Anyay - 6 in Gujarati Detective stories by Kanu Bhagdev books and stories PDF | અન્યાય - 6

Featured Books
  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

Categories
Share

અન્યાય - 6

અન્યાય

કનુ ભગદેવ

૬: ગુમનામ પત્રો...?

શ્વેત રંગી લાંબી કેડીલેક નિશા કોટેજના વિશાળ કમ્પાઉન્ડમાં પ્રવેશીને ઊભી રહી.

બારણું ઉઘાડીને નાગપાલ નીચે ઊતરી આવ્યો.

દિલીપ તો જાણે કયામતના દિવસે જ ઊતરવું હોય એ રીતે અંદર બેઠો રહ્યો.

‘નીચે ઉતર...!’ નાગપાલે ચીડથી કહ્યું.

‘બહુ મોંઘી કાર છે અંકલ...નાહક જ કોઈક કાચ-બાચ તોડી નાખશે. હું અંદર બેઠો બેઠો કારનું ધ્યાન રાખું છું. તમે તમારે ખુશીથી જાઓ.’ કહેતી વખતે દિલીપના ચ્હેરા પર એવા હાવભાવ છવાયેલા હતા કે તે જોઈને નાગપાલ હસી પડ્યો.

‘તો શું સી.આઈ.ડી. વિભાગમાં તને ઝખ મારવા માટે પસંદ કર્યો છે પુત્તર...? આના કરતાં તો તું ક્યાંક ચોકીદાર થયો હોત તો સારું હતું.’

‘હવે હું ચોકીદાર જ થવા માંગું છું અંકલ...! પણ દરેક કામમાં અનુભવની જરૂર પડે છે એ તો તમે જાણો જ છો! એટલે હું અત્યારથી જ ચોકીદારની તાલીમ લેવી શરુ કરી દઉં તો શું ખોટું છે?’

‘સીધી રીતે નીચે ઉતર નહીં તો પછી ન છૂટકે મારે તને ઘસડીને ઊતારવો પડશે.’ નાગપાલે કહ્યું.

‘સાલ્લી ક્યાંય શાંતિ નથી...!’ દિલીપ બારણું ઉઘાડીને અનિચ્છાપૂર્વક નીચે ઉતરતાં બોલ્યો.

નાગપાલે આગળ વધીને ડોરબેલ દબાવી.

જવાબમાં થોડી પળો પછી બારણું ઉઘડ્યું. બારણું ઉઘાડનાર એક આધેડ વયની સ્થૂળ દેહધારી સ્ત્રી હતી. એની આંખો સ્હેજ મોટી, ઊંડી ઊતરેલી હતી. હોઠ જાડા અને ખરબચડા હતા. ઉઘાડા હોઠ વચ્ચેથી તેના સામાન્યથી સહેજ મોટાં દાંત દેખાતા હતા.

તેનો દેખાવ જોઈને જાણે, એનાં પ્રત્યે ભવોભવની દુશ્મનાવટ હોય એવા હાવભાવ દિલીપના ચ્હેરા પર છવાઈ ગયા.

‘મિસ્ટર અજય છે...?’ નાગપાલે પૂછ્યું.

‘હા...આવો...તેઓ આપની જ રાહ જુએ છે.’ દેખાવમાં કદરૂપી લગતી એ સ્ત્રીએ ફાટેલા વાંસ જેવા તરડાયેલા અવાજે જવાબ આપ્યો. ‘આપ ડ્રોઈંગરૂમમાં બેસો...! હું હમણાં જ મારા સાહેબને આપના આગમનની જાણ કરું છું.’ કહીને તે અંદરના ભાગમાં ચાલી ગઈ.

નાગપાલ તથા દિલીપ ડ્રોઈંગરૂમમાં દાખલ થયા.

‘અંકલ...’ દિલીપ સોફા પર પડતું મૂક્તાબોલ્યો, ‘આ વિચિત્ર ચોકઠું જોઈને જ મને તો ઉલ્ટી થાય છે.’ એનો સંકેત પેલી સ્ત્રી તરફ હતો.

એની વાત પર ધ્યાન વગર નાગપાલ એક અન્ય સોફા પર બેઠો. પછી તે બાજુમાં સ્ટૂલ પર પડેલું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઉંચકીને તેના પર નજર દોડાવવા લાગ્યો.

‘અંકલ...દિવાલોને પણ કાન હોય છે એમ બધા કહે છે. પરંતુ તેમને કાન એવું મને નથી લાગતું. કારણ કે આ રૂમની એકેય દીવાલે હજુ સુધી મને મારી વાતનો જવાબ નથી આપ્યો.’ દિલીપે ચીડ ભર્યા અવાજે કહ્યું.

નાગપાલ જાણે એની વાત સાંભળી જ ન હોય એ રીતે ચૂપચાપ અખબારનાં પાનાં ઉથલાવતો હતો.

દિલીપ ધૂંધવાઈને કંઈક કહેવા જતો હતો પરંતુ તે કંઈ બોલે એ પહેલાં જ દૂરથી વ્હીલ ચેરના આવવાનો અવાજ સંભળાયો.

બારણા પર લટકતો પડદો ખસેડીને પેલી સ્ત્રી વ્હીલચેરને અંદર ધકેલીને લઈ આવી. વ્હીલચેર પર આશરે અડતાલીસ વર્ષની વય ધરાવતો, આકર્ષક વ્યક્તિત્વવળો એક માણસ બેઠો હતો. એણે ક્રીમ કલરનો સફારી સૂટ પહેર્યો હતો. એના જમણા હાથની બે આંગળીઓમાં સોનાની હિરાજડિત વીંટીઓ ચમકતી હતી. ગાળામાં સોનાનો ચેન લટકતો હતો. કાળી શાલ નીચે એના બંને પગ ઢંકાયેલા હતા. આધેડ હોવા છતાં પણ તેનો ચ્હેરો આકર્ષક હતો. એની આંખોમાં ઉદાસીના હાવભાવ છવાયેલા હતા. પરંતુ પાતળા હોઠ સદાબહાર પુષ્ય જેવા ખીલેલા અને હાસ્યથી છવાયેલા હતા.

એણે હાથ ઊંચો કરીને નાગપાલ તથા દિલીપને આવકાર આપ્યો.

પેલી સ્ત્રી ખુરશીને ધકેલીને સાઈડ ટેબલ સુધી લઈ આવી. પછી તે આજ્ઞાંકિત ઢબે ખુરશી પાછળ ઊભી રહી ગઈ.

‘નાગપાલ સાહેબ...!’ અજયે નમ્ર અવાજે કહ્યું, ‘જો હું અપંગ ન થઈ ગયો હોત તો, પોતે જ આવીને મળી જાત. આપને અહીં આવવાની તકલીફ બદલ હું દિલગીર છું.’

