"ઈશુ, બેટા જલ્દી શૂઝ પહેર. સ્કૂલ પહોંચવામાં લેટ થઈ જશે.", લંચબોક્સ ઈશાનની બેગમાં નાંખતા નાંખતા ક્રિષ્નવી કહી રહી હતી."
"મમ્માં, ડોન્ટ વરી. ટીચર મને નહી ખીજવાય. ટીચર મારા પર ફિદા છે ફિદા.", વાળમાં હાથ ફેરવતા, એકદમ મૂવીનાં હીરોનાં અંદાઝમાં ટીપાઈ ઉપર ચઢીને ઇશાન કહી રહ્યો હતો."
"ફિદા ના બચ્ચા. નીચે ઉતરીને શૂઝ પહેર, મોડું થઈ જશે.", ઈશાનનાં ખભાં પર બેગ પહેરાવીને, ક્રિષ્નવીએ સ્કૂટરમાં ચાવી લગાવીને કહ્યું, "હજી ૬ વર્ષનો પુરો પણ નથી થયો અને અત્યારથી બહુ ડાયલોગબાજી કરતા શીખી ગયો છે. લલિતાઆંટી સાથે મૂવીઝ જોવાનુ બંધ કરાવવું પડશે તારું."
ઈશાનાએ, "બાઈ ડેડી" કહ્યું અને ક્રિષ્નવીનાં સ્કૂટરનાં અવાજમાં, પ્રણયએ બાઈ કહ્યું કે નહીં, એ ઈશાનએ સાંભળ્યું નહીં.
રસ્તામાં પણ ઈશાનનું બકબક સતત ચાલુ જ હતુ. એ કંઈક ને કંઈક સવાલો પૂછ્યાં કરતો અને ક્રિષ્નવી આવડે તેવા પ્રેમથી જવાબ આપ્યા કરતી અને સ્કૂલનો રસ્તો એમ જલ્દી કપાય જતો.
ઘણીવાર ઈશાનનાં સવાલો એવા હોતા કે ક્રિષ્નવી મૌન થઈ જતી. નિરુતર થઈને ખોવાઈ જતી.
એવો સમય ત્યારે આવતો જ્યારે પ્રશ્નો પ્રણય, ઈશાનનાં પપ્પા વિશે હોતા.
"ડેડી આપડી સાથે જમવા કેમ નથી બેસતા?"
"ડેડી મને તારી જેમ પ્રેમ કેમ નથી કરતા? ગમેત્યારે ખીજવાયા કેમ કરે છે?"
"ડેડી આખોદિવસ કેમ ઉંઘી રહે છે?"
"ડેડી તારી સાથે ઝગડો કેમ કરે છે?"
"હેં મમ્માં? મારા મિત્રોની મમ્માં મારી સાથે એમને નથી રમવા દેતી. એમ કહે છે કે "દારૂડિયાના છોકરા સાથે ના રમાય!" મમ્માં, દારુડીયો એટલે શું?"
પ્રણયની વિષે કાંઈ સવાલ આવતો અને ક્રિષ્નવીનું મન ચકરાવે ચઢી જતું.
શું કહે એના વિશે? હા, એના ડેડી છે દારુડિયા એમ? દારુનો નશો એટલો બધો હોય છે કે આખો દિવસ એ ઊભા જ નથી થઈ શકતા એમ? કે પછી, સટ્ટામાં પૈસા હારી જાય અને દારુ લેવા કોઈ ઉધાર ના આપે એટલે તે મારી સાથે પૈસા બાબતે ઝગડો કરે છે એમ?
ખૂબ નાનો હતો ઈશાન આ બધું જાણવા અને સમજવા માટે.
કેવી રીતે એ ઈશાનને સમજાવે કે પહેલા બધુ બરાબર જ હતું. અરે, હસ્તા રમતા ઈશાન વરસનો ક્યારે થઈ ગયો એ જ ક્રિષ્નવીને ખબર નથી રહી. એટલો પ્રેમ કરતો હતો પ્રણય ક્રિષ્નવી અને ઈશાનને. હેપી સ્વીટ ફેમિલી હતું.
