Anyay - 10 in Gujarati Detective stories by Kanu Bhagdev books and stories PDF | અન્યાય - 10

Featured Books
Categories
Share

અન્યાય - 10

અન્યાય

કનુ ભગદેવ

૧૦: નાગપાલ રાજકોટમાં...!

સંતોષકુમાર સરદાર જયસિંહ રોડ પર આવેલા પોતાના બંગલામાં દાખલ તઃયો.

બિહારીના મૃત્યુથી તેને પણ ખૂબ જ આઘાત લાગ્યો હતો.

સ્નાનાદિથી પરવારીને તે બહાર જવાની તૈયારી કરવા લાગ્યો.

‘ટ્રીન...ટ્રીન...’ અચાનક ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી.

જાણે એ ટેલિફોન નહીં, પણ કાળો ભોરીંગ હોય તે રીતે એણે તેની સામે જોયું.’

‘હલ્લો… સંતોષકુમાર સ્પીકિંગ...!’ આગળ વધીને રિસીવર ઉંચકતાં એણે કહ્યું..

‘મને ખબર છે સાલ્લા કમજાત...!’ સામે છેડેથી કોઈકનો ભારે ભરખમ, બેહદ ઠંડો પણ ક્રૂર અવાજ એના કાને અથડાયો.

એના હાથમાંથી રિસીવર છટકતું છટકતું રહી ગયું. એના કપાળ પરથી પરસેવાની ધાર નીતરવા લાગી. એનો રિસીવરવાળો હાથ કંપવા લાગ્યો.

‘મિસ્ટર...’ છેવટે એણે પોતાની જાત પર કાબૂ મેળવતાં કહ્યું, ‘તમે કોણ છો...અને આ શું બકો છો એનું તમને ભાન છે?’

‘હું બકતો નથી મિસ્ટર સંતોષકુમાર...બકવાસ કરવાનું કામ મેં તમારા જેવા લબાડને સોંપ્યું છે! યાદ કરો...તમારો ભૂતકાળ...દસ વર્ષ પહેલાં શું બન્યું હતું...? દસ વર્ષ પહેલાની તમારી હાલતની કલ્પના કરો...! યાદ આવ્યું...? રાજકોટમાં જઈને તમે ચારેય ભાગીદારો શું પરાક્રમ કરી આવ્યાં હતા?’

રાજકોટનું નામ સાંભળતા જ સંતોષકુમાર એકદમ ધ્રુજી ઊઠ્યો. એના કલ્પ્નાચક્ષુ સમક્ષ ભુજંગી અને નારાયણ રાવના ચ્હેરા તરવરી ઉઠ્યા.

‘હલ્લો...હલ્લો...’ એણે કહ્યું.

પણ સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઈ ગયો હતો. એણે પણ રિસીવર મૂકી દીધું.

જરૂર ભુજંગી અથવા તો નારાયણ રાવે જ પોતાને ફોન કર્યો છે અને કદાચ શશીકાંત તથા બિહારીને મારી નાંખવામાં પણ આ બેમાંથી જ કોઈકનો અથવા તો પછી બંનેનો હાથ છે એવું સંતોષકુમારને લાગ્યું.

ચારેય ભાગીદારો રાજકોટ જઈ, વીશીઓ ઉપાડીને નારાયણરાવ તથા ભુજંગીને છેતરી આવ્યા હતા એ તો વાંચકો જાણે જ છે.

છેવટે મનોમન કંઈક નક્કી કરીને તે બહાર નીકળી ગયો.

***

નાગપાલ આજે કોઈક ઊંડી ચિંતામાં હોય એવા હાવભાવ તેના ચ્હેરા પર છવાયેલાં હતા. ઓફિસમાં બેઠો બેઠો તે બિંદુ, શશીકાંત તથા બિહારીના ખૂન વિશેની માહિતી આપતી ફાઈલો તપાસતો હતો.

એ જ વખતે દિલીપ બારણું ઉઘાડીને અંદર આવ્યો અને બારી તરફ જોઈને વિચારવશ સ્થિતિમાં રહેલાં નાગપાલની નજીક જઈને ઊભો રહી ગયો.

‘દરરોજ આવ પુત્તર’ કહીને સંબોધનારા નાગપાલને આજે ચૂપ જોઈને દિલીપના મગજમાં અનેક વિચારો આવી ગયા.

નાગપાલે એની સામે ઊડતી નજર ફેંકી પછી તે પુનઃ વિચારમાં ડૂબી ગયો.

