Bhool chhe ke Nahi ? in Gujarati Women Focused by Mir books and stories PDF | ભૂલ છે કે નહીં ? - ભાગ 114

The Author
Featured Books
Categories
Share

ભૂલ છે કે નહીં ? - ભાગ 114

દિકરાના ભણતર માટે આપણે ફરીથી વિચારવાનો સમય આવ્યો હતો. એમાં પાછા પડવાનો કોઈ વિકલ્પ ન હતો બસ રસ્તો શોધવાનો હતો. હંમેશની જેમ મેં તમને વાત કરી અને તમે કહ્યું કે તું જોઈ લે શું કરી શકાય? મને ખબર હતી કે હું તમને કહીશ એટલે તમે એમ જ કહેશો કે શું કરી શકીએ ? અને એટલે જ મને જ્યારે દિકરાએ વાત કરી ત્યારે મેં એની સાથે જે એના સારા મિત્રો હતા એમના મમ્મી સાથે વાત કરી કે તેઓ ક્યાં ટ્યુશન જાય છે મારે મારા દિકરાને પણ મૂકવો છે ત્યારે એમણે એમના દિકરા જ્યાં ટ્યુશન જતા હતા એ શિક્ષકનો ફોન નંબર અને સરનામું મને આપ્યા. મેં ટયુશનની બરાબર તપાસ કરી લીધી હતી અને અમારી કોલેજમાં એક બે સહકર્મીઓના સંતાનો જે ડે કેર માં જતા હતા ત્યાં પણ મેં તપાસ કરી લીધી હતી. અને પછી જ તમને વાત કરી. તમે કહી દીધું કે તને જે યોગ્ય લાગે તે કર. આ વખતે પણ તમે નિર્ણય મારા પર જ છોડી દીધો. અને મેં દિકરા સાથે વાત કરી કે તારે તારી શાળાએથી ડે કેર માં જવું પડશે અને પછી ત્યાંથી તારે જાતે ટયુશન જવું પડશે. સાંજે કોલેજથી છૂટીને હું તને ટયુશનેથી લેતી જઈશ. મારી વાત સાંભળીને એણે હા પાડી કે હા, હું એમ જ કરીશ. અને મેં એના માટે એના મિત્રો જ્યાં ટયુશન જતા હતા એ શિક્ષક સાથે વાત કરી ટ્યુશનની અને ડે કેર ની વ્યવસ્થા કરી દીધી. હવે એવું થતું કે દિકરો સવારે છ વાગ્યાથી નીકળે તે છેક સાંજે છ વાગ્યે મારી સાથે આવે. હું કોલેજ જતી વખતે ડે કેર પર એના માટે જમવાનું આપી આવતી અને કપડા આપી જતી જેથી એ જમીને એનો યુનિફોર્મ બદલી શકે. આમ, મારી સાથે સાથે દિકરાના જીવનનો પણ સંઘર્ષ શરૂ થયો. પણ એણે ક્યારેય કોઈ ફરિયાદ ન કરી. સાંજે આવીને હું ઘરે ટ્યુશન કરાવું એટલો સમય એ બહાર રમી લે અને પછી રાતનું જમીને એ એનું ગૃહકાર્ય પૂરું કરીને વાંચવા પણ બેસી જાય. દિકરી પણ એની સાથે બેસીને એનું ગૃહકાર્ય પૂરું કરીને સૂઈ જાય. આ એક એવો સમય હતો જે સમયમાં આપણું જીવન સારી પ્રગતિ કરી રહ્યું હતું. આર્થિક સંકટ રહ્યું ન હતું અને હું સારી બચત કરી શકતી હતી. ઘણીવાર કોલેજમાં કંઈ વાત નીકળતી તો હું કહેતી કે મારા સાસુ જેવી સાસુ બધાને મળવી જોઈએ. એ ઘરનું દરેક કામ જોઈ લે છે તો હું પૈસા કમાવા માટે આટલી દોડધામ કરી શકું છું. જો એ ન કરતા હોત તો હું કેવી રીતે પૈસા કમાઈ શકતે. અને એટલે જ એ જ્યારે પણ જે પણ મંગાવે તે હું લાવીને આપી દેતી. મારા મનમાં એમના માટે ખૂબ માન વધી ગયું હતું. આમ કરતાં કરતાં દિકરાનું આઠમું ધોરણ પૂરું થઈ ગયું. એના માર્કસ પણ સારા આવ્યા. અને મને થયું કે હાશ, ટ્યુશન મુકવાથી એને જે વિષય અધરા લાગતા હતા એમાં પણ હવે એને કોઈ તકલીફ નથી. બધું સારું ચાલતું હતું ને એક દિવસ પપ્પાનો ફોન આવ્યો કે એમને થોડા રૂપિયાની જરૂર છે. મેં કહ્યું કે મારી પાસે એટલા બધા રૂપિયા ન હોય. તો એમણે કહ્યું કે હું તમને વાત કરું અને તમે એમને રૂપિયા આપો. મેં પપ્પાને કહ્યું હતું કે તમારી પાસે પણ એટલા રૂપિયા તો ન જ હોય છતાં પપ્પા માન્યા ન હતા અને કહ્યું હતું કે હું થોડા જ દિવસમાં પાછા આપી દઈશ. મેં એમને કહ્યું કે હું તમને વાત કરીશ જો હશે તો આપીશ. પણ તમને કહેવાનું મને યોગ્ય ન લાગ્યું અને મેં નક્કી કર્યું કે હું બે દિવસ પછી પપ્પાને ફોન કરીને કહી દઈશ કે તમારી પાસે પણ પૈસા નથી. પણ એ પહેલાં તો પપ્પાએ સીધો તમને ફોન કરીને તમારી પાસે પૈસા માગી લીધા અને તમે એમને કહી દીધું કે તમે બે દિવસમાં એમને પૈસા આપશો. હવે મારે તમને કહેવાનો કંઈ અર્થ ન હતો અને તમે મમ્મીને વાત કરીને પપ્પાને ખેતીના પૈસામાંથી પૈસા આપી દીધા.