મમ્મીએ તમને જમીનના પૈસા આપી દીધા પણ તમે ના પાડી કે ના તું એ રાખ. એમની ઘણી ના છતાં તમે એમને એ પૈસા આપી દીધા હતા. ધીરે ધીરે બધું સારું ચાલતું હતું. મારા ઘરે પણ બધું સારું જ હતું. ઘર સંભાળતા સંભાળતા એટલું તો હું બચાવી જ લેતી કે દિકરો બિમાર થાય કે સ્કૂટરનો ખર્ચો આવે તો મારે કોઈ પાસે માગવા ન જવું પડે. વચ્ચે વચ્ચે બેન પણ ઘરે રહેવા ગયા. બેન આવે ત્યારે મમ્મી જેમ ભાણિયાઓ માટે નાસ્તો, ફળ વગેરે લઈ આવતી. કોઈ દિવસ બેન કે મમ્મીને ઓછું આવે એવું જરા પણ ન કરતી. જે રીતે સિઝન પ્રમાણે મમ્મી બેનના સાસરે પાપડ, પાપડી, અથાણા, વર્ષભરનું કઠોળ વગેરે મોકલતા હતા એમાં મેં જરા પણ બાંધછોડ કરી ન હતી. ભાણીના અલુણામાં પણ એના માટે મમ્મી જે મોકલતા એ બધું જ મોકલાવતી. હું તમારા પગારમાંથી જેમ બને તેમ ઓછો ખર્ચો કરીને પૈસા બચાવી લેતી જેથી કોઈની પાસે ક્યારેય માગવા ન પડે. આમ કરતા કરતા દિકરાને ત્રીજું વર્ષ બેઠું. આપણે એના માટે સારી શાળા શોધી રહ્યા હતા. આપણે દિકરાને શહેરની શાળામાં જ ભણવા મૂકવો પડે. ને ત્યાં મૂકીએ એટલે દિકરાની ફી, આવવા જવાનો ખર્ચો બધું જ વિચારવું પડે. આપણે બે ત્રણ શાળાના ફોર્મ પણ ભરી દીધા હતા. જેમાંથી એક શાળામાં એને એડમિશન મળી રહ્યું હતું ને આપણે હવે ફી જ ભરવાની બાકી હતી. ને ત્યારે જ તમારા કાકા જે અમેરિકા રહેતા હતા તે આપણા ઘરે આવ્યા. વાત વાતમાં એમણે કહ્યું કે દિકરાને શહેરની શાળામાં મૂકવો જરૂરી નથી. અમે પણ તો અહીં જ ભણ્યા છે. દિકરાને ગામની શાળામાં જ ભણાવો. મને એમની એ વાત જરા પણ પસંદ ન આવી હતી. આપણે એમની પાસે દિકરાને ભણાવવા માટે પૈસા તો માગ્યા ન હતા. આપણે તો ફક્ત વાત કરી હતી કે અમે આ વિચારીએ છીએ. છતાં એમણે એવી વાત કરી કે તમારું મન પણ ડગમગવા લાગ્યું હતું. એમના ગયા પછી તરત જ તમે મને કહ્યું કે આપણે એકવાર આના પર વિચાર કરીએે તો ? પણ આ સમયે મને મારા દિકરાનું ભવિષ્ય દેખાતું હતું અને એટલે જ હું મારા નિર્ણય પર અડગ રહી. લગ્ન કરીને આવી ત્યારથી પહેલી વખત મેં તમારી વાત માનવાની ના પાડી દીધી. મેં તમને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે ના દિકરો અહીંની એટલે કે આપણા ગામની શાળામાં ન ભણે. તમે જ્યારે અહીં ભણ્યા હતા ત્યારે મોટેભાગે બધા જ પ્રાથમિક શિક્ષણ ગામની શાળામાં લેતા હતા. હવે એવું નથી. હવે એવું શિક્ષણ અહીં નથી મળવાનું. બધું જ બદલાઈ ગયું છે. હું દિકરાને અહીં તો ન જ ભણાવું. તમે મને મારા નિર્ણયમાં સાથ આપો કે ન આપો. તમે મારી સાથે દલીલ ચાલુ કરી કે દિકરાને શહેરમાં મૂકીએ એટલે પહેલાં એને મૂકવા જાવ. મૂકીને આવો. ફરી પાછા લેવા જાવ. લઈને આવો. ચાર વખત બસની ટિકિટના પૈસા કાઢવાના અને વળી પાછો શાળાનો ખર્ચો આવશે તે જુદો. મારા પગારમાંથી કેવી રીતે પહોંચી વળીશું ? અને મેં તમને કહ્યું હતું કે ચાર વખત આવવા જવાનું રાખીશું જ નહીં. આમ પણ મમ્મી મને ઘરે કામ તો કરવા જ નથી દેતા. હું દિકરાને લઈને શાળાએ જઈશ અને એ છૂટશે ત્યારે એને લઈને જ પાછી આવીશ. ત્યાં સુધી હું ત્યાં શાળાએ જ બેસીશ. તમે પણ ઈચ્છતા તો હતા જ કે દિકરો શહેરની શાળામાં જ ભણે. પણ જરા અચકાતા હતા. તમે કેવી રીતે બધું થશે એ વિચારતા હતા. મેં તમને કહ્યું હતું કે તમે જરા પણ ટેન્શન ન લો. અત્યાર સુધી આપણે સંભાળ્યું એમ આગળ પણ બધું જ સંભાળી લઈશું. અને તમે શાળામાં દિકરાની ફી ભરવા માટે માની ગયા.