મેં મારી મહેનત વધારી દીધી. દિકરા દિકરી માટે. આમ પણ મારે ઘરમાં કંઈ કરવાનું હતું નહીં કારણ કે મમ્મીને બધું જાતે જ કરવા જોઈતું. મારે ફક્ત ભાખરી કરવાની હોય એ તો આપણા જમવાના સમયે હું કરી લેતી. મેં મારું મગજ ઘરમાં ચલાવવાનું બંધ કરી દીધું હતું. આમ પણ મમ્મી કહે તે જ થતું હોય પછી હું કંઈ કહું ને એ ન થાય તો મને દુઃખ થાય કે મારું કહ્યું નથી થતું એટલે મેં એ બાજુ વિચારવા કરવા કરતાં મારું પૂરેપૂરું ધ્યાન દિકરા દિકરીના ભવિષ્ય પર આપવાનું નક્કી કર્યું. ઘરમાં જે કંઈ પણ લાવવાનું હોય મને મમ્મી કહી દે એટલે હું ઘરે આવતા લેતી આવું. હવે હું અને દિકરો લગભગ દસ વાગ્યે ઘરેથી નીકળી જઈએ હું દિકરાને અંગ્રેજીના ટ્યુશનમાં મૂકું અને પછી ટ્યુશન કરાવવા જાઉં. ત્યાંથી મારી શાળાએ જાઉં અને દિકરાને એના અંગ્રેજીના શિક્ષક જ ટ્યુશન પૂરું થયા પછી શાળાએ લઈ જતાં. અને સાંજે હું શાળાએથી છૂટીને દિકરાને લઈને ઘરે આવતી અને આવીને ઘરે ટયુશન કરાવતી. થતું એવું કે જો બજારનું કામ હોય તો ઘરે આવતા થોડું મોડું થઈ જતું. ને ઘરે તો ટયુશન ના છોકરાઓ સમયસર આવી જતા. પણ હું ન હોઉં એટલે એ લોકો મસ્તી કરતા એટલે મમ્મી ફરિયાદ કરતા કે આ છોકરા એ આમ કર્યું કે પેલા છોકરાએ તેમ કર્યું. રોજ આવી ફરિયાદથી થાકીને મેં ઘરે ટયુશનના છોકરાઓનો સમય થોડો મોડો કરી દીધો જેથી કરીને હું આવી જાઉં પછી જ એ લોકો આવે. પણ એમનો સમય મોડો કરવાથી એમને છોડવાનું પણ મોડું થાય. અને તમને વહેલા ખાઈ લેવાની ટેવ. એટલે હવે એવું થતું કે સાંજની ભાખરી જે એક માત્ર રસોઈનું મારું કામ હતું એ પણ મમ્મી કરી દેતા કે તને પરવારતા મોડું થાય ત્યાર પછી ક્યારે ખાઈએ ? પણ તમે કે મમ્મીએ એ ન વિચારતા કે આ બધું હું મારા શોખથી નથી કરતી ઘરમાં જે આર્થિક તંગી સર્જાય છે એ ન સર્જાય એ માટે હું મહેનત કરું છું. આપણા દિકરા દિકરીને ભણાવવામાં કોઈ કચાશ ન રહી જાય એ માટે હું કરું છું. પણ હું કંઈ પણ બોલ્યા વગર મારું કામ કર્યા કરતી. મને બધું કામ પૂરું કરી પરવારતા લગભગ સાડા નવ થઈ જતા. ત્યાર પછી હું દિકરીને મારી પાસે લેતી અને દિકરાને ભણાવતી. તમને જાણે કંઈ ફરક જ ન પડતો હોય એમ તમને ઊંઘ આવે ત્યારે સૂઈ જતા. મને ખબર હતી કે તમને મારાથી કંઈ પણ કહેવાય નહીં કારણ કે મારે તો તમારી તબિયત પણ સાચવવાની હતી. પણ મને કોઈ ફરિયાદ ન હતી. હું બસ મારું કામ અને દિકરા દિકરી સાથે ખુશ હતી. આમ કરતાં કરતાં લગભગ વરસ પૂરું થવા આવ્યું. ભાણીએ દસમા ધોરણની પરીક્ષા આપી દીધી. લગભગ બધાની પરિક્ષા પતી ગઈ અને વેકેશન પડી ગયું હતું. એક દિવસ બેનનો ફોન આવ્યો કે ભાભી ઘરે આવો એક કામ છે. મને ખબર ન પડી કે અચાનક શું થયું કે મને આવી રીતે ફોન કરીને ઘરે બોલાવે છે. હું એમના ઘરે ગઈ તો કહે આ ભાણીના વાળ તો જુઓ મારાથી તો ગૂંચ પણ નથી નીકળતી અને વાળમાં જું પણ પડી ગઈ છે એના વાળ જ કપાવી નાખવા પડશે. મને એ સમયે ભાણીના વાળ જોઈને ખૂબ આશ્ચર્ય થયું. કારણ કે આપણા ઘરે હતી ત્યારે તો એના વાળ સારા જ હતા કંઈ પણ તકલીફ ન હતી. મેં ભાણીને પૂછયું કે વાળ આવા કેવી રીતે થઈ ગયા ? તો એ બોલે તે પહેલા તો બેને કહ્યું કે એ જાતે ઓળવાની થઈ એટલે વાળ બગાડી નાંખ્યા. મેં ભાણી સામે જોયું તો એ રડતી હતી. મને કહે મમ્મી વાળ ઓળતા ઓળતા ગૂંચ ન નીકળે તો મને પીઠ પર માર્યા જ કરે તો શું કરું ના જ પાડું ને કે તું રહેવા દે હું ઓળી દેવા. મને ભાણીની વાત સાંભળીને જાણે આધાત જેવું લાગ્યું.