‘મને કોઈ જ તકલીફ નથી પડી મિસ્ટર અજય!’ નાગપાલ કોમળ અવાજે બોલ્યો, ‘ખેર, અહીં મને શા માટે બોલાવ્યો છે?’

‘આપનો સમય ખૂબ જ કિંમતી છે એ હું જાણું છું એટલે નકામી વાતોમાં સમય નહીં વેડ્ફું. પણ એ પહેલાં આપ ઠંડુ ગરમ શું પીશો એ કહો.’

‘એવી ખોટી તકલીફ લેવાની કંઈ જ જરૂર નથી મિસ્ટર અજય!’ નાગપાલ બોલ્યો.

‘તકલીફ તો આપ કંઈ પીવાની ના પડશો તો જ મને થશે.’

‘ઠીક છે...તો પછી કોફી જ મંગાવો...!’

‘મનોરમા...’ અજયે પોતાની ખુરશી પાછળ ઊભેલી સ્ત્રીને ઉદ્દેશીને કહ્યું, ‘ત્રણ કપ ગરમ ગરમ કોફી લઈ આવ.’

એ સ્ત્રી એટલે કે મનોરમા હકારાત્મક ઢબે માથું હલાવીને અંદરના ભાગમાં ચાલી ગઈ.

‘મિસ્ટર અજય...!; નાગપાલે ઉત્સુક અવાજે પૂછયું, ‘તમે મને શા માટે બોલાવ્યો છે એ કહેશો?’

‘જરૂર...પણ પહેલાં આપણે કોફી પી લઈએ! ત્યારબાદ હું નિરાંતે આપને બધી વાત જણાવી દઈશ.’

‘કોફી તો આવશે જ! ત્યાં સુધીનો સમય શા માટે વેડફવો જોઈએ?’

‘આપની મિનિટે મિનિટ કેટલી કિંમતી છે હું જાણું છું. ઠીક છે... તો હું આપને જણાવી દઉં છું. પણ પહેલાં આપ મને એ કહો કે શશીકાંત મર્ડર કેસમાં કંઈ જાણવા મળ્યું છે?’

‘ના...’ નાગપાલે હાથ મસળતાં કહ્યું, ‘જીંદગીમાં પહેલી જ વાર મારે આટલા નિરાશ થવું પડ્યું છે. આ કેસમાં હજુ સુધી હું કંઈ જ પ્રગતિ નથી કરી શક્યો. એના ચ્હેરા પર લાચારીના હાવભાવ ઊપસી આવ્યા અને આંખોમાં ઉદ્સી છવાઈ ગઈ.

‘આજ સુધી શશીકાંતના કેસમાં આપને કંઈ જ જાણવા નથી મળ્યું એ તો ઘણું વિચિત્ર કહેવાય નાગપાલ સાહેબ! નહીં તો આ કેસ આપના જેવા બાહોશ અને બુધ્ધિશાળી માણસના હાથમાં જ છે! અજય બોલ્યો.

‘આ કેસની બાબતમાં હું પણ મુંઝવણમાં મૂકાઈ ગયો છું. મિસ્ટર અજય!’ નાગપાલના અવાજમાં નિરાશાનો સૂર હતો, ‘તમારા ભાગીદારનો ખૂની ખૂબ જ ચાલાક છે. એણે બનાવના સ્થળે પોતાની પાછળ કોઈ જ ચિહ્નો નથી છોડ્યા.

‘કમાલ કહેવાય...! નાગપાલ સાહેબ, ગુનેગાર ભલે ગમે તેટલો ચાલાક હોય પણ એનાથી કોઈક ને કોઈક ભૂલ તો જરૂર થઈ જ જાય છે. ગમે તેવો હોંશિયાર ખૂની પણ પોતાની પાછળ કોઈક ચિન્હ મૂકી જાય છે. જ્યારે શશીકાંતના બનાવમાં આપને કોઈ જ ચિન્હો નથી મળ્યાં!’

‘શશીકાંતનો ખૂની જરૂર કરતાં વધુ ચાલાક અને હોંશિયાર છે મિસ્ટર અજય! ખૂન કરતાં પહેલાં એણે ખૂબ જ શાંતિથી છટકવાની યોજના બનાવી હોવી જોઈએ અને ખૂન કર્યા બાદ પોતાને ઓળખી શકાય એવા તમામ ચિન્હોનો એણે ઠંડો કલેજે નાશ કરી નાખ્યો છે અને એટલે જ કાન પકડીને કબૂલ કરવું પડે છે કે ખૂની ખૂબ જ ચાલાક, હોંશિયાર અને અનુભવી છે.’

‘તે આપનાથી પણ વધુ હોંશિયાર અને અનુભવી હોઈ શકે છે?’ અજયે પૂછયું.

‘મિસ્ટર અજય...!’ નાગપાલે જવાબ આપ્યો, ‘છેવટે તો હું પણ તમારી જેમ એક માણસ જ છું. મારું કામ પુરાવાને આધારે ગુનેગારોને પકડવાનું છે. પણ કોઈ સૂત્ર જ ન મળે ત્યારે હું તો શું કોઈ પણ જાસૂસ આ મામલો ન ઉકેલી શકે! હા, ઉકેલી શકે...જો તેની પાસે કોઈ ગેબી શક્તિ હોય તો!’

‘નાગપાલ સાહેબ...હવે હું મુદ્દાની વાત પર આવું છું.’ અજયે કહ્યું, ‘વાત એમ છે કે થોડા દિવસથી મારા પર અણધારી મુશ્કેલીઓ આવી પડી છે અને એ કારણસર જ મેં આપને અહીં આવવાની તકલીફ આપી છે.’

એ જ વખતે મનોરમા હાથમાં કોફીની ટ્રે ઉંચકીને અંદર આવી.

અજય ચૂપ થઈ ગયો.

મનોરમાને જોઈને દિલીપે મોં મચકોડ્યું. પરંતુ તેનાથી કંઈ જ થઈ શકે તેમ નહોતું. છેવટે એ બીજી તરફ જોવા લાગ્યો.

મનોરમાએ કોફીની ટ્રે સોફાની વચ્ચે સ્ટૂલ પર મૂકી દીધી. પછી તે આગળ વધીને પુનઃ અજયની વ્હીલચેર પાછળ ઊભી રહી ગઈ.

‘મનોરમા...’ અજયે કહ્યું, ‘મારી રૂમના ટેબલના ખાનામાંથી પેલું ખાખી રંગનું કવર લઇ આવ.’

એ અંદર ચાલી ગઈ.

‘નનાગપાલ સાહેબ...આપને તકલીફ તો પડશે પણ...’ એણે કોફી તરફ સંકેત કર્યો.

નાગપાલે કોફીનો એક કપ ઉંચકીને તેના હાથમાં મૂકી દીધો. પછી એણે તથા દિલીપે પણ એક એક કપ ઊંચક્યા.

