Bhool chhe ke Nahi ? - 68 in Gujarati Women Focused by Mir books and stories PDF | ભૂલ છે કે નહીં ? - ભાગ 68

The Author
Featured Books
Categories
Share

ભૂલ છે કે નહીં ? - ભાગ 68

મેં કંઈ પણ વધારે વિચાર્યું નહીં. થોડા દિવસમાં બેન ફરી રહેવા આવ્યા. આ વખતે પણ બેન આવવાના હતા એના આગલા દિવસે મમ્મીએ તમને પૈસા આપ્યા અને કહ્યું કે ભાણિયાઓ માટે ફળ અને નાસ્તા લઈ આવ. તમે લઈ આવ્યા. મેં કે તમે મમ્મીને ક્યારેય એવું નહોતું કહ્યું કે દિકરાની દવા લાવવા પૈસા ન હોય તો ફળ અને નાસ્તા લેવાના પૈસા ક્યાંથી આવે છે ? અરે, કોઈ દિવસ આપણે કોઈ દિવસ આવી વાત અંદરોઅંદર પણ કરી ન હતી. આ વખતે પણ બેન આવીને ગયા અને એ ગયા ત્યારે દર વખતની જેમ મમ્મીએ એમને બે મોટા થેલાં ભરીને આપ્યા હતા. આપણે કોઈ દિવસ મમ્મીને કે બેનને ક્યારેય પૂછ્યું ન હતું કે એ થેલામાં શું ભરીને આપે છે. થોડા દિવસ પછી મમ્મી મોટા માસીના ઘરે રહેવા ગયા હતા. બે દિવસ રહેવા ગયા હતા અને ઘરે એક દિવસનું ખાવાનું બનાવી ગયા અને બીજા દિવસ માટે શાકભાજી મૂકતા  ગયા અને કહ્યું કે ઘરમા બધુ જ છે કંઈ પણ લાવવાની જરૂર પડવાની નથી. એટલે પૈસા પણ ન આપ્યા. ત્યારે એવી કંઈ જરૂર પણ ન હતી એટલે મેં કે તમે એમની પાસે પૈસા માગ્યા ન હતા. બે દિવસ પછી મમ્મી આવ્યા. મને ખબર હતી કે મમ્મી માસીના ઘરે રહીને આવે પછી કંઈ ને કંઈ બહાનું શોધે ઘરમાં લડવા માટે. પણ તમને કોઈ દિવસ કંઈ પણ કહ્યું ન હતું. કારણ કે તમને તમારી મમ્મી ભગવાન જેવી લાગતી હતી. આ વખતે પણ એવું જ થયું. એમના આવ્યા પછી બે ત્રણ દિવસમાં જ તમારો પગાર થયો હતો. હંમેશની જેમ આવીને તમે પગાર મમ્મીને આપ્યો તો આ વખતે એ પગાર મમ્મીએ તમને પરત કર્યો અને કહ્યું કે આ પૈસા હવે તું તારી પાસે જ રાખ. મારે હવે કંઈ જવાબદારી લેવી નથી. આ પૈસા તું રાખ અને ઘર ચલાવ. તમે એમને ખૂબ મનાવેલા કે આ તું કરે છે તું જ કર પણ એ ન માનેલા. પછી તમે મને કહેલું કે તું જ કંઈ બોલી હશે મમ્મીને ? પણ મેં ના પાડી કે હું કંઈ જ બોલી નથી. પણ અંદરથી મને ખબર હતી કે એ માસીના ઘરે જઈને આવ્યા છે એટલે માસીએ એમને કંઈ કહ્યું હશે. પણ છતાં મેં તમને એ વિશે કંઈ કહ્યું ન હતું. મમ્મીએ તો તમારા પગારના પૈસા લીધા જ નહીં પણ એમ કહયું કે એમણે બાજુવાળા કાકી પાસે અમુક પૈસા લીધા છે તે આપી દેજે ને પછી જે વધે એમાંથી ઘર ચલાવજે. તમે બાજુવાળા કાકીને પૈસા આપી દીધા અને જે વધ્યા હતા તે મને આપ્યા. મને થયું કે આ બધું હું કેવી રીતે સંભાળી શકીશ. મેં પણ મમ્મીને કહ્યું કે આ અમારાથી ન થાય તમે જ સંભાળો પણ એ ન માન્યા. જે પગાર હતો એમાંથી મહિનો ચલાવવાનો હતો. ધીરે ધીરે હું બધું કરવા માંડી પણ કામ તો મમ્મી હજુ પણ કરવા ન દેતા હતા. મહિનો પૂરો થવાની તૈયારી હતી ત્યાં તો લાઈટબિલ આવી ગયું. હવે જો લાઇટ બિલના પૈસા ભરી દઉં તો ઘર ચલાવવાની તકલીફ પડે એમ હતી. છતાં લાઈટબિલ ભરવું જરૂરી હતું. લાઈટ બિલ ભરાઈ જાય એટલા રૂપિયા ન હતા. તમે કહ્યું બાજુવાળા કાકી પાસે લઈ આવ પગાર આવશે એટલે આપી દઈશું. મેં આટલી મારી આખી જીંદગીમાં કોઈ પાસે પૈસા માગ્યા ન હતા. મારા પપ્પા પણ મારા બોલવા પહેલાં મારી દરેક વસ્તુ આપી દેતાં ને તમે એમ કહ્યું કે કાકી પાસે માગી લાવ પછી આપી દઈશું. મને એ દિવસે ખૂબ જ ખરાબ લાગ્યું. પણ બિલ ભરવું જરૂરી હતું. એટલે ન છૂટકે હું કાકી પાસે પૈસા લઈ આવી અને કહ્યું કે પગાર આવશે એટલે આપી દઈશ. એમણે કહ્યું કંઈ વાંધો નહીં જ્યારે અપાય ત્યારે આપજે.