Anyay - 3 in Gujarati Detective stories by Kanu Bhagdev books and stories PDF | અન્યાય - 3

Featured Books
  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

Categories
Share

અન્યાય - 3

અન્યાય

કનુ ભગદેવ

3: પલાયન

આમ ને આમ કોઈ નવાજૂની વગર એક મહિનો પસાર થઈ ગયો.

અજયે દસ લાખની વીશીમાં પોતાનું નામ લખવી દીધું હતું.

આજે શનિવાર હતો.

ચારે ય ઠગરાજ અજયને ત્યાં ભેગા થયા હતા.

‘દોસ્તો...’ અજય, એ ત્રણેય સામે જોઈ, ગળું ખંખેરીને બોલ્યો, ‘તમને જાણીને આનંદ થશે કે દસ લાખની વીશીમાં મારું નામ લખાઈ ગયું છે. ગઈ કાલે તેનો પહેલો હપ્તો હતો, પરંતુ મેં જાણે મને કંઈ પડી જ ન હોય અને માત્ર કમાણી ખાતર જ નામ લખાવ્યું હોય એ રીતે બોલીમાં ભાગ જ નહોતો લીધો. આ વીશીના સંચાલકનું નામ ભુજંગીલાલ છે. દસ લાખની આ વીશી પહેલા જ હપ્તે છ લાખ ઓછામાં એક માણસે ઉપાડી લીધી છે. એના હાથમાં ચાર લાખ રૂપિયા આવ્યા છે. એટલે વીસે ય મેમ્બરોના ભાગે વીસ હજાર રૂપિયાનો હપ્તો આવ્યો છે. મારા હપ્તાના વીસ હજાર રૂપિયા તો કાલે ને કાલે, સ્થળ પર જ ચૂકવી દીધા છે. બલ્કે મેં તો બે-ત્રણ હપ્તા સાથે જ આપી દેવાની ઓફર કરી હતી. એ એક સાથે, અગાઉની જેમ હપ્તાઓ એડવાન્સમાં લેવાની ના પડશે તો હું જાણતો જ હતો. મારી આ ઓફરથી ભુજંગી મારા પર એકદમ ખુશ થઈ ગયો છે. એક રીતે તે મારા મિત્ર જેવો બની ગયો છે.’

‘એ તો જાણે કે સમજ્યા...પણ બીજી કોઈ મોટી વીશી વિશે કંઈ જાણવા મળ્યું છે ખરું?’ બિહારીએ વ્યાકુળ અવાજે પૂછ્યું.

‘હા...શશીકાંતની ઈમાનદારીવાળી જાહેરાતનો ઉપયોગ કરવાનો વખત હવે આવી ગયો છે.’

‘એટલે...?’

‘એટલે એમ કે હવે પછીની વીશીમાં મારું નહીં, પણ શશીકાંતનું નામ લખાવવાનું છે.’

‘પણ આ વીશી છે કેટલાની?’

‘એક કરોડ રૂપિયાની...!’ અજયે ધડાકો કર્યો.

‘શું...?’ ત્રણેય આશ્ચર્યથી ઊછળી પડ્યા.

‘હા...પણ આ વીશી ભુજંગી શરૂ નથી કરવાનો?’

‘તો?’

