હું ક્રિકેટ રમતી રમતી ઘરમાં ચાલી ગઈ. ખબર ની પણ કેમ હું એમનો સામનો ન કરી શકી ? બસ ઘરમાંથી એમને જોયા કર્યા. એ મામા સાથે થોડીવાર ઊભા રહ્યા અને પછી ગયા. મેં એમને જોયા કર્યા. અમે મામાના ઘરે જ હતા વેકેશનમાં ને એક દિવસ રવિવાર હતો. ફળિયામાં મામા એમના મિત્રો સાથે વોલીબોલ રમતા હતા અને મમ્મીએ કહ્યું જા ફળિયામાંથી ભાઈને બોલાવી લાવ. અને હું ગઈ. પણ ત્યાં જઈને જોયું કે ભાઈ તો એમની સાથે વોલીબોલ રમતો હતો. મેં બસ જોયા કર્યું. જ્યારે રમતમાં બ્રેક પડ્યો ત્યારે ભાઈ એમની બાજુમાં બેઠો હતો. મારે ભાઈને બોલાવવો હતો પણ એનું ધ્યાન મારે તરફ હતું જ નહીં જ્યારે એ મારી તરફ જ જોતાં હતા. મને થોડીવાર કંઈ સૂઝ્યું જ નહીં પણ પછી મેં એમને ઈશારાથી કહ્યું કે ભાઈને મોકલાવો ને એ સમજી ગયા. એમણે ભાઈને કહ્યું અને ભાઈ આવી ગયો. મને તો જાણે હવામાં ઉડતી હોઉં એવી લાગણી થઇ. આજે પહેલીવાર એમની સાથે ઈશારામાં વાત કરી હતી અને એ સમજી પણ ગયા હતા. જાણે મેં જીંદગી જીતી લીધી હોઈ એવું લાગ્યું. આમ જ થોડા દિવસ રહીને અમે પાછા અમારા ઘરે આવી ગયા. પપ્પાએ બેનને કોઈક જગ્યાએ નોકરીએ લગાડી હતી. હજી એનું કોલેજનું એક વર્ષ બાકી હતું. પણ કહ્યું એ તો નોકરી સાથે થઈ જશે. મારું બારમા ધોરણનું રિઝલ્ટ આવી ગયું. હું નાપાસ થઈ. મારી બધી જ મહેનત ઓછી પડી. મારું ડોક્ટર બનવાનું સપનું અધૂરું રહી ગયું. હું બસ આખો દિવસ રડ્યા જ કરતી. બીજું કંઈ સૂઝતું જ ન હતું. એ જ સમયે ભાઈનું પણ રિઝલ્ટ આવી ગયું. બધા જાણતા હતા તે પ્રમાણે એનું રિઝલ્ટ નાપાસ જ આવ્યું. પણ એને દર વખતની જેમ કોઈ ફરક જ ન પડ્યો અને રમવા નીકળી ગયો. મને મારા પપ્પાએ અને ફુઆજી એ કહ્યું તું પાછી પરીક્ષા આપ અને પછી બી. એસ. સી. માઈક્રોબાયોલોજી સાથે કરજે એટલે મેડિકલ ફિલ્ડમાં જવાશે. મેં ફરીથી મહેનત શરુ કરી. આ સમયગાળામાં બેનનું પેલા છોકરાને મળવાનું ચાલુ હતું. એ કોઈનું સાંભળતી પણ ન હતી. એ એક દિવસ સવારથી નીકળી ગઈ છેક સાંજે આવી. ઘરે એમ કહ્યું કોલેજમાંથી પિકનીક જવાના છે પણ જો તો પેલા છોકરા સાથે ફરવા ગઈ હતી શહેરથી દૂર. મને હવે ખરેખર મમ્મી પપ્પાથી આ બધું છુપાવવું ગમતું ન હતું. એક દિવસ બેન ઘરે આવી એ પહેલાં કાકાએ ઘરમાં મમ્મીને અને પપ્પાને કહી દીધું હતું કે બેન હજી પેલા છોકરાને મળે છે. એટલે જેવી બેન ઘરમાં આવી કે તરત જ મમ્મી એના પર ગુસ્સે થઈ ગયા અને ઘણું બધું બોલ્યા એને. એ દિવસે સાંજે ઘરે કોઈએ કંઈ ખાધું જ નહીં. બીજા દિવસે રોજના સમયે બેન નોકરીએ જવા નીકળી ગઈ. પપ્પા પણ ચાલ્યા ગયા. ભાઈ રમવા નીકળી ગયો. હું મારું વાંચવા બેસી ગઈ. સાંજ થવા આવી. મને ખબરની પણ કંઈ ન થવાનું થશે એવું લાગી રહ્યું હતું. અને એવું જ થયું. બેન આવી, એની સાથે પેલો છોકરો પણ હતો. એણે મને બહાર બોલાવી, એનું ટિફિન આપ્યું અને હું કંઈ કહું તે પહેલાં પેલાં છોકરા સાથે ચાલી ગઈ. મેં ઘરમાં આવીને મમ્મીને કહ્યું, મમ્મી ઘરની બહાર આવી પણ બેન તો ક્યારની નીકળી ગઈ હતી. હવે પપ્પા ઘરે આવે એની રાહ જોવાની હતી. કોઈને કંઈ ખબર તો હતી નહીં કે બેન ક્યાં ગઈ હશે ? પણ પપ્પા ઘરે આવશે તો એમને શું કહીશું એ પણ ખબર ન હતી. અને પપ્પા ઘરે આવી ગયા. બધાને ઘરમાં ચૂપ જોઈને પપ્પાએ પૂછયું શું થયું ?