ખબરનહિ ક્યાંથી પ્રણયને સટ્ટાની લત્ત લાગી અને ક્રિષ્નવીનો ખુશીઓનો માળો વિખાઈ ગયો. જલદી પૈસા કમાવાની ધૂનમાં પ્રણય સટ્ટાના રવાડે ચડ્યો. શરુઆતમાં બહુ જીત્યો. પછી એવો હાર્યો, એવો હાર્યો કે ગુમાવેલું પાછું મેળવવાની ધૂનમાં બમણું હાર્યો. પૈસા ના દેવામાં દારૂડીયો બની ગયો. ઘરમાં જગડાઓ વધ્યા.
ક્રિષ્નવીએ પ્રણયને ઘણું સમજાવવાની કોશિશો કરી. પણ બધુ નાકામ. ધીમે ધીમે ક્રિષ્નવીએ પ્રણયને સમજાવવાનું પણ છોડી દિધું.
ક્રિષ્નવી થોડું ઘણું તો ભણેલી હતી એટલે એક હોસ્પિટલમાં જોબ શોધી લિધી રિસેપ્શનિસ્ટની. અને પોતાનું મન ઈશાનને સારી રીતે ઉછેરવામાં પરોવી દિધું.
જ્યારેપણ પ્રણય ઘરે આવીને, કારણવિના ક્રિષ્નવી પર બુમો પડતો, લડતો-ઝગડતો, ત્યારે ક્રિષ્નવી એકપણ શબ્દ બોલ્યા વિના, ચૂપચાપ ઈશાનને લઈને સ્કૂટર પર ગાર્ડનમાં કે બીજે કશે, બસ પ્રણયના આ રૂપથી દૂર લઈ જતી.
ક્રિષ્નવી નહોતી ઈચ્છતી કે એના ડેડીની ઈશાનનાં મનમાં આવી છવી અંકિત થાય. કારણકે એને આશા હતી કે એક દિવસ, એકદિવસ પ્રણય જાતે સુધરી જશે.
સવારે 9 થી 1 ઈશાન સ્કૂલ જતો. ઈશાનને સ્કુલમાં મૂકીને ક્રિષ્નવી નોકરી પર જતી. બપોરે 1 વાગે લંચ બ્રેક પડતો ત્યારે ઈશાનને લઈને ઘરે જતી. બંનેવ જમતાં જમતાં નતનવી વાતો કરતા. ઈશાન પોતાની સ્કુલમાં બનેલી ઘટનાઓ કહેતો અને ક્રિષ્નવી હોસ્પિટલમાં ક્યારેક આવી ચઢેલા અજીબ પેશન્ટના અનુભવો વિશે કહેતી.
જમીને ઈશાનને સુવડાવીને ક્રિષ્નવી હોસ્પિટલ જતી રહેતી. ઉપર મકાન માલકીન લલિતાબહેન હાજર રહેતા એટલે કોઈપણ પ્રકારનો ભય ના રહેતો. પ્રણયના ભરોસે મુકીને જઈ ના શકાતું, કારણકે એ ક્યારે આવે, ક્યારે જાય એ બાબતે ક્રિષ્નવીને કશી જાણ તે કરતો નહિ.
5 વાગ્યે જ્યારે ઈશાન જાગતો, ત્યારે ક્રિષ્નવી જોબ પરથી પાછી આવી જતી. હા, ક્યારેક વહેલા જાગે, તો ઈશાન લલિતાબહેનના ઘરે ટીવી જોવા જતો રહેતો. લલિતાબહેનને ઈશાન, પોતાના છોકરા સાથે રમે એ ગમતું તો નહિ, પરંતુ એ પોતાનો અણગમો ક્રિષ્નવીને કહેતા નહિ. કારણકે, ઈશાન લગભગ રોજ ક્રિષ્નવી આવે ત્યાં સુધી ઊંઘી રહેતો.
