Anyay - 11 in Gujarati Detective stories by Kanu Bhagdev books and stories PDF | અન્યાય - 11

Featured Books
  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

Categories
Share

અન્યાય - 11

અન્યાય

કનુ ભગદેવ

૧૧: દિલીપનું પરાક્રમ

‘મેં તને જે કંઈ કહ્યું છે એ તો તું બરાબર સમજી ગયો છે ને?’ નાગપાલે પૂછ્યું.

‘હા...’ દિલીપે જવાબ આપ્યો.

‘એ રિવોલ્વરનું શું કરવું એ હજુ સુધી હું નક્કી નથી કરી શક્યો.’ નાગપાલ બોલ્યો, ‘સંતોષકુમારના ટેબલમાંથી મળેલી આ રિવોલ્વરે ઘણી મુશ્કેલીઓ ઊભી કરી છે. આપણા માટે તો આ બનાવ નોંધવા લાયક છે એટલે મેં આ ટૂંકસાર લખીને શશીકાંત, બિહારી અને બિંદુ...! આ ત્રણેયની ફાઈલમાં તેની એક એક નકલ મૂકી દીધી છે અને આ તેની રફ કૉપી છે.’ એણે દિલીપ સામે એક કાગળ લંબાવ્યો, ‘આના પર તું નજર ફેરવી લે.’

દિલીપ ધ્યાનથી કાગળ વાંચવા લાગ્યો.

આ દરમિયાન નાગપાલે પોતાની પાઈપ પેટાવી.

‘અંકલ...!’ છેવટે કાગળ વાંચીને ટેબલ પર મૂકતાં કહ્યું, ‘તમારી આ નોંધ ઘણા ઘણા સવાલો ઊભા કરશે એવું મને લાગે છે.’

‘એમ તો દરેક વાતમાં સવાલો થતા જ રહે છે અને ઉકલતા પણ રહે છે પુત્તર!’

‘અંકલ, આ કાગળમાં તમે જે અનુમાનો લખ્યા છે, તે શું સાચા જ હશે?’ દિલીપે પૂછ્યું.

‘મારા અનુમાનો સાચા જ છે એમ હું ક્યાં કહું છું?’

‘તમે તો નથી કહ્યું પણ તમારું લખાણ કહે છે કે જરૂર કંઈક બખડજંતર થવું છે.’ દિલીપ બોલ્યો.

‘હવે તું ચૂપ રહે પુત્તર...! કંઈ ખબર નથી પડતી ને વચ્ચે નાહક જ ખોટી કુદાકુદ કરે છે. તારે...’

એની વાત અધુરી રહી ગઈ.

અચાનક ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી.

નાગપાલે રિસીવર ઊંચકીને વાત શરૂ કરી. કદાચ તે સંતોષકુમાર સાથે વાત કરતો હતો.

બે-ત્રણ મિનિટ સુધી વાત કર્યા બાદ એણે રિસીવર મૂકી દીધું.

‘આમાં લખેલા તમારા અનુમાનો ખોટાં પણ હોઈ શકે છે અંકલ!’ દિલીપે કહ્યું.

એ જ વખતે સહસા ફરીથી ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી.

નાગપાલે ફરીથી રિસીવર ઉંચકીને બે-એક મિનિટ સુધી વાતો કરી.

પછી એણે પુનઃ રિસીવરને ક્રેડલ પર મૂકી દીધું.

‘વારૂ શું બિપીન ગુપ્તા આ બનાવની જાણ પોલીસને કરશે ખરા?’ દિલીપે પૂછ્યું.

‘હા...અને પોલીસથી કોઈ પણ બનાવ કે વાત છૂપાવવી એ કાયદાની નજરે ગુનો છે, એ વાત પણ એણે સંતોશ્કુમાંરને જણાવી દીધી છે.’

‘તો તો પછી, એ રિવોલ્વર સંતોષકુમારના ટેબલના ખાનામાં ક્યાંથી આવી એની તપાસ તો પોલીસ કરશે જ ને?’

‘ચોક્કસ...!’

‘સંતોષકુમાર પોતાનો બચાવ કેવી રીતે કરશે?’

‘એ જ કંઈ બન્યું છે, તે સાચેસાચું પોલીસને જણાવી દેશે.’

‘એણે બિપીન ગુપ્તાને જે હકીકત જણાવી છે, એ જ હકીકત તે પોલીસને કહેશે?’

