નવપ્રસ્થ શહેર બહારથી હજુ પણ સામાન્ય લાગતું હતું. બજારો ખુલ્લા હતા, બસો ચાલી રહી હતી, લોકો પોતાના રોજિંદા કામોમાં વ્યસ્ત દેખાતા હતા. પરંતુ અંદરથી શહેર જાણે ધીમે ધીમે સળગતું હતું. થોડા અઠવાડિયા પહેલા જે સવાલો અને ચર્ચાઓ શહેરમાં ગુંજી રહ્યા હતા, હવે તે અવાજો ધીમા પડી ગયા હતા. તેની જગ્યાએ એક નવી વાત ફેલાવા લાગી હતી અફવા.
સૂર્યવર્ધન રાઠોડે સમજી લીધું હતું કે સીધા સત્ય સામે લડવું મુશ્કેલ છે. પરંતુ સમાજને વહેંચી દેવું બહુ સરળ છે. જ્યારે લોકો એકબીજા પર શંકા કરવા લાગે, ત્યારે સત્તા પર સવાલ પૂછવાનું બંધ થઈ જાય છે.
એક રાત્રે તેના બંગલામાં ફરી એક ગુપ્ત બેઠક થઈ. રૂમમાં થોડા લોકો બેઠા હતા રાજકીય સલાહકારો, કેટલાક પ્રભાવશાળી વેપારીઓ અને ત્યાગી.
ત્યાગી શહેરના અંધકારમય જગતનો જાણીતો ચહેરો હતો. તે ખુલ્લેઆમ રાજકારણમાં નહોતો, પરંતુ શહેરમાં તેની વાત ઘણા લોકો સાંભળતા.
રાઠોડે શાંત અવાજમાં કહ્યું,
“લોકો સવાલ પૂછવા લાગ્યા છે. આદિત્ય અને તેના મિત્રો શહેરમાં એક વિચાર ફેલાવી રહ્યા છે.”
ત્યાગી હસ્યો.
“વિચારને હરાવવો મુશ્કેલ નથી સાહેબ… લોકોના મનમાં ડર અને શંકા નાખો.”
રાઠોડે તેની તરફ જોયું.
“શહેરમાં શાંતિ વધારે સમય રહેવી જોઈએ નહીં.”
આ શબ્દો સાંભળીને રૂમમાં બેઠેલા બધા લોકો સમજી ગયા કે શું થવાનું છે.
અફવાઓની શરૂઆત
થોડા જ દિવસોમાં નવપ્રસ્થમાં અજીબ પ્રકારની વાતો ફેલાવા લાગી.
કોઈ કહેતો કે એક વિસ્તારમાં મંદિર પર હુમલો થયો છે.
બીજા વિસ્તારમાં કહેવામાં આવતું કે એક મસ્જિદ પાસે ઝઘડો થયો છે.
આ વાતોમાં સત્ય કેટલું હતું અને ખોટ કેટલું કોઈ ચોક્કસ કહી શકતું નહોતું. પરંતુ સોશિયલ મીડિયા પર વિડિઓ અને મેસેજો ઝડપથી ફેલાતા ગયા.
એક નાનકડા ઝઘડાને પણ મોટી ઘટના તરીકે બતાવવામાં આવતું.
લોકોના મનમાં શંકા ઊભી થવા લાગી.
ચા સ્ટોલ પર બેઠેલા લોકો ચર્ચા કરતા.
“સાંભળ્યું? ગઈ કાલે બજારમાં ઝઘડો થયો હતો.”
“કોઈ કહે છે કે બહારથી લોકો આવ્યા છે.”
“શહેરની સ્થિતિ સારી નથી.”
આ વાતો ધીમે ધીમે લોકોના મનમાં ડર પેદા કરતી ગઈ.
આદિત્યને શંકા થાય છે
આદિત્યને આ બધું સામાન્ય લાગતું નહોતું.
તે પોતાના ઓફિસમાં બેઠો હતો ત્યારે સમીરા અંદર આવી.
“તને ખબર છે શહેરમાં શું ચાલી રહ્યું છે?” તેણીએ પૂછ્યું.
“હા,” આદિત્યે કહ્યું, “પરંતુ આ બધું સ્વાભાવિક નથી.”
તેના ટેબલ પર ઘણા સમાચાર કટિંગ્સ અને વિડિઓઝ હતા.
તે એક પછી એક જોતા બોલ્યો,
“દરેક ઘટના અલગ વિસ્તારમાં થઈ રહી છે, પરંતુ મેસેજો એક જ પ્રકારના છે.”
સમીરાએ કહ્યું,
“એટલે કે કોઈ આ બધું ગોઠવી રહ્યું છે?”
આદિત્યે ધીમેથી કહ્યું,
“હા… અને મને લાગે છે કે આ માત્ર શરૂઆત છે.”
કાવ્યાનો નિર્ણય
આ વચ્ચે કાવ્યા નાયક પણ આ પરિસ્થિતિથી ચિંતિત હતી.
તે અનેક સમાજસેવી સંગઠનો સાથે વાત કરી રહી હતી.
તેનો પ્રયાસ હતો કે લોકો વચ્ચે વાતચીત ચાલુ રહે અને તણાવ ન વધે.
એક સાંજે તેણે યુવાનોની બેઠક બોલાવી.
હોલમાં હિંદુ અને મુસ્લિમ બંને સમુદાયના યુવાનો બેઠા હતા.
કાવ્યા સ્ટેજ પર ઊભી રહી અને બોલી:
“આ શહેર વર્ષો સુધી સાથે રહ્યું છે. થોડા દિવસોની અફવાઓ આપણને એકબીજાના દુશ્મન બનાવી શકે નહીં.”
એક યુવાને પૂછ્યું,
“પરંતુ સોશિયલ મીડિયા પર જે વિડિઓઝ ફેલાઈ રહ્યા છે તે શું છે?”
કાવ્યાએ જવાબ આપ્યો,
“દરેક વિડિઓ સત્ય નથી. ઘણા વિડિઓ જૂના હોય છે, ઘણા બીજા શહેરોના હોય છે. પરંતુ લોકો તેને અહીંનું કહીને ફેલાવે છે.”
હોલમાં થોડું મૌન છવાયું.
“જો આપણે વિચાર્યા વગર પ્રતિક્રિયા આપીએ,”
તેણીએ કહ્યું,
“તો કોઈ બીજાનો ખેલ આપણે જ રમવા લાગીએ.”
ત્યાગીની છાયા
પરંતુ શહેરના બીજા ભાગમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું.
ત્યાગી અને તેના લોકો નાના નાના જૂથોમાં ફરતા હતા.
તેઓ સીધું કંઈ કરતા નહોતા, પરંતુ લોકોના મનમાં શંકા નાખતા.
“સાવધાન રહેજો,” તેઓ કહેતા,
“આ દિવસોમાં વિશ્વાસ કરવો મુશ્કેલ છે.”
ક્યારેક તેઓ કોઈ જૂનો વિડિઓ બતાવતા અને કહેતા કે આ શહેરમાં થયું છે.
ક્યારેક તેઓ બે સમુદાય વચ્ચે થયેલા નાના ઝઘડાને મોટી ઘટના બનાવી દેતા.
આ રીતે નવપ્રસ્થમાં અદૃશ્ય આગ ધીમે ધીમે ફેલાવા લાગી.
પહેલી ચિંગારી
એક રાત્રે શહેરના જૂના બજાર વિસ્તારમાં અચાનક ઝઘડો થયો.
બે યુવાનો વચ્ચે થયેલો સામાન્ય તર્ક થોડા જ મિનિટોમાં મોટી ભીડમાં ફેરવાઈ ગયો.
કોઈએ પથ્થર ફેંક્યો.
પછી બીજા પથ્થર આવ્યા.
દુકાનોના કાચ તૂટી ગયા.
પોલીસ આવી ત્યારે સુધીમાં પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતી રહી હતી.
આ ઘટના બીજા જ દિવસે સમાચાર બની ગઈ.
ચેનલો પર સતત ચર્ચા શરૂ થઈ.
“નવપ્રસ્થમાં સામ્પ્રદાયિક તણાવ.”
“શહેરમાં વધતી અસુરક્ષા. લઘુમતી સમાજ ના લોકો ના કારણે બહુમતી સમાજ માં ભય નો માહોલ"
હિન્દુ ઓ ને લઘુમતી ના ત્રાસ અને આતંક થી આ શહેર ને એક પણ વ્યક્તિ જે બચાવી શકે છે અને તે છે લોકલાડીલા હિન્દુ સમ્રાટ રાઠોડ.
આ સમાચાર જોઈને આદિત્યને સમજાઈ ગયું કે જે તે ડરતો હતો તે હવે શરૂ થઈ ગયું છે.
વધતો તણાવ
આગલા બે દિવસમાં પરિસ્થિતિ વધુ બગડી.
કેટલાક વિસ્તારોમાં દુકાનો બંધ થઈ ગઈ.
લોકો સાંજે વહેલા ઘેર જવા લાગ્યા.
રસ્તાઓ પર પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું.
પરંતુ અફવાઓ વધુ ઝડપથી ફેલાઈ રહી હતી.
એક વિસ્તારમાં આગ લાગી.
બીજા વિસ્તારમાં પથ્થરમારો થયો.
નવપ્રસ્થ હવે સ્પષ્ટ રીતે બે ભાગોમાં વહેંચાતું દેખાતું હતું.
આદિત્યની ચિંતા
એક રાત્રે આદિત્ય, સમીરા અને અમન ઓફિસમાં બેઠા હતા.
બહાર સાયરનના અવાજો સંભળાઈ રહ્યા હતા.
આદિત્ય બોલ્યો,
“આ બધું સ્વાભાવિક નથી. કોઈ આ બધું ગોઠવી રહ્યું છે.”
અમને કહ્યું,
“અને જ્યારે લોકો એકબીજા સામે લડી રહ્યા હોય, ત્યારે કોઈ સત્તા પર સવાલ પૂછતું નથી.”
સમીરા ચિંતિત અવાજમાં બોલી,
“જો આ દંગામાં બદલાઈ ગયું તો?”
આદિત્યએ બારીમાંથી બહાર જોયું.
દૂર ક્યાંક ધુમાડો ઊઠતો દેખાતો હતો.
તે ધીમેથી બોલ્યો,
“મને લાગે છે કે શહેર હવે એક મોટા તોફાન તરફ જઈ રહ્યું છે.”
નવપ્રસ્થમાં અંધકાર ગાઢ થતો જઈ રહ્યો હતો.
લોકોના મનમાં ડર અને ગુસ્સો બંને વધતા હતા.
અને આ બધાની પાછળ ક્યાંક સત્તાના શાંત ખેલાડીઓ બેઠા હતા.
શહેર જાણે આગની કિનારે ઊભું હતું.
અને કોઈને ખબર નહોતી કે આગળ શું થવાનું છે.