પપ્પા બધાને વારાફરતી જોતાં હતા ને તરત જ પૂછ્યું કે બેન ક્યાં છે ? મમ્મીએ ધીરે રહીને આખી વાત કરી. થોડીવાર માટે પપ્પા પણ ચૂપ થઈ ગયા. પછી મારા કાકાને કહ્યું પેલાં છોકરાના ઘરે તપાસ કર એ ક્યાં છે ? કાકાએ કહ્યું મેં તપાસ કરી લીધી છે એ ઘરે નથી. એના ઘરના પણ બધા એમ કહે છે કે એમને ખબર નથી. એ દિવસે પણ કોઈએ કંઈ ખાધું નહીં. મને રહી રહીને વિચાર આવતો હતો કે મેં પહેલાં જ ઘરમાં કહી દીધું હોત કે બેન હજી પેલાં છોકરાને મળે છે તો કદાચ પપ્પાએ એને અટકાવી લીધી હોત. પપ્પા, ભાઈ, કાકા, એમનો દિકરો બધા આખી રાત બેનને શોધતા રહ્યા. એ સમયે મોબાઈલ જેવી કોઈ વસ્તુ તો હતી નહીં કે એ ટ્રેસ કરે ને મળી જાય. પેલા છોકરાની જેટલી જગ્યા બધાને ખબર હતી એ દરેક જગ્યાએ જઈને જોઈ લીધું કશે ન મળ્યા બંને જણા. બીજા દિવસે પપ્પાની તબિયત બગડી. અમારા ફેમિલિ ડોક્ટરને બોલાવ્યા એમણે કહ્યું હાર્ટ સ્પેશિયાલિસ્ટ ને બતાવવું પડશે. કાકા લઈ ગયા પપ્પાને હાર્ટ સ્પેશિયાલિસ્ટ ને બતાવવા માટે. પપ્પાનું પ્રેશર ખૂબ વધી ગયું હતું. ડોક્ટરે કહ્યું એટેક છે આરામ કરવો પડશે. કોઈ પણ પ્રકારનું ટેન્શન ન થાય એ જોવાનું. ત્યારે એન્જિયોગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટી જેવું કંઈ હતું નહીં. બસ આરામ કરવાનો કહ્યું. ઘરે આવીને કાકાએ પપ્પાને કહ્યું તમે આરામ કરો. અમે શોધી લઈશું. પપ્પા કશું પણ બોલતા ન હતા. બસ સૂઈ જ રહેતા હતા. મને પપ્પાને જોઈને ખૂબ રડવું આવતું હતું. પણ એમને ખબર પડે કે હું રડું છું તો એમને દુઃખ થાય એટલે હું રડતી નહીં. બસ એમની પાસે બેસીને મારી પરીક્ષાની તૈયારી કરતી હતી. મમ્મી પણ ચૂપચાપ કામ કર્યા કરતી. જાણે બધા હસવાનું ભૂલી ગયા હતા. બેનના કોઈ સમાચાર મળતા ન હતા. પેલા છોકરાના ઘરવાળા પણ શોધતા હતા. પણ કોઈને કંઈ સમાચાર મળતા ન હતા. પાપાનું પ્રેશર બિલકુલ ઓછું થતું ન હતું. ડોક્ટર રોજ આવતા ને ચેક કરતા. દવા આપી જતાં. મમ્મીના કાકા એક દિવસ પપ્પાની ખબર લેવા આવ્યા. પપ્પાને કહ્યું તમે ચિંતા ન કરો બધું સારું થઇ જશે. પપ્પા એ દિવસે ખૂબ રડ્યા. પપ્પાને રડતા જોઈને હું પણ ખૂબ રડી. એ દિવસે પહેલી વખત મેં પપ્પાને આટલા નિરાશ અને રડતા જોયા. હું કેમે કરીને એમનો રડતો ચહેરો ભૂલી ન શક્તી હતી. એ દિવસે મેં નક્કી કર્યુ કે હું કોઈ પણ દિવસ મારા દિલમાં શું છે તેની જાણ પપ્પાને થવા ન દઈશ. મારા હદયમાં પ્રેમની લાગણીના બીજ રોપાય રહ્યા છે એવી મને ખાતરી ન હતી અને એટલે જ મેં નક્કી કર્યું કે કંઈ પણ થઈ જાય મારા માટેના દરેક નિર્ણય પપ્પા લેશે ભલે એ પછી મારા લગ્નનો કેમ ન હોય. મેં એકદમ વિચારીને આ નિર્ણય કર્યો હતો કે હું એેમને પણ નહીં કહું કે તેઓ મને ગમે છે. ને જો કદાચ એ મને કહેશે તો હું સ્પષ્ટ શબ્દોમાં એમને કહીશ કે પપ્પા સાથે વાત કરી લો. આ નિર્ણય મેં આવેશમાં લીધો ન હતો પણ મેં પપ્પાની જે હાલત જોઈ હતી એવી ફરી પાછી એમની હાલત ન થાય એટલા માટે લીધો હતો. આમ પણ પહેલેથી મારા માટે પપ્પા જે નિર્ણય લેતાં એ જ હું સ્વીકારતી હતી. એટલે આ નિર્ણય માટે મારે કંઈ વિચારવાનું ન હતું. બસ ભારે મારી લાગણીઓને કાબૂમાં રાખવાની હતી. કોઈ પણ કારણસર હું આ નિર્ણયમાં પાછીપાની ન કરું એ મારે જોવાનું હતું.