‘દિલીપ...!’ અચાનક થોડી પળો બાદ એણે પૂછ્યું, ‘તેં દસ નંબરની ફાઈલ જોઈ?’

‘હા...પત્રોનો ટૂંકસાર છે એજ ફાઈલ વિશે તમે પૂછો છો ને અંકલ?’

‘હા...એ જ...!’ નાગપાલે જવાબ આપ્યો.

‘અંકલ, એ ફાઈલ ગુમ થઈ ગઈ છે એમ માનીને તમે ચિંતા કરતા હતા?’

‘મને એમ કે...’

‘અગાઉ એ ફાઈલ ગુમ થઈ ગઈ હતી એટલે આજે પણ એમ જ બન્યું હશે ખરું ને? પણ એવું નથી અંકલ...! એ ફાઈલ તો હું પત્રોના ટૂંક સારનો અભ્યાસ કરવા માટે લઈ ગયો હતો અને એ મારી રૂમમાં જ પડી છે.’

‘ઠીક, બેસ...! મારે તારી સાથે એ પત્રો બાબત થોડી વાતો કરવી છે.’

‘આવી બન્યું...!’ કહીને દિલીપ એની સામે ખુરશી પર બેસી ગયો.

‘જો એ પત્રો ખરેખર જ શશીકાંત તથા બિહારીના ખૂનીએ લખ્યા હોય તો સૌથી પહેલાં આપણે શું કરવું જોઈએ?’ નાગપાલે ઝીણી આંખો કરતાં દિલીપને પૂછ્યું.

‘ડાયમંડ ટોકીઝમાં જઈને “મૈને પ્યાર કીયા” જોઈ આવવું જોઈએ.

‘એમ...?’ કહીને નાગપાલ હસ્યો. દિલીપ અત્યારે કામ કરવાના મૂડમાં નથી એ વાત તરત જ તે સમજી ગયો.

‘ઠીક પુત્તર...!’ તે કંટાળાભર્યા અવાજે બોલ્યો, ‘તું જોઈ આવ! પછી મને એ ફિલ્મનો રિપોર્ટ આપજે. તારે જ્યાં જવું હોય ત્યાં જા...પણ મહેરબાની કરીને મને મારું કામ કરવા દે.’

દિલીપે સ્મિત ફરકાવીને ગજવામાંથી એક કાગળ બહાર કાઢ્યો.

‘અંકલ...’ એણે કહ્યું. ‘મારે ખૂબ જ દિલગીરી સાથે જણાવવું પડે છે કે દુનિયા આખી મને દિલીપ ધી ગ્રેટ કહે છે. પણ તમે બહુ બહુ તો મને મારું સારું કામ જોઈને ગધેડો, બેવકૂફ, ઉલ્લુનો પઠ્ઠો વગેરેથી આગળની ડીગ્રી આપતા જ નથી. ખેર, તમે સોંપેલું કામ મેં પૂરું કરી નાખ્યું છે.’ એણે કાગળને ટેબલ પર મૂક્યો.

‘વાહ પુત્તર વાહ...!’ નાગપાલના અવાજમાં પ્રશંસાનો સૂર હતો. પછી તે તલ્લીનતાથી કાગળ વાંચવા લાગ્યો. પ્રત્યેક પળે કાગળની વિગતો વાંચવામાં તેનો રસ વધતો જતો હતો.

દિલીપ એકીટશે તેની સામે તાકી રહ્યો હતો.

‘હવે તું તૈયાર થઈ ગયો છે પુત્તર!’ નાગપાલે કાગળને વાંચ્યા બાદ હસતાં હસતાં કહ્યું. પછી એણે એ કાગળને ટેબલ પર મૂકી દીધો.

એ જ વખતે ઓફિસનું બારણું ઉઘાડીને સંતોષકુમાર અંદર દાખલ થયો. એના ચ્હેરા પર ગભરાટ અને ઉત્તેજનાના મિશ્રિત હાવભાવ છવાયેલા હતા.

‘નાગપાલ સાહેબ...!’ આવતાવેંત એ બોલ્યો, ‘બિહારી અને શશીકાંતના ખૂનો કોણે કર્યા છે એની હવે મને ખબર પડી ગઈ છે.’

‘શું...?’ દિલીપે ચમકીને પૂછ્યું.

‘એક મિનિટ...મિસ્ટર સંતોષકુમાર!’ નાગપાલ બોલ્યો, ‘પહેલાં તમે નિરાંતે બેસો. પછી જે કંઈ હોય તે સ્વસ્થતાથી કહો.’

સંતોષકુમાર એની સામે બેસી ગયો.