‘રાજકોટથી દસેક કિલોમીટર દૂર અમદાવાદ હાઈવે પર નારાયણ રબ્બર્સ નામની એક જબરદસ્ત ફેક્ટરી આવેલી છે. આ ફેક્ટરીનો માલિક નારાયણરાવ પોતે જ પહેલી તારીખથી એક કરોડની વીશી શરૂ કરે છે. નારાયણરાવને પોતાને પૈસાની કંઈ જ પડી નથી. એની પાસે ચિક્કાર પૈસા છે આ વીશીમાં તે માત્ર લાખોપતિ માણસોને જ લેવાનો છે. નારાયણરાવ પોતે ખૂબ જ ઈમાનદાર માણસ છે. જરૂરિયાતવાળા માણસોને એમના બીઝનેસના વિકાસ માટે પૈસા મળી રહે એટલા ખાતર જ તે આ વીશી શરૂ કરવા માંગે છે. ભુજંગીએ આ વીશીમાં દાખલ થવાની મને સલાહ આપી હતી પણ મેં તેને ના પાડી દીધી છે. અલબત્ત, મારા એક મિત્રનો ઉદ્યોગ સ્થાપવા માટે પૈસાની જરૂર છે એમ મેં તેને જણાવ્યું છે. જ્યારે એણે મને પૂછ્યું કે આ મિત્ર ઈમાનદાર છે કે કેમ ત્યારે છાપામાં છપાયેલી તારી ઈમાનદારીની જાહેરાત મેં તેને વંચાવી હતી. આવતી કાલે સવારે પ્લેનમાં ભુજંગી મુંબઈ કોઈક કામસર જાય છે અને ત્યાંથી દસેક દિવસ પછી પાછો ફરશે. આ દરમિયાનમાં આપણે એક કામ કરવાનું છે.’

‘શું...?’

‘અહીંથી ત્રીસેક કિલોમીટર દૂર આવેલા બામણબોરમાં ઢગલાબંધ ઔદ્યોગિક એકમો છે. આપણે ત્યાં એક શેડ ખરીદવો પડશે.’

‘એ તો બરાબર છે. પણ શેડ આવશે કેટલાનો?’

‘ઓછામાં ઓછા પચાસ હજાર રૂપિયા તો થશે જ! દસ દિવસ પછી મુંબઈથી ભુજંગી પાછો આવશે. આ દરમિયાન આપણે શેડ ખરીદીને બધું વ્યવસ્થિત કરી નાખવાનું છે.’

‘આ શેડમાં આપણે શું કરવાનું છે?’

‘આપણે નહીં, જે કંઈ કરવાનું છે તે શશીકાંતે જ કરવાનું છે.’

‘ઠીક છે...પણ મારે શું કરવાનું છે?’ શશીકાંતે પૂછ્યું.

‘ઓફસેટ પ્રિન્ટિંગ પ્રેસ...! આ બાબતમાં મેં એક લોન એડવાઈઝર સાથે વાત કરીને ઓફસેટ પ્રેસનો પ્રોજેક્ટ બનાવવા આપી દીધો છે. આ પ્રોજેક્ટ ઓછામાં ઓછો સીત્તેર લાખ રૂપિયાનો થશે. પ્રિન્ટિંગ પ્રેસ માટેની જોઈતી મશીનરીનાં કવોટેશનો પણ એણે મંગાવી લીધા છે. આપણે હવે ફક્ત એક શેડ જ ખરીદવાનો બાકી છે.’

ત્રણે યે હકારમાં માથાં હલાવ્યાં.

‘મેં ભુજંગીને એમ કહ્યું છે કે દિનાનાથ નામનો મારો એક મિત્ર બામણબોરમાં પ્રિન્ટિંગ પ્રેસ કરવા માગે છે. આ બાબતમાં પોતે મુંબઈથી આવીને નારાયણ રાવ સાથે વાત કરી લેશે એમ ભુજંગીએ મને જવાબ આપ્યો છે. આજે પંદર તારીખ થઈ છે. મારી ગણતરી મુજબ પચ્ચીસ-છવીસ તારીખે તે આવી જશે તો આવે એ પહેલાં જ આપણે ગમે તે કિંમતે બામણબોરમાં શેડ ખરીદી લેવાનો છે.’

ત્યારબાદ શશીકાંત, બિહારી અને સંતોષકુમાર ચાલ્યા ગયા.

