"આ ઈશાનના પિતા છે, પ્રણય!!", ક્રિષ્નવીએ વનરાજને કહ્યું.
"સોરી ક્રિષ્નવી, તને લાંબા સમય બાદ આમ અચાનક જોઈને ભેટી પડાયું.", પ્રણયએ કહ્યું.
"એમાં સોરી શું કહેવાનું હોય? તમારી જ પત્ની છે.", ક્રિષ્નવી કંઈ જવાબ આપે એના પહેલાં જ વનરાજએ કહ્યું, "હેલો, મારું નામ વનરાજ છે."
"આ છે વનરાજ, તને ખ્યાલ હોય તો ઈશાનનો બેસ્ટ ફ્રેન્ડ હતો અર્જુન – તેના પિતા.", ક્રિષ્નવીએ વનરાજ અને પ્રણયની એકબીજા સાથે ઓળખાણ કરાવી.
બંનેવએ એકબીજાને હાથ મિલાવીને ઔપચારિકતા દેખાડી. વનરાજના ચહેરા પર પ્રણયની અચાનક થયેલી હાજરીથી અણગમાના ભાવ સ્પષ્ટ દેખાતા હતા.
"સોરી વનરાજ, તમને વધુ જાણવાનું ગમત, પણ અત્યારે ઘણાં સમય પછી ક્રિષ્નવીને મળ્યો છું તો તમને ખોટું ન લાગે તો તેની સાથે એકલામાં...", પ્રણયએ ખચકાટ સાથે કહ્યું.
"અરે ચોક્કસ ચોક્કસ. શી ઈઝ ઓલ યોરસ.", એટલું કહીને વનરાજ ક્રિષ્નવીને બાય કહ્યાં વિના જ જતો રહ્યો.
તેનું આ રીતે જતું રહેવું ક્રિષ્નવીને ગમ્યું તો નહોતું, પરંતુ અત્યારે તે કશું કરી શકે તેમ નહોતી.
"ઓહ ક્રિષ્નવી, હું કેટલો નસીબદાર છું કે તું મને ફરી મળી. તારા ગયા પછી મેં પોતાને એ જ દિવસથી બદલવાની કોશીશ શરૂ કરી દીધી. દારૂ અને જુગારને તો મેં ઈશાનનાં ગયા પછી મુકી જ દીધેલું. સાચું કહું તો મેં તને શોધવાની કોશીશ જ નહોતી કરી. મારી કોશીશો હતી ખુદને સુધારવાની, બદલવાની દિશા તરફ. મનમાં એક નિશ્ચય કર્યો હતો કે જો હું તારા લાયક હોઈશ તો નસીબ જાતે જ તને મારા જીવનમાં પાછી લાવશે. અને જો, તું અત્યારે મારી સામે છે.", પ્રણય ખૂબ ખુશ લાગતો હતો.
એની સામે ક્રિષ્નવીનાં ભાવમાં એટલો બધો હરખ નહોતો દેખાતો.
"તને સાથે રહીને તો હું બદલી ના શકી, પણ મારા જવાથી તારું જીવન સારી રીતે બદલાયું એ જાણીને ખુશી થઈ.", ક્રિષ્નવીએ કોઈપણ જાતના હાવભાવ વિના સામાન્ય રીતે કહ્યું.
"ક્રિષ્નવી પ્લીઝ યાર, એવી રીતે ના બોલીશ. હું જાણું છું કે સાથે રહીને મેં સુખ ઓછું અને તકલીફો વધુ આપી છે તને. અને ઈશાન સાથે જે થયું એમાં વધુ-ઓછા અંશે ક્યાંક મારોજ દોષ હતો, જેના માટે માફી માંગવી પણ શરમજનક કહેવાય. પણ ક્રિષ્નવી, મને એક વાર… ફરી એકવાર એક આખરી તક આપ, હું બધું ઠીક કરી દઈશ.", પ્રણય કરગરી રહ્યો હતો.
"શું ઠીક કરી દઈશ? તારી સાથે રહેવાથી શું મારો ઈશાન પાછો આવી જશે?", ઈશાનનું નામ સાંભળીને ક્રિષ્નવી ઉશ્કેરાઈ ગઈ.
