એસપી ઝાલા રોજ કરતા આજે થોડા ઉદાસ હોય એવું આરવને લાગ્યું. આમ તો એસપી ઝાલા ક્યારેય એમના ભાવો ચહેરા પર દેખાવા નહોતા દેતા પણ આજે એ કદાચ ધવલના વિષે વિચારીને, એમણે આ કેસમાં કોઈ નીર્દોસને સજા મળી રહી હોય એવું લાગતું હતું.
ધવલને એમણે બધી રીતે પૂછી જોવાનો પ્રયત્ન કર્યો પણ એ એક જ રટણ કરતો રહ્યો, “હું જ દોષી છું, તમે આ કેસને બંધ કરી દો અને મને જે સજા આપવી હોય એ આપી દો.” એ બોલતો હતો ત્યારે એની આંખો કાઈક અલગ જ કહી રહી હતી. છેવટે કંટાળીને એસપી ઝાલાએ ધવલને એના હાલમાં મૂકી દીધો. આ કેસ જેના વિષે આગળ ઇન્વેસ્ટીગેશન કરવાનું બંધ કરી રહ્યા હતા એ હવે એમણે હવે ફરીથી શરુ કર્યું.
કોન્સ્ટેબલ અર્જુન ૨ દિવસ પછી ફરવા જવાના હોવાથી એ આમ પણ રજાના મૂડમાં હતા. એસ.પી ઝાલાએ આ કેસમાં હજુ એમની જરૂર પડશે એમ વિચારી એમની રજા કેન્સલ કરી દીધી.
“સર, તમે કાલે જ મારી રજા મંજુર કરી દીધી હતી. આજે કેમ તમે નામંજૂર કરી દીધી?” ડરતા ડરતા કોન્સ્ટેબલ અર્જુને એસ.પી ઝાલાને પૂછ્યું.
“અર્જુન, આ કેસનું ઇન્વેસ્ટીગેશન હજુ બાકી છે.” એસ.પી ઝાલા અદિતિના કેસની ફાઈલ કોન્સ્ટેબલ અર્જુન સામે ધરતા સપાટ સ્વરે કહ્યું.
“હે? આ કેસનું તો ફાયનલ ડ્રાફ્ટીંગ કાલે તો આપણે કર્યું. હવે કેમ ફરી એના વિષે ઇન્વેસ્ટીગેશન શરુ કરવું છે સર?” કોન્સટેબલ અર્જુન કેસની ફાઈલ હાથમાં લેતા પૂછ્યું.
“ગઈ મારી રજા હવે પાણીમાં. મેં તો ઘરે પણ કહી દીધું છે અને પેકિંગ પણ શરુ થઇ ગયું. આ સર પણ ખબર નહિ ઘર-બાર લઈને બેઠા છે કે નહિ. આંખો દિવસ બસ કેસ કેસ” કોન્સટેબલ અર્જુન મનમાં બબડ્યા.
“શું કહ્યું?” એસપી ઝાલાને એવું લાગ્યું કે કોન્સ્ટેબલ અર્જુન કાઈક બોલ્યા.
“ના...અમ..કઈ નહિ..સર...એ..તો..હું બસ...આ...આ કેસ વિષે વિચારતો હતો” ચોરી પકડાઈ ગઈ હોય એવું લાગતા કોન્સ્ટેબલ અર્જુને બહાનું આપ્યું.
‘ક્નોક ક્નોક’ કેબીનના દરવાજો ખખડાવવાનો અવાજ થતા એસપી ઝાલાએ એ તરફ જોયું.
“અરે મી.આરવ, આવો તમે. કદાચ હું આજે તમને મળવા બોલાવવાનો જ હતો.” આરવને જોતા એસપી ઝાલાના ફેસ પર થોડી સ્માઈલ આવી.
સાથે મનન પણ આવેલો હતો, જેણે એના ગુરુ એવા એસપી ઝાલાને જોતાજ આભો બની ગયો હતો.
આરવે મનનની ઓળખાણ કરાવી, “સર, આ મનન છે, યુ.પી.એસ.સી. માં મેઈન્સ પાસ કરી છે અને થોડા દિવસો પછી ઈન્ટરવ્યું છે. અને એ તમને પોતાના ગુરુ માને છે.”
“અચ્છા, એમ?” એસપી ઝાલાના ફેસ પર હવે ખરી સ્માઈલ આવી.
