તમે મને પૂછયું તારો પગાર આવી ગયો ? મેં ના પાડી કે એક બે દિવસમાં આવશે. એટલે તમે મને કહ્યું કે પગાર આવે એટલે સીધો મમ્મીના હાથમાં આપી દેજે. મને સમજાયું નહીં કે તમે કેમ આમ કહ્યું ? પછી તમે મને કહ્યું કે તને જ્યારે જોઈએ ત્યારે મમ્મી પાસે પૈસા માગી લેજે ના નહીં પાડે. હું તો મારા પિયર હતી ત્યારે પણ મારો પગાર પપ્પાને જ આપી દેતી. એટલે અહીં પણ હું એમને આપી જ દેતે પણ તમારે મને આ કહેવાની જરૂર કેમ પડી એ ન સમજાયું. બે ત્રણ દિવસમાં મારો પગાર આવ્યો અને મેં આવીને મમ્મીને આપી દીધો. મમ્મીએ પગાર લઈને મૂકી દીધો કંઈ બોલ્યા પણ નહીં. તમારી નાઈટ ડ્યુટી આવે એટલે મમ્મી મને એમ કહેતાં કે તારા પિયર રહી આવ. હું પણ ઘરે જવાનું મળે એટલે કોઈ દિવસ ના ન પાડતી અને ચાલી જતી. પણ દર વખતે એવું થતું કે હું આવું એટલે મમ્મીએ આપણો કબાટ ખોલેલો જ હોય અને એમાં મેં જે ગોઠવેલું હોય એવું મને મળે જ નહીં. પણ હું કંઈ બોલતી નહીં. તમને એક બે વાર કહ્યું તો તમે કહેતાં કે એતો કબાટ સરખો કરવા ખોલ્યો હશે. પણ હું કહેતી કે જે સરખું હોય એને શું સરખું કરવાનું? પણ તમે મને એમ જ કહેતા કે જવા દે ને શું વિચાર્યા કરે. આમ જ બે ત્રણ મહિના નીકળ્યા અને બેનના ઘરે એમના દાદી સાસુ બિમાર થયા અને એમને હોસ્પિટલ દાખલ કરવા પડ્યા. બેને મમ્મીને કહ્યું કે તું હોસ્પિટલ આવીને રહે તો મારે સારું પડે. મમ્મી હોસ્પિટલ ગયા રહેવા માટે. મમ્મી બાજુ ના ઘરમાં જે કામવાળી આવતી હતી એને આપણા ઘરે વાસણ કચરા પોતું માટે કહીને ગયા હતા. એટલે મારે ફક્ત રસોઈ કરવાની હતી. બે ત્રણ દિવસ તો ઘરમાં શાકભાજી હતું એટલે વાંધો ન આવ્યો પણ પછી શાકભાજી લાવવા માટે અને મારે આવવા જવા માટે પૈસા જોઈતા હતા તમારી પાસે પણ ન હતા કારણ કે આપણા બંનેનો પગાર આપણે મમ્મીને આપી દેતા હતા. આપણે બંને બેનના દાદીની ખબર જોવા ગયા અને આવતા મમ્મીને કહ્યું કે અમારી પાસે પૈસા પતી ગયા છે શાકભાજી લેવા અને આવવા જવા માટે પૈસા જોઈએ છે. મમ્મીએ કહ્યું મારા કબાટમાં છે એેમાંથી લઈ લેજો. ઘરે આવીને તમે એમાંથી પૈસા કાઢયા અને મને આપ્યા કે શાકભાજી લઈ આવજે અને આવવા જવા માટે તારી પાસે રાખી મૂકજે. મને એ સમયે ખબર ન પડતી હતી કે પપ્પા ઘરમાં હતા છતાં મમ્મી પાસે કેમ પૈસા રહેતા હતા. પપ્પા તો કંઈ પણ બોલતા ન હતાં. લગભગ સાતેક દિવસ પછી મમ્મી ઘરે આવ્યા અને સાંજે હું નોકરીએથી પાછી આવી એટલે તરત જ મમ્મીએ પૂછ્યું કબાટમાંથી કેટલાં પૈસા લીધા ? મારી પાસે તો તમે આપેલા પૈસાનો હિસાબ હતો જ અને તમે પણ જે લીધેલા તે પૈસાનો હિસાબ આપી દીધો. પૈસા તમે જ કબાટમાંથી લીધા હતા અને એ સિવાય બીજું કંઈ કબાટમાં જોયું ન હતું. છતાં મમ્મી એમ બોલ્યા કે મારો આખો કબાટ આમતેમ કરી દીધો. એ દિવસે તમને પણ ખરાબ લાગ્યું કે તમે પૈસા સિવાય બીજું કંઈ લીધું નથી કે કંઈ શોધ્યું ન હતું પછી કેમ આમ કહી દીધું. મને તો આ બધું ગમતું જ ન હતું. કારણ કે મારા પિયરમાં તો મમ્મી પપ્પાનો કબાટ કોઈ પણ ગમે ત્યારે ખોલી શકતું હતું અને છતાં પપ્પા કોઈ દિવસ કોઈને બોલ્યા ન હતા કે મારા પૈસા કેમ લીધા. એવુ ન હતું કે પપ્પા પાસે ઘણા પૈસા હતા પણ આવી રીતે કોઈને કંઈ કહ્યું ન હતું. તમે મને કહ્યું હતું કે મમ્મીએ તારો કબાટ આમતેમ કરેલો ત્યારે તે કેમ કંઈ કહ્યું ન હતું. આપણા લગ્ન થયા ને લગભગ પાંચ મહિના થઇ ગયા હતા છતાં આપણે હજી નીચે જ સૂતા હતા. ઉપરના રુમમાં પંખો જ લગાડવાનો હતો પણ એ ન લગાવડાવતા હતાં.