‘હા, બોલો...શું કહેતા હતા તમે...?’

‘બિહારી અને શશીકાંતના ખૂનો કોણે કર્યા છે એ હવે હું જાણું છું.’

બિહારીનું ખૂન જ થયું છે એમ તમે શા માટે માનો છો મિસ્ટર સંતોષકુમાર?’ નાગપાલે વેધક નજરે તેની સામે જોતાં પૂછ્યું, ‘એનું ખૂન થયું છે એ વાત હજુ સુધી ક્યાં પુરવાર થઈ છે?’

‘ભલે પુરવાર ન થયું હોય...પણ એનું ખૂન કરવામાં આવ્યું છે તેની મને પૂરી ખાતરી છે.’

‘ઠીક છે...તમારી વાત હું ઘડીભર માટે માની લઉં છું. પણ એ બંનેના ખૂન કોણે કર્યા છે?’

‘ભુજંગી અથવા તો નારાયણરાવે...!’

‘આ નારંગી...ભૂલ્યો...ભુજંગી અને નારાયણરાવ વળી કોણ છે?’ દિલીપે પૂછ્યું.

‘કહું છું સાંભળો...’ કહીને સંતોષકુમારે, અજય મુંબઈમાં બેગ લઈને આવ્યો ત્યારથી માંડીને રાજકોટ જઈ, ભુજંગી તથા નારાયણરાવની વીશીઓ ઉપાડીને વિશાળગઢ આવ્યા અને થોડી વાર પહેલાં આવેલા ફોન સુધીની બધી જ હકીકતો કહી સંભળાવી. પછી ઉમેર્યું, ‘બસ, આ કારણસર જ શશીકાંત તથા બિહારીના ખૂનમાં ભુજંગી અને નારાયણરાવનો હાથ હોય એવું મને લાગે છે. પણ નાગપાલ સાહેબ, આ વાતને તો લગભગ દસ વર્ષ વીતી ગયા છે. દસ વર્ષ પછી પણ કોઈ આ રીતે બદલો લેવા આવે ખરા?’

‘મિસ્ટર...તમે દસ વર્ષની વાતો કરો છો પણ મેં તો વીસ વીસ વર્ષ પછી પણ વેર વાળવા આવ્યા હોવાના દાખલાઓ જોયા છે. જે રાજકોટમાં તમે પરાક્રમ કરી આવ્યા છો, એ જ રાજકોટના એક ખૂબ જ નામાંકિત ડોકટરે એક વખત પોતાના કમ્પાઉન્ડરને કાઢી મૂક્યો હતો. અને આ કમ્પાઉન્ડર ચૌદ વર્ષ પછી બદલો લેવા માટે ધોળા દિવસે હાથમાં છૂરી સાથે ડોકટરના દવાખાનામાં ઘુસી આવ્યો હતો. પરંતુ ડોક્ટર સાહેબના કુતરાની સમય સૂચકતાને કારણે તેઓ બચી ગયા હતા. ખેર, આ ભુજંગી અને નારાયણરાવના સરનામાં મને લખાવી દો. હું તપાસ કરાવીશ.

સંતોષકુમારે તેને નારાયણરાવ તથા ભુજંગીનાં સરનામાં લખાવી દીધાં.

પછી તે નાગપાલની રજા લઈને વિદાય થઈ ગયો.

નાગપાલે ઘડિયાળમાં સમય જોયો. સવારના નવ વાગ્યા હતા.

‘દિલીપ...’ એણે કહ્યું, ‘તું એરપોર્ટ પર ફોન કરીને રાજકોટ જતાં પ્લેનમાં મારી એક ટિકિટ બુક કરાવી લે.’

દિલીપે તાબડતોબ તેના આદેશનું પાલન કર્યું.

રાજકોટ જવા માટેનું પ્લેન દસ વાગ્યે હતું.

નાગપાલે બંને સરનામાઓ પોતાની ડાયરીમાં લખી લીધા. પછી ડાયરીને ગજવામાં મૂકીને ઊભો થયો.

‘પાછાં ક્યારે આવશો અંકલ?’ દિલીપે પૂછ્યું.

‘રાત સુધીમાં...!’ કહીને નાગપાલ બહાર નીકળી ગયો.

***

રાજકોટ આવીને નાગપાલ સૌથી પહેલાં નારાયણ રબ્બર ઇન્ડસ્ટ્રીઝમાં ગયો તો ત્યાંથી એને જાણવા મળ્યું કે ફેક્ટરીનો માલિક નારાયણરાવ તો પાંચેક વર્ષ પહેલાં જ મૃત્યુ પામ્યો છે.

