માસીના ગયા પછી મમ્મીએ કહ્યું કે એને તો આપણી બધા જ વાત ખોટી લાગે. એ બોલે તે બહુ ગણકારવાનું નહીં. મેં તો કંઈ પણ કહ્યું જ ન હતું. મને ખબર હતી કે હું કંઈ પણ કહું કે ન કહું એમને કંઈ ફરક પડવાનો ન હતો. થોડા દિવસમાં દિકરાનો જન્મદિવસ આવતો હતો. તમે કહ્યું આપણે દિકરાનો જન્મદિવસ ઉજવીશું. મમ્મીને વાત કરી. મમ્મીએ હા પાડી. આપણે કોને કોને બોલાવવા એનું લિસ્ટ બનાવ્યું. મારા ઘરેથી બધાને જ કહેવાનું એમ નક્કી થયું. એટલે મારા ઘરેથી મમ્મી પપ્પા, ભાઈ, બેન-બનેવી, બંને ફોઈ ફુઆ, કાકા-કાકી અને મારા મામા-મામી. આપણે ત્યાંથી બેનના સાસરે બધાને કહ્યું એમના નણંદના ઘરે પણ બધાને કહ્યું. આપણા ફળિયામાં બધાના ઘરેથી એક માણસને કહેવું એવું નક્કી થયું. પછી તમે કહ્યું કે આપણે તમારા ડોકટર કાકાને પણ કહીએ આપણા દિકરા માટે અડધી રાતે પણ ઉધારીમાં દવા આપે છે. એટલે એમને પણ કહ્યું. તમે રસોઈવાળાને બોલાવવાનું કહ્યું તો મમ્મીએ ના પાડી કે ઘરે બનાવી દઈશું. જેમ દિવસ નજીક આવ્યો તેમ એક દિવસ મમ્મીએ કહ્યું કે ફળિયામાં બધાના ઘરે બધાને જ આવવાનું એમ કહી દેવાનું. તમે હા પાડી. પણ મને વિચાર આવ્યો કે આમ કરવા જતાં કેટલા બધા માણસો થઈ જશે અને બધી રસોઈ ઘરે જ કરશું એમ મમ્મી કહે છે તો એ કેવી રીતે શક્ય બનશે. પણ આ વિચાર હું તમને કહી ન શકી કારણ કે મને ખબર હતી કે તમે એમ જ કહેશો કે મમ્મીએ ના પાડી છે એટલે રસોઈઆ ને ના જ બોલાવાય. દિકરાના જન્મ દિવસે સવારે વહેલા ઉઠીને મમ્મી સાથે બધી રસોઈ બનાવી. ફળિયામાં બધાને કહ્યું હતું એટલે એક બે જણ રસોઈની તૈયારી કરાવવા આવ્યા હતા. બધા મહેમાન આવે તે પહેલા તો બધી જ રસોઈ થઈ ગઈ હતી અને ફળિયાના જુવાનિયા છોકરાઓએ ઘર પણ શણગારી દીધું હતું. જન્મ દિવસ ઉજવવાનું નક્કી થયું ત્યારથી મારાથી મારા ઘરે જવાયું જ ન હતું. સીધું બધાને દિકરાના જન્મ દિવસે જ મળવાનું થયું. બધા આવ્યા. સારી રીતે દિકરાનો જન્મદિવસ ઉજવાય ગયો. બધું કામ પતાવતાં સાંજ પડી. સાંજે મમ્મીએ કહ્યું તારા ઘરેથી દિકરાને શું આપ્યું ? તે બતાવ. બાજુવાળા કાકી પણ આપણા ઘરે જ હતા. એમણે કહ્યું કે અરે એમાં શું જોવાનું ? તો મમ્મીએ કહ્યું કે અરે એ તો એ લોકોએ દિકરાના જન્મ સમયે સોનાનું કંઈ આપ્યું ન હતું તો આ વખતે તો સોનાનું આપ્યું કે નહીં ? આ સાંભળીને તો હું અવાક જ થઈ ગઈ. મને લાગ્યું કે મારા ઘરેથી સોનાનું કંઈ લેવા માટે જ મમ્મીએ જન્મદિવસ ઉજવવાની હા પાડી હશે. અને પછી બધી રસોઈ જાતે ન થાય એટલે ફળિયામાં બધાને જ આવવાનું આમંત્રણ આપી દીધું જેથી કરીને ફળિયાની સ્ત્રીઓ મદદ કરવા આવે અને રસોઈઆના પૈસા બચી જાય. જરા વારમાં તો મારા મગજમાં કેટલાયે વિચાર આવી ગયા. એ તો સારું થયું કે મારા ઘરેથી દિકરાને સોનાની ચેન આપી હતી અને ફોઈ, કાકી બધાએ સોનાની વસ્તુ આપી હતી. મેં એ બધું જ મમ્મીને બતાવ્યું તો મમ્મી એમ બોલ્યા કે ચાલો જન્મ સમયે ન આપ્યું પણ જન્મ દિવસના બહાને તો દિકરાને સોનાનું આપ્યું. મને એમના એ શબ્દોથી ઘણું દુઃખ થયું હતું. મને લાગ્યું કે એમને દિકરાના જન્મદિવસની ખુશી ન હતી ફક્ત મારા ઘરેથી સોનાની વસ્તુ લેવા માટે જ દિકરાનો જન્મ દિવસ ઉજવવાની પરવાનગી આપી. આ બધા વિચારો કેટલાએ દિવસો સુધી મારા મગજમાં ચાલ્યા. પણ તમને કહેવાની મારી હિંમત ન થઈ. હજી મારી નોકરીની શોધ ચાલુ હતી. પણ ક્યાંય કોઈ મેળ પડતો ન હતો. એવામાં ફરી દિકરો બિમાર થયો.