‘હા...’

‘વારૂ...એણે બિપીન ગુપ્તાને શું જણાવ્યું?’

‘સંતોષકુમારના કહેવા પ્રમાણે રાત્રે અચાનક કંઈક અવાજ થવાથી એની ઊંઘ ઉડી ગઈ હતી. પોતાના બંગલામાં કોઈક ચોરી છૂપીથી દાખલ થયું છે એવો ભાસ એને થયો. બિહારી તથા અજયને થયેલા અનુભવો વિશે તો તે જાણતો જ હતો. ઉપરાંત અજયની જેમ તેને પણ શશીકાંતના હસ્તાક્ષરવાળા રહસ્યમય પત્રો મળ્યાં હતા. એણે લાગ્યું કે ક્યાંક શશીકાંતનો ભટકતો આત્મા તો નહીં હોય ને? બસ થઈ રહ્યું! ભૂત-પ્રેતનો વિચાર આવતાં જ એના પગ પાણી પાણી થવા લાગ્યા. તે ખૂબ જ ભયભીત થઈ ગયો. કોણ છે અને કોણ નહીં, એ જોવા માટે એનામાં રજ માત્ર પણ સાહસ ન રહ્યું. તે જાગતી હાલતમાં જ પલંગ પર ચૂપચાપ પડ્યો પડ્યો ફાટી આંખે છત સામે તાકી રહ્યો. પોતાના બંગલામાં કોઈક બીજું પણ હાજર છે, એવો આભાસ એના મનમાંથી સહેજ પણ દૂર નહોતો થયો. બહાર બલ્બ સળગતો હતો અને તેનો ઝાંખો પ્રકાશ બારીના કાચમાંથી શયનખંડમાં રેલાતો હતો. પછી એના કહેવા પ્રમાણે એણે બારીના પ્રકાશિત કાચ પાછળ એક પડછાયો જોયો. માંડ માંડ હિંમત એકઠી કરીને એણે ‘કોણ છે’ ની બૂમ પાડી પરંતુ તેને કોઈ જ જવાબ ન મળ્યો. અને બે-પાંચ પળો બાદ એ પડછાયો પણ અદૃશ્ય થઈ ગયો. ત્યારબાદ એણે ઊભા થઈને શયનખંડની ટ્યુબલાઈટ ચાલુ કરી...બારણું ઉઘાડ્યું પણ કોઈ જ દેખાયું નહીં. પછી એ આખા બંગલામાં તથા કમ્પાઉન્ડમાં તપાસ કરી આવ્યો પરંતુ ક્યાંય કોઈ જ નહોતું. પછી પોતાને ચોક્કસ જ પડછાયા વિશે ભ્રમ થયો હતો એવું તેને લાગ્યું અને જે અવાજ પોતે સાંભળ્યો, તે ઉંદર અથવા બિલાડીનો હશે. આમ મન મનાવીને તે પાછો સૂઈ ગયો. બીજે દિવસે સવારે એણે કોઈક કામ માટે ટેબલનું ખાનું ઉઘાડ્યું ત્યારે તેમાં બત્રીસ કેલીબરની રિવોલ્વર પડી હતી.’

‘રાત્રે એના નોકરો શું કરતા હતા?’

‘તેઓની પણ ઊંઘ ઉડી ગઈ હતી. અને તેમણે પણ સંતોષકુમારની સાથે સાથે એ પડછાયાની શોધ કરેલી પરંતુ તેનો પત્તો નહોતો લાગ્યો.’

‘ઓહ...હવે, પોતે રાત્રે જેને ભૂત માનતો હતો, એ કોઈક માણસ જ હતો એવું સંતોષકુમારને લાગે છે ખરું ને?’

‘હા...’

‘પરંતુ આમ કરવા પાછળ એ માણસનો શું હેતુ હશે?’

‘સંતોષકુમારને ફસાવવાનો!’

‘બરાબર છે...પણ એને ફ્સવવાથી કોને શું અને કેટલો લાભ થાય તેમ છે?’

‘તારો આ સવાલ ખૂબ જ મહત્ત્વનો છે અને સાચું કહું તો આ સવાલનો જવાબ મળતાં જ આ કેસ ઉકલી જાય તેમ છે. અત્યારે આ સવાલને મુલતવી રાખ...’ નાગપાલે કહ્યું.