પછી તે ભુજંગીને ઘેર પહોંચ્યો.

જોગાનુજોગ એ ઘેર હાજર હતો.

એણે નાગપાલનો પરિચય જાણ્યા પછી તેને આવકાર આપીને બેસાડ્યો.

બંનેએ કોફી પીધી.

‘ફરમાવો નાગપાલ સાહેબ...’ ભુજંગીએ પ્રશ્નાર્થ નજરે તેની સામે જોતાં કહ્યું.

‘મિસ્ટર ભુજંગી...!’ નાગપાલ બોલ્યો, ‘હું તમને દસ વર્ષ પહેલાં બનેલા એક બનાવના અનુસંધાનમાં થોડી પૂછપરછ કરવા માંગું છું.’

‘પૂછો...’

‘દસેક વર્ષ પહેલાં અહીં ચાર જણ આવ્યા હતા. આ ચારેયના નામો અજય, શશીકાંત, બિહારી અને સંતોષકુમાર છે. અહીં આવીને તેઓ તમારી તથા નારાયણરાવની વીશીઓ ઉપાડીને રાતોરાત નાસી છૂટ્યા હતા એ તમને યાદ છે?’

‘હા...પણ હું તો એમાંથી માત્ર બે જ જણને ઓળખતો હતો. એ બંનેના નામ દિનાનાથ અને મનસુખલાલ હતા. તેઓ મારી બે વીશીઓ તથા નારાયણરાવની એક કરોડની વીશી ઉપાડીને નાસી છૂટ્યા હતા. જો કે નારાયણરાવે તો બધા મેમ્બરોને બોલાવીને તેમના પૈસા પાછા આપી દીધા. બધી નુકશાની એણે એકલાએ જ ભોગવી લીધી. પરંતુ મારામાં નુકશાની સહન કરવાની જરાય તાકાત નહોતી એટલે મેં તેમને શોધવા માટે પુષ્કળ પ્રયાસો કર્યા પરંતુ ક્યાયથી તેમનો પત્તો લાગ્યો નહોતો. પછી તો મેં જેમ તેમ કરીને મારી નુકશાની ભરપાઈ કરી દીધી અને જીંદગીમાં ક્યારેય વીશીના ચક્કરમાં નહિ પડવું એમ નક્કી કરી લીધું. ત્યારબાદ ત્રણેક મહિના પહેલાં હું વિશાળગઢ આવ્યો હતો ત્યારે મેં ત્યાંના દીવાન ચોક પાસે દિનાનાથને એક માણસ સાથે વાતો કરતાં જોયો હતો. એ માણસના ચ્હેરા પર શીળીના ચાઠાં હતા. ત્યારબાદ દિનાનાથ ચાલ્યો ગયો. મેં શીળીના ચાઠાવાળાને તેના વિશે પૂછપરછ કરી તો મને જાણવા મળ્યું કે એ માણસનું નામ દિનાનાથ નહીં, પણ શશીકાંત હતું. શીળીના ચાઠાવાળા એ માણસનું નામ હું ન ભૂલતો હોઉં તો સંતોષકુમાર હતું. પણ આપ આ બધી પૂછપરછ શા માટે કરો છો?’

‘એટલા માટે કે શશીકાંત તથા તેના એક અન્ય ભાગીદારના ખૂન થઈ ગયા છે.’ કહીને નાગપાલે ચારેય ભાગીદારોની વિગત તેને જણાવી દીધી પછી ઉમેર્યું, ‘આજે સવારે સંતોષકુમાર મારી પાસે આવ્યો હતો. એના કહેવા મુજબ શશીકાંત તથા બિહારીના ખૂનો રાજકોટ એટલે કે અહીં રહેતા નારાયણરાવ તથા ભુજંગી એટલે કે તમે કર્યા છે.’

‘નાગપાલ સાહેબ...! જે ગામ આપણે ન જવું હોય તેનો રસ્તો પૂછવાનો મારો સ્વભાવ નથી. હું વીશીના વિષચક્રને સદંતર ભૂલી ગયો છું. મેં તો માત્ર ઉત્સુકતાથી જ પ્રેરાઈને સંતોષકુમારને પૂછપરછ કરી હતી. બાકી હું તો તેમને ક્યારનોય ભૂલી ગયો છું. મેં કદાચ વેર વાળવા માટે તેમનાં ખૂન કર્યા છે એવું આપ અને સંતોષકુમાર માનો છો. પણ હું તેમને સજા આપવાવાળો કોણ? મારી હેસિયત શું છે? તેમને તેમની માઠી કરણીનાં ફળ ભોગવવાં પડે છે. અહીંના કાયદાની ચુંગાલમાંથી ભલે તેઓ છટકી જાય પણ ઈશ્વરનાં કાયદાની ચુંગાલમાંથી કોઈ જ નથી છટકી શકતું. એ બંનેના ખૂનમાં મારો કોઈ જ હાથ નથી એની આપ ખાતરી રાખજો.’