બે દિવસ પછી તેમને એક દલાલ મારફત બામણબોર ખાતે એક શેડ ખરીદી લીધો. વેચનાર ગરજાઉ હોવાને કારણે શેડ માત્ર પાંત્રીસ હજાર રૂપિયામાં જ મળી ગયો.

હવે તેઓ આતુરતાથી ભુજંગીના આવવાની રાહ જોતા હતા.

પચીસ તારીખે એ મુંબઈથી પાછો આવી ગયો.

છવીસ તારીખે એ લોકોની મિટિંગ યોજાઈ.આ મીટીંગમાં માત્ર ત્રણ જણે જ ભાગ લીધો હતો. એક તો શશીકાંત પોતે. બાકીના બે ભુજંગી તથા મનસુખલાલ ઉર્ફે અજય હતા.

શશીકાંતનો પ્રોજેક્ટ ભુજંગીને ખૂબ જ ગમ્યો અને પોતે આ બાબતમાં ચોક્કસ નારાયણ રાવને વાત કરશે એમ પણ જણાવ્યું.

બીજે દિવસે ત્રણે ય નારાયણ રાવને મળવા માટે તેની ફેક્ટરી પર ગયા.

નારાયણને પણ એનો પ્રોજેક્ટ ગમ્યો. ભુજંગી તથા અજયની ખાતર પછી એને શશીકાંતનું નામ એક કરોડની વીશી માટે લખી લીધું.

‘મિસ્ટર દિનાનાથ...!’ નારાયણરાવે કહ્યું, ‘તમારો પ્રોજેક્ટ ખરેખર સુંદર અને નફાકારક છે. પરંતુ મારા ઉદ્યોગપતિ મિત્રને કાચો માલ ખરીદવા માટે પૈસાની ખૂબ જ જરૂર છે. એણે આ એક કરોડની વીશી પચાસ લાખમાં લેવાની તૈયારી બતાવી છે. જો તમે એક મહિનો રાહ જુઓ તો બીજા હપ્તામાં આ વીશી હું તમને ત્રીસ લાખ ઓછામાં આપી દઈશ. તમારા હાથમાં સીત્તેર લાખ રૂપિયા આવશે. આટલી રકમમાંથી તમે ખુશીથ પ્રોજેક્ટ પાર પાડી શકશો.’

‘ઠીક છે ...મને કંઈ વાંધો નથી.’

‘છતાં પણ તમને ચાલે તેમ ન હોય તો મારા મિત્રને સમજાવીને તમને પહેલા જ હપ્તે પચાસ લાખ રૂપિયા અપાવી દઉં પણ એ સંજોગોમાં તમને વીસ લાખ રૂપિયા ઓછા મળશે. એથી ઊલટું એક મહિનો રાહ જોશો તો તમને સીત્તેર લાખ રૂપિયા મળશે.’

શશીકાંતે પ્રશ્નાર્થ નજરે અજય સામે જોયું.

‘દિનાનાથ...’ અજય બોલ્યો, ‘મિસ્ટર નારાયણ સાચું જ કહે છે. તેઓ જે કંઈ સલાહ આપશે એમાં તારું જ હિત હશે એની તું ખાતરી રાખજે. માટે તેમની સલાહ માનીને એક મહિનો રાહ જો. તારા પ્રોજેક્ટમાં ઓછામાં ઓછા પંચોતેર લાખ રૂપિયા જોઈશે. કદાચ તું પહેલા હપ્તે વીશી ઉપાડી લઈશ તો પણ તારા હાથમાં પચાસ લાખ રૂપિયા જ આવશે. બાકીના પચીસ લાખ તું ક્યાંથી લાવીશ? બે-પાંચ લાકની વાત હોય તો હું તને ગમે ત્યાંથી વ્યવસ્થા કરી આપું. નાહક જ તમારા બંનેના કામ બગડશે. એના કરતાં તો તું જ બીજે હપ્તે વીશી ઉપાડ એ જ વધુ યોગ્ય રહેશે સમજ્યો?’

