સરકારી પ્રેમ ભાગ-૨
"જો મિત્ર જેટલી પણ મોટી મોટી ક્રાંતિ ઈતિહાસમાં આવી છે એ બધી કોઈ ન કોઈ કાફેથી જ શરૂ થઈ છે. ફ્રેન્ચ ક્રાંતિ કે રશિયા ની ક્રાંતિ વિષે તો જાણતા જ હશો." સ્ટેશન માસ્તર રસ્તોગી કહે છે.
"શું સર મજાક કરો છો?ચા પીવા માટે તમને બહાના જોઈએ જ." મધુકર મોહન અર્થ સમજી જાય છે.
સ્ટેશન ની બહાર નીકળતા જ રેલવે કેન્ટીન હતી. અંહી વ્યાજબી ભાવે જમવાનું તથા ચા પાણી મળી રહેતું. છેલ્લા ચાર મહિનાથી તો મધુકર મોહન રાત્રે અંહી જ જમવાનું કરતો.
"શું સર ઉદાસ છો?" કેન્ટીન નો નાનો રઘુ મધુકર મોહન ને જોઈ પુછે છે.
"અરે.. રસ્તોગી સર માટે ચા અને મને એક પ્લેટમાં આલુ પરોઠા સાથે દહી આપજે." મધુકર મોહન કહે છે.
"ઠીક છે. અમે કેન્ટીન વાળા ને તમે થોડા સાચી વાત કરશો." રઘુ ટેબલ સાફ કરી કહે છે.
"જો તું ખોટું ન સમજ. " મધુકર મોહન કહે છે.
" અરે મધુ જમતા વખતે કોઈ વિચાર ન કરાય. બાકી તારી બધી ઉર્જા નષ્ટ થઈ જાય છે. " રસ્તોગી સાહેબ કહે છે.
"આ વાત સાચી છે. પહેલે પેટ પુજા બાદ મેં કામ દૂજા.."મધુકર મોહન હસી પડ્યા.
રસ્તોગી સાહેબ ચા પીને પોતાની નોકરી કરવા જતાં રહ્યા જ્યારે મધુકર મોહન આલુ પરોઠા આરોગી સ્ટેશન થી સાવ નજીક જ પોતાના ક્વાર્ટર માં પહોચી જાય છે.મધુકર મોહન ક્લાર્ક હોવા છતાં બે રૂમના સરકારી ક્વાર્ટરમાં રહેતા હતા.
મધુકર મોહન માટે આ ક્વાર્ટર કોઈ રાજમહેલ થી ઓછું ન હતું. ક્વાર્ટર ની આગળ જ મહેંદી ની વેલો સાથે રેલવે ના સ્લીપર લાગેલા હતા. મુખ્ય દરવાજા પર કોઈ કિલ્લા જેવી મોટી સાંકળ બની હતી.
વળી બે મોટા મોટા રૂમ સાથે રસોડામાં જ નાનકડી ટાંકી સાથે જાજરમાન બાથરૂમ અને પાછળ પણ ખુલ્લી જગ્યા આપેલી હતી. કોઈ ક્લાર્ક ને જો આવું ક્વાર્ટર મળે તો ઓફિસર ની શું વાત?
મધુકર મોહન અને સરિતા લગ્ન કરી પછી અંહી જ આવ્યા હતા. ચાર મહિના પછી જ સરિતા ને ગર્ભ આ ઘરમાં જ રહ્યો હતો. અંહી દિલ્હીમાં કોઈ ધ્યાન રાખવા વાળું ન હોવાથી છેલ્લા ચાર મહિનાથી સરિતા પોતાના પિયરમાં પટના જ હતી.
મધુકર મોહન એટલે જ આ પરિક્ષા માટે સારી એવી તૈયારી કરી શકયો હતો પણ નસીબ આગળ કોઈનું નથી ચાલતું. મધુકર મોહન મુખ્ય પરિક્ષા જ ઉત્તીર્ણ ન કરી શક્યો. એટલે જ આજે પરિણામ આવવાથી એ ખુબ નિરાશ હતો.
રાત્રે ક્યારે ઊંઘ આવી ગઈ એ મધુકર ને ખબર પણ ન પડી. સવારે મધુકર રાબેતા મુજબ તૈયાર થઈ નોકરી જવા માટે નીકળી જાય છે. હવે મધુકર મોહન પોતાની જાતને રેલવેમાં જ આગળ વધવા માટે વિચાર કરે છે. રોજ સવારે આઠ વાગ્યે તો બુકિંગ કાઉન્ટર આગળ લાંબી લાઈનો લાગી જ જતી.
મધુકર મોહન ને એજન્ટ જરા પણ ન ગમતા. એ એજન્ટ ને ભીડ ન હોય ત્યારે જ બોલાવતો. કેમ કે એક એજન્ટ ઓછામાં ઓછાં દસ થી વધુ ગ્રાહકો નો સમય રોકી લેતો.એજન્ટો પણ મધુકર મોહન ને પસંદ ન કરતા. એટલે જ એ બાજુ ની બારી પણ બધું કામ કરાવી લેતા. જો કોઈ છુટકો ન હોય તો જ મધુકર મોહન પાસે જતા.
મધુકર મોહન રોજ સવારે જ કાઉન્ટર ચાલુ કરવા પહેલાં ભગવાનને પ્રાર્થના કરી પોતાના કામ ની શરૂઆત કરતા. આજે તો પહેલા જ ગ્રાહક રેલવે ના ગાર્ડ સાહેબ હતા. પોતાના આખા પરિવારને દિવાળી વેકેશનમાં ફરવા માટે મોકલી રહ્યા હતા.
