"ઈશ્શુઉઉઉઉઉઉ.....", ક્રિષ્નવીની ચીસ એટલી મોટી અને પીડાદાયક હતી કે ત્યાં હાજર બધાં માણસો સમસમી ગયા. અરે, કઠણ હ્રદયનાં માણસનું પણ હ્રદય પીગળી જાય એટલું દર્દ હતું તેની ચીસમાં.
"કોઈ, કોઈ...એમ્બ્યુલન્સ ને..", એટલું તો એ માંડ બોલી શકી અને એમ્બ્યુલન્સનાં સાયરનનો અવાજ સંભળાયો.
વનરાજ ઈશાનને સોરી કહેવા આવેલો. કારણકે અર્જુનની તબિયત ઠીક ના હોવાથી તે ઈશાનની બર્થડે પાર્ટીમાં આવી શકે તેમ ના હતો.
વનરાજે કહેલું કે એમાં કહેવા જવાની શું જરુર, એના ઘણાં ફ્રેન્ડસ હશે, તું નહીં જાય તો કશો ફેર નહીં પડે.ત્યારે અર્જુને ભારપૂર્વક કહ્યું હતું, "ના પપ્પા, ઈશાનને હું એક જ ફ્રેન્ડ છું. એ કહેતો હતો ખબર નહીં કેમ તેની સાથે કોઈની મમ્મી રમવા જ નહતી દેતી એટલે એના બીજા કોઈ ફ્રેન્ડ્સ જ નથી."
વનરાજને સવાલ તો થયો કે શું કારણ હોઈ શકે એનું? અર્જુનનો હૂકમ હતો એટલે વનરાજને આવવું પડ્યું ઈશાનના ઘરે.
જેવો વનરાજ ઈશાનના ઘરે પહોંચ્યો, તો જોયું કે ઈશાન ચિસો પાડી રહ્યો હતો અને એક રસ્તે રખડતો પાગલ કુતરો તેને પોતાનાં તિક્ષ્ણ દાંતોથી બટકાં ભરીને લોહી-લુહાણ કરી રહ્યો હતો.
વનરાજ સીધો ઈશાન પાસે ગયો અને કુતરાને જોરથી લાતો મારીને ઈશાનથી દૂર કરવાની કોશિશ કરવા મથી રહ્યો. ઈશાનને જેમ તેમ કરીને પોતાની બાહુમાં છૂપાડીને, કુતરાને પાટા મારીને હડસેલવાના પ્રયત્નો કરતો રહ્યો. પણ કુતરો હવે વનરાજને બટકુ ભરવાની તકમાં હતો.
આ બધી ચીસો અને અવાજો સાંભળીને લલિતાબહેનને કુતરો ઘૂસી આવ્યાનો અંદાજ આવી ગયો અને તે એક મોટો લાકડાનો દંડો લઈને પહોંચી ગયા. અને પૂર જોશમાં, દંડો કુતરાને માર્યો. કુતરાનાં તો ઘડીક મોતીયા મરી ગયાં, તંમ્મર ચઢી ગઈ. લલિતાબહેનનો એ એક દંડો એટલો જોરદાર હતો કે કુતરો તો જેમતેમ કરીને બહાર જ ભાગી ગયો.
કુતરો ગયો એટલે વનરાજે તુરંત ૧૦૮ ને ફોન જોડ્યો, અને અહીંયાનુ એડ્રેસ સમજાવી દિધું. ઈશાનનાં મમ્મી-પપ્પા "ક્યાં છે" એમ પુછવા પર લલિતાબહેનને આ વિશે કશી જાણ નહતી.
ઈશાનને કુતરો ઘણી જગ્યા પર કરડી ગયો હતો. ઘણું લોહી વહી રહ્યું હતું. લોહી વહી જવાના કારણે અને કૂતરાનાં ડરને કારણે એ હવે અર્ધબેભાન થઈ ગયો હતો. એટલી વારમાં ક્રિષ્નવી આવી પહોંચી.