‘ઠીક છે...’ શશીકાંતે માથું હલાવતાં કહ્યું, ‘બંનેના કામ બગડે એવું હું નથી કરવા માંગતો. મારો પ્રોજેક્ટ તો હું એક મહિનો મોડો પણ શરૂ કરી શકીશ. મિસ્ટર નારાયણ...’ એણે નારાયણ સામે જોયું, ‘તમો તમારે ખુશીથી પહેલો હપ્તો તમારા મિત્રને આપી દો જેથી એનું કામ શરૂ થાય. પણ આવતા મહિને એટલે કે બીજા હપ્તામાં તમારા વચન મુજબ તમારે ત્રીસ લાખ ઓછામાં મને આ વીશી અપાવવાની છે.’

‘હું મારું વચન નહીં ભૂલું.’

ત્યારબાદ થોડી આડા-અવળી વાતો કરીને ત્રણેય ત્યાંથી વિદાય થઈ ગયા.

એ જ રાત્રે ચારે ય ઠગરાજોની મિટિંગ ભરાઈ.

નારાયણ સાથેની વાતચીતની વિગતો અજય તથા શશીકાંતે બાકીના બંને સાથીદારોને જણાવી દીધી. પછી શશિઅક્ન્તે ઉમેર્યું, ‘નસીબ સાથ આપશે તો આવતા મહિને આપણા હાથમાં સીત્તેર લાખ જેવી માતબર રકમ આવી જશે. પણ એ પહેલાં આપણે એક કરોડની વીશીનો પહેલો હપ્તો ભરવો પડશે. આ હપ્તો અઢી લાખ રૂપિયાનો થાય છે. તારી પાસે તો હવે માંડ માંડ સવા લાખનું બેલેન્સ છ. બાકીના સવા લાખ ક્યાંથી કાઢીશું?’

‘એક ઉપાય મને સૂઝે છે.’ અજય બોલ્યો.

‘શું?’

‘હું એક લાખ રૂપિયાવાળી વીશી ઉપાડી લઈશ.’

‘પણ એમાં બહુ બહુ તો તારા હાથમાં સાઈઠ-પાંસઠ હજાર રૂપિયા આવશે જ્યારે આપણે તો સવા લાખ રૂપિયા ખૂટે છે.’

‘બાકીની રકમની હું એચ. એફ્માંથી વ્યવસ્થા કરીશ.’

‘આ એચ. એફ. વળી શું?’

‘વીશીની ભાષામાં એચ. એફ. એટલે હાજર ફાઈનાન્સ! કોઈ વાર વીશીનો હપ્તો ચુકવવા માટે કોઈક મેમ્બર પાસે વ્યવસ્થા ન હોય ત્યારે તે હાજર ફાઈનાન્સમાંથી રકમ મેળવીને હપ્તો ચૂકવી દે છે. જોકે આ રકમ બહુ ટૂંકા ગાળા માટે મળે છે અને તેનું વ્યાજ પણ ખૂબ જ ઊંચું હોય છે. હાજર ફાઈનાન્સમાં સો રૂપિયા દીઠ એક દિવસનું પંદર પૈસાથી માંડીને પચાસ પૈસા જેટલું વ્યાજ હોય છે. આ ફાઈનાન્સની મુદ્દત વધુમાં વધુ દસ દિવસથી હોય છે.ગયા હપ્તે જ ભુજંગીએ એક મેમ્બરને હાજર ફાઈનાન્સ અપાવ્યું હતું. દસ લાખવાળી વીશી પાંચ તારીખે છે નહીં તો હું એ ઉપાડીને એક કરોડની વીશીનો પહેલો હપ્તો ચૂકવી ડેટ! એક લાખવાળી વીશી ત્રીસ ઉપાડી લઈશ. અને એક કરોડની વીશીમાં હપ્તામાં ખુટતી બાકીની રકમ હું હાજર ફાઈનાન્સમાંથી એલ્વી લઈશ.’