આ દરમિયાન મનોરમા કવર લઈને પાછી આવી ગઈ હતી.

‘હવે તું જા...જરૂર પડશે તો તને બોલાવી લઈશ.’ અજય બોલ્યો.

મનોરમા માથું હલાવીને ત્યાંથી બહાર નીકળી ગઈ.

‘નાગપાલ સાહેબ...! મારી મુસીબતનું કારણ મારા પર આવેલા થોડા પત્રો છે! અને અત્યારે એ જ પત્રો મારા હાથમાં છે.’ કહીને અજયે કવરમાંથી ત્રણ-ચાર પત્રો કાઢીને નાગપાલના હાથમાં મૂકી દીધા.

નાગપાલે એ પત્રોનું નિરીક્ષણ કર્યું. પહેલો પત્ર તો એણે બેદરકારીથી જોયો. પણ પછી પત્ર લખનારનું નામ વાંચીને તે એકદમ ચમકી ગયો હોય એવા હાવભાવ એના ચ્હેરા પર છવાઈ ગયા.

‘આમ કઈ રીતે બને?’ તે સ્વગત બબડ્યો.

પછી એણે ત્રણેય પત્રો જોઈ નાખ્યા. પત્રો લખનાર એક જ માણસ હતો.

‘નાગપાલ સાહેબ...!’ અજયે કપમાંથી ઘૂંટડો ભરતાં કહ્યું, ‘મારા પર જ્યારે પહેલો પત્ર આવ્યો ત્યારે મને પોતાને પણ ખૂબ જ આશ્ચર્ય થયું હતું. હું મુંઝાઇ ગયો હતો, પરંતુ ત્યારે એપ્રિલ મહિનો ચાલતો હતો એટલે એ પત્ર કોઈક પરિચિતે મને એપ્રિલફૂલ બનાવવા માટે લખ્યો હશે એમ મેં માન્યું પરંતુ આઠ દિવસ પછી બીજો પત્ર આવ્યો. ત્યારે પણ મેં એને મારા કોઈક પરિચિતની મજાક જ માંની! પણ આ ત્રીજો પત્ર આવતાં જ મને એકદમ ચિંતા થઈ. પરંતુ છતાંય મેં તેના પર ધ્યાન ન આપ્યું કારણ કે પત્ર આવ્યા સિવાય બીજો કોઈ બનાવ નહોતો બન્યો.

‘અને હવે...? હવે શું બન્યું છે?’ નાગપાલે પૂછ્યું.

‘ગઈ કાલે રાત્રે બનેલા બનાવથી હું ખૂબ જ ભયભીત થઈ ગયો છું.’ અજય બોલ્યો.

‘એ બનાવની વિગત મને કહો.’

‘વાત એમ છે નાગપાલ સાહેબ કે અમારો ત્રીજો ભાગીદાર બિહારી ગઈ કાલે રાત્રે બહારગામથી પાછો આવ્યો હતો. રાત્રે એના પોતાના બંગલાના માળીએ એક ચીસનો અવાજ સાંભળ્યો હતો. પછી સવારે જ્યારે એ પોતાના ક્વાર્ટરમાંથી બંગલામાં ગયો ત્યારે ડ્રોઈંગરૂમમાંથી ઉપરના ભાગમાં જતી સીડીના પગથિયાં પાસે બિહારી લોહીલુહાણ અને બેભાન હાલતમાં પડ્યો હતો. એને શરીર પર ઠંક ઠેકાણે ઈજાઓ થઈ હતી. કદાચ તે સીડી પરથી લપસી ગયો હશે એવું અનુમાન કરી શકાય.’ અજય બોલ્યો.

‘માળી રાત્રે ચીસ સંભળાઈ ત્યારે જ બંગલામાં શા માટે નહોતો ગયો?’ નાગપાલે પૂછ્યું.

‘ચીસ સાંભળીને તે કદાચ ગભરાઈ ગયો હશે.’

‘પણ છતાંય એને જવું તો જોઈએ ને? તમારા ભાગીદાર મિસ્ટર બિહારી બંગલામાં છે. એના સિવાય બીજું કોઈ જ નથી એ વાત તો એ જાણતો જ હતો તો પછી તેને શા માટે ગભરાવું પડે?’

‘નાગપાલ સાહેબ, વાસ્તવમાં બિહારી આવ્યો છે એ વાત માળી નહોતો જાણતો.’

‘કેમ...? રાત્રે મિસ્ટર બિહારી આવ્યા ત્યારે બંગલાનું ફાટક તો એણે જ ઉઘાડ્યું હશે ને?’

‘ના...એને ફાટક ઉઘાડવાની કંઈ જ જરૂર નથી પડતી.’ અજયે જવાબ આપ્યો.

‘શા માટે...?’

‘આપનાથી હું કંઈ જ નહીં છૂપાવું નાગપાલ સાહેબ!’ અજય બોલ્યો, ‘વાત એમ છે કે બિહારી અને શશીકાંત આ બંને રંગીન તબીયતના માણસો હતા. મોટે ભાગે રાત્રે તેઓ ઘેર પાછા ફરતા. ઘણી વાર તો તેઓ પોતાની સાથે મનોરંજન માટે કોઈક સ્ત્રીને પણ લાવતા હતા. રાત્રે તેઓ ગમે ત્યારે આવી શકે અને કોઈને ખબર પણ ન પડે એટલા માટે તેમને ફાટક અને બંગલાની ડુપ્લીકેટ ચાવીઓ પોતાની પાસે રાખી હતી. એ બંને સાથે જ રહેતા હતા.

‘જો તમે કહો છો એમ જ હોય તો પછી એ ચીસ કોની હતી, એ વાતની માળીએ જરૂર તપાસ કરવી જોઈતી હતી.’

‘પણ તે એકદમ ગભરાઈ ગયો હત અને આમેય એ ડરપોક સ્વભાવનો છે.’

‘કંઈ કારણ વગર જ તે શા માટે ગભરાઈ ગયો?’

‘કારણ છે નાગપાલ સાહેબ...’

‘શું?’

‘એ બંગલામાં કોઈક ભૂત-પ્રેત થાય છે એમ માળી માને છે.’ અજય બોલ્યો, ‘અગાઉ તે ઘણી વખત બંગલામાં કોઈક ચાલતું હોય, આંટા મારતું હોય એવાં પગલાંનો અવાજ સાંભળી ચૂક્યો છે. અવારનવાર એણે બંગલામાં અચાનક લાઈટ થતી જોઈ છે. પહેલાં તો તેને એમ જ થતું કે બિહારી શેઠ આંટા મારતા હશે અને એણે જ લાઈટ ચાલુ કરી હશે. પરંતુ બીજે દિવસે સવારે બંગલામાં એણે તપાસ કરી તો ત્યાં કોઈ જ નહોતું. મેં આ બધી વાતો બિહારીને પત્રમાં લખી જણાવી હતી. અને માળી પણ માનતો હતો કે ત્યાં ભૂત-પ્રેત ભટકે છે. શશીકાંતનું ખૂન પણ એ જ બંગલામાં ક્રુરતાપૂર્વક કરવામાં આવ્યું હતું એટલે ત્યાં શશીકાંતનું પ્રેત ભટકે છે એવી શંકા માળીને આવતી હતી. પણ બિહારીએ “માળીમાં અક્કલનો છાંટોય નથી” એમ કહીને તેની વાત ટાળી દીધી હતી. પછી કાલે રાત્રે બિહારી બહારગામથી પાછો ફર્યો અને સવારે બેભાન હાલતમાં મળી આવ્યો.’