આ બધું ક્યારે અને કેવી રીતે થયું એ કહેવાનો સમય જ નહતો. એમ્બ્યુલન્સ આવી એટલે એના કર્મચારીઓએ ઈશાનને સ્ટ્રેચર પર સુવડાવીને, એમ્બ્યુલન્સની અંદર લઈ ગયાં. ઓક્સિજન માસ્ક લગાવી દિધુ અને અંદર હાજર રહેલાં ડોક્ટરોએ બ્લીડિંગ થતુ અટકાવવાની કોશિશો શરું કરી દિધી.
ક્રિષ્નવી સતત રડી રહી હતી અને ઈશાનનો એક હાથ પોતાના હાથમાં રાખીને, બીજો હાથ માથામાં ફેરવતાં ફેરવતાં કહી રહી હતી, "ઈશુ, તને કશું નહીં થાય. હમણા ડોક્ટર બધું સારું કરી દેશે."
વનરાજ પણ એમ્બ્યુલન્સમાં તેની સાથે જ બેઠો હતો. શું કહેવું એની મથામણમાં હતો. એ ઈચ્છતો હતો કે માણસાઈના સંબંધે ક્રિષ્નવીને ધરપત આપવાની કોશિશ કરે. પણ ઈશાનની હાલત જોઈને પોતે થોડા સદમામાં હતો. એ ઈચ્છતો હતો કે ઈશાનને કશું ન થાય, ક્રિષ્નવીને થોડી હિંમત રાખવા કહે. પણ શું કહે? કેવી રીતે કહે? ૨-૪ વારની ક્યારેક સ્કૂલમાં લેવા-મૂકવાં જતી વખતે થયેલી અપલક મુલાકાત સિવાય એ ક્યાં કશું જાણતો જ હતો ક્રિષ્નવી વિશે.
છતાંયે તેણે હિંમત કરીને ક્રિષ્નવીને કહ્યું, "તમે આમ રડો નહીં. ઈશાનને કશું નહી થાય."
ઈશાનનાં શ્વાસ ધીમા પડતા જતાં હતાં. ઘાવ ઘણાં ઊંડા હતા કરડ્યાનાં. લોહી સતત વહી રહ્યું હતું. અને આ ટ્રાફિક હોસ્પિટલ પહોંચવામાં હજુ મોડું કરી રહી હતી. થોડીવારમાં એમ્બ્યુલન્સ હોસ્પિટલ પહોંચી ગઈ. અને ઈશાનને સીધો ઈમરજન્સી વોર્ડમાં લઈ જવામાં આવ્યો.
વનરાજ અને ક્રિષ્નવી બહાર રાહ જોતા હતા. બીજા ૨-૩ ડૉક્ટર પણ અંદર ગયા, અને નર્સો પણ ઉતાવળે વોર્ડનાં દરવાજાથી અંદર બહાર કરતી હતી. કોઈ કાંઈ કહે એનો સમય નહતો, અને ક્રિશનવીને કશું પુછવાની હિંમત પણ ક્યાં હતી.
૧૦ મિનિટ પછી, ડૉક્ટર નિરાશ ચહેરે બહાર આવ્યાં. ઘણી કોશિશો છતાંયે...ઈશાનનાં શ્વાસ કાયમ માટે, બંધ થઈ ચૂક્યાં હતા.
ક્રિષ્નવીને એની પછી કહેલા ડૉક્ટરનાં એકેય શબ્દો સંભળાયા નહિં, કાન જાણે સૂન થઈ ગયા. અને એ ઢળી પડી.
પ્રણયે જેના પાસેથી પૈસા ઉધાર લીધા હતા એ લેણદાર ઘરે આવી ચડેલો. અને તેને ધમકાવી રહ્યો હતો. ઈશાનને લેણદાર કશું કરી નાખશે તો, એ ડરથી પ્રણય લેણદારને લઈને સોસાયટીની બહાર વાતચીત પતાવવા ગયો હતો. બસ, એની એ ગેરહાજરીના સમયમાં જ આવી ઘટના બની ગઈ. એ આવ્યો અને તેને સમગ્ર ઘટનાની જાણ થતાં, તુરંત હોસ્પિટલ પહોંચી ગયો.એ પહોંચ્યો ત્યાં સુધીમાં બધું પુરું થઈ ગયું હતુ. એનો ઈશાન આ દુનિયા છોડીને જતો રહ્યો હતો. અને ક્રિષ્નવી આ વાત સાંભળીને બેભાન થઈ ગઈ હતી.