‘અને હાજર ફાઈનાન્સમાંથી લીધેલી રકમ કેવી રીતે ભરપાઈ કરીશ?’ સંતોષકુમારે પૂછ્યું.

‘એનો ઉપાય પણ મારી પાસે છે.’

‘શું’

‘હાજર ફાઈનાન્સની રકમ ભરપાઈ કરવા માટે આપણી પાસે દસ દિવસની મુદ્દત છે. હું આવતી કાલે આ ફાઈનાન્સ લઈશ એટલે એ ભરપાઈ કરવા માટે નવ તારીખ સુધીની મુદ્દત મારા હાથમાં છે. ત્યાં તો પાંચ તારીખ આવી જાશે.

‘તો પાંચમી તારીખે તું દસ લાખવાળી વીશી ઉપાડીને હાજર ફાઈનાન્સની રકમ ભરપાઈ કરી દેવા માંગે છે ખરુંને?’

‘હા....બસ, આ સિવાય આપણે કંઈ જ નથી કરવાનું. આવતે મહિને તો કરોડવાળી વીશી આપણા હાથમાં આવી જ જવાની છે.’

ત્રણે યે સંમતિપૂર્વક માથું હલાવ્યું.

***

અજયે એક લાખ રૂપિયાવાળી વીશી ઉપાડી લીધી. એના હાથમાં સાઈઠ હજાર રૂપિયા આવ્યા. જેમાંથી ત્રણ હજાર રૂપિયા એણે હપ્તા પેટે ચુકવ્યા. ત્યારબાદ એણે બધું બેલેન્સ ગણી જોયું. સાઈઠ હજાર સહિત કુલ એક લાખ ને નેવું હજાર રૂપિયા થતા હતા. આ રકમ એણે શશીકાંતને આપી દીધી.

એક કરોડની વીશીના પહેલા હપ્તા પેટે શશિકાંતને અઢી લાખ રૂપિયા ભરવાના હતા.

અજયે બાકીના સાઈઠ હજાર રૂપિયાની વ્યવસ્થા હાજર ફાઈનાન્સમાંથી કરાવી આપી હતી. ફાઈનાન્સર ભુજંગીનો ઓળખીતો હોવાને કારણે સોએ દસ પૈસા જ એક દિવસનું વ્યાજ નક્કી કર્યું હતું.

પહેલી તારીખે શશીકાંત, નારાયણ રાવને પોતાના હપ્તાની રકમ કુલ અઢી લાખ રૂપિયા જમા કરાવી આવ્યો.

હવે ચારેયના ગજવામાં કુલ મળીને ફક્ત એકાદ હજાર રૂપિયા જ રહ્યા હતા.

પરંતુ છઠ્ઠી તારીખે ફરીથી તેમના ગજવા તર થઈ ગયા.

અજયે પાંચ તારીખની દસ લાખવાળી વીશી ઉપાડી લીધી હતી. આ બાબતમાં તો તેને ભાવતું તું ને વૈદે બતાવ્યાનો ઘાટ થયો હતો.

બન્યું એવું કે ભુજંગીને અચાનક પૈસાની સખત જરૂર પડી ગઈ. એણે અજય પાસે એક લાખ રૂપિયા ઉછીના માગ્યા. અજયે આ તકનો આબાદ લાભ ઉઠાવ્યો. એણે તરત જ ભુજંગીને જણાવી દીધું કે અત્યારે તો મારી પાસે પૈસા નથી પણ જો તને જરૂર હોય તો દસ લાખવાળી વીશી ઉપાડીને તને વ્યવસ્થા કરી આપું. ભુજંગીને તો પૈસા વગર ચાલે તેમ જ નહોતું. એણે તરત જ હા પાડી દીધી.