‘મની લો કે કોઈક રાત્રે સંતોષકુમારના ટેબલના ખાનામાં રિવોલ્વર મૂકી ગયું. તો પછી રિવોલ્વર પર મૂકી જનારના આંગળાની છાપ તો હશે જ ને?’

‘પુત્તર...!’ નાગપાલ બોલ્યો, ‘અત્યાર સુધી તારી સાથે સવાલ-જવાબ કરવામાં મજા આવતી હતી પણ તારા આ સવાલથી છેવટે તે તારી મૂર્ખાઈનું પ્રદર્શન કરી જ નાખ્યું!’

‘સમજ્યો...’ દિલીપે ભોંઠપ અનુભવતાં કહ્યું, ‘એણે રિવોલ્વર મુકતી વખતે હાથમાં મોજાં પહેર્યા હશે અથવા તો પછી રિવોલ્વર પર પોતાના આંગળીની છાપ ન પડે એની સાવચેતી રાખી હશે એમ તમે કહેવા માંગો છો ખરું ને? ખેર, રિવોલ્વર પર સંતોષકુમારના આંગળાની છાપ તો જરૂર હશે જ?’

‘હા...એણે રિવોલ્વર ઉંચકીને જોઈ હતી. આમ તો એ ધારત તો રૂમાલ વડે પોતાના આંગળાની છાપ લૂછી શકે તેમ હતો પરંતુ પછી એમ કરવાથી કદાચ રિવોલ્વર મૂકી જનારની છાપ પણ ભૂસાઈ જશે એમ માનીને એણે રિવોલ્વરને જેમની તેમ રહેવા દીધી.’

‘સંતોષકુમારને કાયદા પ્રત્યે બહુ માન હોય એવું લાગે છે.’ દિલીપ કટાક્ષભર્યા અવાજે બોલ્યો.

‘હાલ તુંરત તો રિવોલ્વર પરથી સંતોષકુમારના આંગળાની છાપ મળશે અને પોલિસ એના આધારે જ પોતાની તપાસને આગળ ધપાવશે.’ નાગપાલે ગંભીર અવાજે કહ્યું, ‘બાકી સાચી વાત તો એ છે દિલીપ, કે રિવોલ્વર પરથી પોલીસને ફક્ત સંતોષકુમારના આંગળાની છાપ મળશે. તું જોજે એના પર બીજા કોઈનાં ય આંગળાની છાપ નહીં હોય!’

‘તો પછી રાતનો બનાવ?’

‘એ બનાવ તો એણે ઉપજાવી કાઢ્યો છે.’

‘કેર...? શા માટે...?’

‘કાયદો તથા પોલીસને હાથતાળી આપવા અને અવળે માર્ગે દોરવા માટે!’

‘ઓહ...’ દિલીપ બબડ્યો, ‘તો શશીકાંત, બિંદુ વગેરેનાં ખૂનો સંતોષકુમારે જ કર્યા છે એમ તમે માનો છો?’

નાગપાલે હકારાત્મક ઢબે માથું હલાવ્યું.

‘મારી પણ પહેલાં તમારા જેવી જ માન્યતા હતી. પણ હવે હું નથી માનતો અંકલ!’ દિલીપ બોલ્યો.

‘કેમ...?’

‘જો ખરેખર જ સંતોષકુમારે આ ખૂનો કર્યા હોય તો ઉલ્ટું એણે રિવોલ્વર છૂપાવી દેવી જોઈએ. આ વાત જાહેર કરવાની તેને શું જરૂર હતી?’

‘રિવોલ્વરને છૂપાવી દેવાથી કે જાહેર કરી દેવાથી એના પર પોલીસને જેટલી શંકા હતી-છે, એમાં કંઈ જ ફર્ક નહોતો પાડવાનો. પોલીસને જેટલી શંકા છે, તેટલી જ રહેત! પોતાનાં પરથી આ શંકાને દૂર કરવા અંતે એણે અવાજની....પડછાયાની અને આવી બધી વાતો ઉપજાવી કાઢી. બિપીન ગુપ્તા જેવો બાહોશ વકીલ વચ્ચે છે એટલે ન છૂટકે પોલીસને એ કાલ્પનિક પડછાયાની શોધ કરવી જ રહી! પોલીસ એ પડછાયાને શોધવામાં નિષ્ફળ જવાની છે એની મને પૂરેપૂરી ખાતરી છે. પોલીસને આ કાલ્પનિક વ્યક્તિ નહીં મળે એટલે હારી-થાકીને ફાઈલ બંધ કરી દેશે. બસ વાત પૂરી...! સંતોષકુમાર આબાદ રીતે નિર્દોષ ઠરીને છૂટી જશે.’

