Soulmates in Gujarati Fiction Stories by Priyanka books and stories PDF | સોલમેટસ - 28

Featured Books
Categories
Share

સોલમેટસ - 28

અદિતિનો કેસ સોલ્વ થયો એને આજે પાચ વર્ષ ઉપર થઇ ગયુ.
“’આદ્રિતી બાયોફાર્મા’ કંપની ટૂંક સમયમાં જ ઘણુ બધું મોટું નામ કમાવી ચુકી છે. દેશ-વિદેશમાં પણ આપણી કંપનીની પ્રોડક્ટ્સ સારી એવી વેચાઈ રહી છે. અહિયાં આજે આપડે એક નવો પ્લાન્ટ શરુ કરવા જઈ રહ્યા છીએ જેની ખાસ વાત એ છે કે આ આખો પ્લાન્ટ મહિલા સંચાલિત હશે. જેમાં કંપનીના ઉચ્ચ હોદ્દાથી લઈને બધી જ પોઝીશન પર ફક્ત મહિલા હશે. આ માટેનો બધો જ શ્રેય આપણી કંપનીના ડાયરેક્ટર અને સ્થાપક શ્રી આરવ પટેલને જાય છે.” સ્ટેજ પર એક છોકરી અનાઉન્સ કરી રહી હતી.
“હું મી. આરવ પટેલને વિનંતી કરીશ કે આપણા નવા પ્લાન્ટના ઉદ્ઘાટનના શુભ દિવસે આપણને પ્રેરણારૂપી શબ્દો કહે” સ્ટેજ પર બોલાઇ રહ્યું હતું અને સામે વિશાળ જનમેદની તાલીઓના ગડગડાટથી મી.આરવ પટેલને વધાવી રહી હતી.
વ્હાઈટ શર્ટ, બ્લુ જીન્સમાં આરવ સોહામણો લાગતો હતો. આ શર્ટ એ આ દિવસે અચૂક પહેરતો. માઈક સંભાળતા એણે સામે બેઠેલી જનમેદની તરફ જોયું. આગળની હરોળમાં આરવના મમ્મી-પપ્પા અને અદિતિના મમ્મી-પપ્પા બેઠા હતા. એ ચારેય એકદમ ખુશ થઈને તાળીઓ પાડી રહ્યા હતા. ધવલ અને રુશી પણ એ જ હરોળમાં બેઠા બેઠા આરવનું વક્તવ્ય સાંભળવા માટે ઉત્સુક હતા.
 આરવે ઘડીક જોયું અને બધાના ચહેરા પર મુસ્કાન જોઇને એના ચહેરા પર પણ હળવી મુસ્કાન આવી. એણે એનું વક્તવ્ય શરુ કર્યું.
“લેડીઝ એન્ડ જેન્ટલમેન. સૌપ્રથમ તો તમે આ શુભ અવસર પર અહી હાજર રહ્યા એના માટે હું બધાનો ‘આદ્રિતી બાયોફાર્મા’ કંપની વતી હ્રદયપૂર્વક આભાર માનું છું. ખુબ ટૂંકા સમયગાળામાં આપણે આ સ્થાને પહોચ્યા છીએ જ્યાં કંપની શરુ થયાના ફક્ત ૩ વર્ષમાં આપણે બીજો પ્લાન્ટ શરૂ કરી રહ્યા છીએ જેનો તમામ શ્રેય હું આપણી કંપનીના તમામ સ્ટાફને આપું છું. ઉચ્ચ ગુણવત્તા એ આપણી કંપનીનો એકમાત્ર ધ્યેય છે, જે હમેશા આપણા કર્મચારીઓએ એમના હ્રદયમાં ઉતારી લીધો છે. અને..” થોડુ મોટા અવાજે એ ફરી બોલ્યો, “અને એટલેજ આપણી કંપનીમા આ ત્રણ વર્ષમાં એકપણ કમ્પ્લેન ગ્રાહક દ્વારા આવી નથી અને પ્રોડક્ટ પર ગ્રાહકનો અતુટ ભરોસો બની રહ્યો છે.”
થોડું રોકાયને એણે ત્યાં બેસેલા લોકો પર ફરી નજર ફેરવી. ખીચોખીચ ભરેલા ઓડીટોરીયમમાં પણ જાણે એને એવું મહેસુસ થયું કે એ એકલો પડી ગયો છે. આટલી મોટી કંપની ઉભી કરવામાં એણે રાત-દિવસ જોયા વગર કામ કર્યું હતું. અદિતિનું સપનું એ પૂરું કરી શક્યો હતો. આટલા વર્ષની મહેનત પછી એણે અદિતિના સપનાને પૂરું થતા જોયું અને આજે એને અદિતિની કમી મહેસુસ થઇ રહી હતી. એ ચારેબાજુ જાણે અદિતિને શોધતો હોય એમ નજર કરવા માંડ્યો. આંખ બંધ કરી અને એણે અદિતિને યાદ કરી. જાણે અદિતિ એની સામે જ આવીને ઉભી રહી ગઈ હોય એવું એને મહેસુસ થયું. એ જ અત્તરની મહેક જે અદિતિમાંથી એણે હમેશા અનુભવી છે એ આજે એણે ફરી અનુભવી. જાણે અદિતિ બોલી રહી હોય કે ‘આરવ, તને મેં કહ્યું હતુંને કે મારી આત્મા મને મૂકી દેશે પણ તને નહિ..જો હું અહીયાજ છું... તારી સામે...તારી પાસે.’
