મધુકર મોહન પોતાની જાતને રોકી રાખે છે. પોતાની દીકરીને જોવા ની ખુશી આગળ આ બધો અસંતોષ સાવ નગણ્ય હતો. સરિતા સુઈ રહી હતી જ્યારે મધુકર સાવ નજીક પહોંચી ગયો ત્યારે તેને ધ્યાનમાં આવ્યું.
મધુકર ખુબ પ્રેમથી સરિતા ના માથે હાથ મૂકીને અભિનંદન આપે છે. પછી પોતાની સાસુના પગે અડીને આશિર્વાદ લે છે. હવે નજીક જ ઘોડિયામાં સુતેલી પોતાની દીકરીને જોવા નો સમય હતો.
મધુકર મોહન ની સાસુ ગોદડીમાં લપેટાયેલી એક સાવ નાની ઢીંગલી મધુકર ના હાથમાં મૂકી દે છે. મધુકર પહેલા તો ઠીક થી તેડી પણ નથી શકતો પછી પોતાના બન્ને હાથમાં બાળકને લઈને સારી રીતે જોવે છે.
ગુલાબી ગુલાબી નાના નાના હાથ અને પગ અને ફુલ કરતા પણ કુમળી..જો આપણો જ હાથ અડી જાય તો એ મેલી બની જાય. મધુકર તેને ચુંબન આપવા જાય છે તો અચાનક જ રડવા લાગી.
"શું જમાઈ શું જોવો છો?" સાસુના સવાલ થી મધુકર ચુપચાપ બની ગયો.
"એ જ કે માતાજીએ સાક્ષાત લક્ષ્મીનું અવતાર ધારણ કરી મારા ઘરમાં પ્રવેશ કર્યો છે.ભગવાન નો જેટલો આભાર માનું એટલો ઓછો છે." મધુકર મોહન જણાવે છે.
"ચલો હવે બેબી ને દુધ આપવાનું છે." નર્સ આવી ને પડદા બંધ કરી દે છે.
મધુકર સમજી તો જાય છે પણ તેની કે તેની પત્ની ની આર્થિક પરિસ્થિતિ આટલી સધ્ધર ન હતી કે પ્રાઈવેટ હોસ્પિટલમાં તે સરિતા ની ડીલીવરી કરાવી શકે. સરિતા ના ભાઈ ની નોકરી હમણાં જ લાગી હતી.
મધુકર ને ઘડીક વાર માટે તો રસ્તોગી સાહેબ યાદ આવી જાય છે. જ્યારે ટીકીટ ના વીસ રૂપિયા વિષે તેમણે મધુકર ને સમજાવ્યું હતું કે પોતાના પરિવાર ના પોષણમાં થોડી મદદ મળી રહે છે.
મધુકર કંઈ કહેતો નથી પણ સાળા સાથે નીચે જઈને ચા ની દુકાને વાતચીત કરતા જણાવે છે:
"જો મને ખોટો ન સમજતા પણ હું તારી કે સાસુમા ની ઉપર સરિતા અને મારી દીકરી ની વધુ જવાબદારી નથી નાખવા માંગતો. એટલે જ હું અંહી થી દિલ્હી જતી વખતે સરિતા અને દીકરી ને લઈને જવા માગું છું."
"અરે આ શું કહો છો? દીદી ને સાવ સાજા થતા બે ત્રણ મહિના થશે. ત્યાં સુધી તમારું અને બાળકનું બન્ને નું ધ્યાન રાખવું સહેલું નથી. " સાળો જણાવે છે.
"એ તો સાસુ માં ને પણ સાથે લેતો જઈશ. તું થોડા દિવસ ચલાવી લેજે." મધુકર મોહન કહે છે.
"પણ મમ્મી દિલ્હી આવવા કદાચ તૈયાર ન થાય." સાળો કહે છે.
"હું કોઈ નોકરાણી ની વ્યવસ્થા કરી આપીશ. પણ મારી સંતાન ને અમુક સમય પછી દિલ્હીમાં જ લઈ જવી છે એમ નક્કી છે. " મધુકર મોહન કહે છે.
ત્યારે જ રિક્ષા ઊભી રહીને મધુકર ની મમ્મી તેમના એક સંબંધી સાથે ઉતરી જાય છે. મધુકર પોતાની મમ્મીને જોઈ ખુશ થઈ જાય છે. પછી હાથ જોડીને આવકાર આપે છે.
"કંઈ ખબર પડી? શું ગડબડ થઈ?" મધુકર ની મમ્મી કાનમાં પુછે છે.
પણ એ કંઈ જ સમજતો નથી. પછી પોતાની મમ્મીને હોસ્પિટલમાં સરિતા અને તેની પુત્રી પાસે લેતો જાય છે. મધુકર ની મમ્મી પુત્રી ને જોઈ બહુ ખાસ ખુશ ન થઈ. પોતાના હાથથી આશિષ આપી પછી હોસ્પિટલ ની બહાર આવી ગઈ.
"મને તો પહેલા થી જ ખબર હતી કે કંઈક તો ગડબડ છે. બાકી આપણા આખા પરિવારમાં આજ સુધી કોઈને પણ દીકરી અવતરી નથી. તારી સાથે આ કેમ થયું?" મધુકર ની મમ્મી કહે છે.
"આ શું બેકાર ની વાત કરો છો?" મધુકર ગુસ્સે થાય છે.
