"એક પળમાં બધું બદલાઈ જાય, જ્યારે દિર્ઘ શાંત જીવનમાં કોઈ જીવંત સાથી આવી જાય."
ગઈકાલે બનેલી ઘટના પછી એક દિવસ માટે ક્રિષ્નવીએ આરામ કરવાનું વિચારેલું. એટલે તે ઘરે જ હતી.
સુંદર મજાની સાંજ હતી, અને શાંત વાતાવરણમાં, ક્રિષ્નવી હાથમાં એક નવલકથા અને બીજા હાથમાં ગરમાંગરમ ચા નો કપ લઈને આરામખુરશી પર બેઠી હતી. પોતાના ફ્લેટનાં પહેલા માળની બારીમાંથી પાર્ક સાફ જોઈ શકાતું હતું. પાર્કમાં બાળકોનાં હસવાનાં અવાજ વચ્ચે એ ફરી એની ખાલીપાની અંદર ડૂબેલી હતી.
એવામાં અચાનક એક ચીસ સંભળાઈ...
"અરેએ... મમ્મી!!"
ક્રિષ્નવી અચાનક ઊભી થઈ ગઈ. અવાજ નજીકથી આવ્યો હતો. એ દોડી ગઈ. પાર્કનાં હીંચકા પાસે અર્જુન પોતાના હાથની કોણી પકડીને રડી રહ્યો હતો. લોહી વહી રહ્યું હતું, આંખો ભયથી ભરેલી. કોઈ પોતાનું નહોતું.
ક્રિષ્નવી તરત જ અર્જુન પાસે પહોંચી ગઈ. ક્રિષ્નવીનાં હ્રદયમાં કોઈક કારણસર અર્જુન માટે કુણી લાગણી હતી. એ લાગણી પહેલેથી અર્જુનને ઓળખતી હોવાથી હતી કે પછી ઈશાનનાં ગયા પછી તેમાં ઈશાનને શોધતી હોવાથી હતી, એ તો તે પોતે પણ નહતી જાણતી.
"શું થયું બેબી... ચિંતા ન કર, હું છું ને?", તેના અવાજમાં સંતાપ છલકાતો હતો.
ક્રિષ્નવીએ એટલું પૂછ્યું ત્યાંતો અર્જુન લાગણીવશ થઈને તેને ગળે વળગી પડ્યો અને વધુ જોરથી રડવા લાગ્યો.
વનરાજ બેંકમાં નોકરી કરતો હતો. તે હજુ કામ પતાવીને ઘરે આવી જ રહ્યો હતો. તેણે પણ અર્જુનની ચીસ સાંભળી એટલે તે પણ સીધો પાર્ક તરફ જ દોડ્યો. પણ તે પહોંચે તે પહેલા, ક્રિષ્નવી પહોંચી ગઈ હતી અને અર્જુનને શાંત કરવાની કોશીશ કરતા કરતા ઘર તરફ વળી રહી હતી.
વનરાજ દૂર ઊભા ઊભા જ બધું જોઈ રહ્યો. તેને નવાઈ તો લાગી, પણ સાથે સાથે મનમાં એક અજાણી શાંતિ મહેસૂસ થઈ. એવું લાગ્યું કે વર્ષો પછી કોઈએ પોતાના પ્રેમની પાંખો ફેલાવીને એની દુનિયામાં છાંયો કરી દીધો છે.
મંજુલાબેન બાલ્કનીમાંથી આ દૃશ્ય જોઈ રહયાં હતા. તેના હોઠ પર એક નરમ સ્મિત પ્રસરી ગયું.
જ્યારથી ક્રિષ્નવીએ અર્જુનના સામાન્ય ઘાવ પર પ્રેમથી દવા લગાવી, એની નાની એવી ચોટ માટે એટલી બધી ચિંતા અને સહાનુભૂતિ બતાવી હતી ત્યારથી અર્જુન ક્રિષ્નવી માટે એક અજીબ લાગણીઓનું ખેંચાણ અનુભવી રહ્યો હતો.
એ દિવસ પછી તો એ દરરોજ પોતાની બાલ્કનીમાંથી ક્રિષ્નવીનાં ઘરનાં દરવાજાને તાકી રહેતો. રાહ જોતો કે ક્યારે એ ઘરે આવે અને એની સાથે વાત કરી શકે. સ્કૂલમાં જે પણ બન્યું એ બધું કહી શકે. તેની નવી બનાવેલી ડ્રોઈંગ દેખાડી શકે.
ક્રિષ્નવીનાં ઘરે આવવાનો કોઈ નિશ્ચિત સમય ન રહેતો એટલે ઘણીવાર અર્જુન બાલ્કનીમાં જ માથું રાખીને રાહ જોતા જોતા સુઈ જતો. પણ કયારેક જયારે ક્રિષ્નવી અર્જુનને મળતી તો ખુશખુશાલ થઈ જતો. એનો હરખ સમાતો નહતો.
વનરાજ કશું બોલતો નહીં, પણ જે રીતે આટલી હદ સુધી અર્જુન ક્રિષ્નવીની રાહ જોતો, એની તરફ ખેંચાતો હતો એ તેને કોઈ કારણસર નહતું ગમતું. તેને એવું લાગતું કે ક્રિષ્નવી થોડી ઘમંડી છે, એટલે પોતાના દીકરા અર્જુનને જાણી જોઈને અવગણી રહી છે, વ્યસ્ત હોવાનો ઙોળ કરી રહી છે.
એની બીજી બાજુ થોડો સમય પણ મળતો તો મંજુલાબેન પણ સવારે નાસ્તો અને ચા લઈને ક્રિષ્નવીનાં ઘરે પહોંચી જતાં. નાનાં એવા અર્જુનનાં હાથમાં પોતાના માટે નાસ્તાની ડીશ જોઈને ક્રિષ્નવીને મોઙું થતું હોવા છતાં પણ રોકાઈ જવું પડતું.
ક્રિષ્નવીને તેના ખાલી જીવનમાં મળતી આ ખુશાલી ગમી રહી હતી. તે પણ હવે ક્યારેક અનાથાશ્રમમાંથી ફટાફટ કામ પતાવીને વહેલી ઘેર પહોંચી જતી, અર્જુન અને મંજુલાબેન સાથે સમય પસાર કરવા.
એક દિવસ તો રજા હતી એટલે ક્રિષ્નવી અર્જુનને પણ પોતાની સાથે અનાથાશ્રમમાં લઈ ગઈ. ત્યાં રહેલા બાળકો સાથે અર્જુનને ખુબ મજા પડી. નવા મિત્રો મળ્યા અને રમવાની મોજ પડી.
રાત્રે આવતા થોડું મોડું થયું. ૧૦ વાગી ગયા હશે. વનરાજ ધુંઆ-પુંઆ થઈને તેમની રાહ જોઈ રહ્યો હતો. જેવો અર્જુન આવ્યો એટલે વનરાજ તેના પર તાડુક્યો,
"વેક્શન પડે એટલે ગમે તેની સાથે ગમે ત્યાં જતું રહેવાનું? મને પૂછવાની ખબર નથી પડતી તને?"
"દાદીને પૂછીને ગયો હતો. અને ક્રિષ્નવી આંન્ટી ક્યાં અજાણ્યા...", અર્જુને ધીમા અવાજે કહ્યું. એ પણ વનરાજને ગુસ્સામાં જોઈને થોડો ઙઘાઈ ગયો હતો.
"ચુપ... તારા રૂમમાં જા અને સુઈજા. મોડું થઈ ગયું છે. આજ પછી મને પૂછ્યા વિના તારે ક્યાંય નથી જવાનું.", વનરાજે અર્જુનની વાત અધવચ્ચેથી જ કાપીને કહ્યું.
અર્જુન આગળ કંઈ બોલ્યો નહીં પણ આંખો ભરાઈ આવી એટલે દોડીને પોતાનાં રૂમમાં જતો રહ્યો.
