દિકરાની શાળા શરૂ થયાને લગભગ બે મહિના થઈ ગયા હતા. હું પહેલી વખત દિકરાને શાળાએ મૂકીને એ છૂટે ત્યાં સુધી બહાર રહેવાની હતી. મને પોતાને પણ ડર લાગતો હતો કે દિકરો શાળામાંથી નીકળી તો ન જાય ને? કારણ કે હજી તો એ ખૂબ જ નાનો. એને કોઈ પણ પ્રકારની સમજ ન હતી. પણ મેં મને પોતાને આશ્વાસન આપ્યું કે ના, એ કશે નહીં જાય. આમ પણ એના વર્ગશિક્ષકને કહ્યું છે એટલે એને કશે જવા નહીં દેશે. અને આ બધું વિચારતાં વિચારતાં હું મારે જે શાળાએ પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગઈ. લગભગ પંદરેક નબળા વિદ્યાર્થીઓ હતા જેમને મારે ભણાવવાના હતા. કોઈને વાંચતા આવડતું ન હતું તો કોઈને ગણિત આવડતું ન હતું. બધા અલગ અલગ ધોરણના હતા અને દરેકના વિષય પણ અલગ હતા. પહેલો દિવસ તો મને બધાને સમજતા જ ગયો કે કોને શું કરાવવાનું છે. મારા સમય પ્રમાણે હું ત્યાંથી નીકળી દિકરાની શાળાએ પહોંચી ગઈ. દિકરાની શાળા છૂટી ગઈ હતી. હું દિકરાને લઈને ઘરે પહોંચવા માટે બસ સ્ટોપ સુધી પહોંચી પણ અમે જે બસમાં જતા એ બસ નીકળી ગઈ હતી. બીજી બસ આવે તેની રાહ જોવા સિવાય છૂટકો જ ન હતો. અમે જે સમયે ઘરે પહોંચી જઈએ એ સમયે તો હજી અમને બસ મળી. આજે પહેલી વખત આટલું મોડું થયું હતું. રોજ તો જેવી શાળા છૂટે એવી તરત હું દિકરાને લઈને નીકળી જતી પણ એ દિવસે મારી શાળાએથી દિકરાની શાળાએ પહોંચતા વાર તો લાગે. લગભગ પાંચ જ મિનિટનો ફરક પડ્યો હતો. પણ એ પાંચ મિનિટના કારણે અમે લગભગ પોણો કલાક મોડા ઘરે પહોંચવાના હતા. કારણકે જે બસ અમે ચૂકી ગયા પછી ૨૫ મિનિટ સુધી ગામ જવા માટે બીજી કોઈ બસ ન હતી. એ દિવસે બસમાંથી ઉતર્યા પછી પહેલી વખત દિકરાએ કહ્યું કે મમ્મી ખૂબ ભૂખ લાગી છે. મેં એને સમજાવ્યો કે કંઈ ની હવે ઘર આવી જ ગયું છે. પણ એ દિવસે એ બસ સ્ટોપથી ઘર સુધી ચાલ્યો પણ નહીં અને મારે એને ઊંચકીને ઘર સુધી પહોંચવું પડ્યું. હું થાકી ન હતી પણ આખા રસ્તે વિચારતી હતી કે જો રોજ આવી રીતે બસ ચૂકી જવાશે તો દિકરા ના ખાવા માટે બીજો ડબ્બો ભરવો પડશે. પણ એવું કંઈક કરવું પડશે જેથી અમે પહેલી બસ જ ન ચૂકીએ. આમ વિચારતાં ઘર આવી ગયું. મમ્મીએ પૂછયું કે કેમ મોડું થયું ? મેં એમને કહ્યું કે અમે રોજ આવીએ તે બસ ચૂકી ગયા અને બીજી બસ અડધો કલાક પછી આવી. તો એમણે કહ્યું કંઈ ની હવે ખાઈ લેવ જમવાનું તૈયાર છે. એટલે ઘરે પહોંચીને ખાઈ ને પછી દિકરાને સુવાડી દીધો. પણ મારા મગજમાં એક જ વિચાર હતો કે શું કરું જેથી અમે બસ ન ચૂકીએ. તમે નોકરી પરથી ઘરે આવ્યા પછી તમને પણ વાત કરી કે આવું થયું. પણ તમે કંઈ કહ્યું જ નહીં. મને એવું હતું કે તમે કંઈક સૂચન કરશો અમે બસ ન ચૂકીએ એના માટે. પણ તમે કંઈ કહ્યું જ નહીં. એટલે હું સમજી ગઈ કે મારે જ કંઈક વિચારવું પડશે. આમ જ એ દિવસ પૂરો થઈ ગયો. બીજા દિવસે પાછું એવું જ થયું. અમે બસ ચૂકી ગયા. હવે બીજી બસની રાહ જોયા સિવાય છૂટકો ન હતો. પણ એ દિવસે ત્યાં કેળાવાળાની લારી હતી. મેં એની પાસેથી એક કેળું લીધું ને દિકરાને બસ આવે ત્યાં સુધીમાં ખવડાવી દીધું. એટલે એ દિવસે દિકરો ગામ પહોંચ્યા પછી બસમાંથી ઉતરીને થાક્યો નહીં ને રોજની જેમ ચાલવા લાગ્યો. મારે એને ઉંચકવો ન પડ્યો. એટલે મને હાશ થઈ. કે દિકરો ભૂખો ન થયો.