૬. સૌંદર્યાભિમાની
માટીથી લિંપેલા ઘરમાં રહેતી સામાન્ય ખેડૂતની દીકરી એ મારિયા! આરીસામાં ખુદને નિહાળતી ત્યારે એની આંખોમાં અભિમાન ઝળકી ઉઠતું અને એનું મન એમને કહેતું–ઓહો આટલું સુંદર રૂપ, એનો અધિકારી તો કોઈક રાજકુમાર જ હોય!
એનું મન એમને સાચું જ કહેતું હતું, ગૌરવર્ણનો ગોળ એમનો ચહેરો, એમના ગુલાબની પાંખડીઓ જેવા ગુલાબી હોઠ, ભરાયેલા ગાલ પર એ જ્યારે હસતી ત્યારે ખંજન ખીલી ઉઠતા અને એના દાડમના દાણા જેવા સફેદ દાંત ચમકી ઉઠતા. હરણી જેવી એની આંખો અને તેના પર ધનુષ્યની કમાન જેવો વળાંક લેતી ભ્રમરો, એના છૂટા, પીઠ સુધી લંબાયેલા વાળ અને માટીના કુંજ જેવી એની કમર!
એનું રૂપ અપ્સરાને પણ ઝાંખી પાડે તેવું હતું. એના રૂપમાં માત્ર એક રાજકુમારને મોહિત કરવાનું જ નહી પણ અનેક હૃદયો પર સામ્રાજ્ય સ્થાપવાનું સામર્થ્ય હતું.
આમ પોતાના રૂપ પરના અભિમાનને લીધે, સામાન્ય નારીઓની જેમ(🤪 વિલક્ષણ નારી પણ હોય જ છે.) પણ કોઈક રાજકુમાર કે માલેતુજારને પરણવાના સ્વપ્નમાં રચ્યી રહેતી. ગામનો એક યુવાન પેડ્રો તેને ખૂબ જ ચાહતો હતો અને પોતાના પ્રાણ પણ પાથરી એ તેના હૃદયને જીતવાના અનેક પ્રયાસો કરતો હતો. અનેકવાર તેણે તેને મદદરૂપ થઈ, એના જીવનના એક સાચા સાથી, સાચા મિત્ર તરીકેની ફરજ બજાવી હતી. જો કે મારિયા પણ તેના તરફ થોડા ઘણા અંશે તો આકર્ષિત હતી જ, ક્યારેક એને થતું કે આવો સમજદાર, પ્રેમાળ અને સમર્પિત જીવનસાથી હોય તો જીવન ખુશહાલ બની જાય! પણ તેનું સૌંદર્યાભિમાન તેના આ સદવિચાર નો છેદ ઉડાવી દેતો. એ ફરી વિચારતી કે કોઈક માલેતુજાર રાજકુમાર પણ સમજદાર, પ્રેમાળ અને સમર્પિત હોઈ શકે અને એવો કોઈક એક દિવસ મને મળી જશે. મારું સૌંદર્ય એને મોહપાશમાં જકડ્યા વગર નહી રહે અને હું મહેલોમાં રહી ખૂબ સારી જિંદગી જીવતી હશે.
આવું વિચારી તે મહદઅંશે પેડ્રો સાથે મોટાભાગે મીઠી મીઠી વાતો કરતી અને મનમાં કોઈ મહેલોવાળા રાજકુમારના વિચારોમાં જ ખોવાયેલી રહેતી.
એક દિવસ ગામમાં એક શ્રીમંત વેપારી આવ્યો, તેનો ભભકાદાર પહેરવેશ, ગાડીઓ અને નોકરો જોઈને મારિયાની આંખો ચમકી ઉઠી. તેણે પોતાના રૂપનો જાદુ ચલાવ્યો અને વેપારીને મોહિત કરી દીધો. થોડા જ દિવસોમાં તેની સાથે લગ્ન થયાં, અને મારિયાએ બે બાળકોને જન્મ આપ્યો. મારિયા પરણીને મોટા નગરમાં સાસરે જતી રહી. થોડો સમય સંસાર ખૂબ સારી રીતે ચાલ્યો. પણ જેવું રૂપનું અભિમાન હોય એવું જ સંપત્તિનું ન હોય? સમય જતાં વેપારીનું ધ્યાન બીજી સ્ત્રી તરફ ગયું. એક દિવસ તેણે મારિયાને કહ્યું,
"હવે તું મને નથી ગમતી, મને તું મારા જીવનમાં નથી જોઈતી."
અને તે બાળકો સાથે તેને છોડીને ચાલ્યો ગયો. મારિયાનું અભિમાન ચૂર ચૂર થઈ ગયું. ગુસ્સે અને દુઃખે ભરાયેલી તેણે પોતાના બાળકોને નદીના કિનારે લઈ જઈને પાણીમાં ડુબાડી દીધાં. જેવું તેનું હૃદય ઠંડું પડ્યું, તેને પોતાની ભૂલનો અહેસાસ થયો. તેણે નદીમાં કૂદીને પોતાનો જીવ આપી દીધો, પણ તેની આત્માને શાંતિ ન મળી.
ત્યારથી ગામની નદી પાસે રાત્રે એક સફેદ વસ્ત્રોમાં લપેટાયેલી સ્ત્રીની આકૃતિ ફરતી દેખાય છે, જે રડતી હોય છે અને બોલે છે,
"મારાં બાળકો ક્યાં છે?"
ગામલોકો તેને "લા લોરોના" (રડતી સ્ત્રી) કહે છે.
એક રાત્રે પેડ્રો, જે હજી પણ મારિયાને ભૂલી શક્યો ન હતો અને તેની યાદમાં પાગલ બની રખડતો હતો તે નદી પાસે ગયો. તેણે લા લોરોનાને જોઈ અને તેની પાછળ દોડ્યો, એવું માનીને કે તે મારિયા છે. પણ જેવો તે નજીક પહોંચ્યો, તેની આંખોમાં લા લોરોનાનો ભયંકર ચહેરો દેખાયો—હાડકાં જેવું મોં અને ઊંડી કાળી આંખો જોઈ પેડ્રો બેહોશ થઈ ગયો.
જ્યારે કોઈક અજાણ્યાના ઘરમાં તે હોંશમાં આવ્યો, ત્યારે સામેના આરિસમાં જોઈ તેને યાદ આવ્યું કે મારિયા આત્મહત્યા કરી ગઈ એને તો પંદર વર્ષ વિતી ગયા હતા આજે તો આજે તો તેના વાળ પણ સફેદ થઈ ગયા હતા, ચહેરા પર ઘડપણની રેખાઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી અને તે પોતાના જીવનના અંતિમ પડાવમાં હતો.
ગામલોકો માને છે કે લા લોરોના તેનાં બાળકોને શોધે છે અને જે કોઈ તેની નજીક જાય, તેને શાપ આપે છે. રાત્રે નદી પાસે તેનું રડવું હજી સંભળાય છે.
મેક્સિકોની આ લોકકથામાં સૌંદર્ય અને સંપત્તિનું અભિમાન, તેની સદવિચાર પરની અસરોને પ્રતિબિંબિત કરે છે. જ્યાં અભિમાન હોય ત્યાં સદવિચાર ટકતા નથી. સદવિચારો અભિમાનને અવગુણી સમજી તેની સંગત કરતા નથી. આથી અભિમાનને પોષવું ન જોઈએ.
લોકવાયકાઓ ઘણીવાર કંઇક શિખામણ પણ આપી જતી હોય છે!