એના અવાજમાં રહેલાં સચ્ચાઈના રણકાને નાગપાલે પારખ્યો.

ત્યાર બાદ એનો આભાર માનીને તે વિદાય થઈ ગયો.

***

નાગપાલ જ્યારે વિશાળગઢ પાછો ફર્યો ત્યારે રાતના દસ વાગી ગયા હતા.

દિલીપ તેની રાહ જોતો હતો.

‘કંઈ જાણવા મળ્યું અંકલ...?’

‘ના...’ કહીને નાગપાલે ટૂંકમાં તેને રાજકોટની મુલાકાત વીશે જણાવી દીધું.

‘ઓહ...’ દિલીપે નિરાશાથી માથું ધુણાવ્યું. ‘આ તો ખોદ્યો ઉંદર ને નીકળ્યો ડુંગર...ભૂલ્યો, ખોદ્યો ડુંગર ને નીકળ્યો ઉંદર એના જેવું થયું.’

નાગપાલ ચૂપ રહ્યો.

‘અંકલ...’ છેવટે દિલીપ બોલ્યો, ‘મને તો આ બધું કારસ્તાન સંતોશ્કુમાંરનું હોય એવું લાગે છે.’

નાગપાલ સ્મિત ફરકાવીને રહી ગયો.

***

સવારના નવ વાગ્યા હતા.

દિલીપ તૈયાર થઈને ડ્રોઈંગરૂમમાં પહોંચ્યો ત્યારે ત્યાં એડવોકેટ બિપીન ગુપ્તા બેઠો હતો.

‘આવો...આવો વકીલ સાહેબ...! બોલો...શા માટે પધાર્યા છો?’ દિલીપે પૂછ્યું.

‘નાગપાલ સાહેબ ક્યાં છે?’ બિપીન ગુપ્તાએ સામો સવાલ કર્યો.

‘શું તમારે એમનું ખાસ કોઈ જરૂરી કામ છે?’ દિલીપે અર્થસૂચક અવાજે કહ્યું.

‘હા...’

‘તો મને જ મળી લો ને!’ દિલીપ હસતાં હસતા બોલ્યો.

‘તમારી ફરી ક્યારેક મુલાકાત લઈશ. અત્યારે તો મારે નાગપાલ સાહેબનું જ જરૂરી કામ છે. તેઓ અહીં જ છે કે પછી ક્યાંય બહારગામ ગયા છે?’ બિપીન ગુપ્તાએ શંકાભર્યા અવાજે પૂછ્યું.

‘બહારગામથી તો તેઓ રાત્રે જ પાછા આવી ગયા છે. અત્યારે તેઓ ઉપર સ્ટડીરૂમમાં હશે.’

‘ઠીક છે... તો પછી હું ઉપર જ જઉં છું. તકલીફ માફ કરજો.’ બિપીન ગુપ્તા ઊભો થતાં બોલ્યો.

‘અરે...એમાં તકલીફ શાની? આ તો મારી ફરજ છે.’ દીલ્પે સ્મિત ફરકાવતાં કહ્યું, ‘ચાલો મારે પણ ઉપર જ આવવું છે.’બંને ઉપર સ્ટડીરૂમમાં પહોંચ્યા.

‘આવો...મિસ્ટર ગુપ્તા...!’ નાગપાલે તેને આવકાર આપતાં કહ્યું, ‘આજે શા માટે મને યાદ કરવો પડ્યો?’

‘આપનું થોડું જરૂરી કામ હતું નાગપાલ સાહેબ! અને આમેય ઘણાં દિવસોથી આપને મળ્યો પણ નહોતો એટલે ચાલ્યો આવ્યો!’ બિપીન ગુપ્તા બોલ્યો.

‘સારું...પહેલાં નિરાંતે બેસો અને પછી જે કંઈ કહેવું હોય તે કહો.’

બિપીન ગુપ્તા તેની સામે એક ખુરશી પર બેસી ગયો.

પરંતુ ડીઈપ હજુ પણ ત્યાં ને ત્યાં જ ઊભો હતો.