આરવના ચહેરા પર ફરી મુસ્કાન આવી. એક ઊંડો શ્વાસ ભર્યો અને આગળ બોલવાનું શરુ કર્યું.
“આપ સૌને એમ થતું હશે કે મેં બીજો પ્લાન્ટ ફક્ત મહિલાઓ માટે કેમ બનાવ્યો? કેમકે હું સ્ત્રી સશક્તીકરણમાં માનું છું. તમને જાણીને નવાઈ લાગશે કે આવડી મોટી કંપની ઉભી કરવાનું સપનું મારી અદિતિએ જોયેલું હતું. આ કંપની કેવી હશે, ત્યાં કામ કરનારા માણસો કેવા હશે, પ્રોડક્ટની ક્વોલીટી એ બધું જ અદિતિના વિચારો હતા જે અત્યારે આપણી કંપનીના મૂળમાં છે. આ કંપનીનું નામ પણ એણે જ નક્કી કર્યું હતું. ‘આરવ + અદિતિ = આદ્રિતી બાયોફાર્મા કંપની’. મહિલા સંચાલિત પ્લાન્ટ કરવાનો વિચાર પણ મને એના દ્વારા જ મળ્યો છે. આજની સ્ત્રીઓ ડરીને ચુપ ના બેસવી જોઈએ. ભણી ગણીને આગળ વધવાનું, સપના જોવાનું, અને એ સપના પુરા કરવાનું તથા પોતાના પગ પર ઉભા રહીને આપણા દેશને આગળ વધારવાનું કામ આજની મહિલાએ કરવાનું છે. હું આજે આ સાથે એક એન.જી.ઓ. પણ શરુ કરવા જઈ રહ્યો છું જે આજની મહિલાઓને એવા દરેક ખરાબ પરિસ્થિતિમાંથી ઉગારવા માટેની હિમ્મત આપશે, એનો સાથ દેશે અને જરૂર પડશે તો હાથ પકડી અને પરિસ્થિતિમાંથી ઉભી પણ કરાશે. આ કામમાટે આપણી કંપનીનો દરેક કર્મચારી સાથ આપશે એવું મને જાણવા મળ્યુ છે એટલે હજુ પણ હું ગમે તેટલો આભાર આપ સૌનો માનું એટલો ઓછો છે. આપ સૌએ ફક્ત મારું કે અદિતિનું જ સપનું નહિ પણ એ બધી જ મહિલાઓનું સપનું પૂરું કર્યું છે જે સપના જોવામાં તો માને છે પણ એ સપનાને પુરા કરવાની હિમત પણ ધરાવે છે.”
તાલીઓના ગડગડાટ સાથે આરવનું વક્તવ્ય પૂરું થયું. સ્ટેજ પરથી નીચે આવી અને એ સૌપ્રથમ એના મમ્મી-પપ્પાને અને પછી અદિતિના પેરેન્ટ્સને પગે લાગ્યો. બંને પેરેન્ટ્સની આંખમાં આજે હરખના આંસુ હતા. અદિતિના કેસ પછી અદિતિના મમ્મી-પપ્પાને પણ આરવે ગાંધીનગર બોલાવી લીધા હતા. બન્ને માટે એ જ સોસાયટીમાં ઘર ખરીદ્યું હતું જેથી એ લોકો પણ એમની સાથે રહી શકે. બન્નેએ આરવને આશીર્વાદ આપ્યા ત્યાં જ ધવલ અને રુશી પણ તેઓની પાસે આવ્યા. ધવલ પણ આરવની કંપનીમાં આઈ.ટી. ડીપાર્ટમેન્ટ સંભાળતો હતો.
“કોન્ગ્રેચ્યુલેશન આરવ, આજે ખરેખર અદિતિ જ્યાં પણ હશે તારી પર પ્રાઉડ ફિલ કરતી હશે.” રુશીએ આરવની પીઠ થબથબાવી.
આરવે પણ રુશીનો હાથ તેના હાથમાં લઈને બોલ્યો, “કોન્ગ્રેટ્સ તો મારે તને પણ કહેવું જોઈએને કે આટલો મોટો પ્લાન્ટ તું સંભાળીશ.”
