MH 370 - 34 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | MH 370 - 34

Featured Books
Categories
Share

MH 370 - 34

34. મેન એન્ડ વાઇફ.. 

હવે તેમની પાસે હથિયાર ખૂટ્યાં કે પીછેહઠ કરી, વધુ લડાઈ ન થઈ. અમારી ટુકડી ત્યાં જ રોકાઈને સ્થિતિનો ક્યાસ કાઢી રહી.

અમે હવે  ટેકરીની ટોચ પર હતાં. થોડે જ નીચે ખીણ હતી જ્યાં કો પાયલોટનો મૃતદેહ મળેલો તેની નજીક દરિયાકાંઠે  હાથે બનાવેલ તરાપો જોયો. કોઈ કહે આ જ  તરાપામાં એ હોંગકોંગના લશ્કરી અધિકારી ગયેલ.

એટલે જે તેમની વસાહત પાસે આવે એનો તેઓ ખાત્મો કરી દેતા હતા. આજે પણ ખીણમાં કોઈ લાશ દેખાઈ. અરે, આ તો એક થી વધુ હતી!

હું સીધું લડવું છોડી મેં જોયેલ રસ્તે ખીણમાં ઉતર્યો. તરાપો એમ જ ઝોલાં ખાતો કાંઠા પર તરતો હતો. ઉપર એ સૈનિકના યુનિફોર્મની છેલ્લી નિશાની રૂપ ચીંથરું અને શર્ટ પર લગાવવાની પટ્ટી પણ હતાં. પણ. લાશ બે આદિવાસીઓ અને એક સાવ અજાણી લાગતી વ્યક્તિની હતી જે પેલા ચાંચિયાઓ જેવો રુષ્ટપુષ્ટ હતો.

તો આ સૈનિક એમની વસાહતમાં ગયા અને ત્યાં જ સામસામા એન્કાઉન્ટરમાં એમણે ત્રણ લોકોને ઢાળી દીધા હતા, પછી કોઈએ તેમને ત્યાં જ મારી નાખેલા. તો લાશને ટાપુના બીજા છેડે કેવી રીતે નાખી ગયા? તરાપો તો અહીં હતો!

પેલા ત્રણ પાસે કોઈ કપડાંમાં મને મળેલ ચકમક જેવા પથ્થરોની બે ત્રણ પોટલીઓ હતી. ચકમક કપડાંમાં શા માટે વીંટે?

એ સૈનિક તો અમને મળવા, ત્યાંથી ખોરાક લેવા જ આવતા  હતા તો ખીણ તરફ કેમ ગયા?  મને સુઝેલા એ બધા પ્રશ્નો નિરુત્તર હતા. 

***

હું હવે બીજી બાજુ જંગલ જેવું હતું એ થોડું ચડાણ ચડી ખીણમાંથી બહાર આવ્યો ત્યાં એક સીટી વાગી. એ તો નર્સ ની હતી!

હું એ દિશામાં વળી કોઈ ઝાડને આડું રાખી જંગલમાંથી દોડ્યો અને સામે જ મારું પ્લેન દેખાયું! કહેવું રહી ગયું કે આ ગાઢ જંગલના ટુકડામાં મેં મોટા સાપ જોયા. મારી પાસે વિષ્ણુ ભગવાનની ગદા ની જેમ મોટું હાડકું પકડેલું એનાથી એક સાપને દૂર રાખ્યો હતો.

હું પ્લેન તરફ ગયો. નર્સ પ્લેનની ટોચ પર ચડવા પ્રયત્ન કરતી હતી. કદાચ ફરીથી શિપ દેખાય તો ગમે તેમ કરી ધ્યાન ખેંચવા.

હું ત્યાં ગયો અને એને લઈ પહેલાં પ્લેનની અંદર જ ગયો. કોઈ સંતાયું હોય તો.

કોઈ ન હતું. હું ફરીથી કોકપિટ તરફ ગયો ત્યાં તો નર્સ પાછળથી આવી.

એણે ફરીથી  હવે કોઈ  ચાકુ જેવી પટ્ટીથી બેટરીનો સ્ક્રુ ઊંચો કર્યો. કેમ? મને સમજાયું નહીં. એણે હળવેથી પોતાનો ક્રોસ બેટરી પર રહેવા દઈ  પોઝીટીવ બાજુ તરફથી ઓમ વાળી ચેઇન  લઈ લીધી અને મારા હાથમાં આપતી કહે “મને આ તમારે હાથે જ પહેરાવી દો! “

મેં કહ્યું કે આ તો મારી ધાર્મિક વસ્તુ છે, મારી છાતી પર કાયમ રહેતી મારી પ્રિય વસ્તુ. એ તને કેમ પહેરવી છે?

એ મારી એકદમ નજીક આવી કહે “ઘીસ ઇઝ અવર સેલ્ફ ડિકલેર્ડ મેરેજ! હું પણ તારી પ્રિય, તારી છાતી પર જ, તારાં  હૃદયમાં કાયમ રહેવા માગું છું.”

ફરીથી મને એક ક્ષણ ચક્કર આવી ગયાં. ધબકારા વધી ગયા. ઓચિંતી પ્રપોઝલ, સ્ત્રી દ્વારા, એ પણ ખ્રિસ્તી નન દ્વારા?

મેં આમ તો તરત સ્વીકાર કરી લીધો. મનમાં તો એ ક્યારની રમતી હતી!

આમ આ પ્લેનના ભંગારમાં, જીવન મરણની અનિશ્ચિતતાઓ વચ્ચે અમે એક બીજાને જીવનસાથી  તરીકે રહેવાના કોલ આપી દીધા! અહીં કોઈ સ્વર્ગમાંથી દૂદંભી  વગાડે કે પુષ્પવૃષ્ટિ કરે એમ ન હતું. બસ, પ્રોમિસ.

હા, એણે જ પહેલ કરેલી, કારણ એ જ કે મેં એને એક થી વધુ વખત મૃત્યુ તરફ જતી બચાવેલી. મને આમ પણ એની ઉપર કુણી લાગણી હતી જ.  એ ચીની લોકો જેવી ગુલાબી ગોરી, એકદમ ચમકીલી સુંવાળી ત્વચા અને ફાટફાટ અદ્ભુત સૌંદર્ય ધરાવતી હતી. મને તો એ મનમાં વસી  જ ગયેલી. જે સંજોગોમાં અમારું નજીક રહેવાનું, શારીરિક નિકટતા, મારું એને તાવમાં પોતાં મૂકવાં વગેરે થયું એમાં ઘણું આપોઆપ થયેલું.

તો In absence of God we declared ourselves as man and wife.

મેં એનાં કપાળ પર એક ચુંબન કર્યું, એણે મારી ડોક પાછળ હાથ રાખી દીધા. વરમાળા કહો તો એમ!

ક્રમશ:,