Anyay - 4 in Gujarati Detective stories by Kanu Bhagdev books and stories PDF | અન્યાય - 4

Featured Books
  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

  • કુંભ મેળો

    કુંભ પર્વ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ પર્વ છે, જેમાં કરોડો શ...

Categories
Share

અન્યાય - 4

અન્યાય

કનુ ભગદેવ

૪: ભટકતો આત્મા !

ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો.

દિવસો મહિનામાં અબે મહિનાઓ વર્ષમાં પલટાવા લાગ્યા.

ચારેય ઠગરાજો રાજકોટથી મુંબઈ અને મુંબઈથી વિશાળગઢ આવીને સ્થિર થયા હતા. ચારેયની દોસ્તી હજુ પણ અખંડ હતી. તેઓ પોતાના અસલી રૂપમાં આવી ગયા હતા.

સીત્તેર લાખ રૂપિયા ભેગા કરવામાં મુખ્ય ફાળો અજયનો હોવાથી તેમને બીઝનેસનું નામ પણ એજ રાખ્યું. અજય સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ...! ચારેય આ ઇન્ડસ્ટ્રીઝના ભાગીદાર હતા. આજે તો તેમની પાસે ગણ્યા ગણાય નહીં એટલા પૈસા ભેગા થઈ ગયા હતા.

તેમના દેખાવ બદલાઈ ગયા હોવાથી કોઈ જ તેમને ઓળખી શકે તેમ નહોતું.

અજય મહારાજા રોડ પર પોતાના આલિશાન બંગલામાં રહેતો હતો. સંતોષકુમારનો બંગલો સરદાર જયસિંહ રોડ પર હતો. જ્યારે બિહારી તથા શશીકાંત બંને એક જ બંગલામાં સાથે જ રહેતા હતા. તેમનો બંગલો લેડી વિલાસરાય રોડ પર હતો.

દસ વર્ષમાં તો તેમને ચિક્કાર પૈસા કમાઈ લીધા હતા. પણ હરામનો પૈસો ક્યારેય નથી પચતો.

છએક મહિના પહેલાં અજય બીઝનેસ ટૂર અંગે કેનેડા ગયો હતો. ત્યાં તેને વિચિત્ર રોગ લાગુ પડી ગયો. એના બંને પગ એકદમ દોરડા જેવા થઈ ગયા. તેનું જીવન વ્હીલચેરનું મોહતાજ બની ગયું. ચારમાંથી એકેય ભાગીદારે હજુ સુધી લગ્ન નહોતાં કર્યા. મોટા મોટા ડોક્ટરો પણ અજયનો રોગ નહોતા પારખી શક્યા. તેઓની ભાગીદારીની શરત પણ ખૂબ જ વિચિત્ર હતી. શરત મુજબ જો કોઈ ભાગીદાર મૃત્યુ પામે તો એના ભાગની રકમ કે મિલકત બાકીના ત્રણેય વચ્ચે વહેંચી દેવાની હતી.

પછી એક અણધાર્યો બનાવ બની ગયો. પંદર દિવસ પહેલાં લેડી વિલાસરાય રોડ પર આવેલા બંગલાના શયનખંડમાંથી શશીકાંતનો મૃતદેહ મળી આવ્યો. કોઈકે એની છાતીમાં બત્રીસ કેલિબરની રિવોલ્વરમાંથી ગોળી છોડીને તેનું ખૂન કરી નાખ્યું હતું એટલું જ નહીં, એસિડથી તેનો ચહેરો પણ સળગાવી નાખ્યો હતો. એનો ચહેરો ઓળખાય તેવો પણ નહોતો રહ્યો. એના શરીર પર નિશાનીઓ પરથી જ બાકીના ત્રણેય ભાગીદારોએ તેના મૃતદેહની ઓળખ કરી હતી. ખંડમાંથી ખૂની પર પ્રકાશ ફેંકે એવાં કોઈ જ ચિહ્નો નહોતાં મળ્યાં.

પોલીસ ખૂનીને શોધવામાં નિષ્ફળ ગઈ.

છેવટે આ કેસ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ડીપાર્ટમેન્ટના ચીફ ઇન્સ્પેક્ટર મેજર નાગપાલને સોંપી દેવામાં આવ્યો.

નાગપાલે પોતાની તપાસનાં ચક્રો ગતિમાન કરી દીધાં હતાં.

રાત્રિના ભયાનક સન્નાટાએ વાતાવરણને પોતાના આવરણમાં લપેટી લીધું હતું.