‘તમે કહો છો એમ જરૂર થઈ શકે અંકલ પણ તેની આવી પુરાવા કે ઢંગધડા વગરની વાત પોલીસ માનશે જ નહીં એનું શું?

‘તારી વાત સાચી છે. પણ તું બિપીન ગુપ્તાને શા માટે ભૂલી જાય છે? સંતોષકુમારે પોતાના બચાવની બહિ છટકબારીઓ અગાઉથી જ શોધી રાખી છે. બિપીન ગુપ્તા ખૂબ જ બાહોશ વકીલ છે. આ કાલ્પનિક પડછાયાની વાતને તે એટલી ખૂબીથી રજૂ કરશે કે પછી આપણું કશું નહીં ચાલે. સંતોષકુમારે સમજી વિચારીને જ તેને પોતાના વકીલ તરીકે પસંદ કર્યો છે. આના પરથી તું કલ્પના કરી લે કે સંતોષકુમાર કેવો ચાલક અને ગણતરીબાજ છે!’

‘કમાલ કહેવાય...!’ દિલીપ બબડ્યો, ‘ગુનેગાર આપણી નજર સામે જ છે છતાં ય આપણે તેને કંઈ જ કરી શકીએ તેમ નથી.’

‘એવું નથી દિલીપ!’ નાગપાલ બોલ્યો, ‘એમ તો મને બિહારી પર પણ પૂરેપૂરી શંકા હતી, પરંતુ એનું ખૂન થઈ ગયું. જોકે શશીકાંતના ખૂન માટે તો તે જ જવાબદાર હતો. બિહારી તથા શશીકાંત, આ બંને જીગરી દોસ્ત હતા. એટલું જ નહીં, બંને એક બંગલામાં સાથે જ રહેતા હતા. રાત્રે ચૂપચાપ બંગલામાં દાખલ થઈને એકદમ ઠંડા કલેજે ખૂન કરવાની હિંમત જાણભેદુ સિવાય કોનામાં હોય? ઉપરાંત શશીકાંત અને બિહારી વચ્ચે એક યુવતીને કારણે મન:દુઃખ પણ ઉભું થયું હતું. આ કારણે પણ બિહારી પરની શંકા વધુ મજબૂત બનતી હતી અને જેણે શશીકાંતનું ખૂન કર્યું, એણે જ બિંદુને પણ ઠેકાણે પાડી દીધી. પરંતુ આપણે જોયું તેમ બિંદુના ખૂન પછી આ કેસ તદ્દન નવો અણધાર્યો જ વળાંક લે છે. બિહારીના મોત પછી કેસનો નકશો જ બદલાઈ ગયો છે. એટલે હવે એમ મની શકાય કે બિંદુનું ખૂન બિહારીએ નહોતું કર્યું.’

‘એ બંગલામાં શશીકાંત તથા બિહારી સાથે જ રહે છે તેની તો સંતોષકુમારને ખબર હતી જ ને?’

‘હા...’

‘તો પછી આ બાબતમાં તમારો શું વિચાર છે?’

‘પૂરાવો...મારે પૂરાવો જોઈએ---‘ નાગપાલે કહ્યું.

‘ઠીક છે...’ દિલીપ ચીડાઈને બોલ્યો, ‘તો પછી તમે તમારે પૂરાવાની રાહ જોતાં રહો.’ કહીને તે બહાર નીકળી ગયો. અત્યારે તે ખૂબ જ ઉશ્કેરાઈ ગયો હતો.

એ મોટરસાયકલ પર તાબડતોબ સરદાર જયસિંહ રોડના પોલીસ સ્ટેશન તરફ રવાના થઈ ગયો.

થોડી વાર પછી તે એ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટરની સામે બેઠો હતો. સંતોષકુમાર આ જ વિસ્તારમાં રહેતો હતો.

‘ઇન્સ્પેક્ટર સાહેબ...!’ એણે પૂછ્યું, ‘સંતોષકુમારે રિવોલ્વર મળ્યાની ફરિયાદ અહીં જ નોંધાવી છે?’

