સરકારી પ્રેમ ભાગ-૩
"પણ સર આ શું સાચું કહેવાય?" મધુકર મોહન પુછે છે.
"જો મધુકર આ બધી વાતો આપણા મનને કેવી રીતે મનાવી શકાય એ પણ આધાર રાખે છે. જો તમે પોતાની જાતને પાપી માનો છો તો એમ બાકી આ બધું જ વ્યવસ્થા ના ભાગરૂપે સ્વીકારી લેવું જોઈએ." સ્ટેશન માસ્તર રસ્તોગી કહે છે.
" એ તમે જ કરી શકો. હું તો આજે તમારી વાત માનીને કદાચ પહેલીવાર જ આ કામ કરી પછી આ વીસ રૂપિયા અડ્યા વગર જ રઘુને ટીપ તરીકે આપી દઈશ." મધુકર મોહન કહે છે.
"વાહ ભાઈ. તમે તો સારું કામ અને સારું પરિણામ પણ શોધી લીધું. " સ્ટેશન માસ્તર રસ્તોગી કહે છે.
"શું સર તમે પણ?" મધુકર મોહન હસી પડે છે.
રઘુ પણ ટીપ તરીકે પૈસા મેળવી પછી ખુબ ખુશ થાય છે.મધુકર મોહન હવે પોતાના ક્વાર્ટર તરફ જવા માટે નીકળી જાય છે. મધુકર મોહન આજે પહેલા ની જેમ રાત્રે ઊંઘી શકે એમ ન હતો.
તેને સરિતા ની ચિંતા થાય છે. એક બે દિવસમાં જ તેને ખબર પડવાની હતી પણ સરિતા સાથે વાતચીત કરવી કેવી રીતે? પટનામાં હાલ તો રાત પડી ગઈ હશે. બે દિવસ પહેલા જ નજીક ના એસ.ટી.ડી બુથ પાસેથી ઘરમાં ફોન કર્યો હતો તો ડોક્ટર એ ત્રણ દિવસ સાવધાની રાખવા માટે જણાવ્યું હતું.
ત્યારે જ મધુકર મોહન નો દરવાજો ખખડે છે. આટલી મોડી રાત્રે કોણ હશે એ વિચાર થી જ મધુકર મોહન ગભરાઈ ગયો. પણ હિંમત કરી દરવાજો ખોલ્યો તો રઘુ હતો.
"સર જલ્દી આવો. આપનો ટેલિગ્રામ મેસેજ આવ્યો છે. " રઘુ કહે છે.
મધુકર મોહન તરત જ ટેલીગ્રામ મેસેજ ખોલીને પછી વાંચવાનું શરૂ કરે છે:
"આજે બપોરે જ સરિતા ને હોસ્પિટલ માં દાખલ કરી છે.ભગવાને તમને અને સરિતા ને પુત્રી રત્ન આપ્યો છે. માતા અને બાળક બન્ને કુશળ છે."
મધુકર મોહન ખુબ જ ખુશ થઈ ગયો. પછી બીજી જ ક્ષણે થોડો ઉદાસ પણ બની જાય છે. રઘુ ને મીઠાઈ ખવડાવી પછી સવારે જ રજા માટે એપ્લિકેશન કરી પોતે ૧૫ દિવસની પેટરનીટી લીવ પર ઉતરી જશે એમ વિચાર કરે છે.
મધુકર મોહન સવાર પડતા જ પોતાની નોકરી શરૂ થયાના એક કલાક પહેલા જ સ્ટેશન માસ્તર રસ્તોગી સાહેબ પાસે પહોંચી જાય છે.વહેલી સવારે કેન્ટીન ની મીઠી મધુરી ચા સાથે જો જલેબી મળે તો એમ મધુકર મોહન વ્યવસ્થા કરી દે છે.
"અરે અરે મધુ.. ઓવર ટાઈમ નહીં મળે." રસ્તોગી સાહેબ કહે છે.
"પણ તમે ય સવારે હાજર છો ને?" મધુકર મોહન કહે છે.
"અરે યાર તમે આ સુપરવિઝન ની નોકરી ને સમજી નથી શકતા. આ નોકરી કાંટા વાળો તાજ છે. વર્ષ દરમ્યાન ત્રણ ટકા નો પગાર વધારો અને જવાબદારી આખી દુનિયા ની..જો તમારે દિલ્હી છોડીને બહાર જવાનું હોય તો ડીવીઝનલ રેલ મેનેજર થી રજા મેળવવી પડે." રસ્તોગી સાહેબ જણાવે છે.
"પણ તમે શું કામ એક કલાક પહેલા? વળી આ જલેબી ..ઓહો..ઓહો.." રસ્તોગી સાહેબ બોલીને જાતે જ સમજી જાય છે.
"જી સર. હું પુત્રી નો પિતા બની ગયો છું. બસ આજે રજા પર પંદર દિવસ માટે ઘરે બિહાર જવાનો છું. એટલે જ તમને માહિતી આપવા અને રજા મંજુર કરાવવા માટે આવ્યો છું." મધુકર મોહન કહે છે.
"આપણે ત્યાં જલેબી એટલે દીકરી અને પેંડા એટલે દીકરો.. હું સમજી ગયો. તમે એપ્લિકેશન આપી પછી રજા લઈ શકો છો." રસ્તોગી સાહેબ કહે છે.
"પણ તું થોડો ઉદાસ લાગે છે?" રસ્તોગી સાહેબ પુછે છે.
" ના. સર." મધુકર મોહન ગળગળો બની જાય છે.
" અરે શું થયું?" રસ્તોગી સાહેબ પાણી આપે છે.
"સાહેબ કોઈ ને કહેતા નહીં પણ મને દીકરો જોઈતો હતો. " મધુકર મોહન જણાવે છે.
"તારે દીકરો કેમ જોઈએ?" રસ્તોગી સાહેબ કહે છે.
"સર હું તો હવે આઈ.એ. એસ ન બની શકું. પણ મારો દીકરો જ મારું સ્વપ્ન સાકાર કરતો." મધુકર મોહન કહે છે.
"સાવ નાની વાત કરી દીધી. જો એક છોકરો કરી શકે તો છોકરીઓ કેમ ન કરી શકે? એ કરી જ શકે.. ભગવાને તને લક્ષ્મી આપી છે તો તારે કૃતજ્ઞતા દેખાડવી જોઈએ." રસ્તોગી સાહેબ સમજાવે છે.
"શું? પણ સર અમારે ત્યાં દીકરીઓ ને ભણાવતા જ નથી." મધુકર મોહન કહે છે.
"અરે તો તમે ચાલુ કરો. દેશ ને સુધારવાની વાતો કરો છો તો શરૂઆત ઘર થી જ કરો ને.." રસ્તોગી સાહેબ કહે છે.
"તમે સાવ જ સાચી વાત કરો છો. હું હમણાં જ મારી જાતને સંભાળી લઉ છું. કોઈ પણ રીતે હવે મારી જીંદગીને એક નવું લક્ષ્યાંક આપી દઉ છું. હું મારી દીકરી ને ગમે તે ભોગે આઈ.એ.એસ અધિકારી બનાવીને જ જંપીશ. "મધુકર મોહન જણાવે છે.
" ઓહ..ઓહ..આ જો મારી દીકરી.." રસ્તોગી સાહેબ ફોટો બતાવી કહે છે.
"એ.. શું કરે છે? " મધુકર મોહન પુછે છે.
" એ બેડમિન્ટન ખેલાડી છે. દિલ્હીમાં રાજ્ય કક્ષાની ટીમ માં છે.મારી પરિવાર ની શાન છે. " રસ્તોગી સાહેબ કહે છે.
" ખરેખર સર તમે મારી આંખો ઉઘાડી દીધી. હવે મને ઘરે જઈને પોતાની દીકરીને જોવાની ઉત્સુકતા અને ઉતાવળ છે. " મધુકર મોહન કહે છે.
મધુકર મોહન એપ્લિકેશન લખી પછી પોતાની રજા માટે બધી તૈયારી કરી રસ્તોગી સાહેબ ની સહી કરાવી પછી આઠ વાગ્યે સ્ટાફ આવતા જ બધા ને જલેબી આપી પછી પોતાના ઘરે બિહાર તરફ જવા રવાના થઈ જાય છે.
આજે લગભગ ચાર મહિના પછી મધુકર મોહન પોતાની સાસરી પટના માં સરિતા તેમજ પોતાની દીકરીને જોવા માટે જઈ રહ્યો હતો. આમ તો પટના આઠ કલાક ની દૂરી પર હતું પણ મધુકર મોહન હવે ખુબ અધીરો બન્યો હતો.
આજે સરકાર બાબુ ના આવી જવાથી એજન્ટો ખુબ ખુશ હતા અને મોકળાશ થી ટીકીટ બુકિંગ કરાવી રહ્યા હતા.આ તરફ રસ્તોગી સાહેબ હવે પંદર દિવસ સુધી ચિંતા મુક્ત હતા.
મધુકર મોહન પોતાની સાથે હંમેશા કોઈ ન કોઈ ચોપડી જરૂર રાખતો. આ વખતે મહાત્મા ગાંધી ની આત્મકથા " સત્ય ના પ્રયોગો" તે વાંચી રહ્યો હતો. ક્યારે પટના આવી ગયું એ મધુકર ને ખબર જ ન રહી. પટના સ્ટેશન પર ઉતરતા જ તેનો સાળો તેને લેવા માટે આવ્યો હતો.
મધુકર મોહન ની પત્ની સરિતા ના પરિવારમાં ફક્ત એક ભાઈ જ હતો. સરિતા ના પિતા ઘણા વર્ષો પહેલાં એક રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. તેની માતાએ જ ભરણપોષણ કરીને સરિતા અને તેના ભાઈ ને મોટા કર્યા હતા.
સરિતા ના ભાઈ ના હજી લગ્ન થયા ન હતા. મધુકર મોહન ની માતા એ જ દિવસે સાંજે પહોંચી જવાની હતી. જમુઈ થી પટના માટે બસ સિવાય કોઈ વિકલ્પ ન હતો.જેમ જ મધુકર મોહન હોસ્પિટલમાં પહોંચી જાય છે તો તેના હરખ નો પાર નથી રહેતો.
તેનો સાળો બનેવી ને જનરલ વોર્ડમાં લઈ જાય છે તો મધુકર મોહન ને ચારેય તરફ શોરબકોર તેમજ હોસ્પિટલમાં ગંદકી કરી હોવાથી ખુબ ગુસ્સો આવે છે.