‘તારો શું વિચાર છે પુત્તર...? તારે બેસવું છે કે પછી મારે સમ આપવા પડશે?’ નાગપાલે , દિલીપ સામે જોતાં મશ્કરી ભર્યા અવાજે કહ્યું.

‘મારે એક ખાસ કામ અંગે બહાર જવું છે.’ દિલીપ બોલ્યો.

‘ખાસ કામ માટે કે પછી કૉફી પીવા?’

‘સૌથી પહેલાં તો કૉફી પીવાનું મહાન કાર્ય પૂરું કરીને ત્યાર બાદ બહાર જવું છે.’ દિલીપે પણ કોઈક સાહિત્યકારની જેમ શબ્દો ગોઠવીને મશ્કરીભર્યા અવાજે કહ્યું.

‘તો શું તું કૉફી પીવાને મહાન કામ સમજે છે?’

‘હા, અંકલ...’

‘શટઅપ...કૉફી અહીં જ મંગાવી લે અને ચૂપચાપ બેસી જા.’ કહી, ઊભો થઈને નાગપાલ સ્ટડી રૂમમાંથી બહાર નીકળી ગયો.

દિલીપ અનિચ્છાએ બિપીન ગુપ્તાની બાજુમાં પડેલી ખુરશી પર બેસીને કૉફીની રાહ જોવા લાગ્યો.

આ દરમિયાન બિપીન ગુપ્તા એક ફાઈલ વાંચવામાં મશગુલ બની ગયો હતો. બીજો કોઈ વખત હોત તો દિલીપ અવળચંડાઈ કર્યા વગર ન રહેત. પરંતુ નાગપાલ તથા બિપીન ગુપ્તાને ગંભીર જોઇને તે ચૂપ બેઠો હતો.

પાંચેક મિનિટ પછી હકલો કૉફીની ટ્રે ઉંચકીને અંદર દાખલ થયો. દિલીપે ઉતાવળથી ઊભા થઈને ટેબલ પર પડેલી ફાઈલોને એક તરફ મૂકીને ટ્રે મૂકવાની જગ્યા કરી આપી.

એ જ વખતે નાગપાલ પણ આવી ગયો.

કૉફી પીધાં પછી નાગપાલ બિપીન ગુપ્તા સાથે વાતો કરવા લાગ્યો.

‘એ મારા જવાબની રાહ જોતો હશે.’ બિપીન ગુપ્તાએ કહ્યું.

‘તમે એની પાસે કોઈ ખુલાસો શા માટે ન કર્યો?’ નાગપાલે બિપીન ગુપ્તા સામે જોતાં પૂછ્યું.

‘નાગપાલ સાહેબ, આ કેસ આપનો છે અને ખુલાસો હું કરું?’

‘કેસ તમારો કે મારો નથી પણ આપણા સૌનો છે.’ નાગપાલ બોલ્યો, ‘તમે જ્યારે કેસ હાથમાં લીધો ત્યારે એની વિગતો તો જોઈ જ હશે ને?’

‘હા...’

‘તમે એને બચાવી શકશો એની તમને પૂરેપૂરી ખાતરી છે?’

‘બચાવવાની વાત તો બહુ દૂર છે. અલબત્ત, હું તેને જામીન પર જરૂર છોડાવી લઈશ.’

‘તો પછી તમને જેમ યોગ્ય લાગે તેમ કરો. આ બાબતમાં દખલગીરી નહીં કરું.’

‘છતાં પણ આપ ત્યાં આવીને ફાઈલ જોવાની મહેરબાની કરશો?’

‘ઠીક છે...હું નિરાંતે આવીને જોઈ જઈશ.’ નાગપાલ બોલ્યો.

‘થેંક્યૂ...’ કહીને બિપીન ગુપ્તા ઊભો થયો, ‘હવે મને રજા આપો.’

‘હા...જાઓ...પરંતુ આ રીતે ક્યારેક મળતા રહેજો.’ નાગપાલે કહ્યું.

બિપીન ગુપ્તા હકારાત્મક ઢબે માથું હલાવીને ચાલ્યો ગયો.’

એના ગયા પછી દિલીપ કેટલીયે વાર સુધી નાગપાલના બોલવાની રાહ જોતો રહ્યો. પણ એ કંઈ બોલવાને બદલે એક ફાઈલ ઉથલાવવા લાગ્યો હતો.

છેવટે દિલીપની ધીરજ ખૂટી ગઈ.

‘બિપીન ગુપ્તા શા માટે આવ્યો હતો અંકલ?’ એણે પૂછ્યું.

