MH 370 - 26 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | MH 370 - 26

Featured Books
Categories
Share

MH 370 - 26

26. કોઈ હે?

ત્યાં તો અત્યારે કદાચ કમોસમી, તડ તડ કરતાં જોરથી વરસાદનાં ફોરાં પડવા લાગ્યાં. અમે પ્લેનનો ભંગાર અજવાળામાં જોયેલો એ તરફ દોડ્યાં. કદાચ થોડે દૂર પ્લેન દેખાયું પણ ખરું પણ ત્યાં સુધીમાં તો કડાકા ભડાકા કરતો વરસાદ તૂટી પડ્યો. અહીં તો ખુલ્લું મેદાન જ હતું, ક્યાંય આશરો લેવાય એમ ન હતું.

આ કમોસમી વરસાદ હોઈ દરિયા તરફથી વાવાઝોડું પણ આવ્યું. અમે ઊભી પણ શકતાં ન હતાં.  અમે  જોતજોતામાં પાણીથી નીતરી ગયાં અને પાણી ચાબખાની જેમ અમને વાગવા લાગ્યું. નજીકનું પણ દેખાતું બંધ થઈ ગયું. વીજળીના કડાકા તે  કમભાગી દિવસે મેં આકાશમાંથી જોયેલા એવા જ, ખૂબ ઊંચેથી નીચે દેખાતા હતા.

ગર્જના કાન ફાડી નાખે એવી હતી. વરસાદનું જોર વધ્યું. પીઠ પર તો વાગે એવો હતો જ, આગળ જાણે પાણીનો મોટો પડદો રચાઈ ગયો. આટલાં કાળાં ડીબાંગ અંધારામાં પણ આકાશી પ્રકાશે પાણી ભૂરા સફેદ પડદા જેવું દેખાતું હતું.

અમે બેઠેલાં કે સૂતેલાં એ જગ્યાએ તો જંગલી ઘાસ જેવું ઊગેલું ત્યાં પાણી ભરાવા લાગ્યું. એકાંત ટાપુ હોઈ થોડે જ દૂર દરિયાનાં મોજાં આભને આંબે એટલાં ઉછળવા લાગ્યાં અને દરિયાનો ઘુઘવાટ પણ રૌદ્ર બન્યો. એમાં પાછો આ એકાંત જગ્યા પરનો જોરદાર વરસાદ અને સાથે ઘૂઘવાટ કરતો પવન.

મારા બીજા સાથીઓ જે બીજા કિનારે હતા એમનું શું થયું હશે?

અમે ગમે તેમ કરી પ્લેન તરફ જવા એકબીજાનો હાથ પકડી દોડવા કોશિશ કરી પણ જઈએ એટલી વાર લપસીને પડીએ. બે ચાર ડગલાં તણાતાં હોઈએ એમ પાછા પડીએ, ફરીથી જઈએ. મેં સૂચવ્યું કે નીચા નમીને દોડીએ.

પ્લેન હવે નજીકમાં જ હતું પણ એની નજીકમાં લેન્ડિંગ વખતે ખાડો પડી ગયો હશે અને નજીકમાં જમીન ઢોળાવ વાળી  હશે તે નદી જેવું વહેણ ઝડપથી પસાર થવા લાગ્યું. એને ઓળંગવું ખૂબ જોખમભર્યું હતું.

અમે નીચાં નમેલાં  એ વહેણ નજીક માટીમાં સૂઈ જ ગયાં. ત્યાં કાંટા જેવું ઘાસ વાગતું તો હતું પણ એમાં પાણી ભરાતું ન હતું. 

પાણી વહેતું હતું ત્યાં કોઈ મોટું પાન તણાતું આવ્યું એ  ખેંચી લઈ એને જ કાંટાળા ઘાસ પર પાથરી સાવ થોડી જગ્યામાં એકબીજાંને વળગીને જ એ ઘાસ પર સૂઈ ગયાં.

જાડી ધારે પલળતાં અમે હવે તો તણાઈ ન જઈએ એટલે જાગતાં  પડ્યાં હતાં. 

વાદળો પસાર થઈ ગયાં એટલે મોડી રાત સુધી વરસાદ ચાલ્યો અને પછી ધીમો પડી બંધ થઈ ગયો.

વહેલી સવાર પડતાં અમે જોયું કે એ ઘાસને કારણે જ અમે સલામત હતાં. આજુબાજુ પાણી ભરાઈ દલદલ જેવું બની ગયેલું. એમાં પગ પણ મૂકીએ તો જમીનમાં આખાં ખૂંપી જઈએ. 

અમારી અને પ્લેનની વચ્ચે માંડ સો ફૂટ જેવું અંતર રહેલું પણ વચ્ચેથી પાણી હજી વેગમાં વહેતું હતું. એમાં કોઈ ઝાડ તણાતું આવ્યું. એ કોઈ જગ્યાએ ઘાસમાં કે કાદવમાં ફસાયું એટલે તરત જ નર્સ એનું મૂળ પકડી ખેંચવા લાગી. એ કદાચ ઉખડી પડેલ મોટા વડ જેવું હતું. એનું મૂળ કે વડવાઈ અમે મુશ્કેલીથી ખેંચી વહેણની બીજી તરફ એનો છેડો ફેંક્યો. એ ઘાસમાં ચોંટી ગયું એમ લાગ્યું. હળવે હળવે હું એ મૂળ પર અર્ધો સૂઈ સરકતો પ્લેન તરફ ગયો અને વાંદરી બચ્ચાંને રાખે એમ મારી છાતી સાથે વળગીને મારી કમર પાછળ પગો ભરાવી નર્સ લટકી રહી. અમે વહેણ તો ક્રોસ કર્યું. આજુબાજુના કાદવમાં સાચવીને પગલાં મૂકતાં અમે પ્લેનની પાંખ સુધી પહોંચી ગયાં.

ત્યાં વેલા પકડી ચડવાનું વિચારીએ ત્યાં વેલા પર મોટો સાપ લટકતો જોયો. એણે અમારી સામે જોઈ જીભ લબકારી અને ફૂંફાડો માર્યો.

હું પણ થથરી ગયો. સાપ જાડો અને ખૂબ મોટો હતો.

નર્સનાં મોં માંથી ચીસ નીકળી ગઈ. એણે જોરથી એક સીટી મારી. બૂમ પાડી કે કોઈ છે?

ક્રમશ: