પછી તો લગભગ દરેક આંતરે દિવસે હું એમને મારી શાળાના પ્રાંગણમાં જોતી. એ, મામા અને એમના મિત્રો ક્રિકેટના કપડામાં જોવા મળતા. મને વિચાર આવ્યો કે અત્યાર સુધી નહીં ને હવે જ કેમ મને એ દેખાય છે ? કદાચ એવું પણ હોય કે હું અહીં ભણું છું એવી ખબર પડી હોય અને એેટલે એ અહીં આવતા હોય. હું એમને જોતી, અને ચાલી નીકળતી. એમની સાથે મામા હોય તો હું મામા સાથે પણ વાત ન કરતી બસ ત્યાંથી નીકળી જતી. પણ મનમાં હંમેશા એક ખુશી થતી. એમને જોઈને કંઈક અલગ જ આનંદ મળતો. આમ ને આમ દિવસો વીતતાં હતા. બેન હજી એ છોકરાને મળતી. ભાઈ ભણવામાં ધ્યાન આપતો ન હતો. અને હું વાંચવા બેસું તો કાકા ટીવી બંધ કરતાં ન હતા. જેમ તેમ મારી અગિયારમા ધોરણની પરીક્ષા પતી. મારા પપ્પાએ કહ્યું અહીં રહીને તું વાંચી નહીં શકે ફોઈને ત્યાં ચાલી જા. ફોઈનું ઘર મારી શાળાની નજીક. મને પણ થયું આવી રીતે અહીં વાંચી શકાશે નહીં તો હું ડોકટર કેવી રીતે બનીશ ? અને હું ફોઈને ત્યાં ચાલી ગઈ. પણ મને ઘણીવાર વિચાર આવતો કે મેં ઘરે કોઈને કહ્યું ન હતું કે બેન હજી પેલા છોકરાને મળે છે. વળી, એ પણ વિચાર આવતો કે હું અહીં આવી ગઈ તો મમ્મીને કામમાં કોણ મદદ કરતું હશે ? બેન તો કોઈ દિવસ કંઈ કામ કરાવવા લાગતી જ ન હતી. અમારા બે રુમના ઘરમાં એક રુમ કાકા કાકી વાપરતા એક અમે વાપરતા. પણ કાકા કાકી આખો દિવસ અમારા રુમમાં દાદી સાથે બેસી રહેતા. ને મમ્મી આખો દિવસ રસોડામાં કામ જ કર્યા કરતી. રાતે પપ્પા આવે ત્યારે મમ્મીને કામમાં થોડી મદદ કરતાં. આવા વિચારો દિવસમાં એકવાર તો આવી જ જતા. પણ મેં ભણવામાંથી ધ્યાન જરા આમતેમ ન કર્યું. ફોઈને ત્યાં આવીને મારા ટ્યુશન ફોઈના ઘર નજીક રાખી લીધા જેથી આવવા જવાનો સમય ઓછો બગડે. હજી શાળા છૂટે એટલે મારી આંખો એમને શોધતી. પણ બારમું ધોરણ હતું એટલે શાળામાંથી પણ વહેલી રજા મળી જતી. કદાચ એટલે મને હવે છૂટતી વખતે એ દેખાતા ન હતા. પણ મને એ જોવા ન મળે એનું દુઃખ થતું છતાં એવું ન હતું કે પછી આખો દિવસ એ જ વિચાર્યા કરું. ઘરે જઈને વાંચવા બેસું એટલે બધું જ ભૂલી જતી. રક્ષાબંધન પર ફોઈ સાથે ઘરે ગઈ. બેન ઘરે ન હતી, મમ્મીએ કહ્યું એ બહેનપણીને મળવા ગઈ છે ખૂબ ના પાડી પણ ન માની. હું સમજી ગઈ કે બેન પેલા છોકરાને મળવા જ ગઈ હશે પણ મમ્મીને કહી ન શકી. મમ્મી મામાને ત્યાં જવાની હતી તો મમ્મીએ કહ્યું તું પણ ચાલ ફોઈ તો સાંજ સુધી અહીં રોકાવાના છે એટલે તો આપણે આવી જઈશું. અને મારા મનમાં એને જોવાની લાલસા જાગી એટલે હું તૈયા૨ થઈ ગઈ મામાને ત્યાં જવા માટે ફક્ત એટલે કે કદાચ એ મને જોવા મળી જાય. પણ ત્યાંથી નીકળતાં સુધીમાં એ મને ન દેખાયા અને અમે પાછા ફર્યા. પણ એટલામાં તો મામાના ઘરેથી બસ સ્ટોપ જવાના રસ્તા પર એ મને સામેથી આવતા દેખાયા. અને એ ક્ષણે જાણે મને એમના સિવાય આજુબાજુનું કંઈ જ દેખાતું ન હતું. બસ એ જ દેખાય. અને મેં એમને જોયા છેક એ મારી નજીકથી પસાર થયા ત્યાં સુધી. મને લાગ્યું કે ભગવાન પણ ઈચ્છતા હતા કે હું એમને જોઉં અને એટલે જ મોકલી આપ્યા. બસ, પછી શું ? દિલમાં અનેરા ઉત્સાહ સાથે હું પાછી ફરી અને ભણવાની મહેનત ફરીથી શરૂ થઈ ગઈ.