દસ લાખની એ વીશી અજયને ચાર લાખ ઓછામાં મળી. એના હાથમાં છ લાખ રૂપિયા આવ્યા. જેમાંથી એણે ત્રીસ હજાર હપ્તો ચુકવ્યો અને એક લાખ ભુજંગીને ઉછીના આપી દીધા.

છ લાખમાંથી એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા બાદ કરતાં એની પાસે કુલ ચાર લાખ અને સીત્તેર હજાર રૂપિયા બચતા હતા. એણે આ રકમમાંથી હાજર ફાઈનાન્સમાં લીધેલી લોન પણ ભરપાઈ કરી દીધી.

રાત્રે જ્યારે એ ઘેર આવ્યો ત્યારે તેની પાસે ચાર લાખ રૂપિયા રોકડા હતા.

આજે એણે બધું ફાઈનલ કરવા માટે પોતાના સાથીદારોને બોલાવ્યા હતા.

અડધા કલાક પછી તેઓ આવી પહોંચ્યા.

અજયે તેમને બધી જ હકિકતથી વાકેફ કર્યા. પછી ઉમેર્યું, ‘સાથીઓ...આવતા મહિને આપણું મિશન પૂરું થઈ જશે. આપણા હાથમાં સીત્તેર લાખ રૂપિયા રોકડા આવી જશે.’

‘પછી શું કરવું છે?’

‘આ વીશીનું પેમેન્ટ આપણને લગભગ ત્રણ તારીખે મળી જશે. કદાચ એમાં એકાદ દિવસ મોડું થવાની શક્યતા પણ નકારી શકાતી નથી. મોડામાં મોડું ચાર તારીખે આપણા હાથમાં પૈસા આવી જશે અને આપણે એ દિવસે રાત્રે જ ચૂપચાપ કારમાં બેસીને પોબારા ગણી જવાના છે.’

‘આપણી પાસે ક્યાં કાર હતી?’

‘નહીં હોય તો આવી જશે. દસ લાખની ઉપાડેલી વીશીમાંથી હજુ મારી પાસે ચાર લાખ રૂપિયા પડ્યા છે, પણ આપણે હમણાં કાર નથી ખરીદવાની!’

‘કેમ?’

‘અત્યારે કાર ખરીદીને નાહક જ લોકોની નજરે ચડી જઈશું. કારની ડીલીવરી આપણને ત્રણ તારીખે મળી જાય એ રીતે ખરીદવાની છે. ખરીદ્યા પછી પણ આપણે તેનો ઉપયોગ અહીંથી નાસીને ત્યારે જ કરવાનો છે. ત્યાં સુધી તો કોઈને ય આ બાબતની ગંધ સુધ્ધાં નથી આવવા દેવાની!

‘અહીંથી નાસીને ક્યાં જવાનું છે?’

‘પોલિસ અને વીશીના સંચાલકોની પક્કડમાંથી દૂર...! હવે કોઈને કંઈ પૂછવું છે?’

ત્રણે યે નકારાત્મક ઢબે માથાં હલાવ્યા.

એક પછી એક દિવસો પસાર થતા ગયા અને છેવટે પહેલી તારીખ આવી પહોંચી.

આજે સવારથી જ સૌ અજયને ત્યાં એકઠા થયા હતા. સૌનાં હૃદય ધબકતાં હતાં.

રાત્રે બરાબર આઠ વાગ્યે અજય શશીકાંત સાથે નારાયણ રાવને ત્યાં પહોંચી ગયો હતો. એ ભુજંગીને પણ સાથે લઈ જવા માંગતો હતો. પરંતુ ભુજંગી ચાર-પાંચ દિવસ માટે ક્યાંક બહારગામ ગયો હોવાથી તેનો મુલાકાત નહોતી થઈ શકી. પરિણામે તે એકલો જ શશીકાંત સાથે ગયો હતો.

બંને નારાયણ રાવની ઓફિસમાં બેઠા હતા.