‘એક કેસના અનુસંધાનમાં મારી સલાહ લેવા માટે!’ નાગપાલે ઊંચું જોયા વગર જ જવાબ આપ્યો.

‘વકીલનું કામ તો સલાહ આપવાનું હોય છે. લેવાનું નહીં! અને છતાં પણ એ તમારી પાસે સલાહ લેવા આવ્યો હતો. હવે શું મારે તમને વિનંતી પત્ર લખીને પૂછવું પડશે કે એ કઈ બાબતમાં સલાહ લેવા આવ્યો હતો?’

‘એમાં મોડું થઈ જશે દિલીપ!’ નાગપાલ હસ્યો.

‘અંકલ...તમે...’

‘સારું...સારું...બરાડા પાડવાની જરૂર નથી. સાંભળ...’ નાગપાલે ફાઈલને બંધ કરતાં કહ્યું.

દિલીપના કાન કોઈક રહસ્યનું ઉદ્ઘાટન સાંભળવા માટે સરવા થયા.

‘સાંભળ...’ નાગપાલ બોલ્યો, ‘બિપીન ગુપ્તાનો એક અસીલ છે. આ અસીલને પોતાના ટેબલના ખાનામાંથી એક રિવોલ્વર મળી આવે છે. અસીલના કહેવા મુજબ એ રિવોલ્વર તેની નથી.’

‘ગોળ ગોળ વાતો રહેવા દો અંકલ...! કંઈક સંજય એ રીતે કહો.’ દિલીપે ચીડાયેલા અવાજે કહ્યું, ‘બિપીન ગુપ્તાને હું બહુ સારી રીતે ઓળખું છું. એ કોઈ નક્કર કારણવગર તમારી સલાહ લેવા માટે ન જ આવે. વારૂ, એનો અસીલ કોણ છે?’

‘સંતોષકુમાર...!’

‘શું...?’ દિલીપ એકદમ ચમકી જતાં બોલ્યો.

‘હા...’

‘આ બધું શું છે અંકલ?’

‘એ તો હું પોતે પણ નથી જાણતો દિલીપ!’ નાગપાલ હસ્યો, ‘સંતોષકુમારે, બિપીન ગુપ્તાને જે હકીકત જણાવી છે એ પ્રમાણે આજે સવારે કોઈક વસ્તુની જરૂર પડતાં એણે પોતાના ટેબલનું ખાનું ઉઘાડ્યું હતું અને ત્યારે અંદર પડેલી રિવોલ્વર તેને દેખાઈ. તે એકદમ ગભરાઈ ગયો. કારણ કે એ રિવોલ્વર તેની નહોતી. એ રિવોલ્વર કોની છે અને પોતાના ટેબલના ખાનામાં કોણ ક્યારે મૂકી ગયું એની તેને કંઈ જ ખબર નહોતી. આ રિવોલ્વરથી ખાસ તો તેને એટલા માટે ગભરાટ થયો કે તે બત્રીસ કેલીબરની છે. એ રિવોલ્વરમાંથી બે ગોળીઓ છોડવામાં આવી છે અને બિંદુ તથા શશીકાંતના ખૂનો બત્રીસ કેલીબરની રિવોલ્વરથી થયા હતાં એ તો તું જાણે જ છે. રિવોલ્વર પોતાને માટે કફોડી સ્થિતિ સર્જે એવો ભય સંતોષકુમારને લાગ્યો હતો. પહેલાં શશીકાંતના ખૂન પાછળ બિહારીનો હાથ હોય એવી શંકા ઉપજી હતી. પરંતુ તે મૃત્યુ પામ્યો. માળી પર કોઈ કે હુમલો કર્યો એટલે એ બંને નિર્દોષ હતાં તે પુરવાર થાય છે. બાકી રહ્યા બે, એક તો સંતોષકુમાર પોતે અને બીજો અજય! આ બંનેમાં અજય તો નિર્દોષ જ ગણાય કારણ કે તે અપંગ છે અને ક્યાંય જઈ શકે તેમ નથી. એટલે એ રિવોલ્વર સંતોષકુમાર પાસેથી મળી આવી હોવાને કારણે શંકાની પરિધિમાં તે એકલો જ બાકી રહી જાય છે.

‘તો હવે શું થશે?’

‘થાય શું? એના પરની શંકા મજબૂત બને છે.’

‘પણ આ બનાવમાં બિપીન ગુપ્તા ક્યાંથી ટપકી પડ્યો?’