ઈશાન મોટો થતો જતો હતો અને પ્રણયની હાલતમાં સુધારો થવાના દૂર દૂર સુધી કોઈ લક્ષણ દેખાતા નહતા.
ક્યારેક મન થતું કે ઈશાનને લઈને ક્યાંક દૂર ભાગી જાય. પણ, જાય તો ક્યાં જાય? હતું જ કોણ પ્રણય અને ઈશાન સિવાય તેનું પોતાનું?
અત્યારે પ્રણય જેવોપણ હોય, એક સમયે એ તેને ખૂબ પ્રેમ કરતી હતી. તેના ભરોસે જ બધુ મૂકીને આવેલીને તેની સાથે આ ઘરમાં. આખરે એ ઈશાનનો બાપ છે, પોતાનો પતિ છે. જેને એ હજુય પ્રેમ તો કરે જ છે, કદાચ.
"મમ્માં...ઓ મમ્માં, કાલે જંગલમાં આપણે જશું તો ત્યાં કયા કયા એનિમલ હશે?", ક્રિષ્નવીને ઢંઢોળીને એના વિચારોની દુનિયામાંથી બહાર નિકાળતા ઈશાનએ કહ્યું.
"હું?? હા, બધાં જ એનિમલ્સ હશે ત્યાં. વાઘ, સિંહ, ચિત્તો, જીરાફ. અને જ્યારે મંકીને આપણે મળશુંને, ત્યારે હું એને કહીશ કે તમારો એક મેમ્બર ભૂલથી મારી પાસે આવી ગયો છે!!", એમ કહીને તેણીએ આમતેમ દોડતા ઈશાનને પકડીને ગૂદગૂદી કરી.
બીજા દિવસે બંનેવ રેડી થઈ ગયા શાળામાંથી "નેચર્સ પાર્ક" લઈ જતા પિકનિક ડે માટે. છોકરાઓ નાના હોવાથી પેરેન્ટ્સ પણ બાળકો સાથે પિકનિકમાં જવાના હતા.
9 વાગ્યા, અને નિકળી ગઈ બસ નેચર્સ પાર્ક પહોંચવા માટે. છોકરાઓ ખૂબ જ આતુર હતા પોતાના પેરેન્ટ્સ અને ટીચર્સ સાથે પ્રાણીસંગ્રહાલય પહોંચવા માટે. બસમાં પણ ગીતો ગાતા અને મસ્તી કરતા હતા બધા.
મમ્મી અથવા પપ્પા, બંનેવમાથી એક ને જ સાથે જવાનું હતું બાળકસાથે. લગભગ બધાની મમ્મી જ સાથે આવી હતી 2-4 બાળકો ને છોડીને, જેમની સાથે એમના પપ્પા આવ્યા હતા.
બસ જેવી નેચર્સ પાર્ક પહોંચી ઈશાન ખેંચીને ક્રિષ્નવીને અર્જુન, જે ઈશાનનાં જ ક્લાસમાં હતો અને ઈશાનનો સૌથી માનીતો મિત્ર હતો, તેની પાસે લઈ ગયો.
એ પોતાના પપ્પાનો હાથ પકડીને હજુ બીજી બસમાંથી નીચે ઊતર્યો જ હતો.
ક્રિષ્નવી કશું સમજે કે ઈશાન તેને ક્યાં લઈ જાય છે તેની પહેલે તો તે અર્જુન અને તેના પપ્પા સામે ઊભી હતી.
"મમ્માં, આ મારો બેસ્ટેસ્ટ ફ્રેન્ડ છે અર્જુન.", ઈશાન ખુશ થઈને કહી રહ્યો હતો.
"હા આંટી, અમે ક્લાસમાં સાથે જ બેસીએ અને સાથે જ લંચ કરીએ.", અર્જુનએ પણ તુરંત કહ્યું અને ઈશાનને પૂછ્યુ, "હું તો મારા પપ્પાને લાવ્યો. તું કેમ તારા પપ્પાને ના લાવ્યો?"
