Bhool chhe ke Nahi ? - 83 in Gujarati Women Focused by Mir books and stories PDF | ભૂલ છે કે નહીં ? - ભાગ 83

The Author
Featured Books
Categories
Share

ભૂલ છે કે નહીં ? - ભાગ 83

ઘરે આવ્યા એટલે મમ્મીએ પૂછયું શું રિઝલ્ટ આવ્યું ? ને તમે મમ્મીને દિકરાનું રિઝલ્ટ કહ્યું હતું. મમ્મી એ સમયે તો ઘણા ખુશ થયા હતા. પણ પછી જ્યારે બધી જ શાળાના રિઝલ્ટ આવ્યા અને બેનના દિકરા દિકરીના પણ રિઝલ્ટ આવી ગયા ત્યારે એમના રિઝલ્ટ જાણીને એમને જરા દુઃખ થયું. રિઝલ્ટ બંનેના સારા હતા મમ્મી એમને આપણા દિકરાના રિઝલ્ટ સાથે સરખાવીને દુખી થતા હતા. કોઈ કંઈ પણ ન પૂછે તો પણ બહાર જ્યારે ફળિયામાં બેસવા જાય ત્યારે બોલ્યા જ કરે કે આપણા દિકરાને તો આપણે ભણાવીએ છીએ પણ બેનના દિકરા દિકરીને કોણ ભણાવે એટલે એ લોકોન માર્કસ ઓછા આવે. મેં એક બે વાર એમને કહ્યું પણ ખરું કે મમ્મી એ લોકોના અને આપણા દિકરાના ભણતરમાં ફરક છે. આપણા દિકરાને અત્યારે મોઢે જ બોલવાનું હોય. લખવાનું ન આવે. જ્યારે ભાણી ભાણ્યા આગળના ધોરણમાં છે એમને પેપર લખવાના આવે. એટલે એમના રિઝલ્ટ આપણા દિકરા સાથે ન સરખાવાય. પણ એ માને જ નહીં. એમને આમ પણ એક જ વાત વારંવાર કહ્યા કરવાની ટેવ એટલે બહાર બેસીને ફળિયાવાળા સાથે વાત કરતાં કરતાં બોલ્યા જ કરે. પછી તો મેં પણ એમને કહેવાનું છોડી દીધું. હવે મારે પણ શાળામાં વેકેશન પડવાનું હતું. મેં શાળાના સંચાલિકાને વાત કરી. કે આવતા વર્ષે શાળાનો સમય બદલશો કે નહીં ? એમણે કહ્યું કે વેકેશન પડતા પહેલા એક મિટિંગ કરીશું જેમાં શાળાના મુખ્ય સંચાલક પણ હાજર હશે ત્યારે વાત કરીશું. આપણું જીવન હવે બરાબર ચાલતું હતું એટલે મને એક જ વાતની ફિકર હતી કે જો તેઓ શાળાનો સમય ન બદલશે તો મારે ફરીથી કોઈ બીજી નોકરી શોધવી પડશે. એટલે હું પેપરમાં નવા વર્ષ માટેની જાહેરાતો જોતી હતી. વેકેશન પહેલાના છેલ્લા દિવસે શાળામાં મિટિંગ થઈ અને તેઓ શાળાનો સમય સવારનો કરવા માટે માની ગયા. પણ એમણે કહ્યું કે સવારનો સમય કરશું એટલે તમારે પૂરેપૂરો સમય આવવું પડશે. અત્યારે જેમ એક પિરિયડ પછી આવું છું તે નહીં ચાલશે. મેં હા પાડી કે હા હું શાળામાં પૂરેપૂરો સમય આપીશ પણ મને પગાર વધારી આપવો પડશે. તેઓ માની ગયા પગાર વધારે આપવા માટે. આમ, એક મોટી ફિકર જે મારો પગાર બંધ થવાની હતી તે મટી ગઈ. મેં ઘરે આવીને વાત કરી. તમે અને મમ્મીએ કહ્યું સારું છે એ લોકો સમય સવારનો કરવા માની ગયા. પણ પછી મેં તમને કહ્યું હતું કે નોકરી ચાલુ તો રહેવાની છે પણ દિકરાને સવારે શાળાએ મૂકીને હું જાઉં તો ખરી પણ એ મારા કરતાં એક કલાક વહેલો છૂટે તો એને લેવા મૂકવાનું કેવી રીતે ગોઠવાશે તે સમજ નથી પડતી. તમે કહ્યું એ બધું શાળા શરૂ થશે ત્યારે આપણે જોઈ લેશું અત્યારે વેકેશન છે તો શાંતિથી આરામ કર. મને પણ આ સાંભળીને સારું લાગ્યું. આ એવો સમય હતો જ્યારે આપણું પૂરેપૂરું ધ્યાન આપણે કેવી રીતે આગળ આવવું છે તેના પર હતું. બીજી કોઈ પણ પ્રકારની પરેશાની ન હતી. મારા પિયરમાં પણ બધું જ સારું હતું. બેનના ઘરે પણ કોઈ તકલીફ ન હતી. અને મહત્વની વાત એ કે મારો ભૂતકાળ હું બિલકુલ ભૂલી ગઈ હતી. બસ આપણે આપણું અને દિકરાનું ભવિષ્ય કેવી રીતે સારું બનાવીશું એ જ આપણા મગજમાં હતું. હવે, બેન વેકેશનમાં આવે તો આપણને પૈસાની તકલીફ ન હતી કારણ કે આપણે પહેલેથી જ વેકેશન માટેના પૈસા અલગ મૂક્તા હતા. દર મહિનાની આપણી આવકમાંથી હંમેશા આપણે થોડા પૈસા જુદા મૂકી દેતા જેથી ક્યારેક કોઈ વધારાનો ખર્ચ આવે તો આપણે કોઈની પાસે માગવા ન પડે. આ વખતે પણ બેન રહેવા આવ્યા હતા આપણે એમને ફરવા પણ લઈ ગયા હતા અને ઘરે પણ એમને કંઈ ઓછું આવવા દીધું ન હતું. એમના ગયા પછી એક દિવસ તમે મને કહ્યું કે પહેલાં તું જ્યારે નોકરી કરતી હતી ત્યારે તો તારો ને મારો પગાર થઈને અત્યાર કરતાં તો વધારે જ પૈસા આવતા હતા અને ત્યારે તો આપણો દિકરો પણ ન હતો તો પછી મમ્મી પાસે પૈસા કેમ બચતા ન હતા ? કેમ એમણે હંમેશા લાઈટબીલ માટે બાજુવાળા કાકી પાસે પૈસા લેવા પડતા હતા ? પણ તમારા આ પ્રશ્નનો મારી પાસે કોઈ જવાબ ન હતો.