ક્રિષ્નવી કંઈક બોલવા ગઈ પણ તેને અટકાવીને કહી દીધું, "તમે અમારા ઘરની વાતમાં ના પડો તો સારું. કૃપા કરીને તમે અહીંથી જતાં રહો. મારા દીકરાને હું સંભાળી લઈશ."
ક્રિષ્નવીને ખોટું લાગ્યું પણ ત્યાંથી તે ચુપચાપ જતી રહી.
"શું જરૂર હતી નાની વાતમાં બિચારાને એટલું બધું ખિજાવાની? મેં હા પાડી એટલે ગયો હતો અર્જુન. ક્રિષ્નવીને પણ ગમે તેમ કહી દીધું.", મંજુલાબેનએ તરત વનરાજને કહયું.
"માં, હું જોઈ રહ્યો છું કે થોડા દિવસથી અર્જુન તો ઠીક તમારાં પણ ‘પેલી’ ના ઘરનાં ફેરા વધી રહ્યા છે. શું ચાલી રહયું છે આ?"
"‘પેલી’ નહીં, ક્રિષ્નવી નામ છે તેનું. મારી દીકરી જેવી છે. તને કોઈ તકલીફ છે તેનાથી?"
"હા... મને ડર છે કે અર્જુન તેની સાથે વધારે પડતો લાગણીઓથી જોડાઈ જશે. અને ક્રિષ્નવી ક્યારેક જતી રહેશે તો? હું મારા દિકરાને ફરી નિરાશ નહીં જોઈ શકું.", વનરાજએ પોતાની દુવિધા કહી.
"એ કાયમ માટે આપણાં ઘરે આવી જાય તો?", મંજુલાબેનએ પોતાનાં મનની વાત કહી દીધી.
"માં પ્લીઝ. પ્રીતી પછી...બીજા કોઈ વિશે વિચારવું મારા માટે શક્ય નથી. હવે કોઈ માટે જગ્યા જ બાકી નથી રહી. બસ તમે અને અર્જુન બધું જ છો મારા માટે. અને કોઈ ત્રીજી વ્યક્તી આવીને તમને ભવિષ્યમાં તકલીફ આપે એ મને સહેજ પણ નહીં ચાલે."
"બેટા, હું તારી લાગણી સમજું છું. પણ આમ તો કેટલા સમય સુધી ચાલશે? હું કાયમ તો તારી સાથે નથી જ રહી શકવાનીને. શું તું એકલો સંભાળી શકીશ અર્જુનને? અને ક્રિષ્નવી તું વિચારે છે તેવી નથી. બહુ સારી છે. એકવાર એને સમજવા માટે પોતાનેે સમય તો આપ."
"માં, અત્યારે આ બધું રહેવા દો. રાત ઘણી થઈ ગઈ છે, તમે આરામ કરો."
એટલું કહીને વનરાજ પોતાનાં રૂમમાં આવી ગયો. પલંગ પર આંમથીતેમ પડખાં ફેરવ્યા, પણ ઊંઘ જ નહતી આવી રહી. એક તરફ પોતે આજે નજીવી બાબતમાં અર્જુનને ખિજવાયો એનો અફસોસ હતો, અને બીજી તરફ માં એ કહેલી વાતનો વિચાર આવતો હતો. અંતે કંટાળીને તે ઊભો થઈને અર્જુનનાં રૂમમાં તેને જોવા ગયો.
અર્જુન ચાદર ઓઢીને, ટુંટીયું વાળીને સૂતો હતો. તે પ્રેમથી તેની બાજુમાં બેઠો, અને જેવો માંથા પર હાથ મૂક્યો તો જોયું કે અર્જુન તાવથી ધગધગતો હતો.
વનરાજે તાવ માંપવા થર્મોમીટર લઈને અર્જુનના મોંઢામાં મૂક્યું. વનરાજનાં અડકવાથી એ જાગી ગયો અને ક્રિષ્નવી ક્યાં છે એમ પુંછવા લાગ્યો. વનરાજે તેને ખીજાવા માટે સોરી કહ્યું તો અર્જુન રડવા લાગ્યો અને જીદ પકડી કે ક્રિષ્નવીને અત્યારેજ બોલાવો.
"ક્રિષ્નવી આંન્ટી પણ મમ્મીની જેમ જતાં રહેશે. તમે એમની સાથે એવી રીતે કેમ વાત કરી? એમને હમણાંજ બોલાવો પપ્પા, પલીઝ...", અર્જુન રડતાં રડતાં જીદ કરી રહ્યો હતો.
વનરાજ ઘડીભર વિચારવા લાગ્યો કે શું કરવું. રાતના ૨ વાગ્યાં હતા. હમણાં કેમ કરીને બોલાવવી ક્રિષ્નવીને?
અર્જુનનાં રડવાનો અવાજ સાંભળીને બાજુનાં રૂમમાંથી મંજુલાબેન પણ આવી ગયા.
"ક્રિષ્નવી ના નહીં પાડે. તેને પણ અર્જુન પ્રત્યે બહુ લાગણી છે. જા બેટા, તેને સોરી કહીને એકવાર આપણા ઘરે બોલાવી આવ.", મંજુલાબેનએ વનરાજને કહ્યું.
"માં, પણ આ કોઈ સમય છે?"
"આ જ તારા ગુસ્સાની સજા છે. એ નહિ ના પડે. તું જા તો ખરાં..."
અટકાતાં, થોડું ખચકાતાં વનરાજ ક્રિષ્નવીનાં દરવાજા બહાર પહોંચી ગયો. શું કહેવું અને કેમ કહેવું? મનમાં થોડીવાર દરવાજા બહાર ઊભા રહીને શબ્દો ગોઠવતો રહ્યો. ડર હતો કે ક્યાંક એ પણ પોતાની જેમ તેની ઈન્સલ્ટ ના કરી દે. થોડી હિંમ્મત ભેગી કરીને, આંખો બંધ કરીને ડોરબેલ પર આંગળી મૂકી જ દીધી.
દરવાજો ખૂલ્યો. બંને એકબીજાની સામે ઉભા હતા. ક્રિષ્નવી ઊંઘમાંથી જાગી હતી એટલે આંખો ચોળી રહી હતી.
"તમે? અત્યારે? શું થયું? બધું ઠીક છે ને?", વનરાજ કંઈ બોલ્યો નહીં એટલે ક્રિષ્નવીએ જ સામે પ્રશ્નો કર્યા.
"હમણાં મેં તમારી સાથે જે રીતે વાત કરી તેના માટે સોરી. પણ અર્જુનને બહુ તાવ આવ્યો છે, અને તે રડતાં રડતાં તમારી પાસે આવવાની જીદ કરી રહ્યો છે. તો શું તમે થોડી વાર માટે અમારા ઘરે..."
"અરે તો એમાં પૂછવાનું થોડી હોય... હમણાંજ ચાલો..."
એટલું કહીને પોતાનાં ઘરની ચાવી લઈને, દરવાજો લોક કરીને, ક્રિષ્નવી લગભગ દોડીને અર્જુનનાં રૂમમાં પહોંચી ગઈ.
ક્રિષ્નવીને જોતા જ અર્જુનનાં ચહેરા પર મોટી સ્માઈલ આવી ગઈ. તાવ જાણે અઙધો ઉતરી ગયો.
"ઓહ માય બેબી... શું થયું બેટા?", એમ કહીને ક્રિષ્નવીએ અર્જુનને ગળે લગાવી દીધો.
"આંન્ટી, તમે પપ્પાને મનાવો ને... એમને કહો ને કે મને તમારી સાથે કાલે આશ્રમનાં બાલ-ઉજવણી દિવસે આવવા દે.", અર્જુને ક્રિષ્નવીને કહ્યું.
"હાં બેટા, સારું થઈ જશે એટલે પપ્પા ચોક્કસ તને આવવા દેશે."
"તમે એમ કરો કે એક બાઉલમાં ઠંડુ પાણી અને એક રૂમાલ આપો, હું થોડીવાર અર્જુનનાં માંથા પર ઠંડા પાણીનાં પોતા મુકીશ એટલે તાવ ઊતરી જશે.", ક્રિષ્નવીએ વનરાજને ઓર્ડર આપ્યો.