મનન આગળ આવી અને એસપી ઝાલાને નમન કર્યું, “હા સર, મારે પણ તમારી જેમ જ બાહોશ આઈ.પી.એસ. ઓફિસર બનવું છે.”
“તમે તમારું લક્ષ્ય હાંસલ કરો એવી શુભેચ્છા. આવો બેસો.” એસપી ઝાલાએ આરવ અને મનનને બેસવાનું કહ્યું.
“બોલો શું કામ અહિયાં આવ્યા આજે તમે?” એસપી ઝાલાએ ધવલ માટેની એમની ધારણા ના જણાવી.
આરવે સાથે લાવેલી બેગમાંથી અદિતિની ડાયરી કાઢી અને એસપી ઝાલાના ટેબલ પર મુક્ત કહ્યું, “સર, આ અદિતિની ડાયરી છે. એમાં કાઈક એવું મળી જાય કે જેથી આ કેસને લગતી કોઈ મહત્વની કડી મળી જાય.” મનન એસપી ઝાલાએ જેવી ડાયરી હાથમાં લીધી એવું બોલ્યો.
“અત્યારે કેમ તમે લાવ્યા?” ડાયરીના પાના ફેરવતા એમના રહેલી રીંગ એસપી ઝાલાએ હાથમાં લીધી. “અને..આ રીંગ?”
“સર, એક્ચ્યુલી મારે આ ડાયરી મારી પાસે રાખવી હતી અદિતિની યાદગીરી તરીકે પણ મનને મને સમજાવ્યું કે અત્યારે આ ડાયરી કદાચ તમારા કામમાં આવી શકે.” આરવ બોલી રહ્યો હતો. “આ રીંગ...આ રીંગ પણ મને અદિતિની ડાયરીમાંથી જ મળી.”
“આ રીંગ...” એસપી ઝાલા વિચારી રહ્યા હતા કે આ રીંગ એમણે ક્યાંક જોયેલી છે. પછી કાઈક યાદ આવતા કહ્યું, “આવી રીંગ તો ધવલ પાસે પણ છે ને!”
“હા સર, પણ ધવલ પાસે જે રીંગ છે એ કપલ રીંગ છે અને એણે અને રુશીએ એકબીજાને પહેરાવી છે.” એસપી ઝાલાના મનમાં રહેલો ડાઉટ ક્લીઅર કરતા આરવ બોલ્યો.
“સર, આ તો કપલ રીંગ છે.” બાજુમાં ઉભા રહેલા કોન્સ્ટેબલ અર્જુન બોલ્યા.
“મતલબ આવી જ રીંગ બની શકે કે એ જ શોરૂમ માંથી લેવામાં આવી હોય જ્યાંથી ધવલે રુશી માટે લીધી હોય. આમ પણ મને લાગે છે ધવલ કાઈક છુપાવી રહ્યો છે પોલીસથી.” એસપી ઝાલાએ ધવલ માટે એમની ધારણા આરવ અને મનનને કહી.
“પણ, એ કેવી રીતે ખબર પડે કે આ રીંગ ક્યાંથી લેવામાં આવી છે? કેમકે ધવલ તો કશું બોલતો જ નથી?” કોન્સ્ટેબલ અર્જુને પોતાનો પ્રશ્ન એસપી ઝાલા સમક્ષ રજૂ કર્યો.
જેવું કોન્સ્ટેબલ અર્જુને પૂછ્યું એવો જ એસપી ઝાલાએ જવાબ આપી દીધો, “ધવલના કોમ્પ્યુટરમાં રહેલા બીલ માંથી.”
પછી આરવ અને મનનને જોઇને કહ્યું, “થેંક્યું મી.આરવ અને મી.મનન, તમે સમયસર અમને આ ડાયરી અને રીંગ આપી. હવે તમે જઈ શકો છો.”
આરવ ઉભા થતા કાઈક યાદ આવતા એસપી ઝાલાને પૂછ્યું, “સર, તમે કહેતા હતાને કે તમે આજે મને બોલાવવાના હતા? શું કાઈ કામ હતું?”
“ના કશું કામ નથી, હવે તમે જઈ શકો છો.” એસપી ઝાલા જાણે કોઈ મહત્વની કડી મળી હોઈ એમ સ્માઈલ સાથે આરવને કહ્યું.
***
શું આ રીંગ આ કેસ સોલ્વ કરી શકવામાં મહત્વની બનશે?