મિલાપે પ્રિયાંશીની સામે જોયું અને તેની આંખોમાં આંખો પરોવીને તે બોલ્યો કે, "ઓકે, તું જ્યારે કહીશ ત્યારે આપણે લગ્ન કરીશું બસ..પણ, એકવાર તું મને 'હા' તો પાડી દે...તું 'હા' પાડે એટલે બસ મારા મનને શાંતિ. "હવે શું કરવું.. પ્રિયાંશી મનમાં ને મનમાં વિચારી રહી હતી.. "મમ્મી પપ્પાને મિલાપની આ વાત જણાવવી કે પછી કોઈ પણ રીતે મિલાપને ના પાડી દેવી..?"એટલામાં મિલાપ તેના મનની વાતને કળી જતો હોય તેમ બોલ્યો, "તારે ના તો પાડવાની જ નથી.. અને જો તું ના પાડીશ તો તેનું પરિણામ ખૂબ ખરાબ આવશે.."પ્રિયાંશી પણ મિલાપના મનને જાણે વાંચી રહી હતી.. મિલાપના દિલમાં સતત ધસી રહેલા પ્રેમના મીઠાં તરંગોને તે પામી રહી હતી..તે સમજી રહી હતી.. કે મિલાપ મને નહીં છોડે.. છેવટે તો મારે તેને હા જ પાડવી પડશે..અને વળી મિલાપની આંખોમાં તેને પોતાના માટેનો સાચો પ્રેમ દેખાઈ રહ્યો હતો તેને તે ઓળખી ચૂકી હતી..મિલાપના ભરપૂર પ્રેમના પ્રવાહમાં તે તણાઈ રહી હતી..મિલાપના અખૂટ પ્રેમના ભંડાર સામે છેવટે પ્રિયાંશીએ પોતાની જીદને છોડી દેવી પડી અને પોતાની હાર સ્વીકારવી પડી...અને મિલાપ જે ઘડી જે ક્ષણની વર્ષોથી રાહ જોઇ રહ્યો હતો..તે ક્ષણ આવી ચૂકી હતી... પ્રિયાંશીએ મિલાપને "હા" પાડી. મિલાપને તો જાણે જન્નતનું સુખ મળી ગયું હતું... તેને મળી રહેલી ખુશીએ આજે સીમા પાર કરી લીધી હતી..તેને તો પોતે બસ સ્વપ્ન જોતો હોય તેવો અહેસાસ થઈ રહ્યો હતો... તેણે ઊભા થઈને પ્રિયાંશીને પોતાની બાથમાં ભીડી લીધી. પ્રિયાંશી એકદમ ચોંકી ઉઠી ! શરમથી તેની આંખો ઝૂકી ગઇ હતી અને બંને ગાલ ઉપર શરમની લાલી પથરાઈ ચૂકી હતી અને તે લાલ બુંદ થઈ ગઈ હતી.. કેવી અદ્ભૂત ક્ષણ હતી એ.. !થોડી ક્ષણો બાદ પ્રિયાંશીએ મિલાપના આ આલિંગનમાંથી છૂટવાનો પ્રયત્ન કર્યો..અને મિલાપને પણ પરિસ્થિતિનું ભાન થયું કે પોતે આ શું કરી રહ્યો છે...તેણે પ્રિયાંશીને ખભેથી પકડી અને તે બોલ્યો, "તને ખબર નથી કે હું આજે કેટલો ખુશ છું.. હું તને ખૂબ જ ચાહું છું.. આઈ લવ યુ માય ડિયર આઈ લવ યુ..."થોડી ક્ષણો પછી મિલાપ શાંત પડ્યો અને પોતાની ચેરમાં ગોઠવાઈ ગયો..ત્યારે પ્રિયાંશીએ તેને પોતાની એક વાત સાંભળવા કહ્યું..મિલાપ ધ્યાનથી પ્રિયાંશીની વાત સાંભળવા લાગ્યો..