મધરાત ક્યારનીયે વીતી ગઈ હતી.

વિશાળગઢના રેલવેસ્ટેશન પર બાકી રહી ગયેલી છેલ્લી રીક્ષા સડક પર આવતી હતી.

ઠંડી સખત હતી. સડકની બંને તરફના મકાનો જાણે કે તેમાં કોઈ જ ન રહેતું હોય એ રીતે એકદમ શાંત હતા. ખૂબ મુશ્કેલી પછી તે અંધકારામાં જોઈ શકાતા હતા.

નિર્જન સડક પર ગુંજતો રીક્ષાના એન્જીનનો અવાજ વાતાવરણને વધુ ભયંકર બનાવતો હતો.

દિવસની સરખામણીમાં રાતની ઠંડી વધુ હતી. ચારે તરફ કાળો ડીબાંગ અંધકાર ફેલાયેલો હતો.

ટાઢથી બચવા માટે રીક્ષાના ડ્રાયવરે કાળો ગરમ ધાબળો ઓઢ્યો હતો અને કાન પર મફલર વીંટાળી રાખ્યું હતું.

રીક્ષાની પાછળની સીટમાં એક જ ઉતારૂ હતો. એની પાસે સામાનના નામ પર વી.આઈ.પી. સૂટકેસ હતી. એના માથા પર મંકી કેપ અને તેની ઉપર ફેલ્ટ હેટ ચડાવેલી હતી. પગ અને હાથ ગરમ મોજાંથી ઢંકાયેલા હતા. એમ છતાં ય એ મુસાફર ઠંડીથી ધ્રુજતો હતો.

સહસા એક બંગલા સામે પહોંચીને રીક્ષા ઊભી રહી ગઈ.

‘લો, સાહેબ...! તમે કહેલું સ્થળ આવી ગયું છે.’ રીક્ષાવાળાએ કહ્યું.

મંકી કેપ સહેજ ઊંચી કરીને એણે જોયું.

તે જે બંગલામાં જવા માંગતો હતો, એ સામે જ દેખાતો હતો.

નીચે ઊતરીને એણે ભાડું ચુકવ્યું. પછી સૂટકેસ ઉંચકીને પગપાળા જ આગળ વધ્યો.

રીક્ષાવાળો, રીક્ષા સ્ટાર્ટ કરીને આવ્યો હતો, એ જ દિશામાં પાછો વળી ગયો.

રીક્ષાવાળાના ગયા પછી બંગલાના ફાટક પાસે પહોંચીને એ માનવીએ ચારે તરફ નજર દોડાવી. પછી એણે ગજવાં ફંફોળીને ચાવીનો એક ઝૂડો કાઢ્યો. ફાટકનું તાળું ઉઘાડીને તે અંદર દાખલ થયો.

અંદર પહોંચીને એણે પૂર્વવત રીતે ફાટક બંધ કરી દીધું.

મહેંદીની વાડ વચ્ચે પાથરવામાં આવેલી ઝીણી લાલ-બાજરીયા રંગની રેતીનો રસ્તો વટાવીને તે બંગલાનાં મુખ્ય પ્રવેશદ્વાર સુધી પહોંચ્યો.

એ જ ઝૂડામાંથી એક ચાવી વડે એણે બારણું ઉઘાડ્યું.

અંદર દાખલ થતાં પહેલાં એણે ગજવામાંથી લાઈટર કાઢીને સળગાવ્યું. લાઈટરના આછા પ્રકાશમાં એણે સ્વીચ ઓન કરીને રૂમની ટ્યુબલાઈટ ચાલુ કરી. જેમાં તે ઊભો હતો, એ એક ડ્રોઈંગરૂમ જેવો ખંડ હતો. બારણાને અંદરથી બંધ કરીને એણે છૂટકારાનો શ્વાસ લીધો.

ફાયર પ્લેસમાં લાકડાં છે એ જોઈને તેના ચહેરા પર સંતોષના હાવભાવ છવાઈ ગયા. એણે અડધાં સળગેલાં લાક્ડાઓને એકઠાં કર્યા અને તેની આજુબાજુમાં કાગળ મૂક્યા. આથી તે સારી રીતે સળગવા માંડ્યા.

સૂટકેસ, હાથમોજાં અને ફેલ્ટ હેટને એણે ટેબલ પર મૂકી દીધા. પછી એક ખુરશી ફાયર પ્લેસની નજીક ખેંચી, એના પર બેસી સહેજ આગળ નમીને તે પોતાના હાથ તાપવા લાગ્યો.

