આગળ તમે જોયું એમ મનન આરવને રુશી સાથે એકવાર વાત કરી લેવા સમજાવે છે. હવે શું થાય છે તે હવે આગળ જોઈએ.
મનન અને આરવ જમીને વોક કરવા માટે નીકળા. શિયાળાની ઋતુ હવે ધીમે ધીમે તેના અંત તરફ જઈ રહી હતી. રાતના ૮ વાગ્યા હોવા છતાં પણ કહી શકાય એવું અજવાળું રસ્તા પર હતું અને રસ્તાની કિનારી પર મુકેલા લાઈટના થાંભલાના પ્રકાશથી સુમસામ રસ્તા પર ખાસ્સુ અજવાળું હતું.
થોડું આગળ ચાલ્યા ત્યાં એક સોડાવાળો ઉભો હતો. સાઇકલ પર પાછળની સીટ પર મોટું બોક્સ રાખી અને એમાં અલગ અલગ કલરની બોટલ્સ ગોઠવેલી હતી. એ બોક્સ પર મોટા અક્ષરે નીચે લખ્યું હતું ‘ગાંધીનગરની ફેમસ સોડા’ અને ત્યાં એક ફોટાનું નાનું આલ્બમ પણ રાખેલું હતું.
આશરે ૪૫-૫૦ વર્ષના એ ભાઈની સોડા ગાંધીનગરમાં ફેમસ હતી. વાતો કરતા કરતા બંને ત્યાં સોડા પીવા માટે ઉભા રહ્યા. ‘કાકા બે એકદમ સ્ટ્રોંગ લીંબુ જલજીરા કરી આપો’ આરવ સોડાનો ઓર્ડર આપી અને ત્યાં પાળીએ બેઠેલા મનનની બાજુમાં જઈને બેઠો.
‘લ્યો ભાઈઓ એકદમ સરસ ઠંડી સ્ટ્રોંગ લીંબુ સોડા’ એમ કહી અને બે સોડાના ગ્લાસ સોડાવાળા ભાઈએ મનન અને આરવને પકડાવ્યા.
‘વાહ, એકદમ મસ્ત સોડા છે હો!’ જાણે ચુસ્કી લેતો હોઈ એમ વાતોનો શોખીન મનન બોલ્યો. ‘કહેવું પડે બાકી! આવી સોડા તો મેં પહેલી વાર પીધી.’
‘તમે ગાંધીનગરમાં પહેલી વાર આવ્યા લાગો છો’ મનન આવું બોલ્યો એટલે સોડાવાળા ભાઈ આંખો ઝીણી કરીને બોલ્યા. ‘કેમકે અહિયાં રેતા હોત તો તમે મારી સોડા પીધી જ હોય. ફેમસ જો છે’ એમ કહી એમણે બોક્સ પાસે રાખેલું આલ્બમ મનનને બતાવતા કહ્યું,’ જો આ દાંડીકુટીર બનીને ત્યારે અમિતાભ બચ્ચન પણ આવેલા અને મારા હાથની સોડા પીધેલી.’ ફોટા બતાવતા એમણે એકદમ ગર્વથી મનનને કહ્યું.
“ઓહો! તો તો બોવ કે’વાય” મનન આલ્બમના ફોટા ફેરવતો ફેરવતો સોડા પીવા લાગ્યો.
આરવને જોઇને કાઈક વિચારતા સોડાવાળા ભાઈએ આરવને પૂછ્યું, “તમે તો આવેલા છો ને અહિયાં, અને...” થોડું મગજ કસતા બોલ્યા “અને.. સાથે કોઈક છોકરી પણ આવતી હે ને?”
આરવના મોઢા સુધી આવેલો સોડાનો ગ્લાસ પકડેલો હાથ ત્યાંજ સ્થિર થઇ ગયો.
“તમે કેમ હમણાથી બંને નથી આવતા અહિયાં?, સોડામાં કાઈ ખામી લાગે છે કે શું?” આરવ કાઈ ના બોલતા પેલા સોડાવાળા ભાઈએ આગળ બોલવાનું ચાલુ રાખ્યું.
“ના... અમમ.. અ...” આરવ કશું બોલી ના શક્યો અને નીચે જોવા મંડ્યો.