"ક્રિષ્નવી... ઈશાનને ગુમાવવાનું દુઃખ જેટલું તને છે એટલું મને પણ છે જ. હું ત્યારે ભલે જેવો પણ હતો છતાં મારા બાળકનું કોઈપણ સંજોગોમાં મૃત્યુ થાય એવું મેં ક્યારેય નહોતું ઈચ્છ્યું. તું જીવનભર શું આના માટે મને જ દોષ આપતી રહીશ? તું કેમ ભૂલી જાય છે કે એ મારો પણ દીકરો હતો. એનું આવી રીતે વિદાય લેવું કદાચ નક્કી જ હતું એના નસીબમાં. એ ઘટનાનાં કારણે કાયમ મને દોષ આપતું રહેવું કેટલું યોગ્ય છે ક્રિષ્નવી? હું ન હોત તો શું એ ઘટના ન બનત એની કોઈ ખાતરી છે તારી પાસે?", પ્રણયએ ક્રિષ્નવીને સમજાવવાની કોશીશ કરી.
"આ બધા તથ્યોનું હું શું કરું પ્રણય? કારણ જે પણ હોય, એનું નસીબ કે તું એ સમયે હાજર ન રહી શક્યો એ ઘટના... આખરે સત્ય તો એ જ છે ને કે આજે મારો દીકરો મારી પાસે નથી. અને ફરી પાછો મારી પાસે ક્યારેય આવશે પણ નહીં. હું ક્યારેય એને ફરી જોઈ શકીશ નહીં.", ક્રિષ્નવી ફરી એકવાર તૂટી ગઈ. એ રડી પડી.
પ્રણય એની પાસે ગયો અને તેના ખભે હાથ મૂકીને તેને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો. ગળે લગાવવાનો હક હતો કે નહીં ખબર નહીં.
પ્રણયના એ સ્પર્શએ જાણે ક્રિષ્નવીના દુઃખનો બંધ તોડી નાખ્યો. તે એને ગળે વળગીને, છાતી પર માથું મૂકીને વધુ જોરથી રડવા લાગી. પ્રણય પણ રડી પડ્યો. જાણે એ બનેલી દુઃખદ ઘટના ફરી જીવંત બની ગઈ.
થોડી ક્ષણો એમ જ રડી લીધા પછી, ક્રિષ્નવી ભાનમાં આવી અને પ્રણયથી અલગ થઈ ગઈ. પોતાને સ્વસ્થ કરીને પ્રણયને "સોરી" કહ્યું.
"એમાં સોરી થોડી કહેવાનું હોય. હક છે તારો. આજેય તું મારી પત્ની છે, હું તારો પતિ છું અને આપણે આપણાં બાળકનાં પિતા-માતા.", પ્રણયએ વાતાવરણને હળવું કરવાનો પ્રયાસ કર્યો.
"પ્રણય, પ્લીઝ…"
"તું વિચારી જો ક્રિષ્નવી, મારી પછતાવાની લાગણીના કારણે, મેં તને આટલા સમયમાં શોધવાની કોશીશ જ નહોતી કરી. હિંમત જ નહોતી થતી તારી સામે આવવાની. મેં બધું મારા નસીબ ઉપર એટલે જ મૂકી દીધેલું. પણ કુદરતની રમત જો, જે કંપનીમાં જૉબ કરું છું એ કંપનીના આટલા બધા અનાથાશ્રમ છોડીને, તું જે આશ્રમમાં હતી એ જ આશ્રમમાં આવવું, અને આટલા બધા લોકોની ભીડમાં પણ તારું મને મળી જવું... કંઇક તો સંકેત આપે છે. કદાચ આપડો ઈશાન પણ ઉપર બેઠો બેઠો ઈચ્છે છે કે આપણે ફરી ભેગા થઇ જઈએ. એકબીજાને તક આપીએ."
ક્રિષ્નવી કઈ બોલી નહીં, પણ ‘ઈશાન’ વાળા વાક્યએ તેને વિચારતી કરી મૂકી. પણ તેને હજી વિચારવાનો સમય જોઈએ હતો. કારણકે અત્યારની પરિસ્થિતિ અલગ હતી. તેના એક જવાબથી ફક્ત તેની અને પ્રણયની જિંદગી નહીં, વનરાજ અને અર્જુનની જિંદગી પણ બદલાઈ શકે એમ હતી.
પ્રણય તેને પોતાની ગાડીમાં ઘરે સુધી મુકવા ગયો. આખા રસ્તામાં બંનેવ વચ્ચે એકપણ શબ્દની આપ-લે ન થઈ. પ્રણય જાણતો હતો કે પરિસ્થિતિ નાજુક છે, વિચારવા માટે સમય તો જોઈએ જ, એટલે તે ચૂપ જ રહ્યો. જતાં જતાં ફક્ત એટલું કહ્યું,
"ક્રિષ્નવી, વિચારવા માટે તને જોઈએ એટલો સમય લેજે. પોતાના પર કોઈપણ જાતનું દબાણ ના મૂકિશ, તારું મન કહે એ કરજે અને કહેજે. પછી ભલે એ 'હા' હોય કે 'ના'. મને મંજૂર હશે.", એટલું કહીને પ્રણયએ પોતાની ગાડી હાંકી મુકી.
ક્રિષ્નવી ઘરે પહોંચી તો જોયું કે વનરાજનાં ઘરનો દરવાજો ખુલ્લો હતો અને અર્જુન તેની રાહ જોઈ રહ્યો હતો. તેને જોતા જ દોડીને અર્જુન ક્રિષ્નવીને વળગી પડ્યો.
"હું કયારનો તમારી રાહ જોઈ રહ્યો હતો. પપ્પા કહેતાં હતાં કે તમે હવે પાછા નહીં આવો. શું એ સાચું છે?", અર્જુને રડમસ અવાજે પૂછ્યું.
"ના બેટા, હું ક્યાંય નથી જવાની.", ક્રિષ્નવીએ તેને સમજાવતા કહ્યું.
"છોકરા સામે જુઠું બોલવાની જરૂર નથી. તમે ઈચ્છો તો જઈ શકો છો.", વનરાજએ ગુસ્સામાં કહ્યું.
ક્રિષ્નવીને જવાની વાત કરી એ સાંભળી અર્જુન રડવા લાગ્યો.
"પ્લીઝ, તમે ક્યાંય ન જશો."
"હું કયાંય નથી જવાની. જો, હું તારી સામે જ છું ને અત્યારે."
"ના, મને બીક લાગે છે કે તમે જતા રહેશો. તમે આજે મારી સાથે જ ઊંઘી જાવને પ્લીઝ."
ક્રિષ્નવીના જવાબની રાહ જોયા વિના, અર્જુન તેનો હાથ ખેંચીને પોતાના રૂમમાં લઈ ગયો. ક્રિષ્નવી ના ન પાડી શકી. વનરાજ તો ક્યારનો પગ પછાઙીને ગુસ્સામાં જતો રહયો હતો.
ક્રિષ્નવીની હાજરીથી અર્જુન તરત જ નિરાંતથી ઊંઘી ગયો. અને ક્રિષ્નવીની રાત તો કોને શું જવાબ આપવો એની મૂંજવણમાં પસાર થતી રહી. મળસકે થોડા સમય માટે હજી આંખ મળી જ હતી કે વનરાજના અવાજથી તે જાગી ગઈ અને બહાર આવી.
વનરાજ ઓફિસ જવા નીકળી રહ્યો હતો.ક્રિષ્નવીને તેણે જોઈ હોવા છતાં, અવગણીને તે ચાલવા લાગ્યો.
"વનરાજ, ઊભા રહો.", ક્રિષ્નવીએ તેને દરવાજા પર ઊભો રાખ્યો.
"મારે મોડું થાય છે. જે પણ કહેવું હોય પછી કહેજે."
વનરાજ ચાલવા લાગ્યો તો ક્રિષ્નવીએ તેનો હાથ પકડીને તેને રોકતાં કહ્યું, "સ્ટોપ બીહેવિંગ લાઈક અ કિડ. કાલની જોઈ રહી છું કે તમે ગુસ્સામાં છો. મને કારણ તો જણાવો."
"મારે હવે કંઈ કહેવાની જરૂર છે? કારણ તો તારી સામે ગઈકાલે જ હાજર થઈ ચૂક્યું છે.", એટલું કહીને હાથ છોઙાવીને વનરાજ જતો રહયો.
"હાય," ક્રિષ્નવી વનરાજની બેંકની બહાર તેની રાહ જોઈને ઊભી હતી.
"તું અહીં??", વનરાજ ગુસ્સે હોવા છતાં, પોતાને સ્મિત કરતાં રોકી ન શક્યો.
"શું કરું? કોઈ નાના બાળકની જેમ રીસાયું હતું."
બંનેવ પાસેના એક કૉફી શોપ પર ગયા. થોડા સમય સુધી કોઈ કશું બોલ્યું નહીં.
"સોરી કે હું કંઈ વિચાર્યા વિના ગુસ્સે થઈ ગયો. પણ શું કરું, તારો પતિ અચાનક જે રીતે પ્રગટ થયો, મને લાગ્યું કે હવે ચોક્કસ હું તને ગુમાવી દઈશ. પણ શાંતિથી વિચારતા એવું લાગ્યું કે ઈટ્સ ઓકે. હું સમજી શકું છું કે...", વનરાજે ચૂપ્પી તોડતાં કહ્યું.
"એક મિનિટ… મેં તમને તમારા ગઈકાલે પૂછેલાં પ્રશ્નનો કોઈ જવાબ આપ્યો?"
"ના…પણ…"
"તો શું કામ બધું જાતે નક્કી કરી લીધું? આ તો કેવું? પ્રશ્ન પણ તમારો અને જવાબ પણ તમારોજ? જવાબ પહેલેથી ખબર હોય તો પૂછવાનું જ શું કામ? મને પૂછ્યું છે ને, તો મને વિચારવાનો સમય તો આપો, કંઈક નક્કી તો કરી લેવા દો. જાતે જ બધું વિચારીને તમે તો છેલ્લી પાટલીએ જઈને બેસી ગયા.", ક્રિષ્નવીની વ્યાગ્રતા છલકાઈ આવી.
"સોરી. શું કરું, ભગવાન જે મારી જિંદગી સાથે રમત રમી રહ્યાં છે, એ કેવી રીતે હેન્ડલ કરું એ સમજાતું નથી. અત્યાર સુધી તો એમના ભરોસે જે ચાલતું રહ્યું એ ચાલવા દીધું. હવે કદાચ એમને એમ લાગ્યું હશે કે લો, આ વખતે આને ઓપશન આપું પસંદ કરવા. એમને ખબર જ છે કે હું પસંદ કરવામાં નબળી છું તો શું કામ એવી રમત રમવી જોઈએ? ચાલતું હતું એમ ચાલવા દેવું જોઈએ ને.", ક્રિષ્નવી હસીને પોતાની જ લાઇફમાં બની રહેલી ઘટનાને હળવી કરવાનો પ્રયત્ન કરી રહી હતી.
"ક્રિષ્નવી તું ઠીક છે ને? ઘડીમાં તને ગુસ્સે થતાં જોઉં છું, અને ઘડીભરમાં તું આમ હસી રહી છે.", વનરાજને તેની ચિંતા થઈ.
ક્રિષ્નવીએ પ્રણય સાથે થયેલી પ્રથમ મુલાકાતથી લઈને અત્યાર સુધી બનેલી બધી જ ઘટનાઓ વિષે વાત કરી.
"હવે તમે જ કહો કે હું શું કરું? એક તરફ પ્રણય છે, જે એક નવી શરૂઆત કરવા માંગે છે. અને કદાચ, કદાચ મારો ઈશાન એવું ઈચ્છે છે એટલે જ આમ અચાનક એ મારી લાઇફમાં ફરી આવ્યો છે. અને બીજી બાજુ તમે છો, તમે અને અર્જુન બંનેવ, જે ખુદને અને મને ફરી ખુશ થવાનો મોકો આપવા માંગે છે. તો એમાં મારે કોની પસંદગી કરવી જોઈએ?", ક્રિષ્નવીએ પોતાની મુંજવણ કહી.
"તમે જેને પ્રેમ કરતા હોવ તેની પસંદગી તમારે કરવી જોઈએ ક્રિષ્નવી. આ વખતે ઈશ્વર પણ એવું ઈચ્છે છે કે તું તારી ખુશીઓનો રસ્તો જાતે પસંદ કરે. પછી ભલે એ રસ્તાના છેડે હું હોઉં કે પ્રણય – એ તારે જાતે જ નક્કી કરવું પડશે."
"વનરાજ, સાચું કહું ને તો પ્રેમ જેવું હવે પ્રણય માટે મારા મનમાં કંઈ જ નથી. અને તમારા માટે પણ હાલમાં તો નથી જ. મન મારું ત્યાં અટવાય છે જ્યાં વચ્ચે ‘કદાચ’ આવે છે. એક તરફ અર્જુન છે, જે હવે મારા વિના રહી શકતો નથી, પોતાની ‘માં’ની જગ્યા એ મને જુએ છે. અને બીજી બાજુ છે ઈશાન. જે હાજર ન હોવા છતાંપણ હાજર છે. પ્રણયનું આમ અચાનક આવી પડવું કદાચ તેનું કોઈ સંકેત હોય, એ ઈચ્છતો હોય કે હું એને માફ કરીને ફરી એની સાથે જોડાઈ જાઉં. આખરે એ ઈશાનનો પિતા છે, અને ઈશાન જયારે હતો, ત્યારે ઈચ્છતો હતો કે એક હેપ્પી ફેમિલીની જેમ અમે રહીએ. તો હવે આમાં પસંદગી કોની કરવી? જે હાલમાં મારી નજર સામે છે અને મને ખબર છે કે મારી હાજરી માત્રથી એ ખુશ રહેશે એની. કે પછી જે આ દુનિયામાં હાજર નથી, એ કદાચ મારા પ્રણયની સાથે હોવાથી ખુશ થશે એની. અને હું બંનેવમાંથી કોઈને દુઃખી કરી શકું એમ નથી.", ક્રિષ્નવી ભારે મુંજવણમાં હતી.
"ક્રિષ્નવી, તું નિરાંતે સમજી-વિચારીને નક્કી કર. તું જે પણ કહેશે એ મને ખુશી-ખુશી મંજુર હશે. અંતે તારું ખુશ હોવું અમારાં માટે વધારે મહત્વનું છે."
ક્રિષ્નવી ખરી કશમકશમાં હતી. શું કરવું સમજાતું નહોતું. તે મનમાં ને મનમાં પોતાની સાથે જ બંનેવની તુલના કરીને એક નિર્ણય પર પહોંચવાની કોશીશ કરી રહી હતી.
"શું મારે ફરીથી પ્રણય પાસે જવું જોઈએ? એની વાત ખોટી પણ નથી જ. એ ઈશાનનાં મૃત્યુ માટે નિમિત્ત બન્યો પણ દેખીતી રીતે એનો ક્યાં કોઈ વાંક હતો? કદાચ હું જ એની ક્યારેક સુધરી જશે, એ આશાથી હતાશ થઈને ત્યાંથી નીકળી ગઈ હતી. પણ હવે એ બદલાઈ ગયો છે, તો શું મારે તેનો સાથ ન આપવો જોઈએ? એણે પણ તો એક શરત હોવા છતાંય, હું જયારે ઘર છોડીને તેની પાસે ગઈ ત્યારે કાયમ માટે સાથ નિભાવેલો જ ને. તો શું મારે તેને ફરી મોકો ન આપવો જોઈએ? બીજી બાજુ અર્જુનનો પણ ક્યાં કોઈ વાંક છે. મેં એને નજીક આવવા દીધો એટલે એને મારી માટે આશા બંધાણી. એ નાનકડો છોકરો જે મને એની માં ની જગ્યા એ જુએ છે એનું દિલ હું કેવી રીતે તોડું? એ ભલે 'માં' કહીને મને બોલાવતો નથી પણ એની આંખો જ ઘણું બધું કહી દે છે."
આખરે ઘણું વિચાર્યા પછી ક્રિષ્નવીએ કશુંક નક્કી કરીને પ્રણય અને વનરાજને મેસેજ કરી દીધો.
"મળીએ આજે બપોરે ૨ વાગ્યે. ધી કે ફે બ્લયુ, સીટી મોલ."