‘વારુ, આ બનાવ વિશે તમારી શી માન્યતા છે?’ નાગપાલે પૂછયું.

‘નાગપાલ સાહેબ, ભૂત-પ્રેતના અસ્તિત્વમાં હું નથી માનતો. અલબત્ત, બિહારી કેવી રીતે ઈજાગ્રસ્ત થયો? એણે શા માટે ચીસ પાડી? સીડી પરથી તે કેવી રીતે લપસી ગયો? આ સવાલોના કોઈ જ જવાબ મને નથી સૂઝતા. આ બનાવની વાત સાંભળ્યા પછી, આ પત્રો કોઈક પરિચિતે મજાક ખાતર લખ્યા હશે એવો મારો ભ્રમ ભાંગી ગયો છે.’ અજયના અવાજમાં મુંઝવણ હતી. સાથે જ અજ્ઞાત ભયનો થડકો હતો.

‘ઓ...મિસ્ટર બિહારી પાછા આવી ગયા છે એ હું નહોતો જાણતો.’ નાગપાલ બોલ્યો.

‘જો હું અપંગ અને લાચાર ન હોત તો જરૂર ત્યાં જઈને તેને મળી લેત! પણ હવે તો આપે જ બધું સંભાળવું પડશે. અને...હા...માળીએ કહેલાં શશીકાંતના પ્રેત અને આ પત્ર વિશે આપ વિચારજો. એનાથી આપની તપાસમાં ઉપયોગી નીવડે એવો મુદ્દો મળે પણ ખરો.’

‘આ બાબતમાં તમારો પોતાનો અંગત અભિપ્રાય શું છે મિસ્ટર અજય?’ નાગપાલે પૂછ્યું.

‘મને તો કંઈ જ નથી સમજાતું...!’ અજય નંખાઈ ગયેલા અવાજે બોલ્યો.

‘આ પત્ર ખરેખર મોકલનારે જ લખ્યો છે કે પછી બીજાં કોઈએ?’

‘એટલે...?’

‘મિસ્ટર અજય...!’ દિલીપે પહેલી જ વાર તેમની વાતચીતમાં ભાગ લેતાં કહ્યું, ‘તમે મિસ્ટર શશીકાંતના અક્ષરો તો ઓળખતા જ હશો?’

‘હા...’

‘આ પત્રમાં લખેલા અક્ષરો કોના છે?’

‘આ પત્રના અક્ષરો તો શશીકાંતના જ હોય તેવું લાગે છે.’ અજય ઉદાસ અવાજે બોલ્યો.

‘શશીકાંતના અક્ષરોવાળો કોઈ પત્ર તમારી પાસે છે મિસ્ટર અજય? જો હોય તો મને આપો. હું હેન્ડ રાઈટીંગ એક્સપર્ટ પાસે બંને પત્રોના અક્ષરોની તપાસ કરાવડાવી લઈશ.’

‘જરૂર...’ અજયે કહ્યું.

પછી એણે મનોરમા મારફત પોતાના પર આવેલો શશીકાંતનો એક જૂનો પત્ર મંગાવીને નાગપાલને આપી દીધો.

થોડી વાર પછી નાગપાલ એની રજા લઈને દિલીપ સાથે બહાર નીકળ્યો.

‘હાશ...માંડ માંડ છૂટ્યો...!’ બહાર આવતાં જ દિલીપ બબડ્યો.

નાગપાલ ચૂપ રહ્યો.

‘હવે કઈ તરફ જવું છે અંકલ...?’ દિલીપે કારનું બારણું ઉઘાડીને અંદર બેસતાં પૂછ્યું.

‘બિહારીને ત્યાં...’ નાગપાલે અંદર બેસીને કારનું એન્જિન સ્ટાર્ટ કરતાં કહ્યું, ‘અહીંથી એનો બંગલો બહુ દૂર નથી.’

દસ મિનિટ પછી એની કાર બિહારીના બંગલાના કમ્પાઉન્ડમાં પહોંચીને ઊભી રહી.

નાગપાલે જોરથી હોર્ન વગાડ્યું.

હોર્નનો અવાજ સાંભળીને એક વૃદ્ધ માણસ બંગલામાંથી બહાર આવ્યો. એને જોઈને નાગપાલ પણ કારમાંથી નીચે ઊતર્યો. એ માણસે નજીક આવીને પ્રશ્નાર્થ નજરે નાગપાલ સામે જોયું.

‘મિસ્ટર બિહારી ક્યાં છે...?’ નાગપાલે પૂછ્યું.

‘જી...તેઓ પોતાની રૂમમાં જ છે.’ વૃદ્ધે માથું હલાવતાં જવાબ આપ્યો.

‘તેઓ બહારગામથી ક્યારે પાછા આવ્યા?’

‘ગઈ કાલે રાત્રે...પણ મેં તો સવારે જ જોયા હતા.’

‘સવારે જ કેમ...? રાત્રે શા માટે નહીં?’

‘મારા સાહેબ પાસે ફાટક તથા બંગલાની ડુપ્લીકેટ ચાવીઓ છે જેથી રાત્રે કદાચ આવતાં મોડું થઈ જાય તો મને ઉઠાડ્યા વગર પણ અંદર આવી શકે. ઉપરાંત તેમનો હુકમ છે કે જ્યાં સુધી તેઓ પોતે મને ન બોલાવે ત્યાં સુધી મારે બંગલામાં જવું નહી.’

‘પણ રાત્રે તો તે તારા સાહેબની ચીસનો અવાજ સાંભળ્યો હતો ને?’

‘આ વાતની આપને કેવી રીતે ખબર પડી સાહેબ?’ માળીએ આશ્ચર્યથી પૂછ્યું.

‘રાત્રે સપનામાં આવી ને શંકર ભગવાન કહી ગયા હતા.’ દિલીપના અવાજમાં મજાકનો સૂર હતો.

નાગપાલે કઠોર નજરે દિલીપ સામે જોયું.પછી માળી સામે જોતાં એ બોલ્યો, ‘આ વાત મને તારા સાહેબના ભાગીદાર મિસ્ટર અજય પાસેથી જાણવા મળી છે.’