"બેટા, ઈશાન ના પપ્પા બીઝી છે એટલે હું આવી. તું કેમ તારા મમ્મી સાથે ના આવ્યો?", ક્રિષ્નવીએ પ્રશ્ન કર્યો.સવાલ સાંભળીને અર્જુન ઉદાસ થઈ ગયો.
ક્રિષ્નવીને સમજાણું નહીં કે શું એનાથી કાંઈ ખોટું પૂછાઈ ગયું?
ક્રિષ્નવીને અસમંજસમાં જોઈને અર્જુનના પપ્પા, વનરાજ આગળ આવ્યા અને કહ્યું,"કારણકે તેની મમ્મી આ દુનિયામાં હાજર નથી. હાય, હું વનરાજ. અમ્મ...અર્જુનનો ફાધર.", હેન્ડશેક માટે વનરાજે હાથ આગળ કર્યો.
"ઓહ...અમ્મ..આઈ એમ સોરી. મને અર્જુનનાં મમ્મી વિશે જાણ નહતી.", હાથ મિલાવીને ક્રિષ્નવીએ પોતાની ઓળખાણ આપીને કહ્યું.
"ઈટ્સ ઓકે. એ આ દુનિયામાં નથી એમા તમારો કાંઈ વાંક નથી.", અર્જુનએ વાતને હળવી કરવા હસીને કહ્યું.
ક્રિષ્નવીને થોડું અજીબ લાગ્યું. પોતાની પત્નીનાં મોત વિશે આવી મજાક કરી શકે, કેવો વિચીત્ર માણસ છે. એટલે એને ઈગનોર કરવાનું પસંદ કરતા, અર્જુન સામે ફરીને તેને કહ્યું, "બેટા, પરમ દિવસે ઇશાનનો જન્મદિવસ છે. તું ચોક્કસ આવજે બર્થડે પાર્ટીમાં!!"
અને બધા અલગ અલગ ગ્રુપમાં ટીચર્સ અને ત્યાંના ગાઈડ સાથે બધાને પ્રાણીઓને જોવા ગયા, ખૂબ મજા કરી. ઈશાન તો એટલો થાકી ગયો કે ઘરેજતા રસ્તામાં બસમાં જ ક્રિષ્નવીનાં ખોળામાં માથું રાખીને સુઈ ગયો. ક્રિષ્નવી પ્રેમથી એના વાળમાં હાથ ફેરવતી રહી અને વિચારી રહી કે કેવી રીતે એનો જન્મદિવસ ખાસ બનાવે.
બર્થડે માટે ઈશાન પણ ખૂબ ઉત્સાહી હતો. મમ્માંને પૂછ્યા કરતો કે મમ્માં મને શું ભેટ આપશો? કોને કોને બોલાવશો? કેટલી મોટી કેક લાવશો?
ક્રિષ્નવી તો મજાકમાં કહેતી પણ ખરી કે, "તારું નામ ઈશાન રાખીને ભુલ કરી, મિ. ક્વેશચન માર્ક રાખવાની જરૂર હતી."
બર્થડેના દિવસે ક્રિષ્નવી અને ઈશાન સ્કૂલનાં ટાઈમથી થોડા વહેલા તૈયાર થઈને પહેલાં મંદિરે ભગવાનનાં આશીર્વાદ લેવા ગયા. પછી ઈશાનને સ્કુલનાં મિત્રોને ચોકલેટ્સ વહેંચવા માટે આપીને, તેના બેસ્ટફ્રેન્ડ અર્જુનને ઘરે આવવાનું ફરી ખાસ આમંત્રણ આપીને તે ઘરે પરત ફરી.
૨ દિવસથી પ્રણય ઘરે આવ્યો નહતો. આ કશું નવુ નહતું, એવું તો પ્રણય ઘણીવાર કરતો. ક્યાં જતો? શું કરતો? ક્રિષ્નવીને આ બાબતે કશી જાણ રહેતી નહી અને હવે તેણે પુછવાનું પણ બંધ કરી દિધું હતું.
