૪. ડોમોવોય
આપણાં ગામડાંઓમાં રસોઈ બનાવ્યા પછી ચૂલામાં અગ્નિદેવતાને અર્ધ્ય રૂપે થોડું રાંધેલું અન્ન આપવાનો રિવાજ છે. કંઈક આવી જ માન્યતા રશિયામાં પણ છે, પણ ત્યાં અગ્નિદેવતા કે અર્ધ્ય નહીં, એક જુદી વિચારધારા છે—ચૂલા સાથે જોડાયેલી. રશિયામાં એવું માનવામાં આવે છે કે દરેક ઘરના ચૂલા પાછળ એક નાનકડો, દાઢીવાળો ડોમોવોય રહે છે—પૂર્વજની આત્મા, જે ઘર અને પરિવારની રક્ષા કરે છે. લોકો તેને ખુશ રાખવા રોટલી કે અન્નનો ટુકડો ચૂલા પાસે મૂકે છે.
અઢારમી સદીમાં સાઇબિરિયાના એક નાનકડા ગામમાં ઈવાન નામનો ખેડૂત રહેતો હતો. તે ગરીબ હતો, પણ પત્ની નતાશા અને બે બાળકો સાથે ખુશહાલ જીવન જીવતો હતો. તે રોજ સાંજે ચૂલા પાસે અડધી રોટલી મૂકતો અને માનતો કે ડોમોવોય તેના ઘરની સુરક્ષા કરશે.
એક દિવસ ગામના શાહુકારે ઈવાનને કહ્યું,
"તારું મકાન મને આપી દે."
ઈવાને ના પાડી. શાહુકારે ધમકી આપી,
"જો તે નહીં આપે, તો હું ગામના મુખી અને લોકોને તારી વિરુદ્ધ ભડકાવીને તને ગામ બહાર કઢાવીશ."
ઈવાન ડગ્યો નહીં. શાહુકારે ગામમાં ઈવાન વિરુદ્ધ ખોટી અફવાઓ ફેલાવી, તેને માનસિક ત્રાસ આપવા લાગ્યો. ઈવાન તણાવમાં આવી ગયો. ધીરે ધીરે તે દારૂના રવાડે ચઢ્યો. એક રાત્રે નશામાં ઘરે આવીને તેણે ચૂલો તોડી નાખ્યો અને બરાડ્યો, "ડોમોવોય તું મને ખુશ નથી રાખતો! મારે મારા ઘરમાં તારી કોઈ જરૂર નથી, મારા ઘરમાંથી બહાર નીકળી જા."
બીજા દિવસથી ઈવાનના ઘરમાં વિચિત્ર ઘટનાઓ શરૂ થઈ. લાકડાં ખખડવાનો અવાજ, બાળકનું રડવું, ઘરમાં પગલાંની આહટ—અને નતાશાને લાગતું કે કોઈ તેની પાછળ ચાલે છે. એક રાત્રે ઈવાનને સ્વપ્નમાં નાનકડી, દાઢીવાળી આત્મા દેખાઈ. તે ઈવાનનું ગળું દબાવતી હતી અને બોલી,
"મારું ઘર મને પાછું આપ! તારાં કહેવાથી હું ઘરમાંથી બહાર નહી જાઉં. તે મારું ઘર શા માટે તોડ્યું?"
ઈવાન પથારીમાંથી સફાળો જાગી ગયો, પણ તેનું હૃદય ધડકતું રહ્યું.
થોડા દિવસોમાં ઈવાનનાં બાળકો બીમાર પડ્યાં. જો કે તેઓને કંઈ થયું નહી પણ એક સવારે નતાશા રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ. ઘરમાંથી ફક્ત તેનો શાલ પડેલો મળ્યો. ઈવાન પાગલ જેવો થઈ ગયો અને એક રાત્રે તે પણ ગાયબ થયો.
ગામલોકોએ તેના બાળકોને ઉછેર્યાં અને મોટા કર્યા.
ઈવાનના ગાયબ થવા બાદ પેલા શાહુકારે એ ઘર પર પોતાનો દાવો કર્યો અને એ ઘર હડપી લીધું. થોડા સમય બાદ એ ત્યાં રહેવા ગયો. પણ ત્યાં તો ઈવાન ના પૂર્વજ એવા ડોમોવોયનો વાસ હતો. વળ તે એનું ઘર તૂટી જવાથી ગુસ્સે હતો. શાહુકારને પણ થોડા સમયમાં વિચિત્ર અનુભવો થવા લાગ્યા. રાત્રે કોઈકના રડવાનો અવાજ, કોઈકના પગરવ અને ચૂલા પાસે લાકડાઓ ખખડવાનો અવાજ આવતો. ઘરના બધાને રાત્રે ડરામણા સ્વપ્ન આવતા અને ડરીને અચાનક જ ઉઠી જતાં. થોડા દિવસોમાં શાહુકારના બંને છોકરાઓ બીમાર પડ્યા, અનેક દવા-દુવાઓ કરવા છતાં તેઓ બચ્યા નહી. શાહુકારને વેપારમાં પણ ફટકો લાગ્યો અને તે બેહાલ થઈ ગયો. એક રાત્રે તેની પત્ની પણ ગાયબ થઈ ગઈ. અચાનક આ રીતે દશા ફરવાથી શાહુકાર તેનું માનસિક સંતુલન ખોઈ બેઠો. તે કેટલાય દિવસો સુધી પાગલની જેમ ગામમાં અહીં તહીં ભટક્યો અને એક દિવસ આત્મહત્યા કરી લીધી.
એ પછી ઈવાનના એ ઘરમાં કોઈએ રહેવા જવાની હિંમત ન કરી. ઈવાનનું એ ઘર વેરાન રહ્યું. વર્ષો પછી તે ખંઢેર બની ગયું. રાત્રે તે ખંઢેરમાંથી ચૂલાની રાખ ઊડતી દેખાતી, અને પગલાંના અવાજ સાથે ઝાંખો બડબડાટ સંભળાતો. કોઈ ત્યાં રહેવા જવાની હિંમત નહોતું કરતું.
આ વાર્તા રશિયાની એક સ્થાનિક લોકવાયકા છે, જેમાં ડોમોવોય—ઘરનો રક્ષક—પૂર્વજોની શક્તિ જે ખુશી કે શ્રાપનું પ્રતીક બને છે. વળી, એક ચોક્કસ સમાજ કે જે ડોમોવોય જેવી કોઈ અજ્ઞાત પૂર્વજિય શક્તિમાં શ્રધ્ધા રાખી, ખુશ રહેવા માટેનું અદ્રશ્ય પ્રેરક બળ મેળવે છે. તો ક્યારેક તેના દુઃખો કે અણબનાવોને તેના ક્રોધ કે શાપ સાથે જોડે છે.