‘ઓહ...’ માળીએ ઊંડો શ્વાસ લેતાં કહ્યું, ‘અજય સાહેબે આપને બધું જ કહી દીધું હોય તો પછી આ બંગલામાં ભૂત થાય છે એ પણ આપ જાણતા જ હશો? બિહારી સાહેબની ચીસને હું ભૂત-પ્રેતની ચીસ માંની બેઠો હતો. રાત્રે બંગલામાં જવાની મારી હિંમત નહોતી ચાલી ઉપરાંત સાહેબ બહારગામથી પાછા આવી ગયા છે એ હું નહોતો જાણતો. પછી સવારે મેં જોયું તો બંગલાનું ફાટક ઉઘાડું હતું. એટલે પાછા આવી ગયા છે તેની મને ખાતરી થઈ ગઈ. ત્યારબાદ હું અંદર ગયો તો તેઓ ડ્રોઈંગરૂમની સીડી પાસે લોહીલુહાણ અને બેભાન હાલતમાં પડ્યા હતા. તેમની આવી હાલત જોઈને હું એકદમ ગભરાઈ ગયો. મેં ડોક્ટરને ફોન કર્યો અને પછી ફોન કરીને જ અજય સાહેબને આ બનાવની જાણ કરી હતી.

‘રાત્રે મિસ્ટર બિહારી એકલા જ આવ્યા હતા કે તેમની સાથે કોઈ હતું?’

‘હું નથી જાણતો.’

‘બંગલાનું મુખ્ય બારણું ઉઘાડું હતું?’

‘ના સાહેબ, બંધ હતું. મેં કેટલીયે વાર સુધી ડોરબેલ વગાડી હતી. પણ બારણું ન ઉઘડ્યું એટલે મને થયું કે તેઓ વધુ થાકી ગયા હશે ને ગાઢ ઊંઘમાં હશે. પછી વેન્ટિલેશનમાંથી બારણાની સ્ટોપર ઉઘાડીને હું અંદર ગયો હતો. અગાઉ પણ આવું ઘણી વખત બન્યું છે.’

‘મિસ્ટર બિહારી કયારે ભાનમાં આવ્યા?’ નાગપાલે થોડી પળો સુધી વિચાર્યા બાદ પૂછ્યું.

‘એકાદ કલાક પહેલાં...!’

‘પોતાની આવી હાલત કઈ રીતે થઈ, એ વિશે એમને કંઈ કહ્યું છે?’

‘ના...’ માળીએ નકારાત્મક ઢબે માથું હલાવતાં જવાબ આપ્યો.

‘આ બંગલામાં બીજાં કોઈ નોકર-ચાકર છે ખરા?’

‘એક રસોયણ છે. પણ તે કાયમને માટે અહીં નથી રહેતી. માત્ર સાહેબ હોય ત્યારે જ રસોઈ કરવા આવે છે. એ સિવાય બંગલાનો ચોકીદાર, નોકર વિગેરે બધું હું જ છું.’

‘સારું...હવે અમને તારા સાહેબ પાસે લઈ જા.’

‘ખુશીથી...આવો સાહેબ...!’

માળી એ બંનેને ઉપરના ભાગમાં આવેલા બિહારીના શયનખંડ સુધી મૂકી ગયો.

‘ઓહ...નાગપાલ સાહેબ, આપ...!’ એ બંને પર નજર પડતાં જ બિહારીએ પલંગ પર જ બેઠાં થવાનો પ્રયાસ કર્યો. પણ એમાં તેને સફળતા ન મળી. એના મોંમાંથી વેદનાયુક્ત ચિત્કાર સરી પડ્યો. સીડી પરથી પડી જવાને કારણે તેને સારી એવી ઈજા થઈ હોય એવું લાગતું હતું.

‘સૂતા રહો મિસ્ટર બિહારી...ઊભા થવાની જરૂર નથી.’ દિલીપ બોલ્યો.

ત્યારબાદ બંને સામે દૂર પડેલી ખુરશીને પલંગ નજીક ખેંચીને તેના પર બેસી ગયા.

‘હું થોડી વાર પહેલાં મિસ્ટર અજયને ત્યાં ગયો હતો. તેમની પાસેથી મને જાણવા મળ્યું કે તમે બહારગામથી પછા આવી ગયા છો અને રાત્રે સીડી પરથી પડી ગયા છો એટલે મને થયું કે, અહીં સુધી આવ્યો છું તો તમારા ખબર-અંતર પૂછતો જઉં.’ નાગપાલે કહ્યું.

‘આપ આવી ગયા તે સારું જ થયું છે. આમેય હું પણ આપને મળવા માંગતો હતો.’

‘ઓહ...તો તો અમારો ધક્કો સફળ થયો ખરો!’ દિલીપ બોલ્યો.

‘પણ નાગપાલ સાહેબ...!’ અચાનક કંઈક યાદ આવ્યું હોય એમ બિહારીએ કહ્યું, ‘હું સીડી પરથી પડી ગયો છું, એની અજયને કેવી રીતે ખબર પડી?’

‘માળીએ જ તેમને આ બનાવની જાણ કરી હતી, પરંતુ એ વખતે તમે બેભાન હતા.’

‘એણે તેને શું શું જણાવ્યું?’

‘બસ, એ જ કે તમે બહારગામથી પાછા આવી ગયા ચૂ અને લોહીલુહાણ તથા બેભાન હાલતમાં ડ્રોઈંગરૂમની સીડી પાસે પડ્યા છો. મિસ્ટર અજય પણ તમારી ખૂબ જ ચિંતા કરે છે. ખેર, રાત્રે તમે ચીસ શા માટે પાડી હતી અને તમારી આવી હાલત કેવી રીતે થઈ?’ નાગપાલે પૂછ્યું.

નાગપાલનો સવાલ સાંભળીને બિહારીને રાત્રે બનેલો બનાવ યાદ આવ્યો. એની આંખો સામે ભયની ભયંકર ભૂતાવળ નાચી ઊઠી. જાણે અત્યારે પણ પોતાની નજર સામે એ બનાવનું પુનરાવર્તન થતું હોય એમ તેનો દેહ સહેજ કંપ્યો. એના કપાળ પરથી પરસેવાની ધાર નીતરવા લાગી. ચ્હેરો કોઈક ખૂબ જ ભયભીત બની ગયેલા બાળક જેવો થઈ ગયો.’

‘નાગપાલ સાહેબ...!’ એનો અવાજ કોઈક અજ્ઞાત ખોફથી કંપતો હતો, ‘આપ બંને ભૂત-પ્રેતના અસ્તિત્વમાં માનો છો?’

‘ના...’ નાગપાલે જવાબ આપ્યો.

‘હવે હું આપને એક સવાલ પૂછવા માંગું છું.’ બિહારીએ કહ્યું.

