નવરાત્રિ આવે છે એમ વિચારી હું મનોમન ખુશ થતી હતી કે પાછા એ મને જોવા મળશે. અને હું મામાને ત્યાં ગઈ. ગરબા શરુ થયા ને હું ફળિયામાં ગઈ. મેં એમને જોયા. એક અલગ જ ખુશી દિલમાં વરતાઈ રહી હતી. ત્યાં ગરબા મોટા પાયા પર થાય એટલે અંદર બહાર ત્રણ ચાર રાઉન્ડ થાય. મેં આ સમયે જોયું કે એ, એના મિત્રો અને મારા મામા બધા સાથે જ રહેતા હતા. મેં પહેલાં પણ મેં જોયું હતું કે મામાના ઘર પાસેથી પસાર થાય ત્યારે મામા જો ઘરે હોય તો મામાને બોલાવીને જ જાય. આ નવરાત્રિમાં મને ખબર પડી કે એ તો મામાના મિત્રે છે. ગરબા રમતી વખતે હું બહારના રાઉન્ડમાં હોઉં. મામા, એ અને એના મિત્રો બધા અંદરના રાઉન્ડમાં હોય. ગરબા રમતાં રમતાં ક્યારેક એ અને હું આગળ પાછળ થઈ જઈએ તો હું તો એને જોવામાં મારા ગરબાના તાલ પણ ભૂલી જતી. જ્યારથી એમને જોયા ને એ ગમવા લાગ્યા ત્યારથી હું આખી રાત ગરબા રમતી. શરૂ થાય ત્યારથી ગરબા બંધ થાય ત્યાં સુધી. મને બિલકુલ થાક જ લાગતો ન હતો. પણ છતાં એમને ગરબા રમતાં જોવા હું ક્યારેક બેસી જતી. અને ફક્ત એમને જોયા કરતી. પણ આ વખતે મને એમ લાગ્યું કે જેમ એ મારી નજીકથી પસાર થાય છે તેમ મારી નજીકથી પસાર થતાં એમના ગરબાના પણ તાલ તૂટે છે. પહેલાં મને લાગ્યું કે કદાચ ભીડને કારણે એ રમતાં અટકી ગયા હશે પણ એવું અનેક વાર થયું. જ્યારે ભીડ હતી ત્યારે પણ અને જ્યારે ભીડ ન હતી. ત્યારે પણ. અને મને એક આશા જાગી કે કદાચ એમને પણ હું ગમું છું. આ વિચાર જ મને કંઈક અલગ ખુશી આપી ગયો. એ વર્ષે દશેરાના દિવસે ગરબા પત્યા પછી મામાના ઘરની પ્રસાદની થાળી મારા હાથમાં હતી અને હું, મારી બહેનપણીઓ ફળિયામાં એક બાજુ બેઠા હતા અને મામા સાથે એ અને એના મિત્રો બીજી બાજુ બેઠાં હતાં. આખી રાત અમે ત્યાં બેઠાં હતા. મને તો એમને જોવાનું બહાનું જ જોઈતું હતું. કોઈને ઘરે જવાની ઉતાવળ ન હતી. પણ એમને જોતાં જોતાં મારા હાથમાં જે પ્રસાદની થાળી હતી એમાંથી હું પ્રસાદ ખાયે જતી હતી. મને ખબર જ ન હતી કે હું થાળીમાંનો પ્રસાદ લગભગ અડધા ઉપર ખાઈ ગઈ હતી. મારી બહેનપણીઓને પણ ખ્યાલ જ ન આવ્યો અમે એટલા બધા વાતોમાં મશગૂલ હતા પણ હું તો એમને જોવામાં જ ખોવાઈ ગઈ હતી. આ એવી રાત હતી કે કોઈના પણ ડર વિના હું એમને જોઈ શકતી હતી. પણ અચાનક મામા આવ્યા ને મારી પાસેથી પ્રસાદની થાળી લઈ ગયા કે મરી જશે આટલો બધો પ્રસાદ ખાઈને. મેં મામાને પૂછ્યું કે તમને કેવી રીતે ખબર પડી કે આ પ્રસાદ હું જ ખાઈ ગઈ ? તો મામાએ કહ્યું મને નથી ખબર પડી મને તો મારા મિત્રએ કહ્યું ? મેં પૂછયું ક્યા મિત્રએ ? તો મામાએ એમને બતાવ્યા અને બોલ્યા સમીરે કહ્યું. ત્યારે મને એમનું નામ ખબર પડી. પણ પછી વિચાર આવ્યો કે એમણે મામાને કહ્યું એનો મતલબ હું જેમ એમને બધાથી છુપાઈને જોતી હતી એમ એ પણ મને જોતાં હતાં તો જ એમને ખબર પડી કે પ્રસાદ હું ખાઈ ગઈ. અને જાણે મારા શરીરમાં વિજળી દોડી ગઈ. મને લાગવા માંડ્યું કે મને એ ગમે છે તેમ એમને પણ હું ગમું છું. આ સમયે હું આ ગમવાને પ્રેમનું નામ આપી શકતી ન હતી. મને પ્રેમ શું છે એ પણ ખબર ન હતી. બસ એ ગમે છે એટલી જ ખબર હતી.