મને ઘણીવાર વિચાર આવતો કે મારા મનમાં જે એમના માટે લાગણી છે એવી લાગણી એમને મારા માટે હશે ? કદાચ હશે તો જ એ આ રીતે શાળાએ આવતા હતા ને! પણ મને મારા વિચારોનો જવાબ મળતો ન હતો અને હું ફરી પાછી ભણવામાં લાગી જતી. પરીક્ષા પતી ને થોડા સમયમાં દિવાળી આવી. હું ફોઈના ઘરેથી મારા ઘરે આવી. અહી આવીને જોયું કે કંઈ જ બરાબર ન હતું. દરેક વખતની જેમ મમ્મી કામ કર્યા કરતી અને બેન કોઈ ને કોઈ બહાનું કાઢી ઘરની બહાર રહેતી. ભાઈ પણ ભણવામાં ધ્યાન આપતો ન હતો. એ પણ દસમા ધોરણમાં હતો પણ એ પ્રમાણે મહેનત ન કરતો. હું ઘરે આવી એટલે મમ્મીને થોડી રાહત થઈ. હું મમ્મીને કામ કરવા લાગતી એટલે એને થોડો આરામ મળતો. મેં જોયું કે રાતે સુવાના સમયે પપ્પા રુમનો કચરો વાળતાં અને દાદીની ને ભાઈની પથારી કરતા. મેં મમ્મીને પૂછ્યું કાકી કેમ નથી કરતાં તો કહે એમણે તો ક્યારનું દાદીના કામ કરવાનું બંધ કરી દીધું. હું પરવારી ન રહું એટલે પપ્પા કરી દેતાં. બેનનું મોડે સુધી ટયુશન હોય એટલે એ ન કરી શકે. વળી, મમ્મીએ કહ્યું કે બેન તો કંઈ કરવા જ ન લાગે હું થાકી જાઉં છું હવે તો. કારણ કે સામાજિક વ્યવહારો પણ મમ્મી એ જ સાચવવા પડતા. કશે કોઈની ખબર લેવા જવાનું હોય કે કશે બેસણાંમાં જવાનું હોય એ ઘરનું બધું કામ કરીને જતી અને આવીને પાછું કરતી. મને ખૂબ દુઃખ થયુ કે હું ફોઈને ત્યાં ખાલી ભણ્યા જ કરું અને મમ્મી અહીં કેટલી હેરાન થાય. હું અહીં હોત તો મમ્મીને આટલું હેરાન ન થવું પડત. વેકેશન પૂરું થયું. મેં કોઈક બહાનું કરીને ફોઈના ઘરે જવાનું ટાળ્યું. હું મારા ઘરેથી જ સ્કુલ ટ્યુશન જતી અને પાછી ઘરે જ આવી જતી. ને મમ્મીને કામ કરવા લાગતી અને બાકીના સમયમાં વાંચવા બેસતી. હું વાંચવા બેસું ત્યારે ભાઈને પણ કહેતી કે મારી સાથે વાંચવા બેસ પણ એ હંમેશાની જેમ કોઈ ને કોઈ બહાનું કાઢી ચાલ્યો જતો. ત્યાં રહી અને બેન સાથે વાત કરતાં ખબર પડી કે એ પેલા છોકરાને મળે તો છે જ પણ પિક્ચર જોવા પણ જાય છે. મેં એને કહ્યું તું આ ખોટું કરે છે. પહેલાં ભણી લે. તો એમ કહે કે હું કંઈ ખોટું નથી કરતી પ્રેમ કરું છું એને અને એની સાથે જ લગ્ન કરીશ. મેં કહ્યું પણ પહેલાં ભણી તો લે. તો કહે તું તારું કામ કર્યા કર મને ન ટોકીશ અને ઘરમાં પણ કોઈને કંઈ કહીશ નહીં. આ સાંભળી મને ખૂબ દુઃખ થયું. મને ખબર જ ન પડતી હતી કે હું શું કરું ? દિવાળી પછી ઘણા દિવસ મને ઘરે થઈ ગયા એટલે પપ્પાએ કહયું તું ફોઈ ને ત્યાં ચાલી જા. અહીંની ફિકર ન કર. પપ્પા સમજી ગયા હતા કે મને મમ્મી ની ફિકર છે એટલે ફોઈના ઘરે જતી નથી અને એટલે જ એમણે મને જવાનું કહી દીધું કે તું ચાલી જા ત્યાં ને બોર્ડની પરીક્ષા પતાવીને આવજે. હું એ દિવસે ફોઈના ઘરે જતા ખૂબ રડી કે ઈચ્છવા છતાં હું મમ્મી માટે કશું કરી નથી શકતી. ખૂબ ભારે હૃદયે હું ફોઈને ત્યાં આવી. બે ત્રણ દિવસ ઉદાસીમાં નીકળી ગયા પણ પછી નક્કી કર્યું કે ના મારે ભણવાનું છે અને એટલે જ હું અહીં છુ. તો હું ભણવાનું આ રીતે બંધ ન કરી શકું. કેટલાં સપનાં જોડાયેલાં છે મારા ભણવા સાથે. અને ફરીથી મેં મારું ધ્યાન ભણવામાં લગાડી દીધું.