નાગપાલે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.

‘નાગપાલ સાહેબ...’ બિહારી બોલ્યો, ‘જે માણસનું ખૂન થઈ ગયું હોય, જેના મૃતદેહની ઓળખ થયા પછી અંતિમ સંસ્કાર પણ થઈ ગયા હોય, એ જ માણસ અચાનક જીવતીજાગતી હાલતમાં આપની સામે આવે તો આપ શું માનો? આપ તેને ભૂત કહો કે જીવતોજાગતો માનવી?’

‘એકસરખો દેખાવ ને ચ્હેરો ધરાવતા બે માણસો હોય એવું પણ ઘણી વાર બને છે.’ નાગપાલે કહ્યું.

‘આપની વાત હું કબૂલ કરું છું. પણ દેખાવ અને ચહેરાની સાથે સાથે આ બંનેના ઉઠવાની, બેસવાની, ચાલવાની, સૂવાની વગેરેની ટેવ પણ એકસરખી હોઈ શકે ખરી?’

‘આવા જોગાનુજોગ બહુ વિચિત્ર હોય છે.’ નાગપાલે જવાબ આપ્યો, ‘પણ તમે મારા અંગત અભિપ્રાયની પરવાહ કર્યા વગર જે કંઈ કહેવું હોય તે ખુશીથી કહો.’

‘ભૂત-પ્રેત કે આત્માના અસ્તિત્વમાં તો હું પણ નથી માનતો. હું ચંદનપુર હતો ત્યાં મારા પર અજયનો પત્ર આવ્યો હતો. પત્રમાં એના લખવા મુજબ અહીં માળી મુશ્કેલીમાં મૂકાઈ ગયો હતો. શશીકાંતનું ખૂન થયા પછી આ બંગલામાં તેનું ભૂત થાય છે એમ એ માનતો હતો. ત્યારે જવાબમાં મેં અજયને લખ્યું કે માળીમાં તો અક્કલનો છાંટોય નથી. આ દુનિયામાં ભૂત-પ્રેત જેવું કંઈ જ નથી હોતું. સંસારમાં માણસથી મોટું ભૂત બીજું કોઈ જ નથી. પછી જ્યારે હું ગઈ કાલે રાત્રે અહીં પાછો ફર્યો ત્યારે આ વાતને સાવ ભૂલી ગયો હતો. પણ મધરાત્રે ભેંકાર ચુપકીદીમાં મેં કોઈકના ખડખડાટ હસવાનો અવાજ સાંભળ્યો. મને તરત જ અજયે લખેલ માળીવાળી વાત યાદ આવી ગઈ. મનમાં સવાલ ઊઠ્યો કે ખરેખર જ ભૂત નથી ને? આ હસવાનો અવાજ પ્રેતનો તો નથી ને? હું પરસેવે રેબઝેબ બની ગયો.’ કહીને ફરીથી એક વાર બિહારીનો દેહ કંપ્યો.

નાગપાલ એકીટશે તેની સામે તાકી રહ્યો.

થોડી પળો બાદ બિહારીએ પોતાની વાતને આગળ લંબાવી, ‘ત્યારબાદ હાસ્ય કરનારને શોધવા માટે હિંમત એકઠી કરીને હું આખા બંગલામાં ફરી વળ્યો. પણ કોઈ કરતાં કોઈ જ ન દેખાયું! પછી હું નીચે ડ્રોઈંગરૂમમાં પાછો ફર્યો. થોડી પળો બાદ અચાનક જ જાણે કોઈ ઉપરના માળ પર આંટા મારતું હોય એવા પગલાંનો અવાજ મને સંભળાયો. હું દોડીને ઉપર ગયો. પછી સહસા મારી નજર શશીકાંતના શયનખંડ પર પડી. એના રૂમની બત્તી ચાલુ હતી. હું એના રૂમ પાસે પહોંચ્યો. બારણું અમસ્તું જ ઓડકેલું હતું. કદાચ માળી સાફસૂફી કર્યા પછી બત્તી તથા બારણું બંધ કરતાં ભૂલી ગયો હશે એમ મેં માન્યું. બત્તી બંધ કરવા માટે મેં બારણું ઉઘાડ્યું પણ અંદરનું દૃશ્ય જોતાં જ હું એકદમ થીજી ગયો. રૂમમાં એક માણસ આરામખુરશી પર નિરાંત જીવે બેસીને સિગારેટ ફૂંકતો હતો. એની પીઠ મારા તરફ હોવાથી મને તેનો ચહેરો નહોતો દેખાતો. પણ એની બેસવાની તથા સિગારેટ પીવાની રીત શશીકાંત જેવી જ હતી. શશીકાંત પણ આ રીતે જ બેસીને સિગારેટ ફ્પ્પ્નકતો હતો. હું સાહસ કરીને નજીક ગયો. એ માણસની આંખો બંધ હતી. એના ચહેરાને ઓળખીને હું એકદમ હેબતાઈ જ ગયો. એ ચ્હેરો બીજા કોઈનો નહીં, પણ શશીકાંતનો જ હતો. પછી એણે આંખો ઉઘાડી, મારી સામે જોઈને હાસ્ય કર્યું. પંદર-વીસ દિવસ પહેલાં મૃત્યુ પામેલો શશીકાંત મારી સામે જીવતો-જાગતો બેઠો હતો. મારી જીભ તાળવે ચોંટી ગઈ. છેવટે મારા મોંમાંથી ચીસ નીકળી પડી. હું દોડીને સીડી પાસે આવ્યો. પછી પગથિયાં ઉતરવાની ઉતાવળમાં મારો પગ લપસી ગયો. ત્યાર પછી શું થયું એની મને ખબર નથી. હું જ્યારે ભાનમાં આવ્યો ત્યારે ડોક્ટર સાહેબ મારી સારવાર કરી રહ્યા હતા.’ બિહારીએ પોતાની વાત પૂરી કરી.

‘હા, સાહેબ...! મેં તમને કેટલીયે વાર પૂછ્યું કે તમે સીડી પરથી કઈ રીતે પડી ગયા હતા? તો તેમણે જવાબ ન આપતાં ચૂપ જ રહેવાનું કહ્યું હતું.’ અચાનક પાછળથી માળીનો અવાજ આવ્યો.

નાગપાલે પાછળ ફરીને તેની સામે જોયું. માળીની આંખોમાં તીખી ચમક ક્ષણ માટે પથરાઈ ગઈ.

‘રાત્રે જરૂર સાહેબ સાથે કોઈક ભયંકર બનાવ બન્યો છે એવું મણે લાગ્યું.’ માળી ફરીથી બોલ્યો, ‘મેં આ બાબતમાં પોલીસને જાણ કરવાની મારા સાહેબને સલાહ આપી તો તેમણે મને ના પડી.’