તેણે મિલાપ પાસે એક શર્ત મૂકી કે, "મેં તારી સાથે લગ્ન માટે હા પાડી છે તે વાતની હમણાં કોઈને જાણ થવી જોઈએ નહીં.. નહીં તો મારે તને લગ્ન માટે ના પાડી દેવી પડશે.. મારે મારા મમ્મી પપ્પાની પરમિશન લેવાની હજી બાકી છે એટલે જ્યારે સમય આવશે ત્યારે આપણે બધાને જણાવીશું... તને મારી આ વાત મંજૂર છે ને તો જ હું તારી સાથે વાત કરીશ.. નહીં તો હું તારી સાથે બોલવાનું પણ બંધ કરી દઈશ.."મિલાપ પ્રિયાંશીની દરેક વાતમાં તૈયાર હતો. તેને તો બસ કોઈ પણ રીતે પ્રિયાંશી જોઈતી હતી...તેની ખુશીનો આજે કોઈ હિસાબ ન હતો.. તેણે પ્રિયાંશીનો હાથ પોતાના હાથમાં લીધો અને ખૂબ જ પ્રેમથી તેને ચૂમી લીધો અને પછી આજીજી કરતો હોય તેમ તેણે પ્રિયાંશીને પૂછ્યું, "એક કિસ કરવા દઈશ મને?"પ્રિયાંશીએ માથું હલાવીને ઇનકાર કર્યો. મિલાપે કહ્યું, "ઓકે, પછી ક્યારેક " તે પ્રિયાંશીને કોઈ પણ વાતમાં ફોર્સ કરવા નહોતો ઇચ્છતો. હવે સમય ઘણો વીતી ચૂક્યો હતો પરંતુ પ્રિયાંશીને જમાડ્યા વગર તો ઘરે જવા ન દેવાય... તેણે ધીમેથી પ્રિયાંશીને પૂછયું, "શું ઓર્ડર કરું તારા માટે ?"પ્રિયાંશીએ કહ્યું, "ગમે તે કંઇક એક વસ્તુ મંગાવી લેને જે જલ્દીથી આવી જાય તે.. કારણ કે મારે ઘરે જવામાં લેઈટ થાય છે..""પણ, તું શું જમીશ, તારી શું ઈચ્છા છે તે તો જણાવ, તારા માટે શું મંગાવુ એ તો કહે ?" મિલાપે મેનૂ પોતાના હાથમાં લીધું અને તે બોલ્યો.એટલામાં પ્રિયાંશી બોલી, "એક કામ કર મારા માટે ચીઝ સેન્ડવીચ મંગાવી લે અને તારા માટે તારે જે મંગાવવું હોય તે..""ઓકે, તેણે એક સેન્ડવીચ અને પોતાને માટે મૈસૂર મસાલા ઢોંસા ઓર્ડર કરી દીધા."થોડી જ વારમાં બંનેનું જમવાનું આવી ગયું એટલે બંનેએ ચૂપચાપ ફટાફટ જમી લીધું.. પ્રિયાંશીની નજર વારંવાર પોતાના હાથમાં પહેરેલી વૉચ ઉપર જતી હતી.. હવે તેને ફટાફટ ઘરે પહોંચવું હતું..જમ્યા પછી મિલાપે તેને પૂછ્યું, "બોલ આઇસ્ક્રીમ કયો લઇશ."પ્રિયાંશીએ નકારમાં માથું ધુણાવ્યું અને તે બોલી, "બસ હવે કંઈ જ નહીં..મારે હવે ઘરે જવું પડશે..આઈ હેવ ટુ લેઈટ.." પરંતુ મિલાપની ઈચ્છા પ્રિયાંશીને આઈસ્ક્રીમ ખવડાવીને જ મોકલવાની હતી એટલે તેણે પ્રિયાંશીને કહ્યું કે, "તું મારી સાથે આઈસ્ક્રીમ શેર નહીં કરે..?"મિલાપની આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છાને પ્રિયાંશી નકારી શકી નહીં..