એ થોડી ગરમીથી પણ તેને ઘણી રાહત થઈ. પછી ઓવરકોટ ઉતારીને એણે બાજુમાં ખુરશીની બેક પર ટાંગી દીધો. ત્યારબાદ ટાઢ ઉડાડવા માટે તેને શરાબ પીવાનું મન થયું.

ખુરશી પરથી ઊભા થઈ, આગળ વધીને એણે એક કબાટ ઉઘાડ્યો. અંદર વ્હીસ્કીની એક બોટલ તથા ત્રણ-ચાર ગ્લાસ પડ્યા હતા.

એ બોટલ તથા ગ્લાસ ઊંચકવા જતો હતો ત્યાં જ એની નજર બોટલની બાજુમાં ફ્રેમમાં જડાયેલા એક ફોટા પર પડી. એ ફોટો એક સ્મિત ફરકાવતાં યુવાનનો હતો. વળતી જ પળે એના ચ્હેરા પર ગમગીની તથા ઉદાસીના હાવભાવ છવાઈ ગયા. એણે અફસોસભરી નજરે ફોટા સામે જોયું.

‘હું દિલગીર છું શશીકાંત...!’ ફોટામાં રહેલાં યુવાનને ઉદ્દેશીને તે સ્વગત બબડ્યો, ‘કે તને પીવડાવી નથી શકતો. તું પણ મને સાઠ આપવા માટે સ્વર્ગમાંથી અહીં આવી શકે તેમ નથી. કોણ જાણે ક્યા નરાધમે આપણી જોડીને ખંડિત કરી નાખી છે. તું મને સાથ આપી શકે તેમ નથી એટલે ન છૂટકે લાચારીવશ જ મારે એકલાએ પીવો પડશે.’ અત્યારે તું મારી સાથે હોત તો પીવાની વધુ મજા આવત!’

વ્હીસ્કીની બોટલ તથા ગ્લાસ ઉંચકીને તે ફાયર પ્લેસ પાસે આવ્યો.

શશીકાંતનો ફોટો જોઈને તે એકદમ વ્યાકુળ બની ગયો. એની સાથે પસાર કરેલા એક એક દિવસો તેને યાદ આવતા હતા. પણ અત્યારે કોણ જાણે કેમ તે મુંઝવણ અનુભવતો હતો. કડકડતી ઠંડી હોવા છતાં પણ તેના કપાળ પર પરસેવાનાં બિંદુઓ ચમકવા લાગ્યાં. તે ખૂબ જ બેચેન થઈ ગયો હતો.

બેચેનીને દૂર કરવા માટે એણે બોટલનું ઢાંકણું ઉઘાડ્યું અને અડધો ગ્લાસ ભરીને એક જ ઘૂંટકે પી ગયો. એકી શ્વાસે વ્હીસ્કી પીવાને કારણે આગનો એક તીખો શેરડો એના ગળાથી છાતી સુધી ફરી વળ્યો. એની આંખોમાં આંસુ ધસી આવ્યાં.

પછી ધીમે ધીમે તે સ્વસ્થ થયો. ગુમાવેલી આત્મશ્રધ્ધા પાછી ફરવા લાગી.

વધુ ત્રણ-ચાર પેગ ગટગટાવ્યા પછી તેને રાહત થઈ. એ હવે એકદમ સ્વસ્થ દેખાતો હતો. આરામખુરશીમાં પડતું મૂકી, બંને પગ સામે પડેલા સ્ટૂલ પર લંબાવીને તે કોઈક રોમેન્ટિક ગીતની કડી ગણગણવા લાગ્યો.

પરંતુ તેનો આ ગણગણાટ વધુ સમય સુધી ન ટકી શક્યો.

‘હી...હી...હી’ અચાનક રાત્રિના શાંત વાતાવરણને કાપતો-ચીરતો કોઈકના હાસ્યનો અવાજ ગુંજી ઊઠ્યો.

અવાજ સાંભળીને એના હાથમાં જકડાયેલો ગ્લાસ છટકીને જમીન પર જઈ પડ્યો. તેમાં ભરેલી વ્હીસ્કી ઢોળાઈ ગઈ અને ગ્લાસના ટૂકડા જમીન પર વિખેરાઈ ગયા.

વળતી જ પળે તે ખુરશી પરથી એકદમ ઊછળીને ઊભો થઈ ગયો.