વનરાજ આજે પહેલીવાર ક્રિષ્નવીને એક અલગ નજરીયાથી, એક અલગ અંદાજથી જોઈ રહ્યો હતો. હમણાં જે પણ ક્રિષ્નવી બોલી એ તેણે સાંભળ્યું તો ખરું, પણ મગજ તેને પ્રોસેસ ન કરી શક્યું હોય એમ તે ત્યાં જ જડચેતને ઊભો હતો.
"ઓ હેલો, ક્યાં ખોવાઈ ગયાં? તમને કહું છું.", તેને ખોવાએલો જોઈને ક્રિષ્નવીએ તેની સામે ચપટી વાગાડીને કહ્યું.
"હહ? શું કહ્યું?", વનરાજ દિવાસ્વપ્નમાંથી જાગીને બોલ્યો.
"હું લાવું છું, તું રહેવા દે.", મંજુલાબેન મંદ સ્મિત કરતાં બોલ્યાં.
મંજુલાબેનને નિરાતે સૂઈ જવાનું કહીને ક્રિષ્નવીએ જ્યાં સુધી તાવ ન ઉતર્યો ત્યાં સુધી અર્જુનનાં માંથા પર ભીના પોતા મૂક્યાં. કંઈ જરૂર પડે તો, એ કારણસર વનરાજ ત્યાં જ ખુરશી પર બેસીને ક્રિષ્નવીને અર્જુનની સેવા કરતાં જોઈ રહ્યો.થોડા સમય બાદ તેને ખુરશી પર જ ઝોકું આવી ગયું.
વહેલી સવારે જ્યારે આંખ ખૂલી તો જોયું કે ક્રિષ્નવી સાઈડ ટેબલ પર જ બેઠાં બેઠાં, અર્જુનનાં બેડ પર માથું ઢાળી ને સૂઈ ગઈ હતી. ક્રિષ્નવીનો એક હાથ અર્જુને ઊંઘમાં પણ પકડી રાખ્યો હતો. સવાર સવારનું આ દ્રશ્ય વનરાજનાં મનને ઠંડક આપી ગયું.
એટલામાં ચા નાં કપ લઈને મંજુલાબેન દાખલ થયા. અર્જુન અને ક્રિષ્નવીને સૂતેલા જોઈને ધીમા અવાજે બોલ્યા,
"તું જ જોઈલે. હજુપણ તને ક્રિષ્નવી વિશે કોઈ શંકા છે?"
વનરાજ કોઈ ઉત્તર આપે એ પહેલાં જ ક્રિષ્નવી અને અર્જુન જાગી ગયા. જાગીને સૌથી પહેલાં ક્રિષ્નવીએ અર્જુનનાં કપાળ પર હાથ મૂકીને તાવ છે કે નહીં એ ચેક કર્યું. ઠંડું શરીર જોઈને ક્રિષ્નવીએ નિરાંતનો શ્વાસ લીધો.
"હવે મને બહુ સારું લાગે છે એટલે હું ક્રિષ્નવી આંન્ટી સાથે આશ્રમ જઈ શકું ને પપ્પા?", અર્જુને પૂછ્યું.
"હા બેટા. અને આજે તો તારી સાથે તારા પપ્પા પણ આવશે.", વનરાજ કશું બોલે એ પહેલાં જ મંજુલાબેને જવાબ આપી દીધો.
"યેસ...", કહીને હર્ષથી અર્જુન દોડીને વનરાજને ભેટી પડ્યો.
વનરાજ સમજી ગયો કે માં શું કરવા ઈચ્છી રહી છે.
એ દિવસે વનરાજ, ક્રિષ્નવી અને અર્જુન સાથે અનાથાશ્રમમાં ગયો. અને પોતે પણ એક સ્વયંસેવક બનીને જોડાયો. ક્રિષ્નવીનાં આશ્રમનાં કામમાં મદદ કરતાં કરતાં, આખો દિવસ સાથે રહીને તેને વધુ જાણી શક્યો.
