30. આ બધું શું બનતું હતું?
અમે નીચે સૂઈ ગયાં અને અમારી ઉપરથી સનન.. કરતું આવતું તીર બાજુનાં જ ઝાડમાં ભરાઈ ગયું. હવે ઊભા થવામાં જોખમ હતું, સાથે અહીં રહેવામાં પણ. અમે એ જંગલીઓની નજરમાં હોઈ શકીએ અને કોને ખબર, તેઓ અમને દુશ્મન સમજી મારી નાખવા માગતા હોય.
મેં ક્યારેક લશ્કરી તાલીમ લીધેલી એટલે કોણીના સહારે રીખતા જવાનું મને ફાવતું હતું. એ મેં ચૂપચાપ નર્સને બતાવ્યું. એને થોડી મહેનત પછી ફાવી ગયું. અમે ચુપચાપ સુકાં ઘાસના કાંટાઓ કે દરિયા કાંઠાના કાંકરા વાળી જમીન પર રીખતાં રીખતાં ગયાં.
અમને સામી તરફ જે નારિયેળી જેવાં વૃક્ષોની હાર હતી એ દેખાઈ. એની પહેલાં કેળ જેવાં વૃક્ષોનું વન અને એ હાર પછી દરિયાના કાંઠે કાંઠે જતાં એક ખાંચ જેવો લાંબો ભાગ આવે ત્યાં અમે રહી પડેલા એ અગાઉ કહ્યું છે.
અમે ફરીથી કોઈ પથરાળ ખડક ઉપર વિશાળ ઘટા વાળાં ઝાડ નજીકની જગ્યાનો સહારો લઈ છુપાયાં. એકાદ તીર એ ઘટામાં ગયું અને થોડી વાર શાંતિ થઈ ગઇ. નર્સ નીકળવા જતી હતી, મેં એને પકડી રાખી. અમારી સાવ બાજુમાંથી કાળા ઠીંગણા પગો દોડતા પસાર થયા. બે ચાર લોકોએ આજુબાજુ જોયું અને પરત ફર્યા એમ લાગ્યું.
હું હળવેથી ઊભો થયો. સામે જ ચંદ્રનું અજવાળું મોજાંઓ પર ફેલાતું હતું. ચાંદનીના અજવાળામાં સમુદ્ર ઘૂઘવતો હતો. એના કાંઠે કાંઠે જ થોડું, અર્ધા કલાક જેવું તરીને અમારી વસાહત તરફ જઈ શકાય એ રસ્તો મને યાદ હતો. નર્સને પણ ઊભી કરી અમે હવે ઊભાં થઈ દોડતાં કેળનાં વન તરફ ભાગ્યાં.
પાછળથી કોઈ સળગતી વસ્તુ ફેંકાઈને મારાં બાવડા સાથે અથડાઈ. હું દાઝ્યો પણ ચીસ પડાય એમ ન હતું.
અહીં રસોઈ માટે પણ જ્વલનશીલ પદાર્થ ગોતવો મુશ્કેલ હતો ત્યાં આ ક્યાંથી આવ્યું?
અમે કેળનાં વનમાં જગ્યા કરતાં બને એટલો અવાજ ન થાય એમ જવા લાગ્યાં. એ મોટાં પાન અમારા અડવાથી પણ ફફડે ને અવાજ આવે. ખૂબ ધીમેથી, સાચવીને આગળ વધતાં રહ્યાં.
સામે સમુદ્ર તો દેખાયો પણ હું જે જોયું તે માની શક્યો નહીં. ભરતીનાં મોજાંઓ પર સવાર થઈ અમુક હોડીઓ જેવાં લાકડાં કે કદાચ લાંબી હોડીઓ આદિવાસીની વસાહત તરફની ટેકરી બાજુથી આવતી હતી. કોઈ ઝડપથી હલેસાં મારતા હતા. અમે ફરીથી છુપાવા ગયાં ત્યાં મારા પગમાં કશુંક આગળથી અણી વાળું, પાછળથી પહોળું, બ્યુગલ જેવું અથડાયું. મેં નીચે જોયું. મને ખબર નહોતી પડી, તણખો પડવાથી કે એમ, મારું નર્સે બનાવેલ કટીવસ્ત્ર સળગતું હતું, ધૂમાતું હતું.
મેં તરત જ એ ખેંચીં કાઢી ફેંક્યું. એ પેલી બ્યૂગલ આકારની ચીજ પર પડ્યું.
ઓહ, એ કોઈ પ્રાણીનું પોલું શીંગડું હતું. મારું ધુમાતું વસ્ત્ર એને અડતાં દિવાળીના ફટાકડા ફુટતા પહેલાં સુર.. અવાજ કરે એમ એની અંદરથી અવાજ આવતો હતો. મેં વિચાર્યા વગર એને એકદમ ત્વરાથી ઊંચકી પાછળ ફેંક્યું, જલ્દીથી નર્સને મારા હાથોમાં ઊંચકી બીજી તરફ દોડ્યો અને..
મોટો ધડાકો થઈ આકાશમાં અગ્નિનો ગોળો ઊડ્યો!
એ કોઈ વિસ્ફોટક હતું જે આ શીંગડામાં ભરેલું.
અમે સીધી દિશા બદલી અને સૂતાં, રીખતાં થોડો કર્વ વાળો રસ્તો કરતાં દરિયા તરફ જવાનું ચાલુ રાખ્યું.
વિસ્ફોટકના અવાજ સાથે હોડીઓ એ તરફ વળી. ટેકરી તરફથી હવે અનેક નાની કે સહેજ મોટી જ્વાળાઓ દેખાઈ અને બીજા વિસ્ફોટકોના અવાજો પણ આવ્યા.
તો એ અબૂધ આદિવાસીઓ ન હતા, કોઈ કારણે જાણીબુઝીને આવી સાવ વિશ્વના નકશામાં ન હોય એવી જગ્યાએ રહેતા હતા. શા માટે? તેઓ ભોળા ભલા પણ ખૂંખાર આદિવાસીઓ નહોતા જ. તો એ બધા કોણ હતા? અહીં શું કરતા હતા?
હોડીઓ એ તરફના કાંઠા પાસે આવી પહોંચી. મેં નર્સની મદદથી બે નાનાં ઝાડ ઉખાડી કાઢ્યાં અને અમે ઝાડ પકડી કિનારો નજીક હતો એ તરફ સાવ ધીમે જવા લાગ્યાં. દૂરથી જુએ એને ઝાડ પવનમાં ઝૂલતું હશે એમ લાગે પણ એની ઓથે અમે આગળ વધતાં હતાં.
હોડીઓમાંથી અમુક માણસો ઉતરી ટેકરી તરફ અને અમુક પ્લેન તરફ જવા લાગ્યા. અમારી નજીક હવે કોઈ ન હતું.
ક્રમશ:.