Bhool chhe ke Nahi ? - 85 in Gujarati Women Focused by Mir books and stories PDF | ભૂલ છે કે નહીં ? - ભાગ 85

The Author
Featured Books
Categories
Share

ભૂલ છે કે નહીં ? - ભાગ 85

પહેલા અઠવાડિયામાં જ આપણને ખબર પડી ગઈ હતી કે આવી રીતે તો આપણને ચાલે એમ નથી. મેં તમને કહ્યું કે હું શાળામાં વાત કરી જોઉં મને છેલ્લા પીરીયડમાં જો છૂટ્ટી આપી દેતા હોય તો આપણે કંઈ બીજું વિચારવું ન પડે. ને મેં શાળાના સંચાલકશ્રી ને વાત કરી. એમણે મને બીજી ગોઠવણ કરી આપવા કહ્યું. એમણે કહ્યું કે મારો દિકરો અહીં શાળામાં જ હોય છે. તમારો દિકરો છૂટે ત્યારે એ તમારા દિકરાને અહીં લઈ આવશે એટલે તમારે વહેલા જવાની જરૂર ન પડે અને આપણી શાળાના વિદ્યાર્થીઓનું ભણવાનું પણ ન બગડે. તમારા દિકરાને એક પીરીયડ જેટલો જ સમય અહીં રહેવું પડશે પછી તમે છૂટીને એને લઈને સીધા ઘરે જતા રહેજો એટલે તમારે એને શાળાએ લેવા જવાની પણ જરુર ન પડે. મને એમની વાત તો યોગ્ય લાગી. આમ પણ આપણો દિકરો આટલા દિવસમાં સંચાલકશ્રીને અને એમના દિકરાને પણ ઓળખી ગયો હતો. મેં એમને કહ્યું કે હું કાલે જણાવું ઘરે વાત કરીને. ને મેં ઘરે આવીને તમને વાત કરી. તમે પણ કહ્યું કે સારું એવી રીતે જ કરો. અને પછી એવું નક્કી થયું કે સંચાલકશ્રીનો દિકરો આપણા દિકરાને લઈ આવશે. અને પછી અમે મારી શાળા છૂટે પછી સાથે આવીશું. આમ ફરી પાછું આપણું જીવન ગોઠવાય ગયું. તમારી બપોરની કે રાતની શિફ્ટ હોય ત્યારે તમે લેવા આવી જતાં એટલે અમારી શાળાના સંચાલકશ્રીને એમ પણ ન થાય કે એમના દિકરાએ રોજ આપણા દિકરાને લેવા જવું પડે છે. તમે જ્યારે દિકરાને લેવા જતા ત્યારે એના વર્ગશિક્ષકને મળીને કંઈ પણ નવું હોય તો જાણી આવતા અને એ પ્રમાણે આપણે દિકરાને તૈયારી કરાવતા. અને શાળામાં થતી દરેક હરિફાઈમાં દિકરાને ભાગ લેવડાવતા. એ વર્ષે શાળામાં વેશભૂષાની હરિફાઇ હતી મેં દિકરાને પૂછ્યું હતું કે તું શાળામાં શું બનીને જઈશ ? તો કહે હું કંડક્ટર બનીને જઈશ. મેં વેશભૂષાવાળાને ત્યાં તપાસ કરી તો ફક્ત કંડકટરના કપડા ભાડેથી મળે પણ એની પાસે જે ટિકિટ ને બીજો સામાન હોય તે ન મળે. તો મેં બીજો સામાન એને ઘરે જાતે બનાવી આપ્યું જેમ કે કેડક્ટરે પાકિટ ભેરવેલું હોય, પાટિયું હોય, એના હાથમાં ટિકિટ હોય, ટિકિટ કાપવાનું હોય બધું જ મેં એને કરી આપ્યું હતું. એને કહ્યું કે તું ત્યાં જઈને શું બોલીશ ? તો કહે એ તો હું કરી લેવા. એની હરિફાઇના દિવસે મેં મારી શાળામાં રજા પાડી હતી અને એને તૈયાર કરીને લઈ ગઈ હતી. બધા છોકરાઓ કંઈ ને કંઈ બનીને આવ્યા હતા. જ્યારે દિકરાનો નંબર આવ્યો તો ત્યાં માઈક પર જાહેર કરવામાં આવ્યું કે હવે જે આવે છે તેની કદાચ ઘણા છોકરાઓને ખબર પણ ન હોય કે આ કોણ છે ? અને પછી દિકરાનું નામ બોલ્યા ને દિકરો તો કંડકટર બનીને સ્ટેજ પર એવી રીતે ચઢ્યો જે રીતે આપણી ગામની બસમાં કંડકટર આવે. ઉપર જતાની સાથે જ એણે તો બોલવા માંડ્યું બોલો ક્યાં જવાના ? પાંચ રૂપિયા આપો. પૈસા છૂટા આપો. ચાલો તમારું સ્ટેશન આવી ગયું. ને આ જોઈને ત્યાં હાજર બધાએ જ એને તાળીઓથી વધાવી લીધો. એની શાળાના સર સ્ટેજ પર બેઠા હતા એમણે એને પૂછયું ભાઈ તમે શું બનીને આવ્યા ? તો કહે અરે, કંડકટર છું. તમે ટિકિટ લીધી કે નહીં ? વગર ટિકિટે ન બેસાય બસમાં. એને એ દિવસે સ્ટેજ પર આ રીતે જોઈને મને થયું કે દિકરો રોજ કેટલું ધ્યાનથી એની આજુબાજુ શું થાય છે તે જોતો હશે તો જ આ રીતે એ અભિનય કરી શકે. ને એ દિવસે એ હરિફાઈમાં એનો પ્રથમ નંબર આવ્યો. સાહેબે જ્યારે એને ઈનામ લેવા બોલાવ્યો તો એને પૂછ્યું કે તને કેવી રીતે ખબર કંડકટર વિશે ? તો કહે હું રોજ બસમાં આવું તો કંડકટરકાકા આવું જ કરતા હોય. ને એની એ વાત પર આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો હતો. એ તો એટલો ખુશ હતો કે ઘરે જતી વખતે બસમાં ચઢ્યા એટલે તરત જ કંડકટરને કહી દીધું કે આજે હું તમારા જેવો બનીને ગયો હતો અને પહેલો નંબર આવ્યો. બસના રોજ આવવાવાળા પેસેન્જર, કંડકટર ડ્રાઈવર બધા એને ઓળખે. બધાને એણે એનું ઇનામ બતાવ્યું. બધા જ ખુશ થયા હતા.