નાગપાલે ગરદન ફેરવીને બિહારી સામે જોયું. એ ખૂબ જ થાકેલો લાગતો હતો.

‘જી… હા...મેં જ પોલીસને આ બનાવની જાણ કરવાની ના પાડી હતી. પોલીસ મારી વાત સાંભળીને મજાક ઉડાવશે એ હું જાણતો હતો. કારણ કે મારા કહેવા અને જોયા પ્રમાણે જે માણસ આરામખુરશી પર બેસીને સિગારેટ ફૂંકતો હતો, તે પંદર-વીસ દિવસ પહેલાં મૃત્યુ પામેલો અમારો ભાગીદાર શશીકાંત હતો.

‘શું...?’ જાણે પહેલી જ વાર એની વાત સાંભળી હોય તે રીતે અત્યાર સુધી આંખો મીંચીને ચૂપ બેસી રહેલા દિલીપના મોંમાંથી આશ્ચર્યોદ્ગાર સરી પડ્યો. જ્યારે પણ કોઈ વાતનું રહસ્ય છતું થાય ત્યારે તે આમ જ કરતો હતો. દરેક નવી વાતમાં આ રીતે આશ્ચર્ય વ્યકત કરવું એ તેની કેસ પકડવાની અનોખી જ રીત હતી.

‘હા...આરામખુરશી પર બેસીને સિગારેટ ફૂંકતો એ માનવી પંદર-વીસ દિવસ પહેલાં જેનું, એ જ રૂમમાં ખૂન થઈ ગયું હતું, તે જ શશીકાંત હતો. એને ઓળખવામાં મેં જરા પણ થાપ નહોતી ખાધી. મારી આંખો નહોતી છેતરાઈ! મેં એણે જીવતો-જાગતો જોયો હતો. મારા બધા વિચારો, આશ્ચર્ય તથા પ્રશ્નાર્થ ચિન્હો બની ગયા.’ કહીને બિહારી હાંફવા લાગ્યો.

‘મારા કહેવા મુજબ જો ખરેખર જ શશીકાંત હોય તો આ બનાવ વીસમી સદીની એક અજાયબી જ ગણાય.’ નાગપાલે કહ્યું.

‘એ શશીકાંત હતો એનાં કરતાં તે શશીકાંતનું ભૂત હતું એમ કહેવું વધુ યોગ્ય રહેશે નાગપાલ સાહેબ!’

‘વાહ...તો હવે ભૂત-પ્રેત પણ સિગારેટ ફૂંકવા માંડ્યા એમ ને?’ દિલીપ મજાકભર્યા અવાજે બોલ્યો.

નાગપાલે તેની સામે ડોળા તતડાવ્યા. એ તરત જ ચૂપ થઇ ગયો.

‘મિસ્ટર બિહારી...!’ નાગપાલ બોલ્યો, ‘કદાચ તમને ભ્રમ થયો હોય એવું પણ બને.’

‘જી… ના… મણે જરા પણ ભ્રમ નથી થયો.’ બિહારીએ મક્કમ અવાજે કહ્યું, ‘મેં તેને બરાબર રીતે ઓળખ્યો હતો. એ શશીકાંત જ હતો તેની મને પૂરી ખાતરી છે. વર્ષોજૂના મિત્રો હતા અમે...’

નાગપાલ એકીટશે તેની સામે તાકી રહ્યો. પછી એક ઊંડો શ્વાસ લઈને તે કોઈક વિચારમાં પડી ગયો. દિલીપ, નાગપાલ સામે જોતો હતો.

‘નાગપાલ સાહેબ...’ બિહારી બોલ્યો, ‘શશીકાંતનો કેસ આપના હાથમાં છે એટલે, આ બનાવ અંગે હું આપણે બધું જ જણાવી દેવા માંગતો હતો. સામાન્ય રીતે એમ પણ વિચારી શકાય કે શશીકાંતનો આત્મા પોતાની અધૂરી રહી ગયેલી કોઈ ઈચ્છા પૂરી કરવા માટે ભટકતો હોય! અકાળે મૃત્યુ પામેલા માણસનો આત્મા ભટકે છે એ વાત સાચી હોય કે ખોટી પણ લોકોમાં આ જાતની માન્યતા ફેલાયેલી છે. હવે ઘડીભર માટે માની લો કે મારું અચાનક જ મૃત્યુ થઈ જાય તો લોકો એમ જ કહેવાના કે શશીકાંતનું ખૂન મેં જ કર્યું હતું અને પોતાના ખૂન નો બદલો લેવા માટે શશીકાંતના ભટકતા આત્માએ મણે મારી નાખ્યો છે. જ્યારે સાચી હકીકત કંઈક જુદી જ હશે. અને પોલીસ અવળે માર્ગે દોરાઈને શશીકાંત મર્ડર કેસની ફાઈલ બંધ કરી દે એવું પણ બની શકે છે.

‘મિસ્ટર બિહારી...!’ નાગપાલ મક્કમ અવાજે બોલ્યો, ‘ભગવાન ન કરે ને કદાચ જો આવું થાય તો પણ હું મારી તપાસ ચાલુ જ રાખીશ.’

‘નાગપાલ સાહેબ, આપ કોઈ પણ કેસ હાથમાં લીધા પછી એને પૂરો કરીને જ જંપો છો એ હું જાણું છું. પણ મને તો શશીકાંતના કેસમાં વધુ રસ છે. આપ ગમે તેમ કરીને એના ખૂનીને ઘટતા ફેજે પહોચાડો એમ હું ઈચ્છું છું. સામાન્ય રીતે શશીકાંતના ખૂન પાછળ અમારા ત્રણ જણ પર જ શંકા આવે. એક તો હું, બીજો સંતોષકુમાર અને ત્રીજો અજય! શશીકાંત સહિત અમે ચાર ભાગીદાર હતા. અમરી ભાગીદારીની શરત પણ વિચિત્ર છે. એ શરત મુજબ જો કોઈ ભાગીદારનું અવસાન થાય તો એની તમામ સ્થાવર કે જંગમ મિલકત બાકીના ભાગીદારો વચ્ચે સરખે ભાગે વહેંચી દેવામાં આવે! ઉપરાંત અમારા ચારમાંથી એક ભાગીદાર ઓછો થાય એટલે બાકીના ત્રણને વધુ નફો મળે એ તો સીધી ને સમજાય તેવી વાત છે. આપ પણ અમારા ત્રણે પર શંકા લાવી શકો છો. પરંતુ ત્રણમાંથી કોણે શશીકાંતનું ખૂન કર્યું હશે એ શોધવાનું કામ આપનું છે અને આપને તેમાં સફળતા મળે એવી શુભેચ્છાઓ હું પાઠવું છું.’ બિહારીએ કહ્યું.

‘શુભેચ્છા માટે આભાર!’ નાગપાલ બોલ્યો.