‘મિસ્ટર દિનાનાથ...!’ નારાયણરાવ શશીકાંતને ઉદ્દેશીને બોલ્યો, ‘આ વીશી તમારી જ થઈ ગઈ એમ સમજો! મેમ્બરો પાસેથી હપ્તા ઉઘરાવવામાં બે-ત્રણ દિવસ નીકળી જશે. તમે ચાર તારીખે આ ટાઈમે અહીં આવીને સીત્તેર લાખ રૂપિયા લઈ જજો. અને હા, તમારો પ્રોજેક્ટ ક્યાં સુધી પહોંચ્યો?’

‘આપની કૃપાથી પ્રોજેક્ટ પ્રગતિ પર જ છે મિસ્ટર નારાયણરાવ!’ શશીકાંત સ્મિત ફરકાવતાં જવાબ આપ્યો, ‘મારો પ્રોજેક્ટ મંજૂર થઈ ગયો છે અને અઠવાડિયા પહેલા ગાંધીનગરથી મને તો ઓબ્જેક્શન સર્ટિફીકેટ પણ મળી ગયું છે. હવે તો બસ મશીનરી લાવીને ફીટ કરવાની જ બાકી છે. આવતા મહિનાથી કામ શરૂ કરી દેવાની મારી ગણતરી છે.’

‘વેરી ગુડ...! મારા બે-ચાર પબ્લીકેશનવાળા મિત્રો છે. તેમને પણ હું કામ આપવા માટે ભલામણ કરી દઈશ.’

‘ચોક્કસ કરજો. આજના જમાનામાં એકબીજાના સહકાર વગર આગળ આવી શકાય તેમ છે જ નહીં.’ શશીકાંત બોલ્યો, ‘આપની લાગણી ખૂબ ખૂબ આભાર.’

‘અરે એમાં આભાર શાનો? આ તો મારી ફરજ છે. લોકો જાત મહેનત કરીને આગળ આવે એમ હું ઈચ્છું છું.’ નારાયણરાવે સ્મિત ફરકાવતાં કહ્યું.

‘સારું...તો હવે અમને રજા આપો.’ શશીકાંત ઊભો થઈને નારાયણ રાવ સાથે હાથ મીલાવતાં બોલ્યો.

‘ચાર તારીખે તમને પેમેન્ટ મળી જશે એટલે એ બાબતમાં તદ્દન નચિંત રહેજો.’

અને હકારમાં માથું હલાવીને ત્યાંથી વિદાય થઈ ગયા.

તેઓ જ્યારે અજયના ઘેર પહોંચ્યા ત્યારે રાતના નવ વાગી ગયા હતા.

જમી કરીને તેઓ ગેલેક્સી થિયેટરમાં દસ વાગ્યાના શોમાં અંગ્રેજી ફિલ્મ જોઈ.

રાત્રે એક વાગ્યે પાછા ફરીને સૂઈ ગયા.

બીજે દિવસે તેઓ મોડા ઉઠ્યા. આમે ય હવે ખાસ કંઈ કામ બાકી નહોંતુ રહ્યું.

તેઓ તો હવે ચાર તારીખની રાહ જોતાં હતા.

ત્રીજી તારીખે અજય એક શાનદાર મારૂતિ કાર લઇ આવ્યો. આ કાર એણે અઠવાડિયા પહેલાં જ બુક કરાવી લીધી હતી. પેટ્રોલની ટાંકી એણે ફુલ કરવી લીધી હતી. ઉપરાંત બે કેનો પણ ભરાવી લીધા હતા.

અને પછી ચોથી તારીખ આવી પહોંચી.

ભુજંગી હજુ પણ નહોતો આવ્યો. ભુજંગી વગર નારાયણ રાવ પેમેન્ટ આપશે કે કેમ એવી શંકા તેમને આવતી હતી.

