Bhool chhe ke Nahi ? - 12 in Gujarati Women Focused by Mir books and stories PDF | ભૂલ છે કે નહીં ? - ભાગ 12

The Author
Featured Books
Categories
Share

ભૂલ છે કે નહીં ? - ભાગ 12

બેનને પપ્પાએ જ્યાં નોકરીએ લગાડી હતી એ ત્યાં પણ જતી ન હતી. કાકા, ભાઈ બધા જેટલી જગ્યા ખબર હતી એ બધી જગ્યા પર તપાસ કરીને થાકી ગયા. કશેથી પણ એના કોઈ સમાચાર મળતા ન હતા. આ બાજુ મારી પરીક્ષા નજીક આવી રહી હતી. પપ્પાને પણ સારું ન હતું. આરામ કરવા છતાં એમનું પ્રેશર કંટ્રોલમાં આવતું ન હતું. લગભગ દસેક દિવસ પછી કોઈકે કાકાને બેન ક્યાં છે એની માહિતી આપી. પણ કાકાએ પપ્પાને કહી દીધું કે એને ઘરે બોલાવવાની જરૂર નથી. આગળ જતાં એ તમને ખૂબ હેરાન કરશે. એની સાથે અત્યારથી જ સંબંધ પૂરો કરી દો. આ સાંભળીને હું અને મમ્મી તો એકદમ રડવા જેવા થઈ ગયા. પપ્પાએ એમને કોઈ જવાબ ન આપ્યો. બા પણ ઘણું બધું બોલવા માંડ્યા કે હા એને ઘરે બોલાવવાની કોઈ જરૂર નથી ને બીજું પણ ઘણું બધું. મારાથી કે મમ્મીથી  તો હા કે ના પણ નહીં બોલાયું કે કદાચ પપ્પાને પાછું કંઈ ટેન્શન થઈ જાય એમ કરીને. ભાઈને તો જાણે બોલાવે કે ન બોલાવે કંઈ ફરક પડતો જ હતો. આમ પણ એના બધા કામ એ મારા હસ્તક કરાવતો અને એટલે બેન એને કોઈ વાર ખીજવાઈ જતી એટલે એને કંઈ પડેલી ન હતી. બેનના સમાચાર મળ્યા એટલે જાણે પપ્પાને રાહત થઈ ગઈ હોય એમ એમનું પ્રેશર ધીરે ધીરે કંટ્રોલમાં આવવા માંડ્યું. પાંચ છ દિવસમાં તો નોકરી પર પણ જવા લાગ્યા. મારી કે મમ્મીની એમને બેન વિશે કંઈ કહેવાની કે પૂછવાની હિંમત ન હતી. પણ એક દિવસ પપ્પાએ સાંજે ઘરે આવીને અમે જમવા બેઠા ત્યારે મમ્મીને કહયું કે તેઓ બેનને મળીને આવ્યા. સારી છે. પેલો છોકરો જે કંઈ જ ન કરતો હતો એ હવે રિક્ષા ચલાવે છે અને એમનો ખર્ચ એમાંથી નીકળે છે. બંનેએ બે ચાર જોડી એમના માટે કપડાં લીધાં અને રસોઈ માટે થોડા વાસણ વસાવ્યા છે. એક રુમ ભાડે રાખીને એમાં રહેતાં છે. છોકરાનો ભાઈ મને મળેલો અને કહ્યું કે તમારે મારા ભાઈને પોલીસમાં આપવો હોય તો પણ અમને વાંધો નથી. એણે આ કાર્ય ખોટું કર્યુ છે અમે તમને કંઈ પણ ન કહીશું. તમે જે યોગ્ય લાગે તે કરજો. અમે હજી સુધી એને મળવા ગયા નથી. તમારી દિકરીના ભવિષ્યનો સવાલ છે. અમારી મમ્મીનો એ લાડકો છે પણ આ નિર્ણય લેતાં પહેલાં એકવાર એણે અમને વાત કરવાની જરૂર હતી. તમે જો એમને સ્વીકારશો તો અમે ખુશીથી તમારો નિર્ણય સ્વીકારશું અને જો તમને એ માન્ય ન હોય તો પણ તમે જે કહેશો તે કરીશું. હું, મમ્મી, ભાઈ, બા - અમે બધા પપ્પાની વાત શાંતિથી સાંભળી રહ્યા. મમ્મીએ કહ્યું તમે આમ મળવા ગયા હતા એ નાનાભાઈ એટલે કે મારા કાકાને ખબર પડશે તો ? અને તે ઉપરાંત મોટા બનેવી એટલે કે મારા ફુઆજીને ખબર પડશે તો એ બોલાવવા દેશે આપણી દિકરીને ઘરે ? પપ્પાએ કહ્યું હું હજી થોડા દિવસ જોઉં છું એ બંને કેવી રીતે રહે છે તે પછી હું વાત કરીશ. ને આમ પણ એ લોકો મારો વિરોધ નહીં કરી શકે. એ દિવસે પપ્પા સૂઈ ગયા પછી મેં મમ્મીને પૂછ્યું કે ફુઆજી કે કાકા કેમ પપ્પાનો વિરોધ નહીં કરી શકે ? કાકા તો કેટલું બધું બોલી ગયેલાં એ દિવસે પપ્પાને. તો હવે કેમ નહીં બોલે. મમ્મીએ કહ્યું કે બેન જે સાચું હોય તે કાકાને સંભળાવી દેય ને એટલે એ એવું ઈચ્છે કે એ અહીં ન આવે તો સારું જેથી કાકા પપ્પા પાસે એમનો અને એમના સંતાનોનો ખર્ચ કરાવ્યા કરે. અત્યાર સુધી તો એ હતી એટલે વધારે કંઈ એમનાથી કહેવાતું નહીં. મેં કહ્યું કે તો પછી ફુઆજી પણ કેમ કંઈ ન બોલે ?