"જો આપણા નસીબમાં જે હોય એ જ જન્મ લે. મારી આ દીકરી ને હું ભણાવી ગણાવી ઉચ્ચ અધિકારી બનાવીશ. " મધુકર કહે છે.
"તારું મગજ ઠેકાણે છે. આપણા સમાજમાં છોકરીઓ ને બહુ બહુ તો સાત ચોપડી થી વધારે ભણાવતા નથી એ તને ખબર નથી. " મધુકર ની મમ્મી કહે છે.
"એટલે જ તો મારે આ પરંપરા તોડી નવી પરંપરા શરૂ કરવી છે. " મધુકર બોલે છે.
"શું વાત કરે છે? રેલવે ની નોકરી શું મળી તું બધું ભુલી ગયો. સમાજમાં જ રહેવું હોય છે. હજી સપના ન જો. આવતા વર્ષે મારે દીકરો જ જોઈએ. * મધુકર ની મમ્મી કહે છે.
પોતાની સાસુને આવતી જોઈ મધુકર રોકાઈ જાય છે. પછી વધુ કંઈ વાતચીત કરવા ની બદલે મધુકર ઉપર સરિતા પાસે પહોંચી જાય છે.મધુકર મનોમન ખુબ વિચાર કરતો હતો પણ પોતાની વ્યથા હવે મનમાં જ રાખવી એમ તેણે વિચાર્યું.
મધુકર ની સાસુને તેનો પ્લાન ખબર પડતા જ એ રાત્રે તેણે મધુકર ને સમજાવવા માટે ખુબ પ્રયત્ન કર્યો પણ મધુકર જરા પણ માન્યો નહીં. મધુકર સરિતા ની પણ મજબુરી સમજી શકે એમ હતો એટલે જ તે નોકરાણી રાખવા પણ સમંત હતો.
એ રાત્રે જ સમાચાર જોતા મધુકર હતપ્રભ બની જાય છે.
"ભારતીય સરકાર ના નાણાં મંત્રી ઉદારીકરણ ની મહત્વપૂર્ણ નીતિ લાગુ કરવાના હતા. જેથી વિદેશી રોકાણકારો અમુક સેકટરો બાદ કરતાં બાકીના બધા સેકટરોમા પૈસા રોકી શકે. જેથી રોજગારી અને વિદેશી નાણાં ની આવક આપણા દેશમાં વધતી જાય. "
"અરે વાહ!! કેટલો સારો નિર્ણય છે.આપણા દેશ માટે ખુબ જ સરસ છે. પણ આપણે હજી વધુ પૈસા શિક્ષણ, ખેતી તેમજ આરોગ્ય માટે ફાળવવા જોઈએ. " મધુકર મોહન પોતાના સાળાને સમજાવે છે.
"તમે પરિક્ષા પાસ કરી હોત તો.." સાળો હસે છે.
"જોજે ને એક દિવસ આપણા ઘરમાં પણ એક ઉચ્ચ સરકારી અધિકારી બનશે અને આ દેશને સુધારવા માટે પ્રયત્ન કરશે. જે કામ હું નથી કરી શક્યો એ કામ મારી દીકરી કરી બતાવશે. " મધુકર મોહન કહે છે.
છ દિવસ પછી
આજે મધુકર ની પુત્રી નું નામકરણ હતું. આમ તો પરંપરાગત રીતે ફોઈ જ નામ પાડતી પણ મધુકર ની મમ્મી તો બીજા જ દિવસે ગામમાં પાછી ફરી ગઈ હતી. વળી તેમણે મધુકર ને પોતાની રીતે નામ રાખવા માટે સ્વતંત્રતા આપી હતી.
મધુકર ની સાસુએ પહેલા પુજા કરી પછી સાથિયો અને સ્વસ્તિક દોરી દીકરી ના માથે કંકુના ચાંલ્લા કર્યો. પછી તેણે સરિતા અને મધુકર ને માથે પણ ચાંલ્લા કર્યો. હવે ભગવાન આગળ બે ચિઠ્ઠીઓ માં નામ લખી પછી મુકવામાં આવ્યા.
બાજુમાં થી એક નાનકડી બાળકીને બોલાવી પછી એ ચિઠ્ઠી ઉપાડવા માટે કહેવામાં આવ્યું તો એણે જે ચિઠ્ઠી ઉપાડી એ ભગવાન આગળ ધરીને પછી મધુકર ચિઠ્ઠી ખોલીને નામ વાંચીને કહે છે:
"મહેચ્છા!!"
બધા તાળીઓ પાડી બાળકીને ઝુલાવે છે. પછી તેનું નામ બોલીને તેને શાંત પણ કરાવે છે.
" એ બધું તો ઠીક પણ આ નામનો શું અર્થ થાય છે?" સરિતા પુછે છે.
"જો આ બે ચિઠ્ઠીઓ ની અંદર એકમાં જ નામ હતું અને બીજી ખાલી હતી. હું તો ગમે તેમ ભગવાન ની મરજી થી એ એનું નામ મહેચ્છા જ રાખવા માંગતો હતો. મહાન ઈચ્છા અર્થાત્ મહેચ્છા!! મારી દીકરી નો જન્મ એક મહાન ઈચ્છા પુરી કરવા માટે થયો છે." મધુકર મોહન સમજાવે છે.