દિનકર દાસગુપ્તા બધા નવા વિધાર્થીઓ ને બેસાડી હજી નવી બેચ શરૂ જ કરી રહ્યા હતા કે અચાનક જ રિતેશ અને નવનીત દોડતા પ્રવેશ કરે છે. દિનકર દાસગુપ્તા તેમને જોઈને અચાનક જ રોકાઈ જાય છે.
" એ તમે બન્ને કેમ આમ આવ્યા ?" દિનકર દાસગુપ્તા પ્રશ્ન કરે છે.
" સર ત્યાં ફોર્મ ભરવામાં મોડું થઈ ગયું તો અમે લેક્ચર છુટી ન જાય તેનું ધ્યાન રાખવામાં પડી ગયા એટલે દોડતા આવ્યા." નવનીત કહે છે.
" જો કલાસ આઈ.એ.એસ ની મુખ્ય પરિક્ષા નો સૌથી પહેલો નિયમ આ જ છે. આપ સૌને ધીરજ રાખવી જોઈએ. લગભગ ૮૦ ટકા વિધાર્થીઓ મુખ્ય પરિક્ષા માટે પહેલીવાર જ પાસ નથી થઈ શકતા. પછી ધીમે ધીમે એમની ઉતાવળ વધતી જાય છે.
આ જ ઉતાવળ આગળ જતાં વધુ પડતી નું કારણ બને છે. આ જ ક્લાસમાં જુવો આ મહાશય ને ( દિનકર દાસગુપ્તા એક વ્યક્તિ તરફ ઈશારો કરી બતાવે છે) આનું નામ છે સોહનલાલ. એ આ વખતે ચોથી અને કદાચ છેલ્લી વખત જ મુખ્ય પરિક્ષા આપવાનો છે.
હું પોતે જ ચાર વખત મુખ્ય પરિક્ષા આપી ચુક્યો છું પણ ઈન્ટરવ્યુ માટે પસંદગી નથી પામ્યો. (હસી પડે છે) દિનકર દાસગુપ્તા સમજાવે છે.
પહેલા જ દિવસે ઈતિહાસ વિષય નો અભ્યાસક્રમ બધાને આપવામાં આવે છે. ઈતિહાસ વિષયના ભારત ના પૌરાણિક અને અર્વાચીન ઈતિહાસ તેમજ મોગલ સામ્રાજ્ય અને બ્રિટિશ શાસન હેઠળ ભારતીય ઈતિહાસ જેવા વિવિધ ભાગ એમાં સામેલ હતા.
રિતેશ ને તો આ બધામાં ઘણી પકડ હતી પણ નવનીત માટે આ થોડી અઘરી વિષય વસ્તુ હતી કારણકે દસમા ધોરણ પછી તેણે સમાજશાસ્ત્ર વિષે વાંચન જ બંધ કરી દીધું હતું. પણ રિતેશ ના ભરોસે જ એણે આ વિષય પર પસંદગી ઉતારી હતી.
રિતેશ અને નવનીત ઈતિહાસ ની કથાઓ કોઈ ફિલ્મ ની જેમ ચર્ચા કરી તેની તૈયારી કરી રહ્યા હતા. બીજી તરફ નવનીત ને હવે ઈજનેરી પાસ કરે લગભગ ત્રણ વર્ષ થવા આવ્યા હતા. તેના મિત્રો તો હવે નોકરી તેમજ લગ્ન કરી ઠરીઠામ થઈ ગયા હતા. એટલે જ ઘણીવાર નવનીત ને પણ હવે મુખ્ય પરિક્ષા પાસ કરવાની ઉતાવળ હતી.
મુખ્ય પરિક્ષા
આખરે મુખ્ય પરિક્ષા નો સમય પણ આવી ગયો. રિતેશ અને નવનીત તો મુખ્ય પરિક્ષા માટે ખુબ તૈયારી કરી ઉત્સાહિત હતા. પણ પેપર દરમિયાન આ પરિક્ષા માં વર્ણનાત્મક જવાબો આપવામાં નવનીત પેપર સમયસર પુરું નથી કરી શકતો અને અમુક ઈતિહાસ ના અઘરા પ્રશ્નો તેને બહુ સારી રીતે આવડતા પણ નથી.
આખરે પરિક્ષા પછી થોડો સમય માટે રિતેશ અને નવનીત પોતાના ઘરે જાય છે. નવનીત હજી કદાચ મનોમન જાણતો હતો કે તે મુખ્ય પરિક્ષા પાસ નહીં કરી શકે. કારણકે તેની તૈયારી એટલી સારી ન હતી.
ઘરમાં નડિયાદમાં પોતાની જ્ઞાતિના જ એક લગ્ન પ્રસંગે ઘણા સગાંસંબંધીઓ નવનીત ની હાલ ની પરિસ્થિતિ અને હજી કેટલા વર્ષ થશે એમ બધા વિષયો પર ચર્ચા કરી રહ્યા હતા. નવનીત ને ખુબ જ ગુસ્સો આવતો પણ તેને સમજવા વાળી વ્યક્તિ ફક્ત તેના પિતા જ હતા બીજા કોઈ નહીં.
નવનીતે કીધું કે જ્યાં સુધી તે પોતાના પિતાને આપેલું વચન નહીં નિભાવે ત્યાં સુધી તે લગ્ન નહીં કરે. થોડા દિવસ પછી જ નવનીત પાછો રાજીવ નગર પહોંચી જાય છે.
