28. હેલો, મે ડે..
હું કોકપિટ તરફ જઈ મારા દાંત વડે ભીના વાયર ખોતરવા લાગ્યો, જો કાંઈ થઈ શકે તો. ઓચિંતો મગજમાં ઝબકારો થયો.
આમેય બેટરી સાથે જોડેલા સ્ક્રુ તો કટાઈ ગયેલા. વિમાનમાં જ કોઈ અણીદાર વસ્તુ મળે તો જોવા ગયો પણ ન મળી. હું નીચે ફરીથી જઈ એક તીક્ષ્ણ અણી વાળી કોઈ ડાળ તોડીને લઈ આવ્યો અને એને એક તરફના સ્ક્રુ માં ભરાવી એને ઊંચો કરવા પ્રયત્ન કર્યો. એ થોડો હલ્યો પણ એમ બહાર આવે?
હવે બહાર સાવ ચોખ્ખું હવામાન હતું. હું જ્યાંથી વહેણ પસાર થયેલું ત્યાંથી એક બે મોટા કાંકરા કે નાના પથ્થર લઈ આવ્યો. એને કોઈ સીટનાં પતરાં સાથે ઘસતો હતો ત્યાં નર્સ ઊઠી અને મારી પાસે આવી એકદમ ધીમા અવાજે મને ગુડ મોર્નિંગ કહ્યું. મેં પાછળ જોઈ એને સામું કહ્યું અને તેના ગાલે હાથ ફેરવી લટ સરખી કરતાં તે કેમ છે એ પૂછ્યું.
એણે આભાર માનતાં કહ્યું કે આટલી સંભાળ તો એક ભારતીય જ લઈ શકે. એને નબળાઈ ખૂબ હતી પણ એ હવે સ્વસ્થ લાગી.
એણે પોતે મને ઝૂકીને ચુંબન કર્યું અને કહ્યું કે “now my life belongs to you “.
મેં એને આવા તાવમાંથી ઊભા થવામાં મદદ કરી એટલે હવે એને મારા પ્રત્યે પ્રેમ થઈ ગયેલો.
એણે કહ્યું કે એનાં મા બાપ નાનપણમાં એને મૂકી ગુજરી ગયેલાં એટલે મલેશિયાના કોઈ પાદરીએ એને લઈ ખ્રિસ્તી સાધ્વી એટલે નન તરીકે મોટી કરેલી. એને સેવામાં રસ છે અને મને આ રીતે સેવા કરતો જોઈ મારા પ્રત્યે અહોભાવ અને આકર્ષણ જાગ્યું છે.
મેં આભાર માનતાં અને દોસ્તી બદલ re assurance આપતું ફરી એક હળવું આલિંગન આપતાં એને એક ચુંબન કર્યું અને એ મને બાળકની જેમ વળગી પડી.
થોડી વાર રહી અહીં હું શું કરું છું એમ એણે પૂછ્યું. મેં કહ્યું કે કોઈ પણ રીતે પાવર મળે તો પિંગ આપી અમે જીવીએ છીએ એ ક્યાંક કોઈ સાંભળે તો જણાવું. બેટરીના બેય છેડાઓ પર ક્ષાર જામી ગયો છે તો સ્ક્રુ જ ખેંચી કાઢી સાફ કરું.
અમારી પાસે એક ચપ્પુ જેવું બનાવેલ પતરું હતું પણ એ બીજા યાત્રીઓ હતા ત્યાં હતું.
સ્ત્રીઓની બુદ્ધિ ક્યાં કામ કરે એ કહેવાય નહીં. એણે પથરો ભરાવી એની નીચે ડાળ ભરાવી ખેંચ્યો અને એક સ્ક્રુ બહાર આવી ગયો. એ પોઝીટીવ એન્ડ હતો. એને મેં બારી પર લટકી પાંખના પતરાં સાથે ઘસ્યો. એટલી વારમાં એણે કોઈ જગ્યાએ પથરો ભરાવી બેટરીને સહેજ નમાવી. લબડતો વાયર જ એની સાથે ઘસ્યો.
અમે ફરીથી પોઝિટિવ બાજુનો સ્ક્રુ સહેજ ફીટ કર્યો અને વાયર ખેંચાય એટલા ખેંચ્યા.
એને ઓચિંતું કંઈક સૂઝ્યું. તે દોડતી જઈ પોતાની સીટ નજીક જઈ હજી સલામત એની અણીદાર ક્રોસ સાથેની ચેઇન લઈ આવી. મને કહે try .. try.. I fix my teeth here. You there.
ત્યાં મને સૂઝ્યું કે એ જો મેટલ વાપરી કામ કરે છે તો એવો જ મારો ૐ છે. એક છેડે વાયર અને સ્ક્રુ વચ્ચે મારી ચેઇનનો પિત્તળનો ૐ વાળો ભાગ રાખ્યો. એણે જોખમ લઈ ક્રોસ બીજા છેડે નેગેટિવ પોલ નજીક રાખી દાંતેથી ખોતર્યું અને તરત મોં લઈ લીધું. ક્રોસ એ છેડે ભરાવ્યો અને.. મેં સાચવીને બેય તરફના વાયરો ખેંચી હાથેથી વળ ચડાવ્યા ત્યાં તો..
ૐ અને જિસસે મળી કરંટ આપ્યો અને ઓચિંતી કંપાસની સોય હલી. થોડી વારમાં કોમ્યુનિકેશન સિસ્ટમ ખૂબ ફેઇંટ ચાલુ થઈ.
મેં “મે ડે .. મે ડે.. ઘીસ ઇઝ MH370..” કહ્યું અને લો, સામેથી પિંગ પણ મળ્યા!
મેં જલ્દીથી મારા કંપાસ ના કોઓર્ડિનેટ મોકલી દીધા. જલ્દીથી હેલ્પ મોકલવા કહ્યું. લો, સામેથી ઓકે પણ આવ્યું!
આશ્ચર્ય! જવાબ આવ્યો! પણ ક્યાંથી એ જણાવે ત્યાં સિસ્ટમ ફરી બંધ.
એ લોકો કોઈ સત્તાવાળા કોઈને અહીં મોકલશે? કેવી રીતે? આવી અજાણી જગ્યાએ?
ક્રમશ: