એ દિવસથી તમારા બેન બનેવી પણ તમારા ઘરે રહેવા આવી જવાના હતા. એ દિવસે સાંજે તમે મને ફોન કર્યો હતો કે આપણે લગ્ન પછી ક્યાં ફરવા જઈશું ? હજી હું કંઈ કહું તે પહેલાં જ તમે કહ્યું કે બનેવી કહે છે કે મહાબળેશ્વર જઈશું અને એમ પણ કહ્યું કે આપણી સાથે બેન બનેવી પણ આવશે અને બાજુમાં તમારી જ ઉંમરના કુટુંબી કાકા છે જેના અત્યારે જ લગ્ન થયા છે તે પણ આવશે. દર વખતની જેમ મેં તમે જે કહ્યું તે માની લીધું. આ બાજુ મારા કાકા એ પપ્પાને કહ્યું કે જો તમે સામેવાળાને લગ્નમાં બોલાવવાના હશો તો એ લોકો લગ્નમાં નહીં જ આવે. કાકાને અમારી સામેવાળા સાથે અંગત દુશ્મનાવટ હતી. પણ એ લોકોના પપ્પા સાથે સંબંધ સારા હતા. કાકાએ આવું કહ્યું એટલે પપ્પા મૂંઝવણમાં મુકાઇ ગયા કે હવે શું કરું ? સામેવાળાને નહીં કહું તો મારા સંબંધ બગડશે અને કહીશ તો મારા જ ભાઈનો પરિવાર લગ્નમાં નહીં આવે. પણ સામેવાળા કાકાએ જાતે જ પપ્પાને કહી દીધું કે તમે અમને ગણો છો એટલું જ બસ છે પણ અમે લગ્નમાં નહીં આવીએ. તમે શાંતિથી તમારો પ્રસંગ પતાવો. અને પપ્પાના માથેથી એક મોટું ટેન્શન દૂર થયું. જેમ લગ્નનો દિવસ નજીક આવતો હતો તેમ મને એમ થતું કે હું આ બધું કરી શકીશ કે નહીં. પણ મારે તો પપ્પા માટે આ લગ્ન કરવાના હતા અને એ નિભાવવાના પણ હતા. મામાએ બે થી ત્રણ વખત મને પૂછ્યું હતું કે તું ખુશ છે ને ? કંઈ પણ હોય તો મને કહી દે હું બનેવીને સમજાવીશ. પણ મેં કહ્યું હતું કે ના હું ખુશ જ છું તમે વિચારવાનું બંધ કરી દો. લગ્નના બે દિવસ પહેલાં અમારા ઘરે ગીત ગાવાનું રાખ્યું હતું. તો કાકા, ફોઈ- ફુઆજી આવ્યા તો હતા પણ કોઈ પપ્પાને પૂછતું ન હતું કે ભાઈ કંઈ કામ હોય તો કહો અમે કરીશું. પપ્પાએ એકલે હાથે બધુ કર્યું. ભાઈ એનાથી થાય એવી મદદ કરતો. કાકાના છોકરાઓ પણ એમનાથી થાય એવા કામ કરતા પણ મોટા કોઈએ પપ્પાનું કામ ઓછું કરવાની કોશિશ ન કરી. રસોઈઆથી માંડીને વાડી ને બીજી બધી તૈયારી પપ્પાએ એકલા હાથે કરી. મને આ જોઈને ખૂબ રડવું આવતું હતું પણ હું કંઈ કરી શકતી ન હતી. એટલું સારું હતું કે કંઈ પણ લાવવા મૂકવાનું હોય તો મારા જીજાજી જાતે બધું કરી લેતા. લગ્નના આગલા દિવસે મેં પપ્પાને મારી પાસે ભેગા કરેલાં એ બધા જ રૂપિયા આપી દીધા. રકમ મોટી હતી એટલે પપ્પાએ પૂછયું પણ ખરું કે આટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા તારી પાસે ? ને મેં એમને કહ્યું હતું કે તમે મને જે વાપરવા આપતા હતા તે બધા મેં ભેગા કર્યા છે. ને એ દિવસે પપ્પા પણ મારી સાથે ખૂબ રડ્યા. એ દિવસે પપ્પાનું પ્રેશર પાછું વધી ગયેલું ને ડોકટર બોલાવવા પડેલા. દવા લીધા પછી પપ્પાને સારું થયું હતું. લગ્નના દિવસે સવારે વાડીએ જવા નીકળ્યા. ત્યાં જઈને વિધિ શરૂ થઈ. તમારે ત્યાં પણ એ જ દિવસે સવારે ગ્રહશાંતક હતી. ગ્રહશાંતક પૂરી થયા પછી તમારે ત્યાંથી પહેરામણી પહેરવા તમારા મમ્મી, બેન, કાકી, મામી બધા આવ્યા હતા. ખૂબ આગતા સ્વાગતા કરી બધાની મારા મમ્મી પપ્પાએ. બધાને વદાના કવર પણ આપ્યા. ને પછી એ લોકો ગયા. આપણા લગ્ન રાત ના હતા એટલે સાંજે તમારે ત્યાંથી જાન નીકળવાની હતી. ને અમારે ત્યાં પણ બધા જ મહેમાનો સાંજે જ આવવાના હતા. અમારે ત્યાં મહેમાનો આવવાના શરૂ થઈ ગયા. મામાના ફળિયામાંથી બધા લોકો આવવા લાગ્યા ને એમને જોઈને મને એટલું બધું રડવું આવ્યું કે હું ચૂપ રહી જ શકતી ન હતી. ફક્ત મામાના ફળિયાવાળા ને જ બોલાવ્યા હતા મામાના મિત્રોને આમંત્રણ ન હતું. મામાએ જ ના પાડી હતી કે પછી માણસ વધી જશે એટલે બધાને કહેવાની જરૂર નથી. મને કદાચ એ દિવસે છેલ્લી વખત એમને જોવાની આશા હતી પણ એમને આમંત્રણ નથી એ મને ખબર હતી અને કદાચ એટલે જ હું રડી રહી હતી. પણ મારા દાદીએ આવીને કહ્યું તું રડવાનું બંધ કરી દે તારા પપ્પાને ખબર પડશે તો એમની તબિયત બગડશે. ને હું એકદમ ચૂપ થઇ ગઈ.