‘ક...કૉ...કોણ છે?’ એણે ત્રુટક અવાજે જોરથી બરાડો પાડ્યો.

પરંતુ કોઈ જ જવાબ મળ્યો નહિ.

હાસ્યનો અવાજ બંધ થઈ ગયો. દીવાલ પર લટકતી ઘડિયાળના લોલકનો અવાજ શાંત વાતાવરણમાં હથોડાના ફટકાની જેમ ગુંજતો હતો.

વાતાવરણમાં ફરીથી પહેલાં જેવી ચુપકીદી છવાઈ ગઈ.

એણે ફરીથી બૂમ પાડી. પણ આ વખતે ય કોઈ જ જવાબ ન મળ્યો.

પછી સહસા એના ચ્હેરા પર ભોંઠપભર્યું સ્મિત ફરકી ગયું. જરૂર પોતાને ભ્રમ થયો હતો. આ બંગલામાં પોતાના સિવાય હસી શકે એવું બીજું કોઈ જ નહોતું એ વાત તે જાણતો હતો. અલબત્ત, એક માળી જરૂર હતો. પણ એ તો પાછળ આવેલા તેના ક્વાર્ટરમાં રહેતો હતો. એટલે કદાચ તે હસ્યો હોય તો પણ તેનો અવાજ અહીં સુધી પહોંચી શકે તેમ નહોતું.

એણે નીચે પડેલા ગ્લાસના ટૂકડાઓ સામે જોયું. પછી બોટલને પુનઃ કબાટમાં મૂકી દીધી. ત્યારબાદ સૂટકેસ, ફેલ્ટ હેટ તથા ઓવરકોટ ઉંચકીને તે ઉપરના ભાગમાં જવા માટે સીડી ચડવા લાગ્યો. ડ્રોઈંગરૂમમાં જ ઉપર જવાની સીડી હતી.

એ બીજા માળ પર એક શયનખંડમાં પહોંચ્યો. વસ્ત્રો બદલીને એણે આરામખુરશી પર લંબાવ્યું. રૂમમાં તેના અને આરામખુરશી સિવાય બીજું કોઈ નહોતું.

હવે તે ખડખડાટ હસવાના અવાજને ભૂલી ગયો હતો.

એણે ટેબલ પરથી સિગારેટનું પાકીટ ઉંચકીને તેમાંથી એક સિગારેટ સળગાવી. પછી આંખો બંધ કરીને ધીમે ધીમે તેના કસ ખેંચવા લાગ્યો.

‘હી… હી… હી...’ સહસા વાતાવરણમાં ફરીથી હાસ્યનો અવાજ ગુંજી ઊઠ્યો. કોઈક જોરથી હસતું હોય એવું લાગતું હતું.

એ માનવીના હાથમાંથી સિગારેટ છટકી ગઈ.

તે ઝડપથી ઊભો થઈ ગયો.

કોઈક ખડખડાટ હસીને ચૂપ થઈ ગયું હતું.

આ વખતે પોતાને ભ્રમ નથી થયો એની તેને પૂરી ખાતરી થઈ ચૂકી હતી. જરૂર કોઈક હસ્યું હતું.

પણ કોણ...?

છવાયેલો સન્નાટો થોડી પળો માટે વધુ ભયંકર બની ગયો.

એણે ચારે તરફ નજર દોડાવી. પણ કોઈ કરતાં કોઈ જ ન દેખાયું. એની આંખોમાં ભયનાં કુંડાળા રચાયા. કોઈક અજ્ઞાત આશંકાથી એના હૃદયના ધબકારા એકદમ વધી ગયા. ચ્હેરા પર નર્યા-નીતર્યા ખોફ અને દહેશતના હાવભાવ છવાઈ ગયા.

‘કૉ...ણ...છે...?’ એના ગળામાંથી ચીસ જેવો અવાજ નીકળ્યો.

ભેંકાર ચુપકીદી એને પોતાનો જ સ્વર ભયંકર લાગ્યો.

શશીકાંતની તસ્વીરને ઉદ્દેશીને સ્વગત બબડનારા એ માનવીના અંગેઅંગમાં શીત વળતા હતા.

કોઈક અજ્ઞાત, અજાણી આશંકાથી તેનો દેહ હિસ્ટિરીયાના રોગોની જેમ કંપતો હતો.

‘આ… હા… હા… હા...’

જાણે ઊંડી ગુંફાની દીવાલો સાથે ટકરાઈને આવતું હોય એમ ત્રીજી વખત કોઈકનું અટ્ટહાસ્ય સંભળાયું.