“એ બેન હવે આ દુનિયામાં નથી” આરવનું અધૂરું મુકેલું વાક્ય મનને પૂરું કરી દીધું.
“ઓહ! શું થઇ ગયું એ બેનને?” કારણ જાણવાની ઉત્સુકતા સાથે થોડું નિરાશ થઈને એ ભાઈએ મનનને પૂછ્યું. એ ભાઈનું ધ્યાન હજુ નીચું જોતા આરવના ચહેરા પરજ હતું.
“અમમ... એમણે સ્યુસાઈડ કર્યું...”મનન માંડ જવાબ આપી શક્યો. એ વિચારી રહ્યો કે જો આ અજાણ્યા ભાઈને પણ આટલી હમદર્દી થઇ આવી તો આરવ પર શું વીતી હશે!
“ઓહ..ઓ..પેલો ફોનમાં ફોટા આવેલા અને...અને પછી આપઘાત કર્યો એ...” ફાટી આંખે એ ભાઈ બોલી રહ્યા હતા. “બોવ...બોવ ખોટું થયું એ બિચારો છોકરી સાથે”
“હમમ...” મનન આરવના ખભે હાથ મૂકી અને એટલું જ બોલી શક્યો.
“તો શું થયું એ કેસનું પછી? કાઈ મળ્યુ પોલીસને?” આગળ આગળ બોલતા પેલા ભાઈ બોલ્યા, “આજના જમાનામાં પોલીસનોય શું ભરોસો! એમને તો આવા બધા કેસની ક્યાં પડી જ છે.. પૈસા આવે એવા કેસ જ એમને તો ગમતા હોય છે અને...” થોડું રોકાઈને એ ફરી આરવ અને મનન સામે જોઇને બોલ્યા, “આજની જનતા પણ થોડા દિવસ હોહા કરશે અને પછી કઈ નઈ!”
“સાચી વાત છે” આટલું બોલી અને સોડાના પૈસા આપી મનને આરવને ઘરે જવા પૂછ્યું.
“મારે હજુ ઘરે નહિ જવું” અડધા રસ્તે તદ્દન શાંત ચાલેલો આરવ ઉભો રહીને બોલ્યો.
“તો... તારે ક્યાં જવું છે?” મનન માથું ખંજવાળતો બોલ્યો.
“ક્યાય નહિ...” પછી કાઈક યાદ આવતા એણે પેન્ટના ખિસ્સામાંથી ફોન કાઢ્યો. “મારે રુશીને ફોન કરવાનો હતોને” યાદ આવતા એણે મોબાઈલનો લોક ખોલ્યો.
“અરે! અત્યારે ક્યાં રાત્રે એને તું ફોન કરે છે. એ તને મળવાજ આવી’તીને તો એક કામ કાલે સવારે ફોન કરી અને એને મળવા બોલાવજે” મનન જાણતો હતો કે અત્યારે આરવ થોડો ઈમોશનલ થઇ ગયો હતો પેલા ભાઈની વાત સાંભળીને અને જો અત્યારે એ રુશી સાથે વાત કરશે તો કાઈક આડું અવળું ના બોલી દે એ ડરથી એને આરવને કાલે ફોન કરવા સુચન કર્યું.
“હા એ પણ છે...સારું ચલ હવે ઘરે જઈએ. કાલે ફોન કરી અને રુશીને મળતા આવીએ” ફોન પાછો ખિસ્સામાં મૂકી અને આરવ ચાલવા માંડ્યો અને પાછુ વાળીને ત્યાંજ ઉભેલા મનનને જોઇને પૂછ્યું, “તું અહિયાં જ છે ને હમણાં? તો કાલે જઈએ.”
એક રાત રોકાવા આવેલા મનનને આરવની આવી હાલતમાં એકલા રાખવાનો જીવ ના ચાલ્યો એટલે એ આરવની બાજુમાં આવીને બોલ્યો, “હા દોસ્ત! હમણાંતો તારી સાથે જ છું” એમ કહી અને બંને ઘર તરફ ચાલતા થયા.
***
રુશી અને આરવ મળશે ત્યારે આરવનું રીએક્શન રુશીને જોઇને શું હશે?