થોડીવાર પછી ક્રિષ્નવી ભાનમાં આવી. ભાનમાં આવતાની સાથે જ એને ઈશાન યાદ આવ્યો. અને સામે પ્રણય દેખાયો.
પ્રણયને જોતા જ, ક્રિષ્નવીએ બેબાકળા થઈને તેને પૂછ્યું, "ઈશુ?? ઈશુ...?? પ્રણય..ઈશુ ક્યાં છે??", એને ડૉક્ટરએ હમણાં કહેલી વાત યાદ આવી, અને એ રડતાં રડતાં પ્રણયને હલબલાવીને પૂછવા લાગી, "પ્રણય ઈશુ બહાર રમે છેને???હું જે વિચારું છું એ મારું ખરાબ સપનું હતું ને? ઈશુ ને કશું નથી થયુ ને?", પ્રણય નિરુતર હતો.
પ્રણયનું મૌન ક્રિષ્નવીને ડરાવી રહ્યું, એ ઉભી થઈ અને પ્રણયને લગભગ ધક્કો મારીને એકતરફ કરીને, ઉતાવળાં પગલે ઈશાનનાં નામની બુમો પાડતાં આગળ ૨-૪ ડગલાં ચાલી જ હશે કે પ્રણયએ રડતાં રડતાં કહ્યું, "એ સપનુ નહીં પરંતુ એક બિહામણી હકીકત છે ક્રિષ્નવી. આપણો ઈશાન.."
પ્રણય પોતાનું વાક્ય પુરું કરે તેની પહેલા જ ક્રિષ્નવી તેના પાસે પાછી આવી અને જોરથી તેનાં ગાલ પર થપ્પડ મારી દિધો. ધ્રુજતાં હાથે પ્રણયના મોઢા પર આંગળી મુકતા, આંખોમાથી ટપકવાં મથી રહેલા આંસુ સાથે એને ખિજવાયને કહ્યું, "ચૂપ, એકદમ ચૂપ... શરમ નથી આવતી઼ પોતાનાં દિકરા વિશે આવું બોલતા. અરે અહીંયા ક્યાંક રમતો હશે. શોધ એને. મારો ઈશુ....", એમ કહેતા ક્રિષ્નવી ફરી ઈશાનને શોધવા ચાલતી થઈ.
પ્રણયે પોતાના બંનેવ હાથ, ક્રિષ્નવીનાં ખભા પર મૂકીને તેને ઊભી રાખી. અને પીડા સાથે કહ્યું, "તારે મને એક નહિ, જેટલા લાફા મારવા હોય તેટલાં મારી લે. પણ આ જ હકીકત છે. આપડો ઈશુ હવે આ દુનિયામાં નથી."
અને ક્રિષ્નવીનું શરીર ઢીલું પડી ગયુ. જાણે બધી હિંમત હણાય ગઈ. તે પોતાના બંનેવ ગોઠણીયાં વાળીને નીચે બેસી ગઈ. થોડીવાર સુન થઈ ગઈ. પ્રણય પણ એની સામે બેઠો. અને તેણીને યાદ આવતા કહ્યું, "બધી જ તારી ભૂલ છે, બસ થોડીવાર ધ્યાન રાખવાનું હતું મારા ઇશુનું. એની સિવાય ક્યાં કશું મેં માંગ્યુ હતું તારા પાસે? તું થોડીવાર પણ એને ના સાચવી શક્યો?", આટલું કહેતાં કહેતાં તો ક્રિષ્નવી હતું એટલું જોર કરીને, બંનેવ હાથોથી પ્રણયને જોર જોરથી મારવા લાગી.પ્રણયે થોડીવાર એને એમ જ મારવા દિધી અને પછી જોર કરીને તેને શાંત કરવા કસકસાવીને ગળે લગાવી દિધી. ક્રિષ્નવી હજુ પણ એને મારવાની કોશિશ કરી જ રહી હતી. અંતે થાકી હારીને, એ જોરજોરથી બુમો પાડીને "મારો ઈશુ...મારો ઈશુ.." કરીને રડવા લાગી. અને ફરીથી બેભાન થઈ ગઈ.