‘ક… ક… કોણ… છે?’

ભયના અતિરેકથી એનો સ્વર થોથવાતો હતો.

જવાબમાં દિલો-દિમાગને કોરી ખાતી ભેંકાર શાંતિ છવાઈ ગઈ.

હવે કોઈ જ અવાજ નહોતો.

દહેશતથી તે જડવત્ બની ગયો.

અચાનક જ લાઈટ ચાલી ગઈ.

વળતી જ પળે ત્યાં કાળો ડીબીંગ અંધકાર ફેલાઈ ગયો.

કમાનમાંથી સ્પ્રિંગ છટકે એમ ઉછળીને તે ખુરશી પરથી ઊભો થઈ ગયો.

પછી ત્યાં ઊભા ઊભા જ ગાઢ અંધકારની આરપાર જાણે કોઈકને શોધવા મથતી હોય એ રીતે તેની આંખો ફરવા લાગી.

બે ફૂટ દૂરની વસ્તુ પણ નજરે ચડતી નહોતી.

એનો કંઠ સૂકાતો હતો.

જીભ જાણે સૂકાઈને લાકડા જેવી થઈ ગઈ હતી.

એના દિમાગમાં ઝંઝાવાત જેવું તોફાન જાગ્યું હતું.

કોણ હસ્યું હતું?

શા માટે હસ્યું હતું?

કોઈ ભૂત...?

કોઈ જીન...?

કોઈ ચૂડેલ...?

હે ભગવાન...

એની આંખો સામે અંધકારના થર બાઝતા હતા. એ થરને ચીરી, હમણાં જ કોઈક બહાર નીકળીને પોતાની સાથે અથડાઈ પડશે એવી કારમી ભીતિ તેને ઉપજતી હતી.

દીવાલ પર લટકતી ઘડિયાળનો ટીક્...ટીક્...અવાજ એ શાંત અને સૂના વાતાવરણમાં ઘેરો, બિહામણો, ભય ઉપજાવતો ગુંજતો હતો. ગજવામાંથી રૂમાલ કાઢીને એણે ફરીથી પરસેવો લૂછ્યો.

એના પગ પાણી પાણી થતા હતા.

બહાર દૂર સડક પર કોઈક કૂતરાના જોરથી ભસવાનો અવાજ આવ્યો.

એ ધમ્ કરતો ફરીથી ખુરશી પર બેસી ગયો. એનું શરીર હવે ટાઢને કારણે નહીં પણ ભયના કારણે થરથરતું હતું.

એ જ વખતે લાઈટ આવી ગઈ. એના જીવમાં જીવ આવ્યો. અટ્ટહાસ્ય કરનારને શોધવા માટે તેની આંખો રૂમના દરેક ખૂણામાં ફરી વળી. પણ કોઈ જ દેખાયું નહીં.

તે માંડ માંડ હિંમત ભેગી કરીને શયનખંડમાંથી બહાર નીકળ્યો. ખંડમાં સન્નાટો હતો. હવામાં લહેરાતા બરી-બારણા પરના પડદા ભૂત-પ્રેતનો ભ્રમ ઉપજાવતા હતા. પરંતુ તેબ્ફ્ક્ત પડદા જ હતા એ વાત તે જાણતો હતો.

બાલ્કનીમાંથી ડોકિયું કરીને તે પાછળના ભાગમાં આવેલા સર્વન્ટ ક્વાર્ટર તરફ જોવા લાગ્યો. ધુમ્મસ તથા અંધકારમાં ક્વાર્ટર સ્પષ્ટ રીતે નહોતું દેખાતું કદાચ માળી બત્તી બૂઝાવીને સૂઈ ગયો હશે એમ એણે માન્યું.

ઘડીભર તો પોતે બૂમ પાડીને માળીને બોલાવી લે અથવા તો પછી પોતે જ જઈને તેને ઉઠાડી લાવે એવો વિચાર તેને આવ્યો. પણ પછી એ વિચાર એણે માંડી વાળ્યો.

એણે એ માળ પર આવેલા દરેક રૂમો તપાસ્યા. પડદાઓ ચેક કર્યા. પડદા પાછળ કોઈ જ નહોતું.

પછી ઉતાવળથી તે સીડી ઉતરીને નીચે આવ્યો.

નીચેનો ભાગ પણ ઉજ્જડ તથા સૂમસામ હો.