‘હા...આપને કેવી રીતે ખબર પડી?’ ઇન્ચાર્જ ઈન્સ્પેક્ટરે આશ્ચર્યથી તેની સામે જોતાં કહ્યું.

‘બસ ખબર છે.’ દિલીપે બેદરકારીથી ખભા ઉછાળ્યા. એનું અનુમાન સાચું નીકળ્યું હતું. બિપીન ગુપ્તાની સૂચનાથી સંતોષકુમારે રિવોલ્વર મળ્યાની વાત આ જ પોલીસસ્ટેશનમાં નોંધાવી હતી.

‘તપાસ માટે મેં બે સબ ઇન્સ્પેકટરોને મોકલી આપ્યા છે.’

‘ઇન્સ્પેક્ટર સાહેબ!’ દિલીપ બોલ્યો, ‘એ રિવોલ્વર બત્રીસ કેલીબરની છે અને હું માનું છું ત્યાં સુધી તેના વડે બબ્બે ખૂણો થઈ ગયા છે, એટલે થોડી સાવચેતી રાખજો.’

‘આપ મિસ્ટર શશીકાંત અને બિંદુ નામની એક યુવતીના ખૂન વિશે જ કહો છો ને?’

‘હા...’

‘એ ખૂનો વિશે મેં અખબારમાં વાંચ્યું હતું. પણ આ બંને ખૂનોનો કેસ તો નાગપાલ સાહેબ સંભાળે છે.’

‘હા...’

‘તેમને આ રિવોલ્વરવાળા બનાવની ખબર છે?’

દિલીપે હકારાત્મક ઢબે માથું હલાવ્યું.

‘તો પછી આ બાબતમાં એમણે શું પગલાં લીધાં છે?’

‘ખાસ કંઈ નહીં.’

‘કેમ...?’

‘થોડી લાચારી છે. એટલે મારી ફરજ સમજીને હું તમને ચેતવવા આવ્યો છું.’ દિલીપે કહ્યું.

‘હું...’ ઇન્સ્પેક્ટરના ગળામાંથી હુંકર નીકળ્યો, ‘પછી...?’

‘પછી એ જ કે તે રિવોલ્વરથી બે ખૂન થઈ ગયાની શંકા સેવાય છે. અને ખૂનીને પકડવા માટે શંકાભર્યા મુદ્દા પણ ઘણાં છે માટે પાછળથી કંઈ ગરબડ ઊભી થવી ન જોઈએ. આ કેસ નાગપાલ સાહેબના હાથમાં છે એટલે તેમની બદનામી ન થાય એ રીતે તમારે તમારી કાર્યવાહી કરવાની છે.’

‘ભલે...’

‘આ વિસ્તારની જવાબદારી તમારી છે એટલે જરા કાળજી રાખજો.’

‘ઠીક છે...પણ મારે શું કરવું?’ ઈન્સ્પેક્ટરે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોતાં પૂછ્યું.

‘સંતોષકુમારને....’ કહીને દિલીપે અર્થસૂચક રીતે આંખ મીંચકારી.

‘ભલે....’ ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર દિલીપ સામે જોતાં બોલ્યો, ‘હું તપાસ કરવા માટે ગયેલા બંને સબ ઇન્સ્પેક્ટરોને સંતોષકુમારને અટકમાં લેવાની સૂચના આપી દઈશ.’

‘થેંક્યું...’ કહીને દિલીપ બહાર નીકળી ગયો.

રસ્તામાં એના દિમાગમાં એક પછી એક વિચારો આવતા જતાં હતા.

પોતે સંતોષકુમારની ધરપકડ માટે જે પગલાં ભર્યા છે, એ નાગપાલને નહીં જ રૂચે આ વાત તે બરાબર સમજતો હતો. પરંતુ કોણ જાણે કેમ એને લાગતું હતું કે આ બધા ખૂનો પાછળ ચોક્કસ જ સંતોષકુમારનો હાથ છે. અને મનના અવાજના જોર પર એણે આ પગલું ભર્યું હતું.

ઓફિસમાં જઈને તે ચૂપચાપ પોતાની કેબીનમાં ચાલ્યો ગયો.

થોડી વાર પછી હકલો અંદર દાખલ થયો.

‘છ...છોટા સા’બ...તમને મોટા સાહેબ બોલાવે છે.’ એણે કહ્યું.

‘તું જા...હું હમણાં આવું છું.’ દિલીપ બોલ્યો.

