!! વિચારોનું વૃંદાવન !!
|| શિક્ષક ||
બાલ્કનીમાં પાયલ પંજાબી અને શિક્ષકમાંથી નિવૃત થયેલી તેની મમ્મી વાતો કરી રહી હતી. સપ્ટેમ્બર મહિનાની કાયમ આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલી પાયલે તેની મમ્મીને કહ્યું - " મમ્મી, આજથી સપ્ટેબર મહિનો ચાલુ થઈ ગયો છે, તમારા પ્રિય વિધાર્થી માટે ક્યારથી આંગણે બેસવાનું ચાલુ કરીશું? તમને શું લાગે છે આ વખતે પણ તે તમારા આશીર્વાદ લેવા આવશે? " ચશ્માં ઉતારી કાચ સાફ કરતાં-કરતાં તેના મમ્મી બોલ્યાં - " બેટા, લાગણી પણ એવી ખેપાની છે ને કે, ક્યાં ક્યારે અને કોની સાથે બંધાઈ જાય છે તે ખબર જ નથી પડતી." બે સંતાનોની માતા અને મમ્મી સાથે રહેતી પાયલનું મન હજીય ઘણીવાર વિતેલી જિંદગીમાં જોયેલા સપનાઓ તરફ વળી જાય છે. વિતેલી જિંદગીની રાહમાં હૃદયમાં વાગેલી ઠેસ હજીય અફસોસ બની તેની સાથે જીવતી હતી. જેના નામની ચર્ચા આખી શાળામાં થતી એવા સુંદર સોહામણા લાગતા અને જ્ઞાનની શક્તિઓથી સૌને પ્રભાવિત કરી નાખતાં એ યુવાનને પામી ન શકવાનું તેના હૃદયને કાયમનું દુઃખ હતું. જિંદગીની સફરમાં તેને બધુંય મળ્યું પણ એક હૃદયને ગમતા હમસફરની સફર અધૂરી રહી ગઈ હતી. એ અધૂરી સફરનો પૂર્ણવિરામ વાળો પત્ર હજીય મનથી ભૂલાતો ન હતો અને નજર તેને જોવા તડપી રહી હતી.
" ચી. પાયલ,
આજે હું મારી આગળની જિંદગી માટે અને મારા પર કોઈકે મૂકેલો વિશ્વાસ તૂટે નહીં એટલે કાયમને માટે દૂર જાવ છું. તારી મમ્મી એટલે કે મારા ટીચરે મારા પર મૂકેલા વિશ્વાસને હું કોઈ દિવસ તોડી શકું તેમ નથી. મારી આ સફરમાં વિશ્વાસ નામનું ઈંધણ જ છે જે મને આગળ સુધી લઈ જાય છે. છેવાડાના એક પછાત ગામડાની શાળામાંથી મારી ભણવાની તીવ્ર ઈચ્છા અને શક્તિઓથી પ્રભાવિત થઈ તેઓએ મને શહેરની સફર કરાવી છે. કચરામાંથી ઝવેરી જેમ હીરાને પારખી શકે તેમ મારી શક્તિઓને પારખી મારા સપનાંઓને ઉડાન ભરાવવા તેઓ મારો સહારો બન્યાં છે. મારા દરિદ્રતાના દરિયામાં તેમના સહારા વગર હું આ સફર ખેડી શકું તેવી કોઈ જ સંભાવના નથી. હું આગળ જતા જીવનમાં કંઈક બનું કે ન બનું પણ જીવન જીવીશ ત્યાં સુધી તેમનો ઋણી જરૂર રહીશ. આજે તેઓએ પોતાના જ ઘરમાં આશરો આપી પારકાને પોતાના સમજ્યાં છે ત્યારે તેમના પોતાનાને હું પારકા કરી શકું તેમ નથી. મારા પ્રત્યે ઉદ્દભવેલું તારુ આકર્ષણ કદાચ સાચું હશે પણ મારા માટે હાલ એ યોગ્ય નથી. તારી મમ્મી મને છેવાડાના ગામડેથી શોધી શકતી હોય તો એની વ્હાલી ઢીંગલી માટે કોઈક સારું શોધી જ શકે છે !!! બસ તું તારી જિંદગીમાં ખૂબ જ આગળ વધે અને ખુશ રહે એવી મારી પણ ઈચ્છા છે. - ક્રિશાલ કલાપી."
ત્યારે હાથમાં રહેલા કાગળને જોઈ પાયલ મનોમન વિચારતી કે, ક્રિશાલ તું મારા માટે હીરો નહીં પણ કોહિનૂર છે, મારી મમ્મીની પસંદ કોઈ દિવસ નબળી હોય જ નહીં એટલે તું પણ મારી પસંદ બની ગયેલો, મારી જિંદગીના શ્વાસ તારા વિશ્વાસના લીધે જ મોહી ગયા હતા. જીવન સાથે નહીં પણ જીવનસાથી બની જીવવા માંગતી હતી. બસ તું પણ ખૂબ જ ખુશ રહે એવી લાગણી....... ત્યાં જ તેના મમ્મી આવી જતા કાગળને જોઈ તેના હાથમાંથી લઈ લે છે. વાંચે છે અને તેની દીકરીને ગળે ભેટી પડે છે. એકને જીવન સારું જીવડાવવું હતું અને એકને જીવન સાથે જીવવું હતું. અશ્રુની વહેતી થયેલી ધારા વચ્ચે બંનેને તેના મૂકેલા વિશ્વાસનો ગર્વે હતો પંરતુ પોતાના પરિવારમાં સામેલ ન કરી શક્યા તેનો અફસોસ બહુ જ હતો.
એક જ લાગણીને પાત્રો હતા અલગ-અલગ,
એક નજરથી જોવા નેત્ર હતા અલગ-અલગ.
- મરુભુમીના_માનવી ~ મૃગજળ