તો પછી કોણ હસ્યું હશે એનો વિચાર કરતો હતો ત્યાં જ...

ટપ્… ટપ્… ટપ્… ટપાક્… ટપાક્… ટપાક્...

ઉપરના બીજા માળ પર કોઈક આંટા મારતું હોય એમ તેના પગલાનો અવાજ ગુંજી ઊઠ્યો.

ભયથી એના રૂંવાડા ઊભા થઈ ગયા.

ઉતાવળથી બબ્બે-ત્રણ-ત્રણ પગથિયાં કુદાવીને તે ઉપરના ભાગમાં પહોંચ્યો.

પરંતુ ત્યાં કોઈ કરતાં કોઈ જ નહોતું.

વાતાવરણ સૂમસામ હતું.

પગલાંનો અવાજ બંધ થઈ ગયો હતો.

ઠંડી હવાના સપાટાથી રૂમના, બારી-બારણાં પર લટકતા પડદા લહેરાતા હતા.

તે થોડી પળો સુધી સીડી પર ઊભો રહીને હાંફતો રહ્યો. દોડીને સીડી ચડવાને કારણે તેનો શ્વાસ ફૂલી ગયો હતો. અને આંખો ભયથી ફાટી ગઈ હતી. ડોળા ચકળવકળ થતા હતા.

શું કરવું ને શું નહીં એ તેને કંઈ જ નહોતું સમજાતું.

ભય અને ગભરાટના અતિરેકથી એની બુધ્ધિ જાણે કે બહેર મારી ગઈ હતી.

એના હૃદયના ધબકારા એકદમ વધી ગયા હતા.

એ જ વખતે બે-ત્રણ સેકંડ માટે ફરીથી પગલાંનો અવાજ ગુંજ્યો. ત્યારબાદ ચુપકીદી છવાઈ ગઈ. બે-એક મિનિટ પછી શાંત વાતાવરણમાં અચાનક જ જાણે કોઈકે જોરથી બારણું બંધ કર્યું હોય એવો અવાજ ગુંજી ઊઠ્યો. એ અવાજ તેને બોંબના ધડાકા કરતાં પણ વધુ ભયંકર લાગ્યો.

પછી સહસા એની નજર એક કમરા પર સ્થિર થઈ ગઈ.

રૂમમાં સળગતી ટ્યુબલાઈટનો પ્રકાશ બારીના કાચમાંથી બહાર રેલાતો હતો.

‘ત્યાં વળી કોણે ટ્યુબલાઈટ ચાલુ કરી?’ એ સ્વગત બબડ્યો.

જે રૂમમાં ટ્યુબલાઈટ સળગતી હતી, એ રૂમ તેના મિત્ર શશીકાંતનો હતો. શશીકાંતનું તો ખૂન થઇ ગયું હતું. એ મૃત્યુ પામ્યો હતો. એના મૃત્યુ પછી ક્યારેય એ રૂમનું બારણું ઉઘાડવામાં નહોતું આવ્યું. તે એમ ને એમ બંધ હાલતમાં જ પડ્યો હતો.

કદાચ પોતાની ગેરહાજરીમાં માળીએ શશીકાંતનો રૂમ સાફસુફી કરવા માટે ઉઘાડ્યો હોય અને પછી રૂમની બત્તી બુઝાવતા ભૂલી ગયો હશે એવું અનુમાન એણે કર્યું. પોતે જયારે પહેલી વાર શશીકાંતના રૂમ પાસેથી પસાર થયો ત્યારે રૂમમાં લાઈટ ચાલુ હતી કે નહીં, એ તેને યાદ નહોતું રહ્યું. કદાચ લાઈટ ચાલુ હોય તો પણ એ વખતે હાસ્યના અવાજથી થયેલા ગભરાટમાં એનું ધ્યાન તે તરફ નહોતું ગયું.

આમ વિચારીને એણે ઓરડામાં તપાસ કરવાનું નક્કી કર્યું.

આગળ વધીને તે શશીકાંતના રૂમ પાસે પહોંચ્યો.

બારણાં પર તાળું નથી એ જોઈને તેના ચ્હેરા પર સ્મિત ફરકી ગયું.

એને પોતાનું અનુમાન સાચું હોય એવું લાગ્યું.

સાફસુફી કાર્ય પછી મારી જ કદાચ બત્તી બૂઝાવવાનું તથા બારણું બંધ કરવાનું ભૂલી ગયો હતો. બત્તી બૂઝાવવા માટે અંદર દાખલ થવું પડે તેમ હતું.