બીજી તરફ પ્રણય અને વનરાજ બંનેવ અધીર હતા એ જાણવા કે આખરે શું હશે ક્રિષ્નવીનો નિર્ણય.
સમય થતાં બંનેવ મોલના ત્રીજા માળ પર આવેલા કેફેમાં પહોંચી ગયા. એકબીજાને જોઈને આશ્ચર્ય તો થયું પણ કોઈએ કશું કહ્યું નહીં. મનમાં જ સમજી ગયા કે જે પણ વાત છે એ ક્રિષ્નવી બંનેવને એકસાથે કહેવા માંગે છે. રાહ હતી તો બસ ક્રિષ્નવીની.
ક્રિષ્નવી ટ્રાફિકનાં કારણે થોડી મોડી પડી હતી. મોલની અંદર આવીને તે ઊતાવળે પગલે લિફ્ટ પાસે ગઈ, અને લિફ્ટનું બટન દબાવ્યું. લિફ્ટ આવી. એ અંદર ગઈ અને ત્રીજા માળનું બટન દબાવ્યું.
વનરાજનો ફોન આવ્યો, ક્યાં પહોંચી છે એમ જાણવા માટે. ક્રિષ્નવીએ ફોન ઉંચક્યો તો ખરા પણ લિફ્ટમાં નેટવર્ક બરાબર પકડાતું નહોતું એટલે સામે છેઙે વનરાજને કશું સંભળાતું નહોતું.
લિફ્ટ બીજાં માળે પહોંચી હશે અને લિફ્ટે જરાક ઝટકો માર્યો. ફરી પાછી લિફ્ટ જેમ ચાલતી હતી એમ ચાલવા લાગી... ત્રીજા માળે પહોંચવામાં જ હતી કે લિફ્ટ 'સરરર...' કરતી નીચેની તરફ તેજગતીએ જવા લાગી.
ક્રિષ્નવી ગભરાઈ ગઈ. શું કરવું સમજાતું નહોતું. બે હાથથી લિફ્ટની દીવાલો પકડવાનો તેણે વ્યર્થ પ્રયાસ કર્યો. આંખોમાં ડર હતો, શ્વાસની ગતિ પણ નીચે જતી લિફ્ટની ગતિની જેમ જ વધી રહી હતી. મોઢામાંથી ચીસ નીકળી ગઈ, પણ સાંભળવા માટે કોઈ નહોતું.
લિફ્ટે પોતાનું કામ કર્યું, તેજ ગતીએ જઈને સીધી બીજા લેવલની અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગની જમીનને અથડાઈને 'ધડામ્' કરતી ઊભી રહી. પછઙાટથી લિફ્ટના અંદરના કાચ તૂટી ગયા અને ક્રિષ્નવી પર પડ્યાં.
સામે દેખાતા મૃત્યુને કે પછી કહો કે ઈશ્વરે પોતાની માટે લીધેલા અંતિમ નિર્ણયને જાણે તેણે સ્વીકારી લીધો હોય એમ તે લિફ્ટમાં નીચે સૂઈ ગઈ. લિફ્ટનાં તૂટેલાં કાચ બધાં એની પર પડ્યાં હતાં, અને જમીન પર પછઙાવાથી લાગેલા ઘા ના કારણે તેનું ત્યાં જ મૃત્યુ થયું હતું. આંખો હજી ખુલ્લી હતી, કદાચ આશા હતી અંતિમ સમયે કોઈને જોવાની, પોતાનો નિર્ણય સંભળાવવાની.
અંતે લિફ્ટના દરવાજા ખુલ્યાં...
બહાર ઉભેલા કર્મચારી એકબીજા સાથે ધીમા અવાજે ઘુસપુસ કરી રહ્યાં હતાં.
"મેં તને કહ્યું હતું ને કે 'લિફ્ટ બગડી ગઈ છે' નું બોર્ડ લગાવી દેજે."
"મને એમ કે એ તું કરવાનો હતો."
પણ હવે આ ચર્ચાનો કોઈ અર્થ ન હતો. કેફેમાં કોઈ તેના નિર્ણય અને તેની, આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું. પણ એ વ્યક્તિ તો હવે તૂટેલી લિફ્ટમાં નિર્જીવ પડી હતી.
અંત.