એ સતત ૨૪ કલાક સુધી આવી જ રીતે બેભાન રહી. જ્યારે પણ ભાનમાં આવતી, તેને ઈશાન યાદ આવતો અને જોરજોરથી રડવા લાગતી. એનુ આક્રંદ એટલુ પીડાજનક હોતું કે એને શાંત કરવા ડૉક્ટરએ ઘેનનાં ઈન્જેક્શન આપવા પડતા.
આ દરમિયાન, ડોક્ટરે ઈશાનની બોડીને તુરંત અગ્નિસંસ્કાર માટે લઈ જવાનું કહ્યું. પ્રણયએ થોડા કલાક ક્રિષ્નવી સ્થિર થાય, ભાનમાં આવે એવી રાહ જોઈ. પણ પછી એને જ એવો વિચાર આવ્યો કે ઈશાનને આ હાલતમાં જોઇને કદાચ ક્રિષ્નવીને વધારે તકલીફ થશે. એટલે તે એકલો.. એક એકલો બાપ કઠોર હ્રદયે પોતાનાં ૬ વષઁના બાળકની, તેના જન્મદિવસે અંતીમ વિધિ કરાવી આવ્યો. આ તે કેવી વિધાતાની ક્રુરતા!!
બીજા દિવસે ક્રિષ્નવી ભાનમાં આવી. ડોક્ટરે પ્રણયને બોલાવ્યો. એ મનોમન ક્રિષ્નવીને કેવી રીતે શાંત રાખશે એના વિચાર કરી રહ્યો હતો. પરંતુ, ક્રિષ્નવી કશું બોલી જ નહિ. કોઈ પ્રશ્ન નહિ? આંખોમા આંસુ નહિ. બસ નરી શૂન્યતા. જાણે કે એક પથ્થર. કદાચ તેને પોતાના મન સાથે સમાધાન કરી લિધું હતુ.
બંનેવ ઘરે પહોંચ્યા. દરવાજો ખોલ્યો. સામે જ ઈશાનના રમકડાં, ખાતા બચેલી પોપકોર્નનો વાટકો, દીવાલ પર લગાવેલા બલૂન્સ..બધું એમ જ પડેલું હતું. પણ, બસ ખાલી ઈશાન હાજર નહતો, એ વિચારતા જ પ્રણયની આંખમા આંસુ આવી ગયા.
ક્રિષ્નવી કશું ના બોલી. એ ઘર વ્યવસ્થિત કરવા લાગી પડી. પ્રણયને અચરજ થયું.
૪-૫ દિવસ એમ જ વીતિ ગયા. ક્રિષ્નવી કે પ્રણય વચ્ચે એકપણ શબ્દની આપ-લે થઈ નહતી. બોલવા જેવું કશું બાકી તો નહોતું રહ્યું પણ આ સુનકાર પ્રણયનું હૃદય વિંધી રહ્યું હતું. એણે પણ તો દિકરો ગુમાવ્યો હતો. એ પણ તેને પ્રેમ તો કરતો જ હતો. એ ઈચ્છતો હતો કે ક્રિષ્નવી સાથે એની પીડા વહેંચે. પણ ક્રિષ્નવી જાણે જીવતી જાગતી લાશ બની ગઈ હતી. તેને પ્રયત્નો પણ કર્યાં ક્રિષ્નવી સાથે વાત કરવાના, પણ એ તો બસ શૂન્યમનસ્ક થઈને બેઠી રહેતી. નિરુત્તર.
એકદિવસ સવારે પ્રણય જાગ્યો. ઘરમાં આમ તેમ શોધી પણ ક્રિષ્નવી કશે દેખાણી નહિ. એના નામની હાક મારી, ઉપર જઈને લલિતા બહેનને પૂછ્યું. પણ ક્યાંય એનો પત્તો નહિં. ફરીથી ઘરે આવીને, રસોડામાં ગયો તો જોયું કે એક ગ્લાસની નીચે એક લેટર પડયો હતો. ખોલીને જોયું તો ક્રિષ્નવીનાં અક્ષર હતા.
"સોરી પ્રણય, હું ઘર છોડીને જાવ છું.
એનાથી આગળ પ્રણયથી ના વાંચી શકાયું. બસ આંખમાથી આંસુઓ સરી પડયા.