એણે હળવેથી ધક્કો મારીને બારણું ઉઘાડી નાખ્યું.

પણ વળતી જ પળે જાણે અચાનક જ વીજળીનો કરંટ વહેવો શરૂ થયો હોય એમ તેના પગ ધરતી સાથે જડાઈ ગયા.ભયનું એક ઠંડુ લખલખું તેના દેહમાં પગથી માથા સુધી ફરી વળ્યું.

એની ગભરાટથી વ્યાકુળ બની ગયેલી આંખો અંદરના દૃશ્ય પર જડાઈ ગઈ.

તે ફાટી આંખે રૂમમાં પડેલી આરામખુરશી સામે તાકી રહ્યો.

ખુરશી ખાલી નહોતી.

એના પર કોઈક બેઠું હતું.

ખુરશીની પીઠ બારણાં તરફ હતી એટલે તેના પર બેઠેલા માનવીનો ચ્હેરો નહોતો દેખાતો.

હવામાં ધુમાડાની રીંગો ઉડતી હતી.

કદાચ એ માણસ ખુરશી પર બેઠો બેઠો સિગારેટ ફૂંકતો હતો.

---પણ આ માણસ કોણ હોઈ શકે?

આ બંગલામાં તો ફક્ત પોતે અને શશીકાંત, બંને એકલા જ રહેતા હતા. શશીકાંત તો પંદર-વીસ દિવસ પહેલાં જ મૃત્યુ પામ્યો હતો. પોતાની ગેરહાજરીમાં, પોતાના મિત્રો સિવાય અહીં કોઈ જ આવી શકે તેમ નહોતું. માળી તો ધુમ્રપાન નહોતો કરતો. ---તો પછી આ કોણ?

---કદાચ માળીએ ધુમ્રપાન શરૂ કર્યું હોય તો પણ આરામખુરશી પર બેસવાની હિંમત એ ન જ કરે! અને આમ મોડી રાત્રે તે અહીં કેવી રીતે આવે? ઉપર આવવા માટે ડ્રોઈંગરૂમમાંથી પસાર થવું પડે તેમ હતું અને પોતે આવ્યો ત્યારથી માણસ તો શું, કોઈ પંખી પણ ડ્રોઈંગરૂમમાં નહોતું આવ્યું.

‘---તો પછી...!’

આવા અનેક સવાલો હથોડાની માફક તેના દિમાગ પર ઝીંકાતા હતા.

‘ક… કો…ણ… છો તમે...?’ એણે ધ્રુજતા અવાજે પૂછ્યું. સન્નાટામાં એનો અવાજ પડઘા પાડીને રહી ગયો. એની છાતીના ધબકારા એકદમ વધી ગયા હતા.

પણ કોઈ જ જવાબ ન મળ્યો.

હવામાં પૂર્વવત્ રીતે ધુમાડાના ગોતા ઉડતા હતા.

કોઈક અજ્ઞાત ખોફથી તે કંપી ઊઠ્યો. એના આખા શરીરના રૂંવાડા ઊભા થઈ ગયા.

થોડી પળો સુધી તે કિ વિમૂઢ જેમ ત્યાને ત્યાં જ ઊભો રહ્યો.

‘મિસ્ટર...!’ એણે ખુરશી પર બેઠેલા માણસ પર કંઈ જ અસર નહોતી થઈ.

જાણે એની વાત સાંભળી જ ન હોય એમ પૂર્વવત્ રીતે તે સિગારેટ ફૂંકતો રહ્યો.

બારણા પાસે ઉભેલો માણસ આગળ વધ્યો. ભયના કારણે તેના પગ લથડતા હતા.

ભયની સાથે સાથે હવે તેને આરામખુરશી પર બેઠેલા માણસ પર ખૂબ જ ક્રોધ પણ ચડ્યો હતો.

ધીમા અને મક્કમ ડગલા ભરીને તે આરામખુરશીની તદ્દન નજીક પહોંચ્યો. તે એ માણસનો ચ્હેરો જોવા માગતો હતો.

આરામખુરશી પર બેઠેલો એ માણસ ખૂબ જ નિર્ભયતાથી સામે પડેલા સ્ટુલ પર પગ લંબાવીને જાણે આ બંગલો પોતાની માલિકીનો જ હોય એ રીતે નિરાંતે સિગારેટ ફૂંકતો હતો.