‘હવે જો હું કોઈ અકસ્માતનો ભોગ બની જાવ...મારી સાથે કંઈક અજુગતું બને તો આ કેસ ગૂંચવાશે અને મારા મૃત્યુ પછી આપની મુંઝવણ વધી જશે એમ હું માનું છું.’ બિહારીએ રુમન વડે કપાળ પર નીતરી આવેલ પરસેવાની ધાર લૂંછતાં કહ્યું. પછી તે નાગપાલ સામે તાકી રહ્યો.

દિલીપ સહાનુભૂતિભરી નજરે બિહારી સામે જોતો હતો.

એ જ વખતે માળી ત્રણે માટે કોફી લઈ આવ્યો.

‘તમે નાહક જ ખોટાં ભ્રમનો શિકાર થઈ ગયા છો મિસ્ટર બિહારી...!’ કોફીનો કપ ઉંચકીને બીજા હાથે બિહારીની પીઠ થાબડતાં નાગપાલે કહ્યું, ‘એ ખરેખર જ શશીકાંતનું ભૂત હોય તો એનાથી તમારે ગભરાવાની જરૂર નથી. તમે જ્યાં સુધી આ કેસ પૂરો ન થાય ત્યાં સુધી બીજે ક્યાંક રહેવા માટે ચાલ્યા જજો. લો, પહેલાં કોફી પીઓ અને હવે રાત્રે બનેલા બનાવને ભૂલી જાઓ. અત્યારે તમારા દિમાગને આરામની ખૂબ જ જરૂર છે. માટે કોઈ પણ જાતના આડાઅવળા વિચારો કરશો નહીં.’

‘કોફી પીવાની તો ઘણી ઇચ્છા છે પણ મારામાં ઊભા થવાની શક્તિ નથી.’ બિહારીએ કહ્યું.

‘ઓહ...’ નાગપાલ બોલ્યો.

કોફીનો કપ સ્ટૂલ પર મૂકીને તે બિહારીને બેઠાં થવામાં મદદ કરવા લાગ્યો. એને બેઠો કરીને એણે તેની પીઠ પાછળ એક તકિયો ગોઠવી દીધો જેથી તે આરામથી બેસી શકે.

બિહારી એના હાથમાંથી કપ લઈને ધીમે ધીમે ઘૂંટડા ભરવા લાગ્યો.

‘રાત્રે તમે એકલા જ આવ્યા હતા કે સાથે કોઈ હતું?’ નાગપાલે પોતાનો કપ ઊંચકતાં પૂછ્યું.

જવાબ આપતા પહેલા કોઈક અજ્ઞાત કારણસર બિહારીનો ચ્હેરો ફિક્કો પડી ગયો.

‘હું એકલો જ આવ્યો હતો, કેમ...?’

‘અમસ્તો જ...પૂછવાનું ખાસ કોઈ કારણ નથી’

‘ક્દાચ આપને ખબર હશે કે રાત્રે...’

‘ખબર છે. અલબત્ત, તમે ચારેય ભાગીદારે શા માટે હજુ સુધી લગ્ન નથી કર્યા એ મને નથી સમજાતું.’ નાગપાલ વચ્ચેથી બોલ્યો.

‘અમારા લગ્ન ન કરવા પાછળ પણ એક ખાસ કારણ છે.’

‘શું...?’

‘વાત એમ છે કે અમે ચારેય મિત્રો કૉલેજ દરમિયાન નિશા નામની એક યુવતીને ચાહતા હતા. પરંતુ ચારેય એક જ યુવતીને પ્રેમ કરીએ છીએ તેની એકબીજાને ખબર નહોતી. પછી જ્યારે અમને ચારેયને આ વાતની ખબર પડી ત્યારે એકબીજાને એ યુવતી સાથે લગ્ન કરવા માટે સમજાવવા લાગ્યા પણ અમારી દોસ્તી એવી હતી કે ચારમાંથી કોઈ જ તેની સાથે લગ્ન કરવા માટે તૈયાર ન થયું એટલે છેવટે અમે એ યુવતીને જ પડતી મૂકી દીધી. અને ત્યારથી જ અમે લગ્ન ન કરવાનું નક્કી કરી લીધું હતું. અમારા આ નિર્ણયને અમે આજે પણ એમનેએમ વળગી રહ્યા છીએ.’

‘ઓહ...’ નાગપાલ બબડ્યો.

‘એકાદ મહિના પહેલાં અમે ત્રણેયે અજયને લગ્ન કરી લેવા માટે ઘણું સમજાવ્યો હતો.’

‘કેમ..?’ નાગપાલે ઉત્સુક અવાજે પૂછ્યું.

‘એ બિચારો પોતાના બંને પગ ગુમાવી બેઠો છે. અમે તો ગમે ત્યાં જઈને હરીફરી શકીએ પણ એ ક્યા જાય? એનું તો જીવન જ વ્હીલચેર પર કેદ થઈ ગયું છે. નોકર-ચાકરના ભરોસે કંઈ જિંદગી આખી થોડી જ વિતાવી શકાય છે? એટલે અમને થયું કે જો તે લગ્ન કરી લે તો પત્ની સાથે એની બાકીની જિંદગી આરામથી પસાર થઈ જશે. તેને એકલવાયાપણું નહી લાગે. પગ ગુમાવી દીધા પછી તે ખૂબ જ હતાશ થઈ ગયો છે. અમે તેને લગ્ન કરી લેવા માટે ખૂબ જ સમજાવ્યો પણ તે ન જ માન્યો. કહેવા લાગ્યો કે હવે તો મારે મારી જિંદગી નિશાની યાદમાં જ પૂરી કરી નાખવી છે અને આ જ કારણસર એણે પોતાના બંગલાનું નામ નિશાકોટેજ રાખ્યું છે. અમે ત્રણેય તો નિશાને ભૂલી ગયા છીએ પણ એ કદાચ નથી ભૂલી શક્યો. એના બંગલાનું નામ આમ તો પહેલાં ‘અજય નિવાસ’ હતું પણ અપંગ થયા પછી જ એણે પોતાના બંગલાનું નામ બદલીને નિશા કોટેજ રાખ્યું છે. મને લાગે છે કે એકાંતમાં તેને કોઈક વાર નિશા યાદ આવી હશે અને એની યાદગીરી રૂપે જ એણે બંગલાનું નામ બદલ્યું હશે. બાકી લગ્ન કરવા માટે તો એણે ઘસીને ના પાડી દીધી હતી.’

‘ઠીક છે...હવે હું રજા લઈશ.’ નાગપાલ ઊભો થતાં બોલ્યો.

‘જરૂર...મારા જેવું કંઈ કામકાજ હોય તો વિના સંકોચે કહેશો.’

નાગપાલે માથું હલાવ્યું.

ત્યારબાદ તે દિલીપ સાથે ત્યાંથી રવાના થઈ ગયો.

***