હકલો માથું હલાવીને ચાલ્યો ગયો.

દિલીપ નાગપાલની ઓફિસમાં દાખલ થયો.

‘અંકલ...’ એણે ઓફિસમાં પગ મૂકતાં જ પૂછ્યું, ‘તમે મને બોલાવ્યો છે?’

નાગપાલ એ વખતે કોઈક ફાઈલમાં ડૂબેલો હતો.

એણે હાથના સંકેતથી દિલીપને બેસવાનું કહ્યું.

દિલીપ એક ખુરશી પર બેસી ગયો.

નાગપાલ પોતાનું કામ કરતો રહ્યો.

થોડી વારમાં જ દિલીપ એકદમ કંટાળી ગયો. પોતે ભરેલા પગલાથી નાગપાલ સાથે જરૂર ગરમા-ગરમી, વાદ-વિવાદ થશે એમ તે માનતો હતો. અને એ લડવાની તૈયારી કરીને જ આવ્યો હતો. પરંતુ ધીમે ધીમે તે ઠંડો પડી ગયો.

‘તમે મને યાદ કર્યો છે?’ એણે ફરીથી પૂછ્યું.

‘હા...’ નાગપાલે ફાઈલને એક તરફ મૂકીને ગંભીર નજરે દિલીપ સામે જોતાં જવાબ આપ્યો.

‘શું કામ હતું?’ દિલીપનો અવાજ નરમ હતો.

‘તું સરદાર જયસિંહ રોડના, પોલીસસ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેકટરને મળ્યો હતો?’

‘હા...’ એણે પોતાના અવાજને સ્થિર રાખવાનો પ્રયાસ કરતાં કહ્યું.

‘ફરિયાદ વાળી એ રિવોલ્વરથી બે ખૂનો થઈ ચૂક્યાં છે અને સંતોષકુમારે ત્યાં ફરિયાદ નોંધાવી છે કે નહીં, એ બાબતમાં તે એને પૂછપરછ કરી લીધી છે? જાણે પોતે જ આ માટે દિલીપને મોકલ્યો હોય એવા અવાજે નાગપાલે પૂછ્યું.

‘હા...અને એટલું જ નહીં, અત્યારે તો સંતોષકુમારની ધરપકડ પણ થઈ ગઈ હશે.’ જાણે કોઈ મોટો ગઢ જીતી લાવ્યો હોય એમ દિલીપે ગર્વભર્યા અવાજે જવાબ આપ્યો.

‘વેરી ગુડ...’ નાગપાલે કહ્યું.

નાગપાલના અવાજમાં કટાક્ષ હતો કે ગંભીરતા એ દિલીપને કંઈ સમજાયું નહીં.

‘હવે જો જો અંકલ...!’ એ બોલ્યો,’સંતોષકુમાર ચોક્કસ પોતાનો ગૂનો કબૂલી લેશે.’

નાગપાલ કંઈ બોલે એ પહેલાં જ અચાનક ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી.

એણે રિસીવર ઉંચકયું.

થોડી વાર સુધી તે સામે છેડેથી કહેવાતી વાતો સાંભળતો રહ્યો.

પછી એણે રિસીવર મૂકી દીધું.

‘કોનો ફોન હતો અંકલ?’ દિલીપે પૂછ્યું.

‘બિપીન ગુપ્તાનો...!’

‘શું કહેતો હતો એ?’

‘દિલીપ...!’ નાગપાલ બોલ્યો, ‘એણે સંતોષકુમારને જામીન પર છોડાવી લીધો છે.’

‘એમ...?’

‘હા...અને આવું થશે એ હું જાણતો જ હતો.’ નાગપાલે કહ્યું, ‘આ કારણસર જ હું ધરપકડ નહોતો કરાવતો. હું ધારત તો તને પણ અટકાવી શકું તેમ હતો, પરંતુ પછી મને થયું કકે ભલે તારી ઇચ્છા પણ પૂરી થઈ જાય. જેથી તને એક અનુભવ મળે. હવે પુત્તર, ભવિષ્યમાં મારી “હા” ની “ના” કે “ના” ની “હા” ન કરતો સમજ્યો...? ખેર, હવે તું જઈ શકે છે.

દિલીપ ઊભો થઈને ચૂપચાપ બહાર નીકળી ગયો.

એના ચ્હેરા પર નિરાશાના હાવભાવ છવાયેલા હતા.

***