જાણે ખૂબ જ થાકી ગયો હોય અથવા તો પછી કોઈક ઊંડા વિચારોમાં ડૂબી ગયો હોય એમ એની આંખો બંધ હતી. એના બંને હાથ ખુરશીના હાથ પર હતા. હોઠ વચ્ચે સળગતી સિગારેટ દબાયેલી હતી. હોઠ વડે જ કસ ખેંચીને તે નાક વાટે ધુમાડો બહાર કાઢતો હતો.

ખુરશી પર બેઠેલા માનવીને કોઈક કઠોર વચનો કહેવા માટે આગંતુકના હોઠ ફફડ્યા. પણ તેના ચ્હેરા પર નજર પડતાં જ એ પથ્થરના પૂતળાની જેમ સ્થિર થઈ ગયો. એની આંખો વધુ પહોળી બની. તે નર્યા-નિતર્યા ભય, અચરજ અને દહેશતથી તેની સામે તાકી રહ્યો. એના હાથ-પગ બરફ જેવા ઠંડા થઈ ગયા. જીભ તાળવે ચોંટી ગઈ.

તે કેટલીયે વાર સુધી એકીટશે ખુરશી પર બેઠેલા માણસના ચ્હેરા સામે તાકી રહ્યો.

થોડી વાર પહેલાં નીચે જે હાસ્ય સંભળાઈને બંધ થઈ ગયું હતું, તે જ હાસ્ય ફરીથી શરૂ થયું.

રાત્રિના ભેંકાર, ઉજ્જડ અને સન્નાટાભર્યા વાતાવરણમાં કોઈક હસતું હતું.

ભલભલાની છાતીના પાટીયા બેસાડી દે તેવા આ અટ્ટહાસ્યથી આવેલ મુસાફર એકદમ બેચેન થઈ ગયો. એનું દિમાગ ક્રિયાશૂન્ય થઈ ગયું હતું.

પછી ફટાક કરતી ખુરશી પર બેઠેલા માનવીની આંખો ઉઘડી. એની આંખોના ડોળા લાલઘુમ હતા.

આગંતુક એ માનવીના ચ્હેરાને ઓળખી ચૂક્યો હતો.

એ ચ્હેરો પંદર દિવસ પહેલાં મૃત્યુ પામેલા એના મિત્ર શશીકાંતનો હતો.

--શમશાનેથી મડદું પાછું આવ્યું હતું?

ત્યારબાદ ખુરશી પર બેઠેલા માણસે એની સામે જોઈને પ્રેત જેવું હાસ્ય કર્યું.

જાણે કંઈક કહેવું હોય એ રીતે આગંતુકના હોઠ સહેજ ધ્રુજ્યા.

શબ્દો એના ગળામાં જ ઘૂટાઈને રહી ગયા.

અચાનક રાતની તમામ નિરવતા, જડતા અને સન્નાટાને કાપતી-ચીરતી એક ભયંકર અને રોમેરોમ થરથરતી મૂકતી કારમી ચીસ એના કંઠમાંથી બહાર સરી પડી.

અને પછી જાણે જંગલી સિંહોનું આંખુ ટોળું પાછળ પડ્યું હોય એ રીતે એણે બારણા તરફ દોટ મૂકી.

પરંતુ ભય તથા ગભરાટને કારણે દિશા ભૂલીને તે બારણાની બાજુમાં આવેલી દીવાલ સાથે અથડાયો. એના ડાબા ખભાને સખત ઈજા થઈ. એના કાનમાં તમરાંનો અવાજ ગુંજી ઉઠ્યો. આંખો સામે થોડી પળો માટે અંધકાર છવાઈ ગયો, કારમી પીડાથી તે હચમચી ઉઠ્યો.

પીડાના અતિરેકથી એણે પોતાના મોં પર હાથ ફેરવ્યો.

અને પછી ઈજાની પરવાહ કર્યા વગર તે અસ્તવ્યસ્ત હાલતમાં, પડતો-આખડતો બહાર નીકળીને સીડી પાસે આવ્યો. દોડીને બબ્બે, ત્રણ-ત્રણ પગથિયાં એક સાથે વટાવવા હોય એ રીતે તે સીડી પર કુદ્યો.

અચાનક એનો પગ લપસ્યો.

ત્યારબાદ બાકીનાં પગથિયાં ઉતરવા માટે તેને જરા પણ મહેનત ન કરવી પડી.

એ જયારે નીચે પહોંચ્યો ત્યારે બેભાન થઈ ગયો હતો.

એનું શરીર લોહી-લુહાણ થઈ ગયું હતું.

***