World's Short Ghost Stories (Folktales) Part ,-5 in Gujarati Short Stories by Bhaveshkumar K Chudasama books and stories PDF | વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૫ ચંદનનું ઝાડ

Featured Books
Categories
Share

વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૫ ચંદનનું ઝાડ

૪. ચંદનનું ઝાડ

એક વૈવિધ્યસભર સંસ્કૃતિના સમન્વય સ્વરૂપ, બહુરંગી દેશની ધરાના દક્ષિણ ભાગ પર, રાત્રિના સમયે ચંદ્રના આછાં અજવાળામાં એક ઘરડાં વ્યક્તિ હરિહરન  કુટ્ટી અને તેની સાથે તેનો કિશોર વયનો પૌત્ર ગોપલન કુટ્ટી છે. બંને પગપાળા એક ગામથી બીજે ગામ ગામડાના ધુળીયા માર્ગે આગળ વધી રહ્યા છે. એક જગ્યા એ અચાનક જ વાતાવરણમાં ચંદનના વૃક્ષની સુગંધ મહેકી ઉઠી.

ગોપલન કુટ્ટીએ ઊંડો શ્વાસ લઈ, આસપાસ નજર ફેરવી જોયું અને આશ્ચર્ય પૂર્વક તેના દાદાને પૂછ્યું,

"દાદા ચંદનની સુગંધ! પણ અહીં ક્યાંય ચંદનનું વૃક્ષ તો દેખાતું નથી અને જંગલો પણ અહીંથી ખાસ્સા દૂર છે તો આ સુગંધ ક્યાંથી આવે છે?"

દાદાએ હસીને તેની સામે જોયું, પછી રસ્તાની એક તરફ આંગળી ચીંધી બતાવતા કહ્યું,

"હા, અહીં ઘણીવાર કોઈ દેખીતા કારણ વગર જ ચંદનની સુગંધ આવે છે. મારા દાદા કહેતા કે વર્ષો પહેલા ત્યાં સામે એક ચંદનનું વૃક્ષ હતું."

(કોઈકના દાદાના દાદા કહેતા! બસ લોકવાયકાઓની આજ તો ઓળખાણ છે. લેખિત નથી મૌખિક છે. એક જીભ પરથી બીજી જીભ પર ઉતરી આવે છે. બદલતા વક્તા સાથે એ પણ પોતાનું રૂપ મૂળ બદલે છે. ક્યારેક મૂળ તત્વો ગુમાવી તત્વહિન બને છે તો ક્યારેક નવા તત્વો મેળવી તત્વસભર બને છે.)

"પણ દાદા વર્ષો પહેલા હતું તો અત્યારે એની સુગંધ ક્યાંથી હોય?"

દાદાના ઉત્તરથી સંતુષ્ટિ પ્રકટ કરતા ગોપાલને પૂછ્યું.

હરિહરને એક ઊંડો શ્વાસ લઈ, ચહેરા પર સ્મિત લાવી કહ્યું,

"હા, વર્ષો પહેલા અહીં જંગલ જેવું હતું અને ત્યાં સામે અનેક અન્ય વૃક્ષોની વચ્ચે ઊભેલું, એકમાત્ર એવું એ ચંદનનું એક વૃક્ષ હતું. તેની ડાળીઓ પર વિચિત્ર નિશાનીઓ હતી અને લોકો તેને શ્રાપિત માનતા હતા. લોકો જંગલમાં લાકડા કાપવા આવતા પણ કોઈ એ ચંદનના ઝાડને કાપતું નહી. પણ એક દિવસ એક રામન નામનો કઠિયારો પૈસાના લોભે એ ઝાડને કાપવા તૈયાર થયો. તેના સાથી મિત્રોએ તેને ખૂબ સમજાવ્યો પણ તે માન્યો નહી. તેણે એ ચંદનની ડાળીઓ પર કુહાડો માર્યો અને એક મોટી ડાળ તોડી પાડી. એ ડાળમાંથી લોહી જેવું પ્રવાહી નીકળ્યું. અને ઝાડમાંથી કોઈક સ્ત્રીનો પીડા ભર્યો આવાજ આવ્યો."

"રામન ડરીને, કુહાડો ત્યાં જ મૂકીને ભાગી ગયો. એ રાત્રે તેને સ્વપ્નમાં એક સ્ત્રી આવી તેની આંખોમાં ક્રોધ હતો અને અંગ પર કુહાડીના ઘાના નિશાન હતા. તે ગુસ્સાથી કહેતી હતી, —તે મારું ઘર તોડ્યું, મને નુકશાન પહોંચાડ્યું હું બદલો લઈશ. એ સ્વપ્ન થી તે ખૂબ જ ડરી ગયો. એ પછી તો દિવસે પણ તેને સ્વપ્નમાં આવેલી સ્ત્રી દેખાતી અને તે ડરેલો રહેતો. તેણે કામ ધંધે જવાનું બંધ કરી દીધું અને ઘરમાં પુરાયેલો જ રહેતો. તેની પત્ની તેનાથી કંટાળીને તેના છોકરાઓને લઈ પિયર જતી રહી. એક દિવસ કોઈ સવારે કોઈ દેખીતા કારણ વગર જ રામનનું મકાન પડેલું જોવામાં આવ્યું. એ મકાનના કાટમાળની નીચેથી રામનનો મૃતદેહ મળ્યો."

"લોકો કહે છે કે અહીં જે ચંદનનું ઝાડ હતું તેમાં સમાયેલી આત્માએ રામનનો જીવ લીધો. હવે એ ચંદનનું વૃક્ષ નથી રહ્યું પણ એ આત્મા હજી આટલામાં જ ક્યાંક ભટકે છે. ક્યારેક અહીંથી નીકળતા રાહદારીઓને ચંદનની સુગંધ આવે છે તો ક્યારેક કોઈ સ્ત્રીનું રુદન કે ડૂસકાં પણ સંભળાય છે."

હરિહરન કુટ્ટીએ પોતાની વાત પૂરી કરી ત્યારે તેઓ બંને એ વૃક્ષથી આગળ નીકળી ગયા હતા. ગોપાલન કુટ્ટી હજી પણ હવામાં ફેલાયેલી, એ આછી ચંદનની ખુશ્બુ અનુભવતો હતો. તેણે પાછા ફરી એ જગ્યા તરફ જોયું. ચંદ્રના આછા પ્રકાશમાં તેને એક સ્ત્રી જેવી ધૂંધળી આકૃતિ દેખાઈ જેના હાથ વૃક્ષની ડાળીઓ જેવા હતા.

વર્ષો બાદ ગોપાલન કુટ્ટી એક ગાડીમાં પાછળની સીટ પર બેઠો છે. તેના વાળ સફેદ થઈ ગયા છે. ચહેરા પર કરચોલીઓ દેખાઈ આવે છે. તેની બાજુમાં એક કિશોર વયનો છોકરો બેઠો છે. ગાડી ફરી એ માર્ગ પરથી ધીમી ગતિએ પસાર થાય છે. કિશોર એક ઊંડો શ્વાસ લઈ પૂછે છે.

"દાદા તમને ચંદનની સુગંધ આવે છે?"

*પ્રકૃતિ પ્રેમ કે માત્ર શ્રાપિત વૃક્ષનો ડર!?*