રુશી ચોકી ગઈ. એણે શરૂઆતથીજ આરવની આ પ્લાન્ટ ઉભો કરવામાં મદદ કરી હતી. તે પણ આ કંપનીનો હિસ્સો હતી જ પણ આરવે નવો પ્લાન્ટ સાંભળવાનું કહ્યું ત્યારે તે આશ્ચર્યચકિત થઇ ગઈ. રુશીની આંખો પહોળી થતા આરવ થોડું હસ્યો, “કેમ તું છોકરી નહિ? આ પ્લાન્ટતો તારે જ સંભાળવો પડે ને નહીતર અદિતિ જ્યાં પણ હશે ત્યાંથી મને ખીજાશે. તારે મારું નહિ તો કાઈ નહિ પણ અદીનું માન તો રાખવું જ પડશે.”
આરવની વાત સાંભળી રુશીની આંખમાં આંસુ આવી ગયા.
માહોલને હળવો બનાવવા ધવલે ટીખળ કરી, “લ્યો તો તો મારે અહિયાં પણ રુશીનો ગુસ્સો સહન કરવાનો! આરવ હાથ જોડું યાર આ છોકરી મને જીવવા નહિ દે. તું આને આટલું મોટું સુકાન આપીશ તો હવે મને તો એ આમ આગળી પર નાચાડશે.” એમ કહી અને એણે રુશીને ખભા પર ખભો અડાડી ઈશારો કર્યો.
“જા ને હવે હુહ” રુશી આટલું બોલતા હસી પડી અને આરવ તથા બન્નેના મમ્મી-પપ્પા પણ.
આરવને હસતો જોઇને એની મમ્મીએ એના ગાલ પર હાથ મૂકી અને વ્હાલ કર્યું. “દીકરા, આમ જ હસતો રહે તું. અને આજે તારું અને અદિતિનું સપનું પૂરું થઇ ગયું છે તો હવે અમારું પણ સપનું પૂરું કર. અમને એક વહુ લઇ આપ.”
આરવે એના મમ્મીનો હાથ પોતાના ગાલ પરથી પાછો લીધો. એ કાઈક બોલવા જતો હતો ત્યાં અદિતિના મમ્મી બોલ્યા, “તારા મમ્મી સાચું કહે છે આરવ, અમે તો હવે જિંદગીના આરે ઉભેલા છીએ. અદિતિ પછી જો તે અમને સહારો ના આપ્યો હોત તો અમે પણ અદિતિની જેમ જ કદાચ..” એમણે સાડીના પાલવથી પોતાની આંખમાં આવેલા આંસુ લુચ્છયા “તારી પાસે તો આખી જિંદગી પડી છે. આમ એકલા થોડી જીવાશે? અમારી બધાની ઈચ્છા છે કે તું હવે લગ્ન કરી અને જીંદગીમાં આગળ વધ”. અદિતિના પપ્પાએ પણ આરવના ખભા પર હાથ રાખી અને અદિતિના મમ્મીની વાતને ટેકો આપ્યો.
“અમમ... મારે હજુ બીજા મહેમાનોને મળવાનું છે” આરવે રુશી સામે જોઇને કહ્યું, “રુશી, તું પણ મારી સાથે ચલ, એટલે બધાને તારી ઓળખાણ પણ કરાવી દવ.” એમ કહી અને રુશીને પણ સાથે આવા ઈશારો કર્યો.
***
આખા દિવસના કાર્યક્રમ પછી આરવ સાંજે ઘ-૪ના ગાર્ડન આવીને બેઠો હતો. સુર્યાસ્તતો જોકે થઇ જ ગયો હતો પણ ત્યાં રહેલી લાઈટના સહારે એ એની ડાયરીમાં લખી રહ્યો હતો.
“અદિતિ, હેપી બર્થડે. આજે તારા જન્મદિવસે આપણી કંપનીએ ૩ વર્ષ પુરા કર્યા અને એક નવો પ્લાન્ટ પણ આજે શરુ થયો. ખોટું નહિ કવ અદી તને, પણ મેં એકોએક સેકંડ તને સાથે રાખી છે અલબત હું જીવ્યો છું તારી સાથે, તારા વિના. આ ડાયરી પણ એની સાક્ષી છે. તું મને સાચું કહેતી હતી કે આ ડાયરી એક ‘સોલમેટ’ છે. પણ હું તારી જેમ નથી અદી, હું જે તને કહું છું એ જ હું આમાં લખું છું. હા, હું સ્વીકારું છું કે મેં ભૂલો કરી છે તને સમજવામાં કદાચ એટલે જ તે બધું એકલા સહન કર્યું. ડાયરી આપણને જજ નથી કરતી, ફક્ત આપણે જેવા છીએ એવા જ અપનાવી લે છે. એટલે જ એ ‘સોલમેટ’ છે. બોવ જ મિસ કરું છું યાર તને હું. કેમ જીવું છું તારી વગર એ હું પણ નથી જાણતો. કદાચ તારા સપના મારે પુરા કરવાના હશે એટલે જ ભગવાને મને જીવતો રાખ્યો હશે. એક હજુ તારું સપનું હું કાલે પૂરું કરવા જઈ રહ્યો છું. કદાચ બધાને તકલીફ પડશે પણ આ તારું સપનું છે અને એ તો હું પૂરું કરીને જ રહીશ. કાલે મળું તને બાય.”