બે જ મિનિટમાં મિલાપને ભાવતો રોસ્ટેડ આલમંડ આઈસ્ક્રીમ તેમના સુંદર સજાવટ કરેલા ટેબલ ઉપર આવી ગયો અને તે મિલાપે પ્રિયાંશીની સામે ધર્યો..બંનેએ એક જ કપમાંથી આઈસ્ક્રીમ શેર કર્યો... અને પોતાના જીવનની આગવી પળોને ખુશીથી ચૂમી લીધી..મિલાપે બિલ ચૂકવ્યું અને વેઈટરને બસો રૂપિયાની ટીપ પણ આપી..બંને સાથે જ રેસ્ટોરન્ટની બહાર નીકળ્યા..મિલાપે પ્રિયાંશીને કહ્યું કે તે પોતાની કારમાં તેને ડ્રોપ કરી દેશે..મિલાપની કારમાં બેસવું કે ન બેસવું એમ એક બે મિનિટ વિચાર્યા પછી પ્રિયાંશીને થયું કે મને ઑટો જલ્દીથી નહીં મળે તો મારે વધારે લેઈટ થઈ જશે અને તેમ વિચારતી વિચારતી તે મિલાપની કારમાં તેની બાજુની સીટમાં ગોઠવાઈ ગઈ..આજે મિલાપને પોતાના બધા જ સ્વપ્ન પૂરા થતા હોય તેમ લાગી રહ્યું હતું...તેની ઈચ્છા પોતાની પ્રિયાંશીને પોતાની કારમાં બેસાડવાની હતી જે આજે પૂરી થઈ હતી..મિલાપ અને પ્રિયાંશી બંને આજે ખુશખુશાલ હતાં..મિલાપને તો જાણે કરોડો રૂપિયાની લોટરી લાગી ગઈ હોય તેટલો બધો તે ખુશ હતો..ગાડી ફૂલ સ્પીડમાં ચાલી રહી હતી..થોડી વારમાં પ્રિયાંશીનું ઘર નજીક આવ્યું એટલે મિલાપે પોતાની કાર રોકી લીધી...પ્રિયાંશી મિલાપને બાય કહીને કારમાંથી નીચે ઉતરી..મિલાપ મનમાં એક સુમધુર ગીત ગણગણતાં ગણગણતાં પોતાના ઘર તરફ આગળ વધ્યો.. આજે તો મિલાપને આખી રાત ઊંઘ આવવાની નહોતી.. તો આ બાજુ પ્રિયાંશીની હાલત પણ કંઇક એવી જ હતી. 'પ્રેમ' એ શું છે ? પ્રેમ કોને કહેવાય તે તેને આજે ખબર પડી હતી...મિલાપ તો આખી રાત પ્રિયાંશી સાથે થએલી વાતો જ વાગોળતો રહ્યો અને જાણે હજી તે તેની સામે જ બેઠેલી છે તેવું તેને લાગ્યા કરતું હતું... એક સેકન્ડ માટે પણ પ્રિયાંશીનો ખ્યાલ તેના મનમાંથી જતો નહીં.. તેને આ બધી વાતો કોઇની સાથે શેર કરવી હતી પરંતુ પ્રિયાંશીએ ચોખ્ખા શબ્દોમાં 'ના' પાડી હતી તેથી તે મજબુર હતો અને કોઈને કહી શકતો નહોતો..બીજે દિવસે રવિવાર હતો એટલે પ્રિયાંશી આજે તેને જોવા મળવાની નહોતી...અને તેને પ્રિયાંશીને જોવાનું અને મળવાનું ખૂબ મન થયું હતું...હવે તેનો એક પણ દિવસ પ્રિયાંશીનેજોયા વગર જાય તેમ નહોતો..એક પણ દિવસ પ્રિયાંશીને જોયા વગર પસાર કરવો મિલાપ માટે મુશ્કેલ હતું... ગમે તે કંઈક બહાનું શોધીને તે પ્રિયાંશીને ઘરે જવાનું વિચારતો જ હતો એટલામાં પ્રિયાંશીનો ફોન આવ્યો, બંનેને એકસાથે એકબીજાને મળવાનો વિચાર આવ્યો. પ્રિયાંશીએ તેને કહ્યું, "મિલાપ, મારી થીસીસ નોટ્સ તું લઈ ગયો છે તો મને તે આપી જઈશ ?"