‘હવે તું મુદ્દાની વાત પર આવ્યો. એ જ તો ખૂબી છે. સંતોષકુમાર આ બનાવથી ખૂબ જ ગભરાઈ ગયો. પછી એણે ચાલાકીથી કામ લીધું અને બિપીન ગુપ્તાની સલાહ લેવાનું નક્કી કર્યું.’

‘પરંતુ બિપીન ગુપ્તાને જ એણે આ કામ શા માટે સોંપ્યું?’

‘દિલીપ...!’ નાગપાલનો અવાજ ગંભીર હતો, ‘બિપીન ગુપ્તા સંતોષકુમારનો માત્ર વકીલ જ નહીં, ખાસ મિત્ર પણ છે.’

‘પણ બિપીન ગુપ્તાને એમાં અહીં તમારી પાસે દોડી આવવાની શું જરૂર પડી?’ દિલીપે પૂછ્યું.

‘એ રિવોલ્વરના બનાવ વિશે મારી સાથે ચર્ચા-વિચારણા કરીને યોગ્ય માર્ગ કાઢવા માંગતો હતો અને હવે રિવોલ્વરવાળા બનાવમાં પોતે શું કરે તો સંતોષકુમાર બચી જાય એની સલાહ લેવા આવ્યો હતો.

‘તમે એને શું સલાહ આપી?’

‘મંજીરા વગાડવાની!’ નાગપાલ ધૂંધવાઈ ને બોલ્યો.

‘એમ...?’ દિલીપે તેને વધુ ચીડવવાના આશયથી પૂછ્યું, ‘તમને વળી આમ એકાએક મંજીરા સાંભળવાનો શોખ ક્યાંથી જાગ્યો?’

‘હા...અને હવે તારા માથા પર તબલા લગાડવા માટે પણ મને શોખ થયો છે.’

‘તો તમે તેની સાથે એને મદદ કરવા ન ગયા? સાચો સલાહકાર તો એને જ કહેવાય કે જે સલાહન આપતા, સલાહ લેવા માણસની સાથે જઈ, માર્ગદર્શન આપીને તેને મદદરૂપ થાય!’ દિલીપે વાત બદલતાં કહ્યું.

‘શટઅપ...!’ નાગપાલ જોરથી તડુક્યો.

‘તમારા આ દિલીપ ધી ગ્રેટ એટેલે કે પુત્તરને પણ શટઅપ?’ દિલીપે નાગપાલના અવાજની નકલ કરતાં પૂછ્યું.

‘તું શું વળી ટંકારાથી ટીલું લઈને આવ્યો છે?’

‘હા...’

‘શેનું...?’

‘લગ્ન કરવાનું...!’

‘કોની સાથે...?’

‘તમારી સાથે...!’

‘શું...?’

‘હા...એમાં આટલા ગભરાઈ શા માટે ગયા અંકલ? જો હું છોકરી હોત તો તમારી સાથે જ લગ્ન કરત!’

નાગપાલ કંઈ કહે એ પહેલાં જ ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી.

‘હલ્લો...હું દિલીપ...’ દિલીપે આગળ વધીને રિસિવર ઉંચકતા કહ્યું.

‘સોરી...રોંગ નંબર...!’ એનું વાક્ય પૂરું થાય એ પહેલાં જ સામે છેડેથી કોઈ યુવતીનો મધુર અવાજ તેના કાને અથડાયો.

‘અરે...પણ ભલેને રોંગ નંબર રહ્યો...!’ દિલીપ બોલ્યો, ‘રોંગ નંબરને રાઈટ નંબર બનાવતાં મને બહુ સરસ આવડે છે. મેડમ...હા...તો તમે...’

જવાબમાં સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઈ ગયો.

‘ધત્ તેરે કી...કમબખ્તે બે કડવી કડવી...અર્ ર્ ર્...પ...’ દિલીપે રિસીવરને ક્રેડલ પર ગોઠવીને મોં પર હાથ મૂક્યો, ‘કડવી નહીં પણ મીઠી મીઠી વાતો પણ ન કરી ખેર...’

નાગપાલ ખડખડાટ હસી પડ્યો.

‘અંકલ...અહીં મારું કામ બગડ્યું ને તમને હસવું આવે છે?’

‘હા, પુત્તર...હજુ ઘણાં કામો બાકી છે એટલે હવે એકદમ ગંભીર થઈ જા.’ નાગપાલે કહ્યું.

અને દિલીપ ખરેખર ગંભીર થઈને તેની સામે બેસી ગયો.

નાગપાલ ધીમે ધીમે તેને કંઈક સમજાવવા લાગ્યો.

***