી કોઈ ઈચ્છા ન હતી. એટલે એ સમયે મેં તમને કોઈ વાત કરી ન હતી. એ લગ્ન પ્રસંગ પતી ગયા પછી તમે મમ્મી પાસે પૈસા માગ્યા હતા ઉપર પંખો લગાવવા માટે. પણ મમ્મીએ કહ્યું પગાર તો ઘર ખર્ચમાં વપરાય જાય કેવી રીતે આપું ? જવાબ સાંભળીને તમે અને હું બંને વિચારતાં થઈ ગયા. પછી બળેવ આવી. બેને એમ કહ્યું હતું કે એ સાંજે આવશે એટલે મમ્મીએ મને કહ્યું કે તું સવારે તારા ઘરે જઈ આવ. તમે મને સવારે મારા પિયર લઈ ગયા. પણ મારે તો મારા ભાઈ ઉપરાંત ફોઈના છોકરાઓને પણ રાખડી બાંધવાની હોય. અડધા દિવસમાં એ બધું કેવી રીતે પતી શકે ? વળી, આપણા લગ્ન પછી આ પહેલી બળેવ હતી. ઘરેથી જમ્યા વગર કોઈ ન આવવા દે. એટલે મારા ઘરે જમીને આપણે તરત જ નીકળી ગયા કે ફોઈના ઘરે જવું પડશે. એ બધું પતાવતા આપણે લગભગ ૨ વાગે ઘરે પહોંચ્યા. આપણે ઘરે પહોંચ્યા એટલે તો મમ્મીએ સાંજ માટે રસોઈ પણ બનાવી દીધી હતી. મેં કહ્યું મારી રાહ તો જોવી હતી તો કહે અરે એમાં શું ? આ તો એટલે બનાવી દીધી કે પછી એ લોકો આવે તો આપણે એમની સાથે બેસી શકીએ. મને ન ગમ્યું પણ હું કંઈ કહી શકું એમ હતું જ નહીં. અને બેન આવીને ગયા. એ ગયા ત્યારે મમ્મીએ લગભગ બધી જ રસોઈ બેન ના ઘર માટે ટિફિન ભરી આપી કે ઘરે જઈને પાછી તું શું બનાવશે ? એ જોઈને મને એમ થયું કે મારા ઘરેથી તો હું કંઈ પણ નથી લાવી તો મને કંઈ કહેશે તો નહીં ને ? હું કંઈ બોલી નહીં બસ જોયા જ કર્યું. બે દિવસ પહેલાં મમ્મી પાસે પંખો લાવવા માટે પૈસા ન હતા અને બળેવના દિવસે રાખડીની ભેટ ઉપરાંત બીજા રૂપિયા આપ્યા કે તારા માટે અને તારી દિકરી માટે કપડાં લઈ લેજે. આ ઉપરાંત આપણા લગ્ન થયા ત્યારથી તેઓ એમ ગણાવતા હતા કે લગ્નમાં તમે બનેવીને જે સોનાની ચેન આપેલી તે પૈસા તેઓ દર મહિને બેનને આપતા હતા તો મને ખબર જ ન પડી કે તમે કેટલાની ચેન બનેવીને આાપેલી કે પૈસા આપવાના પૂરા જ નથી થતા. પણ આ બધું હું ફક્ત વિચારી જ શકતી હતી. બોલી નહોતી શકતી.