પરંતુ, ખબરનહીં કેમ આજે ક્રિષ્નવીને થોડી ચિંતા થઈ, એમ થયું કે ભલે જેવો છે તેવો ઘરે હાજર હોય તો કોઈ છે એમ થાય અને ઈશાનને આજના દિવસે તેના ડેડીની હાજરીથી ખુશી થાત.
ક્રિષ્નવીએ આજે હોસ્પિટલથી રજા લીધી હતી. એ આજે આખો દિવસ ઈશાન સાથે વિતાવવા માંગતી હતી. અને સાથે બર્થડે માટે ડેકોરેશન અને કેકના ઓર્ડર, ગિફ્ટ વગેરેની તૈયારીઓ પણ કરવાની હતી.
૪ વાગ્યા હશે અને ક્રિષ્નવીને હોસ્પિટલથી ફોન આવ્યો એટલે કોઈ અગત્યનાં કામથી હોસ્પિટલ જવુ પડ્યું.
ઈશાન તો રેડી જ નહતો આજનાં દિવસે મમ્માંથી એકપણ મિનિટ અલગ થવા માટે. પણ ક્રિષ્નવીએ પ્રેમથી તેને સમજાવ્યો અને પ્રણય પાસે મુકીને, "હમણા આવું છું" કહીને જતી રહી.
જતાં જતાં ક્રિષ્નવીને એ વાતની નવાઈ લાગી પ્રણય આજે એકદમ પહેલા જેવો લાગતો હતો. આજે કદાચ એને દારુ નહતો પીધો. કદાચ આજે ઈશાનનો બર્થડે હતો એટલે?
૨ કલાક પછી માંડ કામ પતાવીને તે ઘરે પહોંચી. રસ્તામાં જ વિચારી રાખ્યું હતું કે ઈશાનને પ્રેમથી મનાવી લેશે.
રઘવાઈ થઈને તે ઘરે પહોંચી તો જોયું કે..કે તેના ઘરની આજુબાજુમાં રહેતા લોકો તેના ઘરનાં દરવાજા બહાર ટોળું વળીને ઊભા હતા.
એ બધાના બોલવાનો કંઈક અસ્પષ્ટ અવાજ આવતો હતો.૨-૪ લોકોએ તેને આવતા જોઈ એટલે તુરંત જ એ અંદર જઈ શકે એટલી જગ્યા કરી આપી. ધીમે ધીમે તેને જોઈને બધા જ ખસવા લાગ્યા.
એ જ્યાં ઊભી હતી ત્યાંથી ઘરનો પ્રવેશદ્વારનો ફાસલો એમ હતો તો ૧૦-૧૨ ડગલાં જ, પણ ક્રિષ્નવીને એ ફાસલો માઈલો દૂરનો લાગતો હતો.કંઈક અજુગતું બન્યાનો આભાસ થતો હતો અને તેમાંય ચાલતા ચાલતા બધાના બોલાયેલા અસ્પષ્ટ "બિચારો, આજે જ આવું થંયુ, કેટલું લોહી નિકળ્યું છે", જેવા ત્રુટક શબ્દો એ ડરમાં આગ લગાવવાનું કામ કરી રહ્યા હતા.
"પ્રણયને તો કાંઈ? મારા ઈશાનને તો કશું??", ઈશાન વિશે કશું એવુ વિચારવું પણ ક્રિષ્નવીને બિહામણું લાગતું હતુ.
એ ઝડપથી અંદર પહોંચી ગઈ.
અંદરનું દ્રશ્ય જોયું તો...વનરાજનાં ખોળામાં માથું રાખીને, જમીન પર લોહીથી તરબતર ઈશાન પડયો હતો અને ધીમું ધીમું "મમ્માં, મમ્માં" બોલી રહ્યો હતો.