મુખ્ય પરિક્ષા નું પરિણામ
આખરે એ દિવસ આવી જ પહોંચ્યો. આજે મુખ્ય પરિક્ષા નું પરિણામ હતું. દિનકર દાસગુપ્તાની પાસે આખી બેચ બેઠી હતી. બધા ને પરિણામ ની જ રાહ હતી. પરિણામ આવે છે.
રિતેશ ઈન્ટરવ્યુ માટે પસંદગી પામે છે. પણ નવનીત પસંદગી નથી પામતો. રિતેશ ને સમજણ ન પડી કે એ પોતે ખુશ થાય કે નવનીત માટે દુ:ખી થાય.
દિનકર દાસગુપ્તા રિતેશ ને અભિનંદન આપે છે કારણકે આખી બેચમાં થી ફક્ત એ જ ઈન્ટરવ્યુ માટે પસંદગી પામ્યો હતો. નવનીત ને ખભે દિનકર હાથ મુકે છે તો એ હાથ દૂર કરી ચાલ્યો જાય છે.
"શું થયું છે આને?" રિતેશને દિનકર દાસગુપ્તા પુછે છે.
" સર જો અમે બન્ને નપાસ થયા હોતા તો વાંધો ન હતો પણ હું પસંદગી પામ્યો અને એ રહી ગયો. અમે બન્ને લગભગ એક જ પ્રકારની તૈયારીઓ કરી રહ્યા હતા પણ એ શું કામ પસંદગી ન પામી શક્યો એ તો મને પણ સમજાતું નથી.
આ નસીબ કયારેક તો ખુબ જ ખરાબ રીતે આપણી જીંદગી માં અસર કરે છે. જે મજબૂત મનોબળ સાથે આ ઈજનેર પરિક્ષા માટે આવ્યો એ બધું જ ટુટી ગયું એમ લાગે છે." રિતેશ સમજાવે છે.
દિનકર દાસગુપ્તા રિતેશ સાથે મળીને નવનીત ના આખા કેસને સમજવાનો પ્રયત્ન કરે છે. આ તરફ નવનીત તો કોઈનું ધ્યાન ન હોવાથી સીધો જ પોતાના રૂમ તરફ નીકળી જાય છે.
એ તક મળતાં એકલો જ પોતાના પિતાને ફોન કરે છે:
"પપ્પા હું તમને આપેલું વચન પાળી નથી શકયો. આજે મુખ્ય પરિક્ષા ના પરિણામ પ્રમાણે હું ઈન્ટરવ્યુ માટે પસંદગી નથી પામ્યો. મારી જીંદગી કઈ તરફ આગળ વધી રહી છે એ મને ખબર નથી."
"એમ ન બોલ દીકરા. તું હમણાં જ પાછો ફરી જા. અંહી આપણે ખેતીવાડી પણ છે. " નવનીત ના પપ્પા કહે છે.
"ના પપ્પા. હું તમને મોઢું નહીં બતાવી શકું." અચાનક જ આટલું કહીને નવનીત ફોન કાપી નાખે છે.
રિતેશ અચાનક જ જ્યારે નવનીત ને નથી જોઈ શકતો તો એ પોતાના મગજને અનુસરી સીધો જ પોતાના રૂમ તરફ ભાગે છે અને કોણ જાણે તેને નવનીત નો દરવાજો બંધ જ મળે છે. એ જોર જોરથી ચીસો પાડી નવનીત ને દરવાજો ખોલવા માટે સમજાવે છે પણ એ દરવાજો નથી ખોલતો. ત્યારે જ શ્રવણને બોલાવી બન્ને જણ ધક્કો મારી દરવાજો ખોલી નાખે છે.
રૂમના અંદર નું દ્રશ્ય જોઈ રિતેશ અને શ્રવણ હતપ્રભ બની જાય છે. અંદર લોહીના ખોબોચીયા પાસે નવનીત અર્ધ બેભાન અવસ્થામાં પડ્યો હતો. નવનીત ઈન્ટરવ્યુ માટે પસંદગી ન પામતા તેણે પોતાના હાથની નસો કાપીને આત્મહત્યા માટે પ્રયત્ન કર્યો હતો.
આહુજા અંકલ ને માહિતી આપતા તરત જ નવનીત ને નજીક ના હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. આખા રાજીવ નગર માં વાયુવેગે આ સમાચાર પ્રસરી જાય છે. નવનીત ના પપ્પા ને પણ તરત જ માહિતી આપવામાં આવે છે.
જોકે સમયસર સારવાર મળતાં અને લોહી થોડું જ વહેંવાથી નવનીત બચી જાય છે. પણ એ હજી બેભાન અવસ્થામાં હતો. તેના બન્ને કાંડા પર પાટા બાંધેલા હતા.દિનકર દાસગુપ્તાને ખબર પડતા એ પણ હોસ્પિટલમાં પહોંચી જાય છે.
રિતેશને ખભે હાથ મૂકીને દિનકર દાસગુપ્તા કહે છે:
" આજે મને મારી યુવાની યાદ આવી ગઈ. મને નવનીત ની અંદર એક ધગશ દેખાતી જ હતી. આ મારા જેવો જ કેસ છે. પણ હું એને નિષ્ફળ નહીં થવા દઉં.
હું પણ ચાર પ્રયત્ન સુધી આઈ.એ.એસ ન બની શકતા ગળે ફાંસો ખાઈ આત્મહત્યા માટે પ્રયત્ન કરી ચુક્યો હતો. પણ કુદરતને બીજું કંઈ મંજૂર હતું. તારા જેવા મિત્રે મને બચાવી અને બીજા યુવાનોને આઈ.એ.એસ બનવામાં મદદ કરવાની જરૂર છે એમ કહી જીવંત રાખ્યો."
મૌલિક વસાવડા