બસ. નવરાત્રિ પૂરી થઈ ને ફરી ઘરે આવી શાળા - ટ્યુશન શરૂ થઈ ગયા. એક દિવસ હું શાળાએથી છૂટી અને ઘરે આવતી હતી તો મેં અમારી શાળાના દરવાજા પાસે એમને એમના મિત્રો સાથે ઉભેલાં જોયા. મને લાગ્યું કે ના એ ક્યાંથી અહીં આવે પણ મેં વળી વળીને ખાતરી કરી કે ના છે તો એ જ. પણ અહીં ક્યાંથી ? એ સવાલ સતત મારા મનમાં હતો. અને ઘરે આવી તો મામા ઘરે બેઠા હતા. નવરાત્રિ ૫ત્યા પછી મારા કાનમાં મામાના શબ્દો વારંવાર સંભળાતા હતા કે સમીરે કહ્યું ? ને મને યાદ આવ્યું કે આ નામ તો અમારા ઘરમાં વારંવાર મમ્મી દ્વારા પપ્પા આગળ બોલવામાં આવે છે. મેં ઘણીવાર મમ્મીને કહેતાં સાંભળ્યા છે કે સમીર ખૂબ જ ડાહ્યો છે. ઘરની પરિસ્થિતિ સારી નથી તો ભણવા સાથે કામ કરે છે અને ઘર સંભાળે છે. ટ્યુશન કરાવે છે, એેની માસીની ફેકટરીમાં નામું લખવા પણ જાય છે. મમ્મીના કહેવા પ્રમાણે એ ચાર બહેનનો એક જ ભાઈ છે અને એની સૌથી મોટી બહેન મમ્મીની બહેનપણી છે. પણ હજુ એ બંને વ્યક્તિ એક જ છે કે અલગ એ મને ખબર ન હતી. અને મેં મામાને કહ્યું કે તમારા પેલા મિત્રને મેં મારી શાળાના દરવાજા પારો ઉભેલાં જોયા. તો મામા એ કહ્યું કે તારી શાળા પહેલાં એ એની શાળા છે. એ ત્યાં જ ભણ્યો અને હજી ત્યાં મેચ રમવા જાય છે. હું પણ એની સાથે જ હતો પણ મેચ રમીને હું અહીં આવી ગયો. અને મેં પૂછ્યું કે આ એ જ છે જેની મમ્મી વાતો કર્યા કરે છે ? મામાએ કહ્યું એ જ. અને એ સમયે મારા મગજમાં વિચાર આવ્યો કે તો તો એ બધાને જ ગમે છે હું જ્યારે પણ કહીશ કે એ મને ગમે છે અને મારે એમની સાથે લગ્ન કરવા છે તો ઘરના કોઈ મને ના નહીં પાડે. મને કેમ એની સાથે લગ્નનો વિચાર આવ્યો એ મને ખબર જ ન પડી. પણ એક વાત નક્કી કરી લીધી કે પડેલાં ભણી લઉં પછી કહીશ મમ્મીને. આ સમયગાળામાં મારી બહેન અમારી શેરીના એક છોકરાને વારંવાર મળતી હતી. આ પહેલાં પણ એ કોઈક બીજા છોકરાને મળતી હતી તો મારા કાકાએ એને ખીજવાઈને મળવાનું બંધ કરાવેલું હતું. હવે આ વખતે એ બીજા છોકરાને મળતી હતી. મને એણે કહ્યું હતું અને કોઈને પણ કહેવાની ના પાડી હતી. મારા કાકા આખો દિવસ ઘરે જ રહેતા કંઈ જ કરતાં ન હતાં. એમણે એમના મોટા દિકરાને ભણવાનું છોડાવીને નોકરીએ લગાડી દીધો હતો. એ પોતે કશું જ કરતાં ન હતા. એટલે મોટા ભાગે સામાજિક દરેક વ્યવહારો મારા મમ્મી પપ્પાએ કરવા પડતા હતા. એમને એ બધી કંઈ પડેલી જ ન હતી. બસ આખો દિવસ ઘરમાં ટીવી ચાલુ કરીને બેસી રહેતા. પપ્પા બપોરે નોકરીએથી ઘરે જમવા આવે ત્યારે બે કલાક બંધ કરતાં. બાકી હું વાંચતી હોઉં તો પણ ટીવી તો ચાલુ જ રહેતું. છતાં હું મહેનત કરતી. કાકાએ બેનને એક બે વાર ટોકી પણ હતી કે તું પાછી કોઈને મળે છે બંધ કરી દે. એટલે બેને થોડો સમય મળવાનું બંધ કરી દીધું. બેન કોલેજમાં હતી. અને એ જે છોકરાને મળતી એ બારમું પાસ જ હતો અને રખડવા સિવાય કંઈ કરતો ન હતો. મને બેને ના પાડેલી એટલે મેં કોઈને કંઈ કહ્યું નહીં પણ મને વિચાર આવતો કે આ સારું છે કે ખરાબ. હું સમજી શકતી ન હતી કે હું શું કરું ? પણ પછી બધું છોડીને મારા ભણવામાં ધ્યાન આપવા માંડતી.