મિલાપને તો 'ભાવતું હતું અને વૈદ્યે કીધું. બસ એટલી જ વાર લાગી..તે તો જાણે ઉછળી જ પડ્યો અને પ્રિયાંશીને કહેવા લાગ્યો, "હા,હા ચોક્કસ બોલ હું તને મળવા આવવાનું જ વિચારતો હતો અને મારી ઈચ્છા પ્રભુએ સાંભળી લીધી અને તારો ફોન આવ્યો..હું આવીને આપી જવું છું. બાય ધ વે એક વાત પૂછું, તું પણ મને મળવા જ ઈચ્છતી હતી ને.. સાચું કહેજે હં...""ના ના એવું કંઈ નથી શું તું પણ.. કંઈ પણ બોલે જાય છે.." અને પ્રિયાંશીએ ફોન કટ કર્યો અને બે મિનિટ માટે ફોન સામે જ જોઈ રહી..થોડી જ વારમાં મિલાપ પ્રિયાંશીના ઘરે પહોંચી ગયો. જાણે વર્ષો પછી તેને પ્રિયાંશી જોવા મળી હોય તેવું તેને લાગતું હતું...થીસીસ આપવાના બહાને તેણે પ્રિયાંશીનો મીઠો સ્પર્શ પણ કરી લીધો..અને તેના દિલો દિમાગમાં જાણે રોમાંચ છવાઈ ગયો..બંને એકબીજાની સામે આંખોમાં આંખો પરોવીને જોઈ રહ્યા..જ્યારે શબ્દો થીજી જાય ત્યારે આંખો જ એકબીજાની સાથે વાત કરી લે છે...બંને એકબીજાને જોઈને ખૂબ જ ખુશ હતા...પ્રિયાંશીની મમ્મી માયાબેન રસોડામાંથી બહાર આવ્યા અને તેમણે મિલાપને બેસવા અને ચા-નાસ્તો કરીને જવા ખૂબ કહ્યું પરંતુ મિલાપનું કામ તો પૂરું થઈ ગયું હતું તેને તો બસ પ્રિયાંશીને જોવી હતી અને તેને મળવું હતું... તે ત્યાં રોકાયો નહિં અને પોતાના ઘરે જવા માટે નીકળી ગયો..હવે ફાઈનલ એક્ઝામ આવી રહી હતી..પ્રિયાંશી અને મિલાપ બંને હવે એક્ઝામની તૈયારીમાં પડી ગયા હતા.. બંને ખૂબજ મહેનત કરતા હતા બંનેને એક બીજા કરતાં વધારે સારું રિઝલ્ટ લાવવું હતું..હસમુખભાઈની તબિયત હવે કથડતી જતી હતી. પ્રિયાંશી તેમને રોજ 'ના' પાડતી કે, " પપ્પા, હવે નોકરી છોડી દો. બસ,આ એક્ઝામ પૂરી થઈ જાય પછી હું કોઈ સારી હોસ્પિટલ જોઇન્ટ કરી લઉં છું તમે જરા પણ ચિંતા ન કરશો. હું તમારી દીકરી નહિ પણ દિકરો જ છું. "અને હસમુખભાઈની આંખમાં પાણી આવી જતું તેમને થતું કે દીકરીને કેમ પારકા ઘરે મોકલવી પડતી હશે ? આવી સરસ ડાહી ખુદથી પણ વધારે વ્હાલી દીકરીને કેમ કરી સાસરે મોકલવી ? પારકાને હાથ તેને કેમ કરીને સોંપવી ?અને તેમની આંખો ભરાઈ જતી હતી...વધુ આગળના ભાગમાં...~ જસ્મીના શાહ 'સુમન' દહેગામ 19/3/26