આગળના ભાગમાં તમે જોયું કે આરવ અને મનન બંને પોલીસસ્ટેશન ડાયરી સબમિટ કરવા જાય છે અને એ રીંગ પણ એસપી ઝાલાને સોંપે છે. આરવ અને મનનને એસપી ઝાલા દ્વારા જાણવા મળે છે કે ધવલ કદાચ આ કેસમાં નીર્દોસ હશે હવે જોઈએ આગળ.
પોલીસસ્ટેશનની બહાર નીકળતાજ આરવ અને મનન સિવિલ હોસ્પિટલ જવા રવાના થાય છે. રસ્તામાં ભૂખ લાગતાજ બંને કટકબટક કાઈક નાસ્તો કરી લે છે.
હોસ્પિટલમાં આજે એ દિવસ જેવી જ ભીડ હતી. મનન મનમાં વિચારી રહ્યો હતો કે ‘કુદરત પણ કેવી છે, અહિયાં કેટલાય સ્નેહીજનો એમના સગા વ્હાલા જે હોસ્પીટલમાં દાખલ થયા હશે એમના માટે આમથી તેમ દોડે છે પણ કુદરત જયારે ઈચ્છશે એ જ થશે. આપણે ગમે તેટલા પ્રયત્નો કરી લઈએ પણ જે નસીબમાં લખાયેલું છે એ ક્યારેય નથી બદલાવાનું.’
એ જ વેઈટીગ ઝોનમાં રુશી બેઠેલી હોય છે. કદાચ આજે પણ એ જેના માટે અહિયાં છે એણી તબિયત હજુ ઠીક નથી થઇ લાગતી. મનમાં વિચારતો આરવ રુશી પાસે પહોચી ગયો.
“કેમ છે હવે રુશી?” આરવે રુશી પાસે જઈને પૂછ્યું.
આજે ફરી આરવને જોતા એ થોડી હેરાન થઇ ગઈ. મનમાં એને એવું લાગ્યું કે આજે ફરી એ અદિતિ વિષે પૂછવાજ આવ્યો હશે. પણ ઘણા સમયથી હોસ્પિટલમાં જ હોવાથી એ ખુબ થાકી અને કંટાળી ગઈ હતી. એટલે એણે નકારમાં ફક્ત માથું ધુણાવ્યું.
“ચિંતા ના કરીશ, હું અદિતિ વિષે કશું જાણવા નથી આવ્યો. હું ફક્ત તારી મદદ કરવા અહી આવ્યો છું. મારે કશું જાણવું નથી કે તું જેના માટે અહી આવી છે એ કોણ છે અને બધું શું થાય છે...” થોડું અટકી ને આરવ ફરી બોલ્યો, “મારે ખાલી તારી આ સિચ્યુએશનમાં તારી પડખે રહેવું છે. તું દોષી છે કે નહિ એ મને નથી ખબર પણ તું મારી બહેન છે એ મને ખબર છે. એટલે એ નાતે તને આમ એકલી હેરાન થવા ના દઈ શકું ને.” આરવે રુશીના માથે હાથ મુક્યો.
જાણે આ જ પળની રાહ જોતી હોય એમ રુશી ચોધાર આંસુએ રડવા માંડી.
“એક કામ કર મનન, રુશીને એના રૂમે મૂકી આવ.” આરવે મનનને કહ્યું અને પછી રુશી સામે જોઇને બોલ્યો, “તું થોડો આરામ કર, તું આવે ત્યાં સુધી હું અને મનન અહિયાં છીએ. ચિંતા ના કર. કાઈ એવું લાગશે તો તને ફોન કરી અને બોલાવી લઈશું.”
રુશી આમ પણ ઘણા દિવસથી થાકી હોવાથી અને આરવે સામેથી કહ્યું હોવાથી રૂમે જવાની હા પાડી. એ મનન સાથે જઈ રહી હતી ત્યાં આરવે રુશીને બોલાવી. રુશીએ પાછું વળીને આરવ જે પૂછવા માંગતો હશે એનો એ શું જવાબ આપશે એ વિચારમાં આરવ સામે જોઇને ઉભી રહી.
“રુશી, આ હોસ્પિટલમાં એડમીટ છે એ તારા...? આરવે વાક્ય અધૂરું મૂકી દીધું,
“તું એને મારી મમ્મી જેમ જ છે એમ ગણી લે..” રુશીએ આરવનું અધૂરું વાક્ય પૂરું કરી દીધું. “હું સાંજે આવી જઈશ પાછી અને...અને હું એકલી જતી રહીશ.” એમ કહીને એ ઘરે જવા નીકળી ગઈ.
રુશીના ગયા પછી મનન એના વિષે વિચારતો હતો. “ભાઈ, ગજબ છોકરી છે હો આ તો!” રુશી એકલા હાથે જે રીતે બધું સંભાળતી હતી અને છતાય થોડા કલાકો માટે જ એણે આરવની મદદ લીધી એમાય ઘરે જવા માટે પણ એણે મદદ ના લીધી એ મનન વિચારી રહ્યો હતો.
“હા, એ અને અદી, બંને આ બાબતે સરખા જ છે.” થોડા પ્રાઉડ સાથે આરવ બોલ્યો, “એટલે જ રુશી મારી બહેન છે અને અદિતિ..”
“તારી લાઈફ” અટકેલુ વાક્ય મનને પૂરું કર્યું અને આરવની બાજુની ચેરમાં બેસતા એણે આર્વના ખભા પર હાથ મુક્યો. “દોસ્ત, ભગવાન તારા જેવી સિચ્યુએશનમાં કોઈને ના નાખે.”
“મારા કરતા પણ રુશીની હાલત વધુ ખરાબ છે. એ એકલા એકલા બધું હેન્ડલ કરે છે. એણે કેટલું સહન કરવું પડ્યું હશે. એકબાજુ અદિતિનું આમ અચાનકથી છોડીને ચાલ્યા જવું, ધવલ અને રુશીનું આ કેસમાં હોવું, ધવલ હજુ પણ જેલમાં જ છે ને.. અને અહિયાં આમ હોસ્પિટલમાં કોઈ માટે આટલું હેરાન થાય છે.” આરવ રુશી માટે બોલી રહ્યો હતો.
“બની શકે કે આ બહેનનું હોસ્પિટલમાં એડમિટ થવું અને રુશી જે આપડાથી છુપાવે છે એ બંનેમાં કાઈક તો લિંક હશે જ.” મનન આ બધી ઘટનાઓને જોડી રહ્યો હતો.
“હોઈ શકે મનન. પણ મારે અત્યારે એ વિષે કશુજ નથી વિચારવું. અત્યારે રુશીને જરૂર છે એના ભાઈની અને હું એક ભાઈ તરીકે હું એની સાથે છું.” થોડું અટકી ને બોલ્યો, “કદાચ જો એ આમાં દોષી જાહેર થશે... તો હું મારી બહેન પણ ગુમાવી દઈશ...” શુન્ય્મસ્ક થઈને આરવ બોલી ગયો.
‘હે ભગવાન, હવે આરવને વધુ દુખ ના આપતા.’ મનને મનમાંજ ભગવાનને પ્રાર્થના કરી.
***
કોણ હશે આ બહેન જે હોસ્પિટલમાં એડમિટ છે? રુશી સાથે એનો ખરેખર શું સંબંધ છે?