Bhool chhe ke Nahi ? - 17 in Gujarati Women Focused by Mir books and stories PDF | ભૂલ છે કે નહીં ? - ભાગ 17

The Author
Featured Books
Categories
Share

ભૂલ છે કે નહીં ? - ભાગ 17

અમે માતાજીની માટલી વળાવીને ઘરે આવી ગયા. એ રાત વીતી ગઈ. બીજા દિવસે અમે અમારા ઘરે આવી ગયા. મારા મનમાં એમને ખોવાનો ડર બેસી ગયો. પણ મેં કોઈ દિવસ એમની સાથે વાત પણ ન કરી હતી કે એમણે પણ મારી સાથે વાત કરી ન હતી. છતાં કેમ આવી લાગણી મારી અંદર પાંગરી રહી હતી એ ખબર જ ન પડી ? હું બારમા ધોરણમાં નાપાસ થયેલી એટલે શાળાએ જવાનું હતું જ નહીં કે કદાચ એ ત્યાં આવે અને હું એમને જોઈ લઉં. પણ એ શક્ય ન હતું. પણ હું એ ભૂલીને ઘરમાં મમ્મીને મદદ કરતી. મારી પરીક્ષા પતી ગઈ હતી, મારા ભાઈએ પણ એની દસમા ધોરણની પરીક્ષા આપી હતી. રિઝલ્ટ આવે પછી પણ બીજા વર્ષે જ એડમીશન લેવાનું હતું એટલે હું મમ્મીને ઘરના બધા જ કામમાં મદદ કરાવતી. ધીરે ધીરે રસોઈ પણ શીખવા લાગી હતી. ભાઈ બસ રખડવાનું કામ કરતો હતો. બેન ને પછી એના સાસરા વાળાએ પણ બોલાવી લીધી હતી એટલે એ લોકો જીજાજીના ઘરે રહેવા આવી ગયા હતા. એમનું ઘર અમારા ઘરથી પાંચ છ ઘર છોડીને જ હતું. બેને એની નોકરી ફરીથી ચાલુ કરી દીધી હતી. જીજાજી પણ રિક્ષા ચલાવતા હતા. મને કોઈ વાર બેઠા બેઠા એમના વિચાર આવી જતાં. વળી, એ પણ યાદ આવતું કે મામા મને જિદ કરીને ત્યાં લઈ ગયા, વળી ગરબા રમવા માટે પણ કહી રહ્યા હતા અને આરતી કરવા માટે પણ મને એમણે જ તૈયાર કરી હતી. હા, દર વખતે હું કરતી હતી પણ આ વખતે મારે એમનાથી દૂર રહેવું હતું અને એટલે જ હું આ બધું કરવા માગતી ન હતી છતાં મામાએ કરાવ્યું. આ બધા વિચારો પછી એવું વિચારતી કે કદાચ એમણે મામાને કંઈ કહ્યું હોય અને એટલે જ મામાએ મારી સાથે આટલી જિદ કરી હોય. કદાચ એમણે મામાને કહ્યું હોય કે એ મારી સાથે વાત કરવા માગતા હોય અને એટલે જ બધા આરતી લેવાના સમયે એમના સિવાય બધા જ મારાથી દૂર ચાલી ગયા હતા. આ બધા વિચારોમાં દિવસ ક્યાં જતા રહ્યા ખબર જ ન પડી. થોડા દિવસમાં દિવાળી આવી. નવા વર્ષના દિવસે અમે મામાને ઘરે જતા. આ વખતે મમ્મીએ મને કહ્યું કે એ સાંજે મામાના ઘરે જશે તું કાકાની દિકરી સાથે અત્યારે જઈ આવ એટલે સાંજે તું ઘરે હોય ને કોઈ મહેમાન આવે તો બા ને તકલીફ ના પડે. હું તો ખુશ થઈ ગઈ મામાને ત્યાં જવાનું થયું. ફરી મનમાં એમને જોવાની લાલચ જાગી. મારે એમની સાથે વાત તો કરવી જ ન હતી બસ એમને જોવા હતા. દશેરા પછી એમને જોયા જ ન હતા. વળી, એ દિવસે એ ગયા પછી એ મારા વિશે શું વિચારે છે એ પણ તો ખબર ન હતી. મારે જાણવું હતું કે મામાને કંઈક ખબર છે કે નહીં ? પણ સીધે સીધું હું મામાને પૂછી તો ન શકું ? વિચાર આવ્યો કે જાઉં તો ખરી કંઈક તો ખબર પડશે. અને હું અને મારા કાકાની છોકરી મામાને ત્યાં ગયા. મને ખબર ન હતી કે આ સમયે એ મને જોવા મળશે કે નહીં છતાં હું ગઈ. મામાને ત્યાં થોડી વાર બેઠા. પછી મારી બહેનપણીને મળવા ગઈ. ત્યાંથી બાજુમાં બીજા બે ત્રણ ઘરે જઈને ફરી પાછી મામાના ઘરે આવી. ત્યાંથી નીકળવાની તૈયારી કરતી હતી ત્યાં તો એ મામાના ઘરના બારણામાં આવીને ઊભા રહ્યા. મારા નાના નાનીને મળ્યા, એમને પગે લાગ્યા, મામાને પણ નવા વર્ષની શુભકામના આપી ને ત્યાં જ બેસી ગયા. ન એમણે મને કંઈ કહ્યું ન મેં એમને કંઈ કહ્યું. બસ એમને ત્યાં બેઠેલા જોયા ને પછી હું અને મારા કાકાની દિકરી નાના નાનીને કહીને ઘરે પાછા ફરવા નીકળી ગયા. મામાએ રોકવાની કોશિશ કરી પણ અમે નીકળી ગયા.