"શું સર? તમે નથી જવાના." મધુકર મોહન ટીકિટ બુકિંગ કરતા પુછે છે.
" શું મજા કરે છે? આપણે લોકોને ક્યાં દીવાળી હોળી? ટ્રેન તો દોડવાની જ ને.. માંડ ઘરમાં આગ બુઝાવી આવ્યો છું અને તમે મીઠું ભભરાવીને ઘા તાજો કરો છો." ગાર્ડ સાહેબ કહે છે.
"જી સર. હું સમજી શકું છું. પણ ઘણા બધા લોકો સરકારી નોકરી ને આરામ કરવાની નોકરી ગણી લે છે. પણ તમે હોય અથવા ડ્રાઈવર હોય અથવા સ્ટેશન માસ્તર એ બધાને તહેવારો માં પણ રજા નથી મળતી. પરિવાર ને પણ સમજાવવો પડે. ઘણા લોકો આ સમજી નથી શકતા." મધુકર મોહન કહે છે.
"ખુબ આભાર મિત્ર." ગાર્ડ સાહેબ નીકળી જાય છે.
આ તરફ રોજની ખીચોખીચ ભીડ વચ્ચે આજે બાજુના કાઉન્ટર પર કોઈ ન હતું. બંગાળી સરકાર દાદાની તબિયત ખરાબ હોવાથી એ આજે રજા પર હતા.એજન્ટો પાસે તો હવે કોઈ જાતનો છુટકો જ ન્હોતો.
સ્ટેશન માસ્તર રસ્તોગી આજે ચા પીવા માટે પોતાના મિત્ર મધુકર મોહન ની રાહ જોઈ થાકી ગયા પણ એમને તો આજે લોકો ની ભીડ ઓછી થવાની રાહ હતી.એજન્ટો હવે સ્ટેશન માસ્તર રસ્તોગી પાસે પહોંચી જાય છે.
"સર આ દસ ટીકિટ તત્કાલ ક્વોટા ની છે. તમે તો જાણો જ છો. " એજન્ટ કહે છે.
" પણ મને શું કામ આપો છો? મધુકર મોહન ને આપો." રસ્તોગી સાહેબ કહે છે.
"આ બાજુ માં સરકાર દાદા રજા પર છે. બાકી તો કોઈની જરૂર નથી. પેલો મધુકર વિચિત્ર છે. એ અમને દુશ્મન ગણે છે." એજન્ટ કહે છે.
"હા હું એમને સમજાવી આપીશ.આપણુ અલગ મુકી દીધું ને.." સ્ટેશન માસ્તર રસ્તોગી કહે છે.
" હા સર." એજન્ટ કહે છે.
પછી લંચ દરમિયાન જ રસ્તોગી સાહેબ મધુકર મોહન ને સમજાવે છે:
"જો મધુકર હવે લંચ પછી તત્કાલ ક્વોટા ની દસ ટીકિટ પહેલા કરજે. પછી બાકી ગ્રાહક નું જોજે."
"સર આ એજન્ટ નું કામ સૌથી છેલ્લે કરીશ. બાકી સામાન્ય લોકો હેરાન થાય." મધુકર મોહન કહે છે.
"આ જ તો ભુલ છે. જો દેશસેવા કરતા થોડો પ્રસાદ મળી જાય તો શું ખોટું? સાંજે તારા જમવાનો ખર્ચ નીકળી જાય એનાથી વધારે શું જોઈએ?" સ્ટેશન માસ્તર રસ્તોગી કહે છે.
"પણ.." મધુકર મોહન આનાકાની કરે છે.
"જો લક્ષ્મી ચાંદલો કરવા આવે તો મોઢું ન ધોવાય.. બાકી તું પ્લેટફોર્મ ટીકિટ વાળા કાઉન્ટર પર બેસી જા." રસ્તોગી સાહેબ કહે છે.
"ઠીક છે." મધુકર મોહન સમજી જાય છે.
લંચ પછી મધુકર મોહન કમને પણ સૌથી પહેલાં તત્કાલ ક્વોટા ના ગ્રાહકો ની ટીકીટ તૈયાર કરે છે. એજન્ટ પણ ખુશ થાય છે. બહાર લોકોની ભીડ ખુબ જોરથી રેલવે ને ગાળો આપે છે.પણ મધુકર મોહન સંયમ જાળવી કામ પતાવી દે છે.
રાત પડતા આજે તો મધુકર મોહન ખુબ થાકી જાય છે. આજે મનોમન તે ખુશ ન હતો. આટલું કામ કર્યા પછી પણ તેના જીવને શાંતિ ન હતી. રસ્તોગી સાહેબ મધુકર ને પોતાની ઓફીસ માં બોલાવે છે.
"આવો મધુકર..લે આ તારી મહેનતના વીસ રૂપિયા.."
" આ ..આ શું છે?" મધુકર મોહન સમજતો નથી.
"આ જે તે દસ ટીકીટ કરીને એના વીસ રૂપિયા.. સાઈડ ની કમાણી. એજન્ટ તને આપતા ડરે છે. એટલે મને આપી ગયો." રસ્તોગી સાહેબ કહે છે.
"સર.. મારે આ ન જોઈએ." મધુકર મોહન ચોખ્ખા શબ્દોમાં કહે છે.
"જો નાના બાળકની જેમ વાત ન કર. જે તારો પગાર છે એમાં આખા પરિવારને દિલ્હી જેવા શહેરમાં કેવી રીતે ખુશી આપી શકીશ?" રસ્તોગી સાહેબ કહે છે.