ઘરે પાછા આવીને મંજુલાબેનને પણ વનરાજ કંઈક અલગ લાગ્યો. ઘણાં સમય પછી તેના ચહેરા પર ખુશી દેખાઈ.
બસ, પછી તો શું હતું. કોઈને કોઈ કારણે તે વનરાજ અને ક્રિષ્નવીને સાથે લાવવાની કોશીશો કરતાં રહેતાં. ક્યારેક ક્રિષ્નવીને આશ્રમ મૂકવાં જવું, ક્યારેક કૃષ્ણવીને ઘરે જમવા બોલાવવી, ક્યારેક તો કોઈ બહાનું ન મળતું ત્યારે અર્જુન પાસે જીદ કરાવીને ત્રણેવને સાથે બહાર જમવાં મોકલી દેતા.
વનરાજ બધું સમજતો હતો પણ એ કોઈ આનાકાની નહતો કરતો. કારણકે અર્જુનને એ ખુશ જોઈ શકતો હતો ક્રિષ્નવીનાં સાથે હોવાથી. અને હવે પોતાને પણ ધીમે ધીમે ક્રિષ્નવીનો સાથ ગમવા લાગ્યો હતો.
બીજી બાજુ ક્રિષ્નવીને કોઈ અંદાજો નહોતો કે મંજુલાબેનનાં મનમાં શું ચાલી રહ્યું છે. હા, આશ્રમમાં હવે તે પહેલા જેટલો સમય આપી શકતી નહોતી, પણ તેનો ઉદ્દેશ તો હતો જ કોઈ બાળકનાં જીવનમાં ખુશીઓ લાવવાનો, અને તે અર્જુન સાથે રહીને સંપૂર્ણ રીતે એ તો કરી જ રહી હતી. મંજુલાબેન અને અર્જુનની આજુબાજુ રહેવાથી તેને પોતાને ઘર જેવી લાગણી થતી હતી.
"વનરાજ, શું તમે આ વીક આશ્રમમાં સ્વયંસેવક બની શકશો? એક IT ની કંપની આપણાં આશ્રમનાં બાળકોનાં ભણતર માટે મદદ કરવા માટે એક કાર્યક્રમ ગોઠવી રહી છે. તે ખુદ તો આર્થિક મદદ કરશે જ અને સાથે બીજી નાની કંપનીઓ તેમાં જોડાય અને આશ્રમને મદદ કરી શકે તે માટે કાર્યક્રમનું આયોજન કર્યું છે. કાર્યક્રમ મોટો છે એટલે તેને પાર પાડવા વધુ લોકોની જરૂર છે. કાર્યક્રમ આ રવિવારે જ છે, આશા રાખું છું કે તમે મદદ કરી શકશો.", ક્રિષ્નવીએ વનરાજને પૂછ્યું.
"હા, ઓફકોર્સ. કેમ નહીં.", વનરાજે હા કહી.
"વનરાજ, તારાં મનમાં જે ચાલી રહ્યું છે એ હવે તારે એને કહી દેવું જોઈએ.", ક્રિષ્નવીનાં ગયા પછી મંજુલાબેન બોલ્યા.
"માં, એને કહેવામાં વાંધો નથી. પણ તેના મનમાં શું છે એ કેમ ખબર પડે? એને જે અર્જુન અને તમારાં પ્રત્યે લાગણી છે એ હું અને તમે જોઈ જ શકીએ છીએ. પણ મારું શું? મારી માટે એને કોઈ લાગણી છે કે નહીં એ હજી હું જાણી શક્યો નથી. અને હું નથી ઈચ્છતો કે મારી કોઈ વાતની રજુઆતથી એને અણગમો થાય અને મારા લીધેથી એ તમારા બંનેવથી પણ દૂર થઈ જાય. અર્જુનને હું ફરી હતાશ ના કરી શકું.", વનરાજએ થોઙું વિચારીને કહયું.
"તારી ચિંતા યોગ્ય છે. પણ એકવાર તું નસીબ અજમાવી તો જો. તમે ફરી આશ્રમ માટે સાથે કામ કરવા જ છો, તો કાર્યક્રમ પતે એટલે તેને તારા મનની વાત કહી દેજે. હવે વધુ રાહ નાં જોઈશ.", મંજુલાબેનએ વનરાજને માર્ગ બતાવ્યો.
આશ્રમની સવાર આજે ખાસ હતી. બાળકોનાં ચહેરા પર ખુશીઓ ખીલી રહી હતી. ગરબા થાળીઓ, રંગોળી, અને સ્મિતોથી આખું આશ્રમ ઉજવલીત હતું. બધુંય સમયસર ચાલે એ માટે વનરાજ, ક્રિષ્નવી અને અન્ય સ્વયંસેવકો તાત્પર્યપૂર્વક કાર્યરત હતા.
સાંજ પડતા IT કંપનીના પ્રતિનિધિઓ આવ્યા અને તેમના પ્રોજેક્ટ વિશે ચિવટથી સમજાવવાનું શરૂ કર્યું. બાળકોએ પણ સુંદર પર્ફોર્મન્સ આપી.કેટલાંક બાળકોને સ્કૂલ કિટ અને લૅપટોપ મળ્યાં. એ દરમીયાન અર્જુનએ ક્રિષ્નવીનો હાથ પકડીને આખો કાર્યક્રમ જોયો.
કાર્યક્રમના અંતે જ્યારે બધું સમેટાઈ ગયું, ત્યારે બધાં સ્વયંસેવકો ભેગા થઈને થાક ઉતારતા હતા.
ક્રિષ્નવી ખુલ્લી બારીની પાસે ઉભી હતી. સાંજની ઠંડી હવા ચાલી રહી હતી અને સફળતાપૂર્વક કાર્યક્ર્મ પૂર્ણ થયો એનો તૃપ્તિભરયો શ્વાસ તેણે લીધો.
ત્યાં વનરાજ શાંત પગલાંએ પાછળથી આવીને તેની બાજુમાં ઊભો રહ્યો.
"ખૂબ સરસ આયોજન હતું ક્રિષ્નવી. બાળકો માટે તું કરે છે એ બધું જોઈને... ખૂબ માન થાય છે તારી પર.
"ક્રિષ્નવી મલકાતી મલકાતી સામે જોઈ રહી."
તમે પણ ઓછા નથી. આજે આખો દિવસ તમારી હાજરીથી તો બહુ મદદ મળી."
વનરાજ થોડું અટકી ગયો. થોડું શરમાઈને, પણ પોતાના દિલની વાત આખરે કહેવી જ રહી.
"ક્રિષ્નવી... આજે તને અર્જુનને હસાવતી જોઈ ત્યારે એવું લાગ્યું જાણે એને એની મમ્મી પાછી મળી ગઈ હોય. પણ ખબર છે? તું એના માટે જેટલી ખાસ છે, એટલી તું હવે મારા માટે પણ ખાસ બની ગઈ છે."
ક્રિષ્નવી અચંબાથી તેના તરફ જોઈ રહી.
"હું જાણું છું તું મારી માટે આવું કંઈ વિચારતી પણ નહીં હોય, પણ હું એટલું જ કહીશ કે, તને અને અર્જુનને સાથે જોઈને હું શાંતિ અનુભવું છું. જો તને ક્યારેય લાગે કે તું મને મોકો આપી શકે તો... હું રાહ જોઈશ."
ક્રિષ્નવી કંઈ વિચારે અને કંઈ જવાબ આપે તેની પહેલાં જ તેના ખભાં પર કોઈએ હાથ મુક્યો,
"ક્રિષ્નવી? કેમ છે તું?", એ વ્યકિતએ કહ્યું અને જેવી ક્રિષ્નવી તેનાં તરફ ફરી એટલે તેને ગળે લગાવી દીધી.
"પ્રણય!! તું અહીં શું કરે છે?", ક્રિષ્નવી હજુપણ થોડી આઘાતમાં જ હતી. પોતાને થોડી સ્વસ્થ કરીને તેણે વનરાજને પ્રણયની ઓળખાણ કરાવી.
"આ ઈશાનનાં પિતા છે, પ્રણય!!"