MANGAL - 15 in Gujarati Detective stories by Ravindra Sitapara books and stories PDF | મંગલ - 15

Featured Books
Categories
Share

મંગલ - 15

મંગલ

Chapter 15 -- ભ્રમણ

Written by Ravikumar Sitapara

ravikumarsitapara@gmail.com

ravisitapara.blogspot.com

M. 7567892860

-: પ્રસ્તાવના :-

નમસ્કાર

Dear Readers,

દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં આ પંદરમાં ભાગમાં આપનું સ્વાગત છે. અત્યાર સૂધી આપણે જોયું કે તોફાન અને ચાંચિયાઓ સામે લડતા મંગલ દરિયામાંથી ફેંકાઈ જાય છે. મંગલનાં કોઈ સમાચાર મળતા નથી, જેથી તેને મરેલો માની લેવામાં આવે છે. મંગલનાં ઘરમાં માતમનો માહોલ છવાઈ જાય છે પણ શું મંગલ ખરેખર મૃત્યુ પામ્યો હતો ? જો તે જીવિત છે તો કેવી હાલતમાં છે અને ક્યાં છે ? આગળ શું થશે ? શું તે ફરીથી પેઢીનાં માણસોને કે પોતાનાં પરિવારને ફરીથી મળી શકશે ? જાણવા માટે વાંચો...

દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું પંદરમું પ્રકરણ

મંગલ Chapter 15 -- ભ્રમણ

Chapter 15 -- ભ્રમણ ગતાંકથી ચાલું...

સવાર પડી. સૂર્યનો પ્રકાશ કિનારા પર પથરાવા લાગ્યો. કલાકોનાં આરામ પછી શરીરમાં હવે થાક રહ્યો ન હતો. મંગલ ઊંઘમાંથી ઉઠ્યો. આગલી રાતથી જે કામ નક્કી કર્યું હતું કે સવાર પડતા જ ટાપુમાં અંદર જઈને કોઈની મદદ લેવી અને બને એટલી જલ્દી આ જગ્યા છોડી દેવી. મંગલ ઊઠ્યો અને કિનારા તરફ ગયો. કિનારા પર સુંદર ચળકતું સ્વચ્છ પાણી મંગલને જાણે અહીં જ રોકાઈ જવા આમંત્રણ આપી રહ્યું હતુ. તેને પાણી જોઈને ન્હાવાની ઈચ્છા થઈ આવી. તે ક્યાંય સૂધી કિનારાનાં પાણીમાં પડ્યો રહ્યો. થોડી કલાકો પહેલા જે પાણી તેનાં મૃત્યુ માટે નિમિત બનત એ પાણી આજે તેને ખૂબ આરામ આપી રહ્યું હતું. તેણે દરિયામાં દૂર દૂર સૂધી નજર ફેરવી પણ કોઈ વહાણ આવી રહ્યું ન હતું.

પાણીમાંથી બહાર નીકળીને તેણે પોતાનું કામ આરંભ્યું. ટાપુનો અંદરનો ભાગ જંગલ વિસ્તાર લાગતો હતો. પક્ષીઓનાં કિલ્લોલ સિવાય બીજો કોઈ અવાજ હજુ સૂધી આવતો ન હતો. જંગલ વિસ્તારમાં પેલા આદિવાસીઓ જેવી કોઈ વસાહત અહીં પણ હશે તો ? એટલે મંગલે પોતાની સુરક્ષા માટે બાજુમાં રહેલા એક ઝાડની ડાળી જેમ તેમ કરીને કાપી. જો કે આ હથિયાર પૂરતું ન હતું પણ પોતાની પાસે બીજો કોઈ રસ્તો ન હતો. હા, પેલું ખંજર મ્યાનમાં રહેલી તલવારની જેમ હજુ પણ તેનાં પગે બાંધેલ પટ્ટા સાથે અકબંધ રહેલું હતું. આ હથિયાર તેને ખૂબ કામમાં આવ્યું હતું. તે બીજા કોઈને નુકસાન પહોંચાડવા માંગતો નાં હતો. તે પોતાનાં કામે વળગી ગયો. પાસે આવેલા વૃક્ષ પર પથ્થરથી એક નિશાન કરીને તે ત્યાંથી આગળ વધ્યો. આખા રસ્તામાં તેણે નોંધ્યું કે આ રસ્તામાં કોઈ માનવનાં પગલાનાં નિશાન નથી. હા, ક્યાંક ક્યાંક પ્રાણીઓનાં પગલાનાં નિશાન મોજૂદ હતા. મંગલે તરત જ સાવધાન થઈ જઈ પોતાનું ખંજર પગેથી કાઢી કમરે પહેરેલ પટ્ટા સાથે બાંધ્યું. બે ત્રણ કિમી ચાલ્યા પછી ઘટાદાર જંગલો આવવાનાં ચાલુ થયા. ઊંચા ઊંચા વૃક્ષો અને નીચે જમીન પર પથરાયેલ નાના નાના છોડનાં આમ તેમ પથરાયેલ પાંદડાઓ, આડેધડ ઉગી નીકળેલું ઘાસ એ વાતની ચાડી ખાતા હતા કે આખો રસ્તો વણખેડાયેલો છે. ‘કદાચ કોઈ કબીલો અંદર હોવો જોઈએ પણ હોય તો તેનાં કોઈ નિશાન પણ મળતા નથી.’ મંગલ સ્વગત બબડ્યો.

એકાદ બે જગ્યાએ સાપની કાઢી નાખેલ કાંચળીઓ પણ જોવા મળતી હતી. કિનારા કરતાં અહીં વિસ્તાર થોડો ગીચ હતો. સૂર્યનો પ્રકાશ પણ ધરતી સૂધી ખૂબ મુશ્કેલીથી પહોંચી શકે એવી ગાઢ વનરાજી જોવા મળતી હતી. મંગલ ચાલી ચાલીને થાકી ગયો. થોડો સમય એક ઝાડની નીચે રહી આરામ કરવા બેસી ગયો. બપોર થઈ ચૂકી હતી. આજુબાજુની વનરાજી જોતા એવું લાગતું હતું કે પોતે આફ્રિકાનાં કોઈ ટાપુ પર જ હોવો જોઈએ પણ ક્યાં ? આ ટાપુ આજ સૂધી ક્યાં હતો ? તેની કેટલીય દરિયાઈ સફરમાં આજ સૂધી એ અજાણ્યો કેમ રહ્યો હતો ? કોણ રહેતા હશે અહીં ? આ જગ્યા જ ખૂબ રહસ્યમય ભાસી રહી હતી. મંગલ આ સઘળું વિચારી રહ્યો હતો ત્યારે દૂર દૂરથી થોડો થોડો પાણીનો ધોધ પડતો હોય એવો ઘેરો અવાજ આવી રહ્યો હતો.

મંગલે થોડો આરામ કરીને આગળ જવા પગ ઉપાડ્યા. સામે એક ઊંચો વૃક્ષોથી આચ્છાદિત પર્વત દેખાઈ રહ્યો હતો. અમુક અંતર કાપી તે પર્વત પાસે આવ્યો. તેની ડાબી બાજુએ પેલો પાણીનો ધોધ જમીન પર પડી ત્યાંથી પથ્થરોને ઘસાઈને લીસા બનાવતું ઝરણું ખળખળ કરતુ આગળ વધી રહ્યું હતું. આજુબાજુમાં નાની નાની ટેકરીઓ જોવા મળતી હતી. તેણે ઝરણા પાસે જઈને તેનું પાણી પીધું. સમુદ્ર આટલો નજીક હોવા છતાં પાણી ખૂબ મીઠું હતું. મંગલે પર્વત પર ચડી ત્યાંથી બધી બાજુ જોવાનું નક્કી કર્યું. જંગલ વિસ્તારમાં તો તેને કોઈનો ભેટો થયો ન હતો. કદાચ આ પર્વત પાછળ કોઈ વસાહત હોઈ શકે એમ વિચારી તેણે પર્વત ભણી ડગ માંડ્યા.

ઊંચે ચઢીને તેણે ચારે બાજુ નજર નાખી. દૂર દૂર સૂધી દરિયો જ દરિયો. વચ્ચે આવેલા એક ટાપુ પરનાં પર્વતની હારમાળામાં આવેલા સૌથી ઊંચા પર્વત પર પોતે ઊભો હતો. તેણે નીચેની તરફ નજર નાખી. ત્યાંથી તો કોઈ બાજુ માણસોની અવરજવર જોવા ન મળી. ચારે તરફ કોઈ કિનારા તરફ નજર નાખી પણ નાની સરખી હોડી પણ નજરે ન ચડી, કોઈ ઝૂંપડા કે કબીલા નજરે ન ચડ્યા. તે લગભગ પામી ગયો કે આ ટાપુ પર તેનાં સિવાય કોઈ નથી. કદાચ આ એવો ટાપુ છે જ્યાં સૌથી પહેલા તેનાં જ પગલા પડ્યા છે. અહીં કોઈ વસવાટ નથી, કોઈ કબીલા નથી, કોઈ ગામ નથી, કોઈ સંસ્કૃતિ નથી. એકદમ નિર્જન પણ સુંદરતા ખોબલે ખોબલે કુદરતે તેને આપી છે.

મંગલ ત્યાંથી પાછો ફર્યો. હવે તેને ખાતરી થઈ કે તેને મદદ કરવાવાળું અહીં કોઈ નથી. પોતાને ત્યાંથી બહાર નીકળવા ખુદ જાતે જ કંઈક કરવું પડશે, પણ કઈ રીતે ? દૂર દૂર સૂધી દરિયામાં કોઈ જ માનવઆકૃતિ નજરે પડતી ન હતી. તે નીચે ઉતર્યો. આ વખતે તેણે ઝરણાંનાં રસ્તે રસ્તે ચાલવાનું નક્કી કર્યું. જંગલની વચ્ચેથી ખળખળ વહેતું ઝરણું અને પંખીઓનો મીઠો અવાજ એક મીઠું સંગીત રચી રહ્યું હતું. તેણે ચારે બાજુનાં વાતાવરણ અને જગ્યાઓનો વ્યવસ્થિત તાગ મેળવ્યો. અમુક અમુક અંતરે એક પથ્થરથી કોઈ વૃક્ષ પર નિશાની કરી લેતો હતો જેથી કદાચ રસ્તો ભૂલો પડી જાય તો આ નિશાનીઓ કામે આવી જાય. કેટલાંય અંતર સૂધી ચાલ્યા પછી મંગલ થાક્યો. તેને ભૂખ પણ ખૂબ લાગી હતી. તેણે આજુબાજુમાં નજર નાખી. અમુક વૃક્ષો ઉપર ખાસ લાલ રંગનાં ફળો જોયા. આવા ફળો તેમણે અગાઉ ક્યાંય જોયા ન હતા. નવી ધરતીનાં રૂપ રંગ પણ અલગ હતા. ફળો મીઠા અને રસાળ હતા. મંગલે કિનારે કિનારે ચાલવાનું નક્કી કર્યું. છૂટા છવાયાં પ્રાણીઓ સિવાય અહીં કોઈ ન હતું. કોઈ જંગલી પ્રાણીઓનો ભેટો થયો ન હતો એટલે તેને થોડી રાહત થઈ પણ તેમ છતાં સાવચેત પગલે જ તે ચાલી રહ્યો હતો. આખા રસ્તે મબલખ ફળફળાદિ વાળા વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં હતા. મંગલે ચાલ્યા રાખ્યું. તેણે કિનારો છોડી હવે અંદરની તરફ ભ્રમણ કરવાનું ચાલુ કર્યું. ગીચ ઝાડીઓ અને વનરાજીથી ભરપૂર રસ્તો હતો.

મંગલ અમુક જગ્યાએ આરામ કરતો કરતો ફરી કિનારે પહોંચ્યો. ટાપુમાં લગભગ બધી જગ્યાએ તે ફરી ચૂક્યો હતો. તે વીસેક કિલોમીટર અંદાજે ચાલ્યો અને પર્વત પર પણ ચઢ્યો હતો. રસ્તામાં તેને ઘણી બધી જાણકારી મળી ચૂકી હતી. ટાપુનો ઘણો ખરો તાગ મેળવ્યો હતો. અમુક વૃક્ષોનાં લાકડા હોડી બનાવવામાં કામ આવે તેમ છે એવી પણ ખાતરી થઈ. પણ ‘હોડી બનાવવા માટેનાં લાકડા મેળવવા વૃક્ષો કાપવાનાં હથિયારો ક્યાંથી લાવવા ? અહીં કોઈ માણસોનો વસવાટ તો છે નહિ.’ એટલું વિચારતા મંગલનાં ચહેરા પર નિરાશા વ્યાપી ગઈ. શું તે અહીંથી પાછો ક્યારેય ફરી શકશે નહિ ? શું તે પોતાની પત્ની, પોતાની દીકરી કે પોતાની માડીનું મોઢું ક્યારેય જોઈ નહિ શકે ? મંગલ બેબાકળો બની ગયો. શું તેમનાં નસીબમાં આ જ લખાયું હશે ? પોતાનાં મિત્રો, પોતાનાં સગાઓથી દૂર આ વેરાન જગ્યાએ જ રહેવાનું ? રહેવું પણ પડે તો કેટલો સમય ? તેણે મદદ માટે ચારે બાજુ નજર નાખી પણ કોઈ વહાણ દેખાયું નહી. થોડે દૂર દરિયામાં એક નાનો બીજો ટાપુ પણ દેખાતો હતો. ટાપુ પર નાનો એવો પર્વત હતો. પાસેનો કિનારો છીછરો હતો. થોડે દૂર ત્રણ ચાર વૃક્ષોનાં તૂટેલા થડ દેખાઈ રહ્યા હતા. ‘કદાચ કોઈ તોફાનમાં તૂટી પડ્યા હશે.’ એવું અનુમાન મંગલે લગાવ્યું. તૂટેલા થડનો ઉપયોગ હોડી કે તરાપા માટે કરવો એવું વિચાર્યું.

જો કે આખા દિવસની રઝળપાટ પછી થાકને કારણે આગળનું કામ બીજા દિવસ માટે છોડ્યું. તેણે થોડા દિવસોની અંદર જ આ ટાપુ છોડી દેવાની ગણતરી કરી. હાલ પૂરતું તે રાત રોકાવા માટે નજીકનાં ઝાડની ડાળીઓ કાપી, નાળિયેરીનાં પાંદડાઓ અને કાચલીઓ લઈ કિનારાની નજીક છાજલી બનાવી રહેવા માટે નાની કામચલાઉ ઝૂંપડી બનાવી. આગળનાં કેટલા દિવસો સૂધી અહીં રોકાણ થશે તેનું કંઈ નક્કી ન હતું. સાંજ પડી ચૂકી હતી. આગલા દિવસનું આયોજન કરીને તે સૂઈ ગયો.

બીજે દિવસે સવાર પડતા જ મંગલ કામે વળગ્યો. પાસે પડેલા ખંજર સિવાય કોઈ હથિયાર ન હતું. તૂટી પડેલા થડમાંથી પાંદડાઓ દૂર કરી ઉપરનો ભાગ જેમ તેમ કરીને દૂર કર્યો. કામ થોડું અઘરું હતું પણ મંગલ સતત વળગી પડ્યો. બધા લાકડાઓ એક વડવાઈઓ અને બીજી કેટલીય મજબૂત ડાળખીઓ સાથે બધા થડને જોડી એક તરાપો બનાવ્યો. બે ત્રણ દિવસ સૂધી આ જ કામ ચાલુ રાખ્યું. ભૂખ લાગે તો નજીકમાં જઈ ઝાડનાં ફળો તોડીને ભૂખ સંતોષતો. તરાપો તૈયાર થઈ જતા તે દરિયામાં આગળ વધ્યો. સામે આવેલા ટાપુ પર તે પહોંચ્યો. જો કે ત્યાં કોઈ રહેવા જેવી જગ્યા તો ન હતી પણ પુષ્કળ માછલાઓ હતા. તેણે બપોરનાં ભોજન માટે અમુક માછલાઓ પકડ્યા. અચાનક તેની નજર એક હોડી પર પડી. તેની આંખો ચમકી. દોડીને તે હોડી પાસે આવ્યો. ‘આ કોની હોડી જો કે કોઈ જોવા ન મળ્યું. આજુબાજુમાં નજર નાખી. ‘કોણ આવ્યું હશે અહીં ? કોની હોડી હશે આ ? આ ત્રણ ચાર દિવસમાં કોઈ જોવા ન મળ્યું હતું.’ મંગલે વિચાર કર્યો. ‘કદાચ કોઈ તોફાનમાં ફસાઈ ગયું હશે અને તેની હોડી અહીં...!’ કદાચ ભગવાને તેની પ્રાર્થના સાંભળી હશે. બંને ટાપુ વચ્ચે ખાસ અંતર ન હતું અને પાણી પણ ઊંડું ન હતું. તેથી તરાપા અને હોડીને જોડીને ગમે તેમ તે કિનારે લાવ્યો. મંગલ ત્રણ ચાર દિવસની મહેનત પછી થોડો ખુશ હતો. તે ત્યાંથી બહાર નીકળવાના સપના જોવા લાગ્યો.

To be Continued…

Wait for next part…