રાત્રે આઠ વાગ્યે શશીકાંત અને અજય નારાયણ રાવને ત્યાં જ પહોંચી ગયા.

‘મિસ્ટર દિનાનાથ...!’ નારાયણ રાવ બોલ્યો, ‘તમે આજે આવી ગયા તે સારું જ થયું છે.’

‘કેમ?’

‘આવતી કાલે સવારની ફ્લાઈટમાં હું દિલ્હી જઉં છું. મારે એક જરૂરી કામસર ત્યાં જવું પડે એમ છે. તમારું પેમેન્ટ તૈયાર જ છે.’ એણે એક બ્રીફકેસ તેની સામે મૂકતાં કહ્યું, ‘લો, ગણી લો...પૂરા સીત્તેર લાખ છે.’

‘ગણવાની કંઈ જ જરૂર નથી. મિસ્ટર નારાયણ રાવ!’ શશીકાંત બ્રીફકેસ ઉઘાડીને અંદર નજર દોડાવતો બોલ્યો. બ્રીફકેસમાં છેક ઉપર સુધી પાંચસો રૂપિયાવાળી નોટોનાં બંડલો ભર્યા હતાં.

‘હું દસ તારીખે દિલ્હીથી પાછો આવીશ ત્યારે નિરાંતે મળીશું. અત્યારે તો તમે તમારો પ્રોજેક્ટ શરૂ કરી દો.’

‘ઠીક છે...’ કહી, બ્રીફકેસ ઉંચકીને બંને ત્યાંથી વિદાય થઈ ગયા. એક સામટી આવડી મોટી રકમ જોઈને તેમનાં હૃદય ઉત્તેજનાથી ધબકતાં હતાં.

અને એ જ રાત્રે ચારે ય ઠગરાજ આ રીતે સિત્તેર લાખ રૂપિયાનું ફૂલેકું ફેરવીને નાસી છૂટ્યા.

પછી જ્યારે આ બનાવની જાણ નારાયણરાવ, ભુજંગી વિગેરેને થઈ, ત્યારે નારાયણરાવને ખૂબ જ દુઃખ થયું. જ્યારે ભુજંગી ક્રોધથી ધુંવાફુવા થઈ ગયો. પણ એ કંઈ જ કરી શકે તેમ નહોતો.

નારાયણરાવે બધા મેમ્બરોને બોલાવીને તેમને બધી હકીકત જણાવી દીધી. એટલું જ નહીં, તેમના પૈસા પણ પાછા આપી દીધા.

કેવા નીચ અને સ્વાર્થી હતા આ ચારેય ઠગરાજ! વીશીના સંચાલક નારાયણરાવે, લોકો પોતાની રીતે આગળ આવે એવા શુભ હેતુથી વીશી ખોલી હતી. પણ અજય જેવા નીચ અને સ્વાર્થી માણસોને કારણે તેની આશા પર પાણી ફરી વળ્યું હતું. એને પોતાની ઈમાનદારી અને શુભ દાનતનું આવું મોટું ફળ ભોગવવું પડ્યું હતું. વીશી ખરાબ ચીજ છે એ છાપ લોકોના મગજમાંથી તે ભૂંસવા માંગતો હતો. પણ એની ઇચ્છા મનમાં જ રહી ગઈ હતી. આ રીતે દરેક વીશીઓવાળાની દાનત અને હેતુ લોકોને ઉપયોગી થવાનો જ હોય છે.પરંતુ અજય વગેરે જેવા નીચ અને સ્વાર્થી માણસોને કારણે તેઓ બદનામ થઈ જાય છે.

પણ અનિતી અને વિશ્વાસઘાત કરીને મેળવેલી લાખો રૂપિયાની જંગી રકમ એમને જે ભયંકર રંગ બતાવવાની હતી, એની જો તેમને પહેલાથી જ ખબર હોત તો સાત